સુપર્વ દીપોત્સવી પૂર્વે દિવાસ્વપ્ન..!
"Knowledge without wisdom is a load of books on the back an ass"
Japanese proverb.
=====
પ્રિય મિત્રો,
માનવી આસ્તિક હોય કે નાસ્તિક કિંતુ, જીવનની દરેક ક્ષણે, દરેક માનવીનો અંતિમ ધ્યેય, સત્-ચિત્-આનંદ સમન્વયની પ્રાપ્તિ હોય છે. જોકે આ મનઃસ્થિતિ પ્રાપ્ત કરવા કાજે, માનવીએ પ્રેમભાવ-જ્ઞાનભાવને આત્મસાત્ કરવા અત્યંત અનિવાર્ય છે. સ્વાભાવિકપણે, આ માટે અનેક સિદ્ધ મહાનુભવોના જાતઅનુભવ તથા ગાઢ ચિંતનના આધારે રચાયેલા અણમોલ સાહિત્યનું સામીપ્ય, જેતે વ્યક્તિએ કેળવવું પડે..! લેખના મથાળે અંકિત થયેલ જાપાની કહેવતનો મર્મ પણ એ જ છેકે," ડહાપણ વગરનું જ્ઞાન, તે ગધેડાની પીઠ પર લદાયેલાં પુસ્તકો સમાન છે." જોકે, આ જાપાની કહેવત આત્મસાત્ કરીને હવે, મારી મૂંઝવણ એ છેકે, આજ બાબતને આપણી માતૃભાષાની ગામઠી કહેવત,"ગધેડી ગંગામાં નહાય તો ય, ગાય ન થાય" દ્વારા સમર્થન આપી શકાય? આપ સર્વે ને મારો નમ્ર દુરાગ્રહ છેકે, તાઃ ૧૩ નવેમ્બર ૨૦૧૨ ના રોજ દીપોત્સવી સુપર્વ હોંશભેર ઊજવાશે. હવે તે પૂર્વે, "આવા ખર-ખરી (ગદર્ભ-ગદર્ભરાણી..!) જીવાત્મા, ખરેખર દિવાસ્વપ્ન જુવે ત્યારે, કેવાં-કેવાં અદ્ભુત દિવાસ્વપ્ન જોઈ શકે..!" તે બાબતે જો આપને `મનમોહક` અસહ્ય મોંઘવારી નડતી ન હોય તો, વિક્રમ સંવત-૨૦૬૯ ના નવા વર્ષને આવકારવા માટે, આપ પણ એકાદ દિવાસ્વપ્ન ફોગટમાં જોઈ જ નાંખો..! આમ તો, ખ્યાતનામ અમેરિકન હાસ્ય લેખિકા ઈરમા,`Erma Louise Bombeck`ના મત પ્રમાણે,"તમે માણેલાં દિવાસ્વપ્નોને અન્ય વ્યક્તિ સમક્ષ જાહેર કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે." હવે, આ ચસકેલ ડાગળીવાળાં આદરણીય સુશ્રીઈરમાબહેનને આપણે શું કહેવું..! આપ સહુને નમ્ર વિનંતી છે, એમની વાત પર સહેજ પણ ધ્યાન ન આપશો..!
"હે મહાન અમેરિકા નિવાસી, પરમ મહાજ્ઞાની સુશ્રીઈરમાબહેન..! જાગતાં દીઠેલાં દિવાસ્વપ્નની ગાંડીઘેલી વાત જાહેર કરવા, આપના અમેરિકામાં ભલેને સો વખત વિચારીને, માંડ-માંડ હિંમત એકઠી કરવી પડતી હશે પણ..! મુક્ત સ્વચ્છંદ આચાર, મુક્ત સ્વચ્છંદ વિચાર, મુક્ત સ્વચ્છંદ વ્યાપારમાં માનતા, અમારા દિલદાર સ્વચ્છંદ ભારતમાં તો, અ..હા..હા..હા..! એ...ય...ને, આલીયા હોય, માલીયા હોય કે પછી વાલિયા (લૂંટારા?) હોય, જેને જે મનફાવે તે દિવાસ્વપ્ન ધરાર જુવે, પછી દ્ગશ્ય-શ્રાવ્ય માધ્યમના કેટલાક `સૂટેડ-બૂટેડ` નવરાધૂપ મિત્રોને એકઠા કરે અને તમામ દિવાસ્વપ્ન, જાહેરમાં,(Yes,I repeat..જાહેરમાં) હિંમતભેર, પૂર્ણ આત્મવિશ્વાસ સાથે, મરચું-મીઠું ભભરાવીને પ્રગટ કરે, ત્યારબાદ કેટલાક કહેવાતા નિષ્ણાતો ભેગા મળીને (જન્મજાત પ્રાપ્ત સંસ્કારી ભાષામાં..!) પેલા દિવાસ્વપ્ન જોનાર ભાઈ કે બહેને વર્ણવેલા દિવાસ્વપ્નનું તાર્કિક-અતાર્કિક પિષ્ટપેષણ, આપણે હારી-થાકી-કંટાળીને ઊંઘી ના જઈએ ત્યાં સુધી, કર્યા કરે?"
મિત્રો, માનવી મોટાભાગે ત્રણ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પ્રથમ માર્ગ જે સહુથી વધુ પ્રભાવશાળી છે તે પ્રગાઢ વાંચન-ચિંતન-મનન દ્વારા, બીજો સરળ પણ અનુચિત માર્ગ તે કોઈના આંધળા અનુકરણ દ્વારા તથા ત્રીજો અઘરો પણ સર્વોચિત માર્ગ તે, જાત અનુભવ દ્વારા. જોકે, જાત અનુભવ કેળવવાની શરૂઆત દિવાસ્વપ્ન જોવાથી કરવી પડે, ત્યારબાદ દિવાસ્વપ્નને અમલમાં મૂકીને કાર્યાનુભવ મેળવવાનો તબક્કો આવે. દિવાસ્વપ્ન એટલે કલ્પિત મનોરાજ્ય;તરંગ;કલ્પના વગેરે..! તો પછી ચાલો ને, હવે આપણે શું કરીશું? આપ સહુ લગીરે માઠું ન લગાડતા અને જો માઠું લાગે તો દિવાળીમાં, અમારા વતી (કાળાબજારિયા ગેસના બાટલે, ઘરમાં બનાવેલી..!) સફેદ સુંવાળી બેચાર વધારે ખાજો પણ, આજે તો કોઈની સહેજે સાડાબારી રાખ્યા વગર, પેલી જાપાનીઝ કહેવત મુજબ, અમારી પીઠ પર લદાયેલાં પુસ્તકોના અસહ્ય ભારને, આપના મન-આંગણે ઠાલવ્યા વગર અથવા તો અમારાં જોયેલાં કેટલાંક દિવાસ્વપ્ન અત્રે પ્રગટ કર્યા સિવાય, અમારા વિદ્વાન પાઠક મિત્રોનો કેડો અમે મૂકવાના નથી..નથી..ને..નથી..! કારણકે, અમને એમ પણ લાગે છેકે, આઝાદી બાદ, આખો દેશ પ્રથમ વાર આટલી ગંભીર મરણતોલ બીમારીમાં સપડાયો છે, તેથીજ જેમ આપણે બીમાર પડીએ અને અનેક માયાળુ જણ આવીને, આપણા ભલા કાજે ઉરાંગઉટાંગ જેવા ઉપાય સૂચવે તેમ, અમે પણ..!
" હે નિર્દોષ દેશવાસીઓ, જરાપણ ડરશો મા..! આજે જ આપની તમામ ચિંતાઓને ચિતાગ્નિમાં ભસ્મ કરી દો, અમારાં દિવાસ્વપ્નરૂપી, નવઆશા-દીપ હારમાળા દ્વારા, નવલા વર્ષમાં દેશોદ્ધારનો પ્રકાશ રેલાવવા કાજે, માથે કફન બાંધીને, અમો પણ દિવાસ્વપ્ન એક્સ્પર્ટ/ઍક્ટિવિસ્ટ બનીને જાહેર મેદાનમાં આવી ગયા છે..! આપે તો ફક્ત, બસ સાચા દિલથી પ્રાર્થના કરવાની રહેશે કે, અમારાં તમામ દિવાસ્વપ્નને ઈશ્વર પ્રત્યેક તરંગસહ સાંગોપાંગ સાર્થક કરે..! ભવતુ ઉર્ફે આ..મી..ન..!"
તો બોલો, ક્યાંથી શરુ કરીશું, આપણે સહુ, ભલે વોટ આપવા જતા હોય કે ન જતા હોય પરંતુ, પરમ દેશભક્ત હોવાથી દેશહિતના દિવાસ્વપ્નનું વર્ણન સહુ પ્રથમ કરીશું?
चलो, यहीं से शुरु करते हैं..! Silence Please..!
નવવર્ષનું ઊજળું ભવિષ્ય.
વિ.સં.૨૦૬૯. માસ-કારતક
* તા.૧૪ નવેમ્બર ૨૦૧૨, વિક્રમ સંવત-૨૦૬૯ ના પવિત્ર માસ કારતક સુદ એકમ (બેસતા વર્ષ) ના રોજ, માનનીય રાષ્ટ્રપતિશ્રીના ધમકીભર્યા આગ્રહને કારણે, તમામ રાજકીય પક્ષે પોતાની નોંધણી ચૂંટણી પંચ સમક્ષ રાષ્ટ્રહિતાર્થે સમર્પિત (Surrender) કરી છે..! ચૂંટણી પંચે આ દરખાસ્તનો સહર્ષ સ્વીકાર કરીને હવેથી તમામ ધારાસભ્ય-સાંસદ-ઉમેદવારને અપક્ષ તરીકે ઠેરવવા ફરમાન કર્યું છે, આ સાથે આજરોજ મળેલી વર્તમાન ૧૫મી સરકારની રાજ્યસભા-લોકસભાની અંતિમ સભામાં, કેન્દ્ર તથા રાજ્ય સરકારોના તમામ મંત્રીઓ દ્વારા પોતાના વર્તમાન પદત્યાગ કરીને, વડાપ્રધાન ઉપરાંત તમામ મંત્રીઓની જનમત દ્વારા સીધી નિમણુંક કરવા, સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે..!
વિ.સં.૨૦૬૯. માસ-માગશર
* માગશર સુદ એકાદશી `ગીતા જયંતી`ના રોજ માનનીય રાષ્ટ્રપતિશ્રીએ, જનમત દ્વારા બહુમતીથી ચૂંટાયેલા નવા વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીજીને, પવિત્ર ગ્રંથ ગીતાજીના તથા દેશની ૧૨૦ કરોડ જનતાના નામે, ગુપ્તતા અને વફાદારીના સોગંદ લેવડાવ્યા..! દેશવાસીઓ જોગ પોતાના પ્રથમ ભાષણમાં શ્રીમોદીજીએ માત્ર ત્રીસ દિવસમાં મોંઘવારી પર કાબૂ મેળવવાનો દ્રઢ સંકલ્પ જાહેર કર્યો..! નવા વડાપ્રધાનશ્રીની હ્રદયદ્રાવક અપીલને કારણે, પક્ષાપક્ષીથી પર થયેલ નેતાઓએ, પોતાના પક્ષની, પોતાની તથા પોતાના નજીકના તમામ સગાસબંધીની, (બ્લેક-વ્હાઈટ; દેશી-વિદેશી) તમામ સ્થાવરજંગમ મિલકત સ્વેચ્છાએ સર્વાનુમતિથી દેશોત્થાન કાજે, સરકારી ખજાનામાં જમા કરાવીને, "જાગ્યા ત્યાંથી સવાર" ઉક્તિનું ઉત્તમ દૃષ્ટાંત દેશવાસીઓ સમક્ષ પૂરું પાડ્યું છે..!
પર અરથે શ્રમ જે કરે,તે જન જનુની ધન્ય,પરમારથે તો લાગતો,સજ્જનને અતિ રમ્ય. -૧.
એખલપેટા બાઈલા, દ્વેષી કપટી જેહ, ધિઃક જનૂની તે તણી, જણતર વંઠ્યું તેહ.-૨.
(ડાંડિયો-કવિ નર્મદ.)
આખા દેશના વ્હિસલ-બ્લૉઅર્સ સંગઠનના સર્વમાન્ય પ્રમુખ નેતા શ્રીકેજરીવાલે, દેશમાં રામરાજ્યની સ્થાપના કરી, ફરી સતયુગમાં પ્રવેશ કરાવવા બદલ નવા વરાયેલા વડાપ્રધાનશ્રીનો, ગળગળા કંઠે, હ્રદયપૂર્વક આભાર માનીને દેશ કાજે હવે અપ્રસ્તુત મનાતાં, દેશભરમાં ફેલાયેલાં તમામ `વ્હિસલ-બ્લૉઅર સંગઠન` એકજ ઝાટકે વિખેરી નાંખ્યાની આવકારદાયક જાહેરાત હર્ષભેર કરી છે..!
વિ.સં.૨૦૬૯. માસ- પોષ.
* ગત માસ દરમિયાન, દેશની નવી ચૂંટાયેલી ૧૬મી કેન્દ્ર સરકારના કડક વલણ તથા લોકજાગૃતિના અનેક સફળ કાર્યક્રમોને કારણે, દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુના ભાવમાં કૂદકેને ભૂસકે આવકારદાયક ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાણકારનું માનવું છેકે, જીવનજરૂરી ચીજવસ્તુના ભાવમાં સતત ઘટાડો આમ જ જારી રહેશે તો વર્ષાંતે દેશની તમામ ભાષાઓના શબ્દકોષમાંથી `મોંઘવારી` શબ્દ રદ કરવાની ફરજ પડશે..! તમામ સંગ્રહખોરો, કાળાબજારિયા, ભ્રષ્ટાચારીઓનું હ્રદય પરિવર્તન થવાથી બજારમાં અચાનક `શ્રી૧। `નો (સવા=૧.૨૫%નો) ઈમાનદાર વ્યાપાર ફરીથી પ્રચલિત થયો,તે નિહાળીને આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે..! આથીજ, વિદાય લેતી મોંઘવારીના સગાવહાલાઓને બે પંક્તિ આપણા સહુ વતી અર્પણ,
(આદ્ય કવિ શ્રીનરસૈંયાજીની ક્ષમાયાચનાસહ.)
ધનલોભીને કપટ સહિત છે, કામ ક્રોધ કંઠ લગાવ્યા રે,
ભણે દુભાયેલાં,તેનું દરશન કરતાં,અશ્રુ નિરંતર સાર્યાં રે.
વિ.સં.૨૦૬૯. માસ- મહા.
* મહા માસમાં, દેશની નવી ચૂંટાયેલી ૧૬મી કેન્દ્ર સરકારની એક ડરામણી અપીલ પર, નાની મોટી તમામ કન્સ્ટ્રક્શન કંપની તથા મોટા ઉદ્યોગપતિઓની દિલ્હી ખાતે મળેલી રાષ્ટ્રિય પરિષદમાં, સર્વે દેશભક્ત બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓએ, સર્વાનુમતે ઠરાવ પસાર કરી, વિ.સં.૨૦૬૯ના અંતે એક પણ ગરીબ કુટુંબ છત વગરનું ન હોય તેવી ભીષ્મ પ્રતિજ્ઞા સાથે અચાનક જાહેરાત કરી કે, પોતાની કંપનીઓના છેલ્લા દસ વર્ષના સરવૈયામાંથી નફાનો ૫૦% ફાળો દાન તરીકે ખર્ચીને, તેમના ઉદ્યોગોની આસપાસ, ફાજલ પડી રહેલી જમીનમાં, તમામ જીવનજરૂરી સવલત સાથેની `અકિંચન કૉલોની` નિર્માણ કરી, ગરીબ દેશ બાંધવોને વિના મૂલ્ય અર્પણ કરી, `સૌનો ઉદ્ધાર,દેશનો ઉદ્ધાર` સૂત્રને સાર્થક કરી દેશનું ઋણ અદા કરવું..!
વિ.સં.૨૦૬૯. માસ- ફાગણ.
* વસંત ઋતુના આગમનને વધાવી નવા વરાયેલા વડાપ્રધાનશ્રીના ઉદ્યમી હસ્તક્ષેપને કારણે, સાર્વજનિક સ્વરૂપે `કૃષિ-ફાગોત્સવ`નું દરેક રાજ્યમાં ભવ્ય આયોજન કરી, ગરીબ ખેડૂત દ્વારા મહામહેનતે ઉગાડેલા પાકનો વચેટિયા ગેરલાભ ન ઉઠાવે તે માટે, દરેક ખેડૂતને તેમના પાકને પોષણક્ષમ ભાવે, સહકારી ધોરણે ખરીદી કરી સરકારી ગોદામોમાં સંગ્રહ કરવામાં આવ્યો. નવાઈની બાબત છેકે, આઝાદી બાદ દરેક રાજ્યમાં પ્રથમ વાર અન્નનો એકપણ દાણો ન વેડફાય તે માટે, દેશભરમાં ફક્ત એક જ માસમાં, લાખોની સંખ્યામાં અદ્યતન વાતાનુકૂલિત ગોદામ નિર્માણ કરવામાં આવ્યાં છે..! આ માટે આખા દેશમાં એકપણ ઘર-ખેતર-ગોદામ-સ્થળ `થ્રી ફેઝ પાવર` સપ્લાયથી વંચિત ન રહે તે માટે, યુદ્ધના ધોરણે હજારોની સંખ્યામાં પાવર પ્લાન્ટ કાર્યરત કરી, કરોડો કિ.મી. કેબલ પાથરવાનું મહા ભગીરથ કાર્ય જાંબાઝ ભારતીય સેનાના સહયોગથી તાબડતોબ ફક્ત ત્રીસ દિવસમાં સંપન્ન કરવામાં આવ્યું છે,જે સ્વયં એક વર્લ્ડ રેકૉર્ડ મનાય છે..!
વિ.સં.૨૦૬૯. માસ- ચૈત્ર.
* `ચૈત્ર ચડવો નહિ અને વૈશાખ ઊતરવો નહિ.` એટલેકે, `હાલની પરિસ્થિતિમાં કાંઈ પણ ફેરફાર ન થવો.` આ જાણીતી ઉક્તિને સાવ ખોટી ઠેરવી, ચૈત્ર એટલેકે એપ્રિલ માસની માથાફાડ ગરમીમાંથી, `વિદ્યાતુર` પરંતુ, `પરીક્ષાક્ષુબ્ધ` વિદ્યાર્થીઓને માનસિક તાણ મુક્તિના શુભ આશયથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ તમામ પરીક્ષાર્થીઓને પોતપોતાના નિવાસસ્થાનથી કોઈપણ ટૅન્શન વિના પરીક્ષા આપી શકે તેવી ગોઠવણ કરી, સમગ્ર દેશની શાળા-કૉલેજ-ઈન્સ્ટિટ્યુટ્સમાં, દરેક વિદ્યાર્થી માટે, `પાતાળ-પ્રવેશ` નામનાં કરોડો ટેબલેટ્સ સાવ `મફત` ભેટ કર્યા છે, જેને વિદ્યાર્થી જગત,શિક્ષણજગતના તમામ નિષ્ણાતોએ આ ક્રાંતિકારી પગલાંને એક અવાજે વધાવી લીધું છે..!
વિ.સં.૨૦૬૯. માસ- વૈશાખ.
વૈશાખ-મે માસના (ગ્રીષ્મ ઋતુના) સખત તાપ દરમિયાન, લગ્નોત્સવ માણવા અધીર થયેલાં અનેક લાયક નવયુવક-યુવતીઓને, અચાનક લગ્નકામજ્વરનો સખત રોગચાળો ફાટી નીકળવાથી, દેખાદેખી-ભવ્ય લગ્નસમારંભના નામે દેશની કિંમતી સંપત્તિ ન વેડફાય તે માટે સમગ્ર દેશના સંતો-મહંતો-મૌલવીઓ-પાદરીઓ તથા અન્ય ધર્મગુરુઓ દ્વારા, સરકારને અસરકારક આગ્રહભરી અપીલ કરવાને કારણે, સરકાર દ્વારા આખા દેશમાં `માત્રને માત્ર` કોર્ટ મેરેજની પ્રથા અમલમાં મૂકી, ભવ્ય લગ્નોત્સવ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૉર્ટમાં નવા કાયદા અનુસાર, હવેથી `સ્ત્રી ભૃણ હત્યા`નો ગુનો IPC ની કલમ ૩૦૨ હેઠળ, ડૉક્ટર્સ, બાળકીનાં માતા-પિતા તથા જેતે વિસ્તારના સરકારી તપાસનીશ અધિકારીઓ સહિત તમામને જવાબદાર માનીને,તેઓ મૃત્યુદંડની સજાને પાત્ર છે, તે બાબતની સમજ આપીને, દરેક વર-વધુ પાસે ` સ્ત્રી ભૃણ હત્યા` નહીં કરવા અંગે કાયદેસર સોગંદનામું લેવા નક્કી કરાયું છે..! જેને લગ્નોત્સવ માણવા અધીર થયેલાં, લગ્નકામજ્વરથી ગ્રસિત પરંતુ, દેશહિતને પ્રાધાન્ય આપતાં અનેક લાયક નવયુવક-યુવતીઓ, તેમના માતાપિતા, તમામ ધર્મોના ધાર્મિક વડા તથા સામાજિક સેવા સંગઠનોએ હ્રદયપૂર્વક આવકાર્યો છે, એટલું જ નહીં પરંતુ, સહુ લાગતાવળગતાએ, પોતાના આંગણે લગ્નપ્રસંગની ભવ્યતા પાછળ ખર્ચ કરવા ધારેલ અઢળક ધનરાશિને દરેક ગામમાં તબીબી ક્ષેત્રે ચેરિટી હૉસ્પિટલ્સ નિર્માણ જેવાં જનકલ્યાણનાં કાર્યો માટે ઉદારતાપૂર્વક દાન કરીને, સામાજિક જવાબદારી પાલન કર્યાનું સ્મરણ કરાવ્યું છે..!
જોકે, આ ક્રાંતિકારી સુધારાવાદી નિર્ણયને કારણે, અસંખ્ય સંખ્યામાં બેકાર થયેલા તમામ સંબંધિત કર્મચારી-વ્યવસાયીઓને અન્યાય ન થાય તે હેતુથી, જેતે પાર્ટી પ્લૉટમાં સાદગીભર્યા અનેક સમારંભ યોજીને, સક્ષમ સરકારી અધિકારીશ્રી દ્વારા સરકારી નોકરીનાં નિયુક્તિપત્ર તાત્કાલિક ધોરણે પાઠવવામાં આવ્યાં..!
વિ.સં.૨૦૬૯. માસ- જેષ્ઠ.
* (જૂન માસ) જેઠનો અર્થ અગ્રજ (સૌથી મોટા) થાય છે આથીજ આ માસ દરમિયાન દેશની તમામ કે.જી.થી લઈને કૉલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ-સંચાલકશ્રીઓ તથા આચાર્યશ્રીઓ દ્વારા પોતાના ઉદાર (સૌથી મોટા) હ્રદયનો પરિચય આપીને મોટાઈપણું દર્શાવતાં, સમગ્ર દેશમાં એકપણ વિદ્યાર્થી શાળા-કૉલેજ પ્રવેશથી વંચિત ન રહે તેવા ઉમદા આશયથી ગરીબ કે તવંગરના ભેદ રાખ્યા વગર તમામને જેતે વિદ્યાશાખામાં વિના ડોનેશન પ્રવેશ આપવા સંકલ્પ કરવામાં આવ્યો. ગામડાના વિદ્યાર્થીઓ ઉમદા શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શહેરી અદ્યતન શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત પ્રાધ્યાપક મંડળે, સપ્તાહમાં ત્રણ દિવસ, ગામડાના વિદ્યાર્થીઓને `ગુરુકુળ` પ્રથા અમલમાં મૂકીને સઘન તાલિમ આપવા સર્વાનુમતે ઠરાવ કર્યો છે..!
વિ.સં.૨૦૬૯. માસ- અષાઢ.
* અષાઢ માસ એટલે મહાકવિ કાલિદાસના ખંડકાવ્ય,`મેઘદૂત`ના માધ્યમ દ્વારા પ્રેમાધીર યક્ષ નાયકે, પોતાની પ્રાણપ્રિય પ્રોષિતપતિકા (વિજોગણ) નાયિકાને પાઠવેલા,`અષાઢસ્ય પ્રથમ દિવસે..!`ની વિરહ વ્યથાને વ્યક્ત કરવાનો માસ..! આ માસ દરમિયાન સમગ્ર દેશના પ્રેમાતુર જોડકાં-કજોડકાંઓને પરસ્પર પ્રેમની અભિવ્યક્તિમાં કશી ખલેલ ન પહોંચે તે માટે, ખાસ અદ્યતન નિર્માણ પામેલા `લવર્સ પાર્ક` દેશભરમાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં કોઈ અસલી-નકલી પોલીસ કે પાપારાઝી પત્રકાર-મીડિયાકર્મીના છદ્મરૂપમાં કોઈ અસામાજિક તત્વો આવીને પ્રેમાતુર નાયક-નાયિકાઓનો `તોડપાણી` ન કરી જાય તેવા શુભ ઉદ્દેશ્યથી લવર્સ પાર્કના દરવાજે બી.એસ.એફ.ના જવાનોની લોખંડી સિક્યુરિટી તહેનાત કરવામાં આવી છે..! દેશભરના (૧૮ થી ૮૦ વયના) પુખ્ત નરનારી નાગરિકોએ આ પગલાંને દિલથી આવકાર આપ્યાના અહેવાલ વિવિધ સમાચાર માધ્યમમાં પ્રસારિત થઈ રહ્યા છે..!
વિ.સં.૨૦૬૯. માસ- શ્રાવણ.
* શ્રાવણ માસમાં રક્ષાબંધન-બળેવના પવિત્ર તહેવારે શેરી-પોળ-સોસાયટીઓમાં સહુ કોઈના સહયોગથી સામૂહિક જાહેર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, માતાપિતાના આગ્રહને કારણે, ઉમંગભેર રંગેચંગે ઊજવવામાં આવ્યો છે, જેમાં `લવર્સ પાર્ક`માં જવા માટે ગેરલાયક ઠેરવાયેલા ઘણાં યુવક-યુવતિઓએ રાજીખુશીનાં(?) અશ્રુ વહાવતાં-વહાવતાં સાચા(?) દિલથી રક્ષાબંધન પર્વ ઊજવ્યું, એટલું જ નહીં, આખા દેશના તમામ ભાઈઓએ રક્ષાબંધનની ભેટ તરીકે, બહેન પ્રત્યે વહાલના પ્રતીક રૂપે,પર્યાવરણ પ્રેમ દર્શાવી, પોતાના આંગણામાં ઘર દીઠ એક-એક વૃક્ષ વાવી તે વૃક્ષનું આવતા રક્ષાબંધન સુધી, પ્રાણના ભોગે રક્ષણ કરવાનું પોતાની ધર્મની બહેનને વચન આપ્યું છે..!
ઉપરાંત, આજ શ્રાવણ માસમાં અંધ માતાપિતાને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવનાર `અંધક` મુનિના સપૂત `શ્રવણ`ના માનમાં, માનોકે જાણે અદ્ભુત ચમત્કાર થયો હોય તેમ, અર્વાચીન શ્રવણ સ્વરૂપ સપૂત-સુપુત્રીઓએ દેશભરનાં સઘળા `ઘરડાઘર`ને તાત્કાલિક મજબૂત લોખંડી તાળાં લગાવી,તેમાં મજબૂરીથી વસવાટ કરતાં તમામ માતાપિતાને મનાવી-પટાવી, માનભેર પોતાના નિવાસસ્થાને પરત લઈ આવ્યાના સુખદ સમાચારો ચારેકોરથી પ્રાપ્ત થઈ રહ્યા છે..!
વિ.સં.૨૦૬૯. માસ- ભાદરવો.
* ભરપૂર ભાદરવે, ભયંકર ભૂરાંટા થઈ, સરહદ પર તથા દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી, આપણા શાંતિપ્રિય દેશવાસીઓ સામું સતત ભસી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી, હડકાયી થયેલી આતંકી પરદેશી શ્વાનજાતિને બરાબરનો પાઠ ભણાવી, તેમને જડબાતોડ જવાબ આપવા માટે, આપણા નવા તેજાબી, ધૂઆઁધાર વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રને નામ સંબોધન દ્વારા આખા દેશની જનતાની રક્તવાહિનીઓને ઉત્તેજિત કરી, રક્તચાપ વધારે તેવી,`એક એક કો ચૂન-ચૂન કે મારુંગા`ની સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી છે, સાથેજ, પોતપોતાના વિસ્તારના સીમાડા-શેરી-પોળ-સોસાયટીના તમામ શ્વાનસમાજને દરરોજ દેશી ઘીનો શીરો ખવડાવી, કોઈપણ ગંભીર આતંકી સ્થિતિનો સામનો કરવા ખૂંખાર શ્વાનસૈન્ય તૈયાર કરવા અનુરોધ કર્યો છે..! જોકે, આ સંબોધન વિશ્વભરમાં પ્રસારિત થતાં, અનેક વગદાર દેશોએ આતંકવાદ વિરોધી પ્રવૃત્તિમાં, આપણા દેશને સક્રિય સમર્થન જાહેર કરતાંની સાથેજ, ગભરાઈ જઈને, આપણા પડોશી દેશો ચીન-પાકિસ્તાને દાદાગીરીથી અત્યાર સુધી કબજે કરેલા આપણા સઘળા પ્રદેશ ખાલી કરી આપણને બિનશરતી પરત કરવાની ઘોષણા તેઓએ કરી છે..! દેશના દૂરદર્શી વડાપ્રધાનશ્રીએ તાત્કાલિક બોલાવેલી કૅબિનેટ મીટિંગમાં તાજેતરમાં મુક્ત થનાર પ્રદેશની જમીનના સર્વાંગી વિકાસ માટે, આવા કાર્યના નિષ્ણાત સુવિખ્યાત રાષ્ટ્રીય યુવરાજ- રાષ્ટ્રીય રાજપુત્રી તથા રાષ્ટ્રીય જમાઈરાજા પર છેલ્લીવાર વિશ્વાસ મૂકીને, ત્રણ સભ્યોની એક સમિતિ નીમવા સર્વાનુમતિથી ઠરાવ પસાર કર્યો છે..!
વિ.સં.૨૦૬૯. માસ- આસો.
* આસો માસના આ પવિત્ર માસમાં, દેશભરમાં શક્ય બને તેટલાં વધુ સરકારી પાગલખાનાં નિર્માણના અહિંસક આંદોલનમાં સરકાર પર દબાણ વધારવામાં અમૂલ્ય સહકાર આપવાની શરતે, દેશની સમજદાર જનતાએ, તમામ કવિઓ-લેખકો-સાહિત્યકારો-તંત્રીઓ-સાહિત્ય પ્રકાશકો- ટીવી સિરિયલ્સ-ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકો-એક્ટરો-સંગીતકારોને, વિ.સં.૨૦૬૯ના નવા વર્ષ અગાઉ ઉમંગભેર ઊજવાનાર, સુપર્વ દીપોસ્તવી પૂર્વે દિવાસ્વપ્નમાં ફરજિયાત રાચવા તથા તેનું રસાળ શૈલીમાં દ્ગશ્ય-શ્રાવ્ય-શબ્દ સ્વરૂપે વર્ણન કરી, હાલની પરિસ્થિતિથી, ગંભીર રીતે બૂરી અસર પામેલા સર્વે ઉદ્વેગી પ્રજાજનને, `બે ઘડી ટેસડો` કરાવવા સહુને નમ્ર અપીલ કરી છે..!
======
" હેં, સાંભળો છો? તમને કહું છું... ભૈ`સાબ, આ ત્રણ દિવસથી શું લખ-લખ કરો છો...! ઊંચું જોવાનીય ફુરસદ નથી...!
" અ..રે..! આ અમારા તંત્રીશ્રી એ દીપોસ્તવી અંક માટે એક વિષય આપ્યો છે એટલે `દિવાસ્વપ્ન` જોઉં છું....!
" હવે દિવાસ્વપ્નને દીવો મૂકો અને આ ઘરની બહાર, ગાંડાની હૉસ્પિટલની એમ્બ્યુલન્સવાળા કોઈનું સરનામું પૂછે છે, તે જરા બહાર આ..વો..ને..!
"અ..રે..! પણ, આ અધુરો લેખ અને પેલા તં..ત્રી..ઈ..ઈ..!
" હા..આ..આ, ઊભા થવાનું એ આળસ? તો પછી આ એમ્બ્યુલન્સ...એમને ત્યાં..જ..મોકલી દઉં..!
" હેં..એં..એં..એં..!
પ્યારા વિદ્વાન પાઠક મિત્રો, ઇ.સ.પૂર્વ પચાસ વર્ષ દરમિયાન ચીનમાં જન્મેલા, જગવિખ્યાત મહાન ચિંતક-સુધારક `Confucius-કન્ફ્યુશિયસ`ના મત અનુસાર,"Never give a sword to a man who can't dance." મતલબ જેને નૃત્ય (શાસન) કરતાં ન આવડે તેના હાથમાં તલવાર (દેશનું સુકાન) ન આપશો. છતાંય, અણસમજમાં આપણે આપ્યું તેથીજ, વિક્રમ સંવત-૨૦૬૮ના વર્ષાંતે સમગ્ર દેશમાં મોંઘવારીની ભયાવહ આગ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનની ભરમાર તથા સાચા-ખોટાં કૌભાંડની ખુલ્લંખુલ્લા પોલ ખોલ પ્રવૃત્તિને કારણે, અત્યારે ચિંતાજનક પરિસ્થિતિ એ થઈ છેકે, દરેક દેશવાસીઓના તનમનધનની રોજરોજ બરબાદી-ક્લેશ-કજિયા-કંકાસ અને અંતે તો સવાર પડે એટલે, વળી પાછું પરિણામ સરવાળે શૂન્ય? જોકે, શ્રીરામચરિતમાનસમાં શ્રીતુલસીદાસજીએ નવધાભક્તિમાં સંતોષની માત્રાનો સમાવેશ કરતાં નોંધ્યું છેકે, `॥ आठर्व बथालाभ संतोषा सपनेर्हु नहि देख परदोषां ॥` અર્થાત્ - પારકા દોષ જોવા જેવા, બૃહત વિષય પર જેટલું લખીએ તો પણ સંતોષ વળે તેમ નથી. માટેજ, હવે આપ પણ અહીંથી અટકીને, દિવાસ્વપ્ન વિષયક લપને પડતી મૂકો નહીંતર, પેલાં અમેરિકન સુશ્રીઈરમાબહેનની માફક આપણી ડાગળી પણ હમણાં ચસકી જ સમજો? આમેય, પેલા પાગલ એમ્બ્યુલન્સવાળા આપનું જ સરનામું પૂછે છે...મો..ક..લું..કે..!
અરે..! ચિંતા ન કરશો, `પાગલખાના`ની એમ્બ્યુલન્સ સતત ફેરવવાની જરૂર, સંસદભવન- સંસદ માર્ગ- દિલ્હી ખાતે છે. એકમેક સામું બિનજરૂરી બકવાસ કરતો, દાંતિયાં કરતો અથવા તો `V.I.P. - V.V.I.P.` નેતાના વહેમમાં ફાલતુ કોઈને રખડતો દીઠો નથી કે જબરદસ્તી પકડીને અંદર બેસાડ્યો નથી..! એ બિચારાનેય શાંતિ અને આપણે તો વળી બમણી શાંતિ..હા..શ..! જોકે, સત્ય એ છેકે, સત્તાના મદમાં છકીને છાકટા થઈ ગયેલા આ નેતા-બાબુઓ, કાળની ઇન્દ્રિયાતીત ગતિને પામવાની બાબતે, વામણા સિદ્ધ થયા છે. શું તેઓ ઈરાદાપૂર્વક વિસરી ગયા હશેકે? `समयो बलवानतः ।`
कृष्णं करोति गोपालं, भगवन्तं ततः पुनः ।
द्वारिकेशं जगन्ननाथं, समयो बलवानतः ॥
पम्यनाथापि पात्र्पाली, भर्तृणां पश्यतां तथा ।
सभायां क्रोशति त्रातुं, समयो बलवानतः॥ (डॉ.श्रीअमृलालजी)
અર્થાત્ - " ભગવાન શ્રીકૃષ્ણએ સમયને કારણે વનમાં ગાયો ચરાવી, સમય દ્વારા તેઓને દ્વારકાધીશ અને જગન્નાથ બનાવ્યા. તેજ રીતે,પાંચ-પાંચ પતિદેવોની હાજરી હોવા છતાં, બિચારી દ્રૌપદી ભરસભામાં વિવશતા વશ પોતાના ચીરહરણને રોકવા આર્તનાદ કરતી રહી ત્યારે સમજાય છેકે, સમય તો રાજાઓનો પણ રાજા છે, તેની સત્તા સાર્વત્રિક છે અને માનવી સમય પાસે સાવ લાચાર છે..!" હે જગન્નાથજી, અહીં લોકશાહી/જનતા નામની દ્રૌપદીનાં ચીરહરણ સત્તાના દુઃશાસનો ઠેરઠેર કરી રહ્યા છે, અમારી સહાય કરવા ક્યારે પ્રગટ થશો?
અસ્તુ.
માર્કંડ દવે.તાઃ૨૦-નવેમ્બર-૨૦૧૨.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment