(મારી વહાલી દીકરી ખુશ્બુનું પેઇંટીંગ)
પ્રિય મિત્રો,
એકવાર, એક સામાજિક કલ્યાણના કાર્યક્રમ અંગે, એક શાળામાં, મારે જવાનું થયું હતું. જોકે ત્યાં, પ્રિ-પ્રાયમરી વિભાગમાં નોકરી કરતાં, એક શિક્ષિકાબહેનની લાયકાત જાણીને મને અત્યંત નવાઈ લાગી..!!
આ બહેન M.A; Bed. M.Phil; PhD. થયેલાં હતાં, ઉપરાંત સ્ટેટ લેવલે, સ્પોર્ટ્સમાં પણ, ઘણા ઈનામો મેળવ્યાં હતાં.મને આશ્ચર્ય થતાં, તેમને પૂછ્યું, "બહેન, તમે તો, કૉલેજના પ્રોફેસર થવાને લાયક છો, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અને તેમાંય પાછું, બાલમંદિરમાં શું કરો છો?"
બાલમંદિરમાં કાર્યરત, આ શિક્ષિકાબહેનને, સલામ કરવાનું મન થાય તેવો સરસ ઉત્તર, તેઓએ આપ્યો, " સર, વાલીમિત્રોનાં વહાલસોયાં પ્રફુલ્લ પુષ્પ સમાન સંતાનને, રડતાં છાનાં રાખીને, શિક્ષણમાં રુચી કેળવતાં, કેવી રીતે કરી શકાય, તેનો જાત અનુભવ મેળવવા હું આવી છું..!!"
વાહ..!! કેટલો સરસ ખ્યાલ..!! ખરેખર,દરેક માતાપિતાને મન, પોતાનું સંતાન વહાલસોયાં પ્રફુલ્લ પુષ્પ સમાન હોય છે. આદરણીય કવિવર શ્રીન્હાનાલાલની એક કાવ્યોક્તિ પ્રમાણે, "માતાપિતાની લગ્નવેલ પાંગરે, ત્હેનાં પ્રફુલ્લ પુષ્પ તે સંતાન."
જ્યારે જગત પોતે બ્રહ્મસ્વરૂપ છે ત્યારે, સત્ત-ચિત્ત-આનંદસ્વરૂપ બ્રહ્મ દ્વારા, પોતાનો સામાન્ય ધર્મ છોડ્યા વગર, ઉત્તરોત્તર વખત જતાં, નીપજનાર પરિણામ, તેનું જ નામ સંતાન. (દા.ત.ગાયના દૂધમાંથી નીપજતા દહીં, છાસ, માખણ,ઘી.)
પિંગળલઘુકોષમાં પણ આજ બાબત કહી છે, "સૂનુ અપત્ય આત્મજ સુત તનુજ તનય ને તાત, નંદ નંદ ગોવિંદથી ન કર ગર્વની વાત." (અપત્ય=સંતાન; આત્મજ=વંશજ; સુત,તનુજ,તનય= દીકરો)
બ્રહ્મ નિર્ધર્મક છે,તે છતાં યે સધર્મક છે, નિરાકાર છે,તે છતાં યે સાકાર છે, નિર્વિશેષ છે, તે છતાં યે સવિશેષ છે, નિર્ગુણ છે, તે છતાં યે સગુણ છે. અચળ છતાં ચલ છે. કર્તૃત્વયુક્ત તથાપિ અકર્તા છે. ક્રૂર કર્મના કરનાર હોવા છતાંય દયા કે કૃપાહીન નથી. અવિભક્ત હોવા છતાંય વિભક્ત છે. અગમ્ય છે તે છતાં યે, ગમ્ય છે. સૃષ્ટિના રચનાર છે છતાંય, તે પક્ષપાતી કે વિષમ નથી. બ્રહ્મ અનેક રૂપયુક્ત છે છતાંય અંદરથી તેમ જ બહારથી સદા સર્વદા એકરસ છે, શુદ્ધ તથા મહાનથી પણ મહાન છે.
ઈશોપનિષદ કહે છે, " જે વળી સર્વ ભૂતોને આત્મમાં નિશ્ચયે જુએ, આત્મને સર્વ ભૂતોમાં તેની ઘૃણા ન કોઈને." અર્થાત્, જે મહાનુભાવ સર્વ ભૂતો અર્થાત્ પ્રાણીમાત્રને પોતાનાજ બ્રહ્મસ્વરૂપે જુએ છે તેવા આત્મદર્શીની કોઈ ઘૃણા અર્થાત્ તિરસ્કાર કરતું નથી." અહીં આત્મા એટલે પોતાનું વાસ્તવ સ્વરૂપ એમ પણ અર્થ ઘટે. તાત્પર્ય કે આત્મપ્રેમના વર્તુળને વિશ્વવ્યાપી જે બનાવી શકે તે જગત કહેવાય.
આપણા પ્રફુલ્લ પુષ્પ સમાન સંતાનને માનવમાત્રની ધૄણાથી બચાવવા તેને સુયોગ્ય સંસ્કાર સિંચન દ્વારા, મહામાનવ બનાવવાનું કાર્ય, આજકાલના માતાપિતાને, કપરું અવશ્ય લાગતું હશે, પરંતુ અશક્ય હરગિજ નથી.
આમ તો, માતાપિતાની લગ્નવેલ પર ફૂટેલી, એક કુંપળની કુમાશ એટલે સંતાન-બ્રહ્મ. ધારોકે આ સંતાન-બ્રહ્મ,પોતાના જન્મથી અંતિમ પ્રયાણ સુધીની સફર, અત્યંત ગણ્યાગાંઠ્યા શબ્દોમાં, આત્મકથારૂપે કહેવા ઇચ્છે તો? કદાચ,તેનું અછાંદસરૂપ આમ હોઈ શકે?
સંતાન-બ્રહ્માત્મકથા.
* યુગ અનંતથી, અમરપદ પામેલો, સહુના સુખ દુઃખનો સાથી, હું છું બ્રહ્મ.
* પિતા-બ્રહ્માંડ અને માતા તે-માભોમ, તેમનું જ સંતાન, હું છું બ્રહ્મ..!!
* માતૃઉદરે જન્મતાં જ, લવ્યો, "ઊવાઁ-ઊવાઁ", તે હું છું બ્રહ્મ..!!
* માઁ ના સ્તનબિંદુને ધવ્યો," બૂચ્ચ-બૂચ્ચ", તે જ તો છું હું બ્રહ્મ..!!
* પા પા પગલી થૈ ચાલ્યો, " ટપ-ટપ ", તે જ તો છું હું બ્રહ્મ..!!
* માઁ ને ભેટી અનરાધાર ખખડ્યો, "ખિલ-ખિલ", તે હું છું બ્રહ્મ..!!
* પ્રથમ દિને,પાઠશાળાએ,કઠે પાઠને, કકળ્યો, " ના-ના", તે જ તો છું હું
બ્રહ્મ..!!
* શબ્દ ઝરણને કાંઠે - કાંઠે, ગુલ થૈ ફૂટ્યો, "ઝટપટ," હા, હું છું તે બ્રહ્મ..!!
* ગોઠિયા સંગ થઈ`તી જે, " અલક-મલક", તે હું છું બ્રહ્મ..!! * ઉર મંચે,થીરકે પ્રેમે,"રૂમ ઝૂમ-ઝૂમઝૂમ ", તે જ હું છું બ્રહ્મ..!!
* ક્યારેક તો પ્રબળ આવેગે, પ્રેમનો મંત્ર થૈ, ફૂંકાયો, હા, હું છું તે બ્રહ્મ..!!
* નવેલા-ઘેલાની, લજ્જાવેલ, "લજામણી", તે જ તો છું હું બ્રહ્મ..!!
* લીલાછમ હોઠની મધુર લાલીનું સ્મિત, "શર્મસાર", હું તે બ્રહ્મ..!!
* નિષ્ક્રિય નિલય, થંભાવી સમય, મઢાય," ગાલ શિખરે," હું તે બ્રહ્મ..!!
* સપ્તપદીની સાંઠે -ગાંઠે ડૂબે તુજમાં, "બૂડ- બૂડ", તે જ તો છું હું બ્રહ્મ..!!
* દર્પણ થૈ રહે સન્મુખ, નિરાવરણ થૈ ગ્રહે ઓળખ, તે જ, તે જ હું છું બ્રહ્મ..!!
* સંસારી જોર, જુલ્મ, જંગનો લલકાર," ગરજ-ગરજ," તે જ હું છું બ્રહ્મ..!!
* પ્રેમ-કુસંપે મૂકી નેવે,લોક લજ્જાને, "કળે - કકળે", તે છું હું બ્રહ્મ..!!
* અંદર-બાહર, મારગ ધૂંધળા, ખંડેર ફળે, તે જ, તે જ હું છું બ્રહ્મ..!!
* દુર્દશાને પોષનાર દગાનો કુત્સિત,"ગણગણાટ",તે જ તો હું છું બ્રહ્મ..!!
* ઓઢી કફન,કોકના રતનને,કટાણે મળતી," નિરાંતની ક્ષણ ", તે જ હું બ્રહ્મ..!!
* ઓગળે સ્વત્વ, ગળે અસ્તિત્વ," રાખ મળે જઈ રાખને ભળે", તે જ તો, હું છું બ્રહ્મ..!!
* છતાંય, બસ જાણજે એટલું..!!
* કૃતિનો કલરવ, નિરવનો પણ એક રવ, ગર્ભાવકાશનો પ્રસવ થૈ આવીશ, ફરી- ફરીને, ઈચ્છાએ, અનિચ્છાએ, પ્રણયની પ્રત્યંચાએ, પ્રેમપ્રતિકનું તીર થૈ, સંતાન-બ્રહ્મસ્વરૂપ ધરી આવીશ ફરીને, કારણ?
* કારણ બસ કાંઈ નહીં, છું હું બ્રહ્મ, હું છું બ્રહ્મ, તેથી જ તો, હું છું બ્રહ્મ, બ્રહ્મ, બ્રહ્મ...!!
આત્મજ્ઞાની નરસૈયાના કહેવા મુજબ,આ જગતમાં જે કાંઈ દેખાય છે તે સર્વ," વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે,કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.!!" હોય તેમ ભાસે છે.
આ તબક્કે મને `આનંદ` ફિલ્મનો સંવાદ યાદ આવે છે,"હમસબ તો ઈસ રંગમંચ કી કઠપૂતલીયાઁ હૈ, જહાંપનાહ, જીનકી ડોર ઉપરવાલે કે હાથો મેં હૈં." જોકે, હું ઘણીવાર ચિંતન કરું છું,તો મને એમ લાગે છેકે,આપણે બધા પોતાની જાતને કોઈ ફિલ્મના હીરો સમજીને, અભિમાન ગ્રસિત થઈ, પરમપિતા પરમાત્માએ રચેલા રંગમંચના નિયમોનો દરરોજ સરેઆમ ભંગ કરીએ છીએ?
જી હા, આપણે ભૂલી જઈએ છેકે,જગતના અસલી હીરો એવા ભગવાને, કર્મના હિસાબો પ્રમાણે, આપણા જીવનનો રોલ,સંવાદ બધું નક્કી કરીને,જગતના સ્ટેજ ઉપર આપણને મોકલ્યા છે. કામ,ક્રોધ,લોભ,મોહમાયાવશ થઈને, આપણે જ્યારે સ્ક્રિપ્ટ બહારના સંવાદ જાતે બનાવીને બોલીએ છીએ, ત્યારે, તનની ભીતરથી આત્માના અવાજ રુપે, સાચા સંવાદનું પ્રોમ્પ્ટીંગ કરી, ભગવાન આપણને માર્ગદર્શન આપે જ છે, પરંતુ આપણે આત્માના અવાજનેય, "એ...ઈ...!! બસ તું હવે મૂંગો મરીશ ? તારી સ્ક્રિપ્ટને નાંખ ચૂલામાં, હું તો મારા બનાવેલા સંવાદ જ બોલીશ..!!" કહીને,આત્માના અવાજને, અભિમાનપૂર્વક અવગણી,પછી જગતમાં વિલનના હાથે પરાસ્ત થઈએ છે..!!
મહર્ષિ પતંજલિના ઉપદેશાનુસાર, " માનવ જીવનમાં જો કોઈ એક શબ્દને (નિષ્કામ કર્મ ?) પણ યોગ્ય રીતે જાણી લે, એનું યોગ્ય રીતે આચરણ કરી લે, તો એ એક શબ્દ સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર, જીવનને આનંદ-સુખ-સંતોષ-શાંતિથી ભરી દેનાર થઈ શકે છે."
જોકે, આપણે સહુ જાણીએ છીએ કે, સંસારમાં નિત્ય આમ બનતું નથી. આનું કારણ પણ સચોટ છે. આપણા જન્મથી મૃત્યુ પર્યંત, જીવનમાં, વધતા કે ઓછા પ્રમાણમાં દરેક માનવીમાં, સ્વભાવગત, નીચે દર્શાવેલા નવરસોનું આધિપત્ય હોય છે, જેનો તે લગભગ ગુલામ હોય છે.
૧. શૃંગાર રસ ( જે રસદ્વારા સ્ત્રીપુરૂષનો પ્રેમ વ્યક્ત થાય, દા.ત. કાલિદાસનું મેઘદૂત-શાકુંતલ)
૨. હાસ્ય રસ (હાસ્ય ઉપજાવે એવી લાગણી કે વિનોદ. દાત. જીવનમાં ઘટેલી વિનોદ પમાડે તેવી ઘટના))
૩. કરુણ રસ (હ્રદય દયાથી પીગળી જાય એવી થતી લાગણી, દા.ત. રડતા સંતાનને નિહાળી માતાને થતી લાગણી)
૪. વીર રસ ( વાંચનાર કે સાંભળનારનું પૌરુષ જાગૃત કરે કે જુસ્સો પ્રેરે તેવી લાગણી, દા.ત. આઝાદીના સમયનો દેશપ્રેમ)
૫. અદ્ભુત રસ ( હ્રદયમાં અલૌકિક,ચમત્કાર, આશ્ચર્ય કે અપાર વિસ્મયતા પમાડતી, રોમાંચની લાગણી, દા.ત. જાદુગરના ખેલ)
૬. રૌદ્ર રસ ( હ્રદયમાં ક્રોધ સાથે ઊઠતા તોફાનની લાગણી, દા.ત.શિવજીનું રૌદ્રસ્વરૂપ )
૭. ભયાનક રસ ( હ્રદયમાં અણચિતવ્યા દ્ગશ્યને જોતાં અથવા તેનું મનન કરતાં, ક્ષોભ-કમકમાં ઉપજાવતી ભયની લાગણી, દા.ત. હૉરર ફિલ્મ)
૮. બીભત્સ રસ ( હ્રદયમાં જુગુપ્સા,અણગમો કે અશ્લીલભાવ ઉપજાવનાર લાગણી, દા.ત. સેક્સ, લોહી, માંસ, પરુ વગેરેથી થતી ત્રાસની લાગણી)
૯. શાંત રસ. ( કામક્રોધાદિના શમનપૂર્વક વૈરાગ્યની પરિપુષ્ટતાને શાંત રસ કહે છે. દા.ત. ભગવાન મહાવીર, બુદ્ધ જેવી સન્યસ્તસિદ્ધિ)
શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સ રસ પ્રાકૃતિક રસ છે, જ્યારે હાસ્ય, કરુણ, અદ્ભુત અને ભયાનક રસ, ઉત્પાદક રસ મનાય છે. આ નવેનવ રસને, જેણે વશ કર્યા હોય તેનેજ બત્રીસલક્ષણા કહી શકાય, જોકે, મોટાભાગે સર્વ રસ કોઈ એક માનવના વશમાં હોય તેમ, હંમેશા જોવા મળતું નથી.
તે ઉપરાંત, આપતો જાણોજ છોકે, આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ્યા પ્રમાણે, માનવીના જન્મથી લઈને મૃત્યુપર્યંત, પૂર્ણ જીવનગાળા દરમિયાન ચાર તબક્કા છે. અગાઉના, પુરાણકાળમાં શુદ્ધ આહાર, શુદ્ધ વાતાવરણ,સરળ અને સાત્વિક જીવનશૈલીને કારણે માનવીનું આયુષ્ય સો વર્ષનું ગણાતું હતું તેથી, સો વર્ષના, પચ્ચીસ વર્ષના ગાળાના ચાર વિભાગને, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમ તરીકે ઓળખવામાં આવતા હતા. જોકે, આજના યુગમાં, જ્યાં સરેરાશ આયુષ્ય સો વર્ષથી ઘટીને, માત્ર એંસી વર્ષની આસપાસ થઈ ગયું છે, તેવા સંજોગોમાં, જન્મથી વીસ વર્ષ - બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન અત્રે દર્શાવેલ નવેનવ રસનો, બ્રહ્મચર્ય વર્ણાશ્રમમાં કેવો પ્રભાવ હોય છે તે સમજીએ તો, સફળ જીવનકળાનું રહસ્ય આપોઆપ ઉજાગર થઈ જશે.
ચાલો, આ જ્ઞાનનો લહાવો આપ સર્વ વચ્ચે વહેંચ્યાનો પરમાનંદ માણીશું? આજના યુગમાં, જન્મથી એકવીસ વર્ષને જો સાત-સાત વર્ષના ત્રણ તબક્કાઓમાં વિભાજિત કરી તેનું તટસ્થ વિશ્લેષણ કરીશુંતો જણાશેકે, બ્રહ્મચર્યાશ્રમમાં, મોટાભાગે, કરુણ રસ, હાસ્ય રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ તથા રૌદ્ર રસનો અધિક પ્રભાવ જોવા મળે છે.
૧. સંતાનની આયુ- જન્મથી સાત વર્ષ.
* નાના બાળકનું જન્મ સાથે રડીને, પોતાના આગમનની છડી પોકારવાનું કૃત્ય,તે કરુણ રસ કહેવાય..!! * પોતાની શારીરિક,માનસિક,આર્થિક પરવશતાને કારણે, મીઠું મલકીને, પોતાના પરત્વે, અન્યને પરાણે વહાલ નીપજાવી, ધાર્યું કરાવી લેવું તે હાસ્ય રસ કહેવાય..!! જોકે, અત્યારના કમ્યુનિકેશનના સાધનોની ક્રાંતિના વિસ્ફોટના જમાનામાં, સાવ નાના પાંચ વર્ષના બાળકનો - I.Q. (બુદ્ધિમત્વનો આંક) વયસ્ક જેટલો હોય છે..!! આપને યાદ છે? આપ નાના હતા ત્યારથીજ સાઈકલ, રમકડાંની બાઈક કે કાર ચલાવતા શીખવા,આપે કેટલા પાપડ વણવા પડ્યા હતા? સાચી ખોટી જાહેરાતના પ્રભાવમાં આવીને, જેતે વસ્તુ ખરીદવા, જોરદાર ભેંકડો તાણીને આપ કેવાં - કેવાં ત્રાગાં કરતા હતા?
" માઁ, હું તો, તારા ભરોસે, જન્મું છું, ભૂલ કરજે માફ,
કસૂર કો` હું કરું, તો સમર્પી સંસ્કાર, દિલ કરજે સાફ."
મિત્રો, આપના હ્રદય પર હાથ મૂકીને, સાચું બોલજો, આપનામાંથી કેટલા મહાનુભવોએ, કદ કાઠીમાં સાવ નાનાં પરંતુ, જોરદાર ભેંકડો તાણતાં, બાળકોને, છાનાં રાખવાનો મહા-અનુભવ લીધો છે? કદાચ, ઘણી ઓછી વ્યક્તિઓએ..!!
અહીં પણ, સવાર-સવારમાં, નાનકા નામે `મનન`થી દૂધ ઢોળાયું અને તેની મમ્મીએ તેની પીઠમાં એક ધબ્બો માર્યો.નાનકો તરત હીબકે ચઢ્યો. જોકે, કકળાટ કરતા નાનકાને દાદાજી સમજાવી,પટાવી શાંત કરવા મથ્યા,પણ મનન છતાંય શાંત ન થયો ત્યારે, છેવટે દાદાજીએ તેને સમજાવવા, `એક માંખી અને તેના નાના બચ્ચા`ની વાર્તા કહી સંભળાવી.
એકવાર,માંખીનું એક નાના બચ્ચાને તેની બા એ કહ્યું," હું કામે જઈને હમણાંજ પરત આવું છું,ત્યાં સુધી, તું આ ઘરના રસોડામાં જઈશ મા."
બચ્ચાએ પછ્યું,"કેમ,બા?"
ચૂલા ઉપર પાણી ઊકળતું હતું તે દેખાડીને માંખી બોલી,"પેલું ઊકળતા પાણીનું વાસણ જોયું? એની પાસે તું જાય તો, એમાં તું પડી જાય બેટા; એમાં જે પડે તે બધા મરી જાય છે.તું ત્યાં જઈશ મા."
બચ્ચાના મનમાં પોતાની શિખામણ ઊતરી ગઈ હશે,તેમ સમજીને મા ઊડી ગઈ.પછી બચ્ચું માતાની શિખામણ પર હસવા લાગ્યું અને પોતાના મનમાં બોલ્યું, " મારી બાને મારી બહુ ફિકર છે. જેમ-જેમ એનાં વર્ષ વધે છે તેમ-તેમ એની અક્કલ ઘટે છે..!! ઊકળતા પાણીના વાસણ પાસે જરા ઊડું કે રમું એમાં શું બગડી જશે? મારે પાંખ નથી? મને ઊડતાં નથી આવડતું? ઘરડાં માણસોને ડાહી ડાહી વાતો કરવાની બહુ ટેવ હોય છે. હું તો ત્યાં જઈશ, જોઉં છું શું થાય છે તે?" એમ કહીને બચ્ચું ઊકળતા પાણીના વાસણ ભણી ઊડ્યું.
જોકે, ઊકળતા પાણીના વાસણ પાસે પહોંચતાં જ ઊની વરાળ લાગી કે તરત, પેલા બચ્ચાની પાંખો બળી જવાથી,તે તમ્મર ખાઈને પેલા વાસણની બાજુમાં જઈ પડ્યું.
હવે, રડતાં રડતાં જિદ્દી બચ્ચું બોલ્યું,"અરે, મેં આતે શી મૂર્ખાઈ કરી, બાની શિખામણ માની નહીં..!! બાની શિખામણ માની હોત તો, આમ મારી પાંખો બળી જાત નહીં. જે છોકરાં માબાપનું કહ્યું નથી કરતાં, તે બધાં આમ દુઃખ પામે છે."
દાદાજીએ વાર્તાનું સમાપન કરતાં કહ્યું,"મનન,જે સંતાન, મા,બાપ,શિક્ષક કે ભગવાનની વાત સાંભળતા નથી,એમની સાથે આવું જ થાય છે. તારી મમ્મીએ, તને સવારે તોફાન કરતાં કરતાં દૂધ પીવાને બદલે એક જગ્યાએ બેસીને દૂધ પીવાનું કહ્યું હતુંને? તેં ન માન્યું અને દૂધ ઢોળાઈ ગયું..!!"
નાનકો," પણ મમ્મીએ મને ધબ્બો માર્યો."
દાદાજી-,"જો બેટા,આપણે હમણાં મંદિરેથી પરત ઘેર આવતા હતા ત્યારે રસ્તામાં મારી આંગળી છોડાવી,તું હીરા જેવી કોઈ ચળકતી વસ્તુ લેવા દોડ્યો અને ઠોકર ખાઈને પડી ગયો? ખરુંને?"
મનન," દાદા, હીરો નહીં, એ તો કાચનો ટુકડો હતો."
દાદાજી,"બરાબર પણ, મેં તને ના પાડી છતાંય રસ્તામાં પણ તું મારો હાથ છોડાવી દોડ્યો,ત્યારે પડી ગયો ને? તેવી જ રીતે, ભગવાનનો હાથ જે કોઈ છોડી દે, તે પડી જાય, એમાં ભગવાન શું કરે, સમજ્યો?"
નાનકો," હેં,દાદાજી તમે કહેતા હતા કે,ભગવાન કોઈનું ખરાબ થવા દેતો નથી તો,આ માંખીના બચ્ચાનું કેમ ખરાબ થયું?"
દાદાજી, " સુખમાં કે દુઃખમાં જ્યારે આપણે ભગવાનનો હાથ છોડીને, સંસારની મોહમાયાના ચળકતા સામાન્ય કાચના ટુકડાને, કિંમતી હીરો માનીને, લેવા દોડીએ અને ઠોકર ખાઈ પડી જઈએ,ત્યારે પણ દયાળુ ઈશ્વર આવીને હંમેશાં આપણને ઉભા કરી,પડેલા ઘા ઉપર એમની અસીમ કૃપાનો હાથ ફેરવી, ઘા મટાડી દે છે. કાંઈ સમજ્યો, નાનકા?"
મિત્રો, નાનકડા મનન એકલાએ શા માટે? આપણે સહુએ પણ આ વાત પર મનન કરવું જોઇએ,એવું આપને નથી લાગતું?
૨. સંતાનની આયુ- સાત વર્ષથી ચૌદ વર્ષ.
આપણા જન્મના છઠ્ઠા વર્ષથી શિક્ષણ અને કારકિર્દીનાં સોપાન સર કરવાનો સંઘર્ષ-કાળ આરંભ થઈ જાય છે. આ આયુમાં જગતને સમજવાની મથામણમાં અદ્ભુત રસ જાગ્રત થાય છે. * જગતની તમામ જડચેતન વસ્તુઓને અચંબા અને આશ્ચર્યના અદ્ભુત રસ દ્વારા સમજવા માટે નજર અને હોઠ પર, પ્રત્યેક ક્ષણ ઊઠતા સવાલના જવાબ મેળવવાનો યત્ન..!! * અજાણ્યા ચહેરા, મોટા અવાજ કે અચાનક શાળાપ્રવેશ જેવી, અપરિચિત જગ્યાને કારણે જન્મતા ડર-અજંપાના ભયાનક રસમાંથી ઊગરવાનો યત્ન..!! જોકે, સંતાનને સાચા-ખોટાની ધીરજપૂર્વક સમજણ આપીને,તેને આત્મવિશ્વાસથી ભર્યું-ભર્યું બનાવી તેનું યોગ્ય ઘડતર કરવાનો આ સહુથી મહત્વનો આયુ તબક્કો છે. તમામ માતાપિતાઓએ, વડીલોએ પોતાના બાળકને , સારા સંસ્કાર આપવા માટે, તેને બાળપણના આ સમયગાળા દરમિયાન સાચા-ખોટા કાર્યોની સમજ ખાસ આપવી જોઈએ.
સામાજિક મનોવિજ્ઞાન મુજબ આ ઉંમરે બાળકોમાં પ્રગટ થતી શરમ, આત્મવિશ્વાસના અભાવથી નીપજતી આશંકાને કારણે, શરીરમાં અનુભવાતી સ્વાભાવિક લાગણી છે. જીવવિજ્ઞાનમાં સંશોધન બાદ સાબિત થયું છેકે, શરમ ની અનુભૂતિ કેવળ માનવ સંતાનોમાં નહીં ગોરીલા-સંતાનોમાં પણ જોવા મળે છે. માનવ સંતાન ખાસ કરીને જ્યારે અપરિચિત વાતાવરણમાં, અજાણ્યા લોકો વચ્ચે ઉપસ્થિત હોય છે ત્યારે, તેના અંતર્મુખપણાને કારણે તે અન્ય સાથે નિકટતા નથી સાધી શકતું, તે સમયે મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે તેને શરમ કહે છે. આ ઉંમરનાં સંતાનોમાં, ઘણીવાર કોઈક અંગત વાત ઉપર જાણીતા કૌટુંબિક વાતાવરણમાં પણ, તેની ક્રૂર મજાક કરવામાં આવે ત્યારેપણ તેઓ અત્યંત શરમ-ક્ષોભની લાગણી અનુભવે છે.
તદ્દન નાનું બાળક અજાણ્યાંને પ્રથમવાર જોતાં જ શરમાય છે, તેજ બાળક થોડા વર્ષો પશ્ચાત્ જમાનાના બદલાવ સાથે એટલાં બોલકાં તથા ચપળ બની જાય છેકે, નાનાં બાળકની મોટી હરકત, ભલભલાં મોટાને શરમમાં મૂકી દે છે. શરમના કેટલાય ઉદાહરણ આપી શકાય. બાથરૂમ જવું હોય પણ કોઈને પૂછવાની શરમ, કોઈને ખરાબ લાગશે તે ડરથી સાવ સામાન્ય સવાલ પૂછવાની શરમ, પોતે મૂરખ દેખાશે તે ભયથી વર્ગખંડમાં શિક્ષકશ્રીને પ્રશ્ન પૂછવાની શરમ, જમતી વેળાએ કોઈને ખાઉધરાપણું લાગે,તે ભયથી ભાવતી વાનગી માંગવાની શરમ વગેરે..!!
ઘણીવાર આવી શરમનું કારણ માતાપિતા માટે ક્ષોભજનક, શરમજનક પણ હોઈ શકે છે, આ ઉંમરે નાનાં બાળકોની સાથે થતો સેક્સનો અણગમતો દુર્વ્યવહાર, કુટુંબ તરફથી પ્રેમનો અભાવ, આર્થિક અક્ષમતા, શારીરિક નિર્બળતાને કારણે કૌટુંબિક ઉપેક્ષા, જેવા ઘણાં કારણોને લીધે સંતાન, ઘરમાં સહુની વચ્ચે રહેતું હોવા છતાં, એકલતાના ફૉબીયાથી પીડાય છે અને પોતાની સ્થિતિને શરમજનક અનુભવે છે. ઘણીવાર સંતાનનો ભુલકણો સ્વભાવ પણ તેને શરમનો અનુભવ કરાવે છે.જોકે સમય સરતાં શરમ ધીરે ધીરે ઓછી થતી જાય છે.
સન - ૧૯૬૬ ની એક શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ `અનુપમા`,જેના નિર્માતા-એલ.બી.લક્ષ્મણ, દિગ્દર્શક - ઋષિકેશ`દા,સંવાદ - રાજેન્દ્રસીંગ બેદી, સ્ટારકાસ્ટ - ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, દેવન વર્મા, શશિકલા, ડેવીડ, તરુણ બૉઝ, દુર્ગાખોટે, જેવા સમર્થ કલાકારો ને લઈને, શરમની ઉત્પત્તિનું કારણ, જીવન પર અસર અને સારવારને સર્વોત્તમ રીતે વર્ણવતી આ ફિલ્મ આપણા લેખમાં ઉભા થયેલા તમામ સવાલના જવાબ મેળવવા સક્ષમ ઉદાહરણ છે. "દીકરી (શર્મિલા ટાગોર) ના જન્મને પોતાની પ્રિય પત્નીના મોતનું કારણ માનીને સદાય હડધૂત કરતા પિતા (તરુણબૉઝ) ને કારણે સંબંધો બાંધવામાં આત્મવિશ્વાસનો અભાવ, શરમ અનુભવતી દીકરીને (ધર્મેન્દ્ર) કેવીરીતે શરમના ફૉબીયામાં થી મુક્ત કરે છે ..!! તે કથાવસ્તુને શ્રીઋષિકેશજીના અનુભવી, સંવેદનશીલ,માર્મિક દિગ્દર્શનનો સ્પર્શ મળે પછી પૂછવુંજ શું ?
જોકે, હજુ વધારે ઉદાહરણ આપવાની જરૂર છે ખરી ?
હવે યક્ષ પશ્ન એ થશે કે, આવા સંજોગોમાં માતાપિતા તથા અન્ય વડીલોએ, આવાં બાળકોને, યોગ્ય માર્ગદર્શન આપવા શું કરવું જોઈએ?
" નવી પરણેલી મુગ્ધાને જેમ ચતુર નાયક વશ કરે છે અને મુગ્ધાનો રસ વધારે તે જ પ્રકારે બાળકની બુદ્ધિને પણ કેળવવાની છે." –સરસ્વતીચંદ્ર.
દુનિયાભરમાં વીસ-એકવીસ વર્ષનાં સંતાનોને સફળ મહા માનવ બનાવવા કાજે `Cognitive ( ચિંતનકારી) – Behavioral Therapy.(CBT)` અજમાવવા મનોવૈજ્ઞાનિક ભલામણ કરે છે.
આ પદ્ધતિ અનુસાર, " બાળક જેવું વિચારે છે તેવું અનુભવતું થઈ જાય છે તથા જેવું અનુભવે છે તેવુંજ વર્તન કરવા લાગે છે. આ વાસ્તવિક સિદ્ધાંતને ધ્યાને લઈને,સંતાનને આયુના અલગ-અલગ પડાવ પર,અલગ-અલગ પ્રકારની જીવનકળાથી અવગત કરાવી,તેને સફળ જીવન જીવવા પ્રેરી શકાય છે."
સંતાનને, તેના જન્મથી લઈને એકવીસ વર્ષના, માનસિક,શારીરિક,સામાજિક સદગુણી વાણી-વર્તન કેળવણી કાજે, માતાપિતા,વડીલોએ ધીરજ ઘરી, શિસ્તબદ્ધ પ્રકારે `CBT` ને અમલમાં મૂકીને કેવી રીતે તેને પ્રગતિના પંથે દોરી જવાં,આ રહ્યા તેના ઉપાય.
* ઘરમાં તથા શાળામાં સંતાનને, કેટલીક સારી રચનાત્મક-શિક્ષણાત્મક પ્રવૃત્તિઓ જાતે કરવા પ્રેરિત કરીને, તેમનામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કરવી.
* આવી પ્રવૃત્તિઓ દરમિયાન જેતે પ્રવૃત્તિમાં થયેલ ભૂલનું મૂલ્યાંકન જાતેજ કરવા પ્રેરિત કરી, સંતાનને એકની એક ભૂલ ફરી-ફરીને નહીં કરવા શિક્ષિત કરવાં.
* કાલ્પનિક ભય અને માનસિક તાણની સ્થિતિમાં, મનને કેવીરીતે સંયમિત કરવું,તે શીખવવું.
* પ્રગતિને રૂંધતા નકારાત્મક વિચારને કોરાણે મૂકીને, હકારાત્મક અને ઉત્પાદક વિચારોની ટેવ પાડવી.
* સામાજિક મિલન મેળાવડા વેળાએ, અતડાપણા તથા શરમને કારણે,સામાજિક સંપર્કને અવગણવાને બદલે, ક્રમશઃ અન્ય સર્વે સાથે ધીરે-ધીરે સમરસતાપૂર્ણ ઢંગથી એકરૂપ થઈને, સર્વ સ્વીકાર્ય બનવું.
* યોગ્ય સમયે સંતાનના સારા કાર્યને બિરદાવી, તેને પ્રોત્સાહિત કરવા જીવન ઉપયોગી ભેટ આપી, તેમને નવાજવા.
* સંતાનમાં મોટાભાગે જોવા મળતી સ્વલીનતા એ માનસિક વિકૃતિ હરગિજ નથી તેથી, આવાં સંતાનો સાથે વારંવાર હકારાત્મક સંવાદ સ્થાપિત કરી, તેમને એકલવાયાપણામાંથી બહાર કાઢી, સક્રિયતા બક્ષવી.
* જાતની તનમનની તંદુરસ્તીનું મહત્વ દર્શાવી સંતાનને પહેરવા-ઓઢવા,ખાવા-પીવાની સુટેવ-રીતભાત તથા તે પ્રકારના અન્ય તમામ સંસ્કારનું સિંચન સુપેરે કરવું.
* માતાપિતાએ કંટાળો દર્શાવ્યા વગર, સમય-સમયે, સંતાન માટે આસપાસ નુકસાનકારક જણાતી તમામ ચીજ-વસ્તુ-આદતની સમજ સંતાનને આપવી તથા તેનાથી બચવાના ઉપાયથી તેમને અવગત કરવાં.
* સંતાનને સ્વકેન્દ્રી,અભિમાની સ્વભાવના ગેરફાયદા દર્શાવી, તેને સમાજમાં સ્થિત સ્વાર્થી તત્વો પાસેથી,કોઈને નુકશાન પહોંચાડ્યા વગર, ધારી સફળતા મેળવવાના ઉપાય બતાવવા.
* સંતાને જાતેજ અસ્ખલિત વાણીવિલાસ કર્યા કરવાને સ્થાને, અન્યને પણ શાંતિથી શ્રવણ કરવાના ફાયદાથી શિક્ષિત કરવાં.
* જિદ્દી, ક્રોધી તથા હિંસક બાળકોને તરતજ માનસ ચિકિત્સક દ્વારા તપાસાવી, સંતાનની આ પ્રવૃત્તિને યોગ્ય સારવારથી ઊગતી જ ડામી દેવી. માતાપિતાએ સંતાનના આવા વર્તન સામે,જાતે તેવુંજ વર્તન આચરીને, સંતાનને માનસિક,શારીરિક કાયમી નુકશાન થાય તેમ કદાપિ વર્તવું ન જોઈએ.
* ઘરમાં આવકના પ્રમાણમાં બચત+જાવકનો સિદ્ધાંત તથા `ત્રેવડ ત્રીજો ભાઈ છે`, તે કહેવતની સમજ બાળપણથીજ સમજાવી, સંતાનના ભવિષ્યને ઊજળું બનાવી શકાય છે.
* સંતાનને, સત્ય-અસત્યનો ભેદ સમજાવી,ભોજનમાં ઉમેરાતા મીઠાના(SALT) પ્રમાણમાં જ, કોઈના ભલા માટે આચરવામાં આવેલા અસત્ય આચરણનું પ્રમાણ ભાન કરાવી, સમાજમાં તેમને શાખ કમાવવા કાજે શિક્ષિત કરવાં.
* સંતાન, આ ઉંમરે નકલખોર વાનર જેવાં હોય છે તેથી તેમની નજર સામે, ઘરનાં તમામ સદસ્ય દ્વારા, ઘરનું વાતાવરણ ઝઘડા, ટંટા, કજિયા, કંકાસ વગરનું શાંત તથા સદભાવપૂર્ણ રહે તે નિશ્ચિત કરવું.
ટૂંકમાં, સંતાનને અલૌકિક-અદ્વિતીય જીવનકળા શીખવવા માટેનો શ્રેષ્ઠ સમય બ્રહ્મચર્યાશ્રમનો એટલેકે આશરે પાંચથી એકવીસ વર્ષની આયુનો માની શકાય. ત્યારબાદ, માનવી એક સામાજિક પ્રાણી હોવાથી, તે અનેક પ્રકારના સારા-નરસા પૂર્વગ્રહથી ગ્રસિત થવા લાગે છે, સાથેજ તે ધર્મ, ધન અને ધરતીના ટુકડાઓની કાંટાળી વાડથી ઘેરાઈ જાય છે. પોતાના માની લીધેલ વાડામાં સાથે રહેલા, અંગત સંગીસાથીઓના હિત-સ્વાર્થ અને વિકાસ માટે, `Setting in fiction` એટલે કે જૂઠાણાભરી શામ, દામ, દંડ, ભેદની કોઈપણ પદ્ધતિ દ્વારા, પરિસ્થિતિને સંભાળી કે સુધારવાના પ્રયત્નમાં સતત લાગેલો રહે છે. નવાઈ લાગે તેવી બાબત એ છેકે, પોતાના ધર્મ, ધન અને ધરતીના ટુકડાઓના સહભાગી તથા માની લીધેલા અંગત સંગીસાથીઓ સાથે પણ મતભેદ કે મનદુઃખ કરીને, યોગ્યરીતે કેવળણી ન પામેલ સંતાન સ્વાર્થતાને કારણે, સ્વજનની સાથે પણ અનેક પ્રકારની અયોગ્ય જીવનકળા અજમાવતો રહે છે. આવાં સંતાન પોતાની જાત માટે, કુટુંબ માટે, સમાજ માટે તથા અંતે દેશ માટે પણ, અત્યંત હાનિકારક સાબિત થાય છે.
૩. સંતાનની આયુ- ચૌદથી વીસ વર્ષ.
આ આયુ ગાળા દરમિયાન,થોડી સમજ અને વધારે નાસમજને કારણે પ્રભાવી શૃંગારરસનો પ્રભાવ ઉપરાંત, ધાર્યું ન થતાં જિદ્દ તથા ક્રોધને કારણે, માગણીઓ સંતોષવા ધારણ કરાતા, ધમપછાડાનો રૌદ્રરસ પ્રભાવ..!! તેથીજ, એમ પણ કહેવાય છેકે, યુવકને મૂછનો દોરો ફૂટે અને કન્યા રજસ્વલા થાય એટલે તેનામાં પ્રેમરસ-શૃંગારરસ જાગૃત થાય છે..!! * આજ વયમાં, ઘર અને શાળાના શિસ્તબદ્ધ વાતાવરણમાંથી મુક્ત થઈ યુવક-યુવતીઓ, ઉચ્ચશિક્ષણાર્થે કૉલેજના નિર્બંધ ખુલ્લા આકાશમાં મુક્ત વિહરતા પંખી સમાન અદ્ભુત રસની લાગણી અનુભવે છે..!! * ઉંમરના આ પડાવમાં, જેવી `સોબત તેવી અસર` તે ન્યાયે, દેખાદેખી, રોકી ન શકાતી પ્રેમની લાગણી તથા અધકચરા જાતીય જ્ઞાન સાથે બીભત્સ રસ, સાથેજ શરમભરી મૂંઝવણને કારણે વીરરસ તથા પોતાનું ધાર્યું ન થતાંજ છેવટે રૌદ્ર રસ, આધુનિક યુવક-યુવતીના મન પર પ્રભાવી અસર ઊભી કરે છે...!!
અમેરિકન સાયકૉલોજીસ્ટ `Brian G. Gilmartin` ( જન્મ - May 18, 1940)ના ૧૯૮૭ માં પ્રકાશિત થયેલા પુસ્તક `Shyness & amp; Love: Causes, Consequences, and Treatments ` , મુજબ, શરમાળ પ્રેમીઓ, સાનુકૂળ ન હોય તેવી સ્થિતિમાં પોતાના પાર્ટનર સાથે પ્રેમ કે જાતીયતા અંગે મુક્તપણાથી, દૃઢ નિશ્ચય થી વાતચીત કરી શકતા નથી.દા.ત. ઘણી સ્ત્રીઓ,પુરુષની હાજરીમાં,અને ઘણા પુરુષો સ્ત્રીઓની હાજરીમાં અસ્વસ્થતા અનુભવતા હોય છે અને સરખી વાતચીત નથી કરી શકતા.
જોકે, આજકાલ ફાસ્ટ રોકેટ યુગમાં, સેટેલાઈટ-ટૅકનોલોજી સમર્પિત, તમામ સંતાનો, જ્યાં નવા વર્ષના શુભ પર્વે પોતાના વડીલોને જ રૂબરૂ મળી,`જય શ્રીકૃષ્ણ` કહેવાને સ્થાને, જ્યારે `JSK.` નો `SMS` ધકેલી દઈ કામ ચલાવતા હોય ત્યાં, પ્રેમ પામવાનાં આધુનિક કરતબની નિષ્ફળ મોબાઈલિયા કસરતને કારણેજ હવે, યુવાધન `TIME PASS` પ્રેમ-મોલમાં, બારેમાસ યોજાતા `પ્રેમ-સેલ`ના `વ્યર્થ-મેલ`થી ટેવાઈ ગયું હોય તેમ લાગે છે. અમારા આખાબોલા ચંપક કાકા કહે છે," તમને ખબર છે? મોટાભાગે, માતાપિતા-વડીલો તથા સમાજથી વિરુદ્ધ જઈને, કજોડું પ્રેમલગ્ન કરનારા,પ્રેમ મોલના `સેલ`માંથી `મેલ` (કચરો?) પકડી લાવી, તાબડતોબ લગ્નની નોંધણી કરાવી આવે છે પરંતુ, બાદમાં આજ કજોડું, આખી જિંદગી, લગ્નના સર્ટિફિકેટમાં, `ઍક્સ્પાયરી ડેટ`નું ખાનું શોધ્યા કરે છે..!!" જોકે, ચંપકકાકાના વિચારોનો આદર કરવા છતાં, તેઓ સાથે સંમત થવું ન થવું, દરેકની મરજીની બાબત છે.
સત્ય તો એ છેકે,આજે જ્યારે કેટલાક પ્રગતિશીલ યુવાધન દ્વારા, "તું નહી ઓર સહી,ઓર નહી ઓર સહી..!!" જેવા સૂત્રને આત્મસાત કરાયું હોય તેમ દીસે છે ત્યારે, આવા આધુનિક યુગમાં પણ, ભગવાન શ્રી સત્યનારાયણ કથાના `સાધુ` વાણિયાને પ્રાપ્ત થયેલા કથા-પ્રસાદ શુભ ફળની માફક, પંદરથી-એકવીસ વર્ષના મુગ્ધાવસ્થાના ગાળા દરમિયાન પાંગરતા મનસ્વી પ્રેમમાં, રોમાન્સમાં, આધુનિક શ્રીમોબાઈલનારાયણ ભગવાનનું વ્રત તેમની પ્રેમગાથાને સફળ બનાવવામાં, નાના પ્રકારે આશિર્વાદરૂપ થાય છે..!!
અંતે, મને ચંપકકાકાએ પૂછ્યું," સંતાનોને સંસ્કાર પ્રદાન કરવાની અપ્રતિમ કળાના, અકાળ થયેલા વિનાશ પાછળ, `અમે બે અને અમારાં બે` નો, ફૅમિલી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનો, સરકારી હાથ હોય તેમ, તમને લાગે છે?"
મારી નજરમાં પ્રશ્નાર્થ જોઈ, ચંપકકાકાએ જ ખુલાસો કર્યો," જુઓને, પહેલાના જમાનામાં આઠ-દસ બાળકોનો રિવાજ હતો ત્યારે, ઘણીવાર તો, મોટા દીકરાની વહુ તથા તેની સાસુ (માં), બંને એકસાથે, સુવાવડ માટે, સરકારી હૉસ્પિટલમાં ભરતી થતાં અને એકસાથે બે નવજાતને ગૃહપ્રવેશ કરાવતાં. વળી આ બંનેને એક માસનું, લાબું સૂતક લાગતું તેથી, ઘરનાં નાનેથી મોટાં, બધાં સદસ્ય, બાકીનાં નાનાં ભાઈબહેનને, નવડાવવાથી લઈને, જમાડવા, સુવડાવવા સુધીની જવાબદારી હોંશેહોંશે નિભાવતા..!! હવે તો, એક કે બે બાળક હોવાથી અત્યંત લાડમાં,તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવા, માબાપ પોતેજ, એકમેક સાથે ઝઘડીને, પોતાના સંતાનને જિદ્દી કરી મૂકે છે, તેવા સંજોગોમાં, પોતાના સંતાનને સંસ્કાર પ્રદાન કરવાની ધીરજ તથા નવરાશ હવે કોને છે?"
ચંપકકાકાની વાત, મને તો સાચી લાગે છે..!! આપને પણ નથી લાગતુંકે, `અમે બે અને અમારાં બે`ની નીતિ અપનાવ્યા બાદ અને/અથવા સંયુક્ત કુટુંબભાવ વિસરીને,આપણાં સંતાન થોડાં એકલપેટુડાં, સ્વાર્થી અને લાગણીહીન થવા લાગ્યાં છે?
કદાચ, આથીજ અમારા કેશકર્તનાલયના પ્રોપ્રાયટરશ્રીને, હું મારા વાળ સાવ નાના કાપવા જણાવું ત્યારે, તે મજાકમાં મને પૂછે છેકે,"અંકલ, કેટલા નાના? ઘરમાં ઝઘડો થાય ત્યારે, આન્ટીના હાથમાં ન આવે તેટલા નાના?
જોકે, માતાપિતાના કંકાસ-ટંટાની વિપરીત અસર સંતાન પર પણ પડતી હોવાથી, સહુને એક સવાલ, " બાય ધ વૅ, આપ વાળ સાવ નાના રાખો છો કે, ખેંચી શકાય તેવા? જો ઝઘડામાં ખેંચી શકાય તેવા લાંબા વાળ,દાઢી,મુંછ રાખતા હોય તો, ઈશ્વરને પ્રાર્થના કરજો."
`ॐ सहनाववतु || सहनौभुनक्तु || सह वीर्यं करवावहै || तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ||`
'અમારું રક્ષણ કરો. અમારું પોષણ કરો. અમે એની ઉપાસના કરીએ. અમારું અધ્યયન તેજસ્વી બનો. અમે આપસમાં એકબીજાનો દ્વેષ ન કરીએ. શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.'
દોસ્તો, ભલે કોઈએ એમ કહ્યું હોય કે, "સવારે તાજામાજા જાગવા માટે, રાત્રે પથારીમાં સાથે ચિંતા લઈને ન સૂઈ જાવ, પરંતુ તોય લોકો ધર્મની.........!!"
ચાલો ત્યારે, મોડી રાત થવા આવી છે. સત્ત-ચિત્ત-આનંદ-સમન્વયન સંતાન-બ્રહ્મનો ભ્રમ યથાવત રાખીને, સંતાનોને સુધારવાની, આપની ચિંતા, આપના માથે..!! હુંય, મારી ચિંતાને વધારે લાંબી-ટૂંકી કર્યા વગર, પથારીમાં લંબાવું?
કદાચ છેને..!! " જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય-વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે..!!"
અસ્તુ.
માર્કંડ દવે.તા.૧૧-૧૧-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment