એની મા જીવે છે... (નાનકડી એક વાત )
નાનકડી એક વાત -
એવામાં સમાજના એક શ્રીમંત ઘરમાંથી આયના માટે સામેથી માગું આવ્યું. થોડી આનાકાની પછી આયના તૈયાર થઇ. એ આશાએ કે દીકરીને પિતાનો સ્નેહ પણ મળી શકે.
આયનાનાં લગ્ન થયે સાત વરસ થયાં હતાં. આમ તો ઘરમાં કોઇ મોટા પ્રોબ્લેમ નહોતા. પણ આયના અને અર્ણવના વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. બંનેના કુટુંબની રહેણીકરણી, વિચારો, વર્તન, માન્યતાઓ બધું સાવ અલગ. આયના આધુનિક વિચારસરણીવાળા ઘરમાં મુક્ત રીતે ઉછરી હતી તેમના ઘરમાં દીકરા કે દીકરી વચ્ચે કોઇ ભેદભાવ નહોતા. પણ સાસરે થોડું અલગ વાતાવરણ હતું. વહુ માટે ચોક્કસ નીતિનિયમો હતાં. અર્ણવ પણ એમાં અપવાદ નહોતો. એની જાણ તો લગ્ન પછી જ થઇ શકી, કેમ કે લગ્ન પહેલાં બહુ મળવાનું શક્ય નહોતું બન્યું. થોડું અલપઝલપ જ મળી શકાયું હતું. એથી આયનાને અર્ણવ વિશે કે તેના વિચારો કે માન્યતાઓ વિશે જાણવાની, તેને સમજવાની બહુ તક મળી નહોતી. છતાં લગ્ન પછી જે સંજોગો સામે આવ્યા તે એણે હસીને સ્વીકારી લીધા હતા. મન સાથે, ઘર સાથે, સમાધાન કરી લીધું હતું. ખાસ કોઇ ફરિયાદ સિવાય. જીવનમાં બધાંને વત્તે ઓછે અંશે સમાધાન કરવાનું આવતું જ હોય છે ને? એવું વિચારી મન મનાવી લીધું હતું. પહેલી વાર મા બનવાનાં એંધાણ વરતાયાં ત્યારે ઘરમાં બધાં ખુશ થયાં. આયનાનાં સાસુ કહે,
"વરસો પછી, અર્ણવ પછી આટલાં વરસે ઘરમાં રાજકુંવર આવશે ને ઘર ભરાઇ જશે." આયના હસીને સહજતાથી કહે, "ને રાજકુંવરી આવશે તો? રાજકુંવર જ આવશે એવી કોઇ ખાતરી થોડી જ હોય?" "ખાતરી તો આપણે કરી લેશું ને?" "એટલે?" આયના ચોંકી ઊઠી. "એટલે એમ જ કે મારી એક બહેનપણી ડોક્ટર છે. આપણે આવતે અઠવાડિયે જ એની પાસે જઇને ચેક કરાવી લેશું." "અને દીકરી હશે તો?" આયના બોલી ઊઠી. તેના અવાજમાં એક કંપ હતો. "તો શું? એબોર્શન, એમાં વાર કેટલી? આપણાં કુટુંબમાં પહેલો તો દીકરો જ જોઇએ. દીકરીની લપ આપણે જોઇએ જ નહીં, છતાં બીજી વાર દીકરી હશે તો જોઇશું. મને તો દીકરો જ જોઇએ." "સોરી, મમ્મી, હું એમાં નથી માનતી, મારે મન મારી દીકરી હોય કે દીકરો બધું સરખું જ છે." "તારે મન જે હોય તે, આ ઘરમાં આ ઘરના રીતરિવાજ મુજબ જ થશે."
આવી વાતમાં કોઇ નિયમ થોડા જ હોય? આયનાએ પણ આ વખતે નમતું ન જોખવાનો નિર્ણય કરી લીધો હતો. આટલા સમય સુધી બધું સમાધાન તે એકલી જ કરતી આવી હતી. પણ હવે આ વાતમાં તો સમાધાન નહીં જ કરે. પોતાના સંતાનને ફક્ત દીકરી હોવાને લીધે મરવા નહીં જ દે. પોતે કોઇની દીકરી છે જ ને? સાસુ પોતે પણ શું કોઇની દીકરી નથી? એ કેમ આવી રીતે વિચારતાં હશે? દીકરી આટલી બધી અળખામણી કેમ હોતી હશે? આયના મનોમન વિચારી રહી. અને સાસુ અને પતિના લાખ સમજાવવા છતાં, ધાક, ધમકી કોઇને વશ થયા સિવાય તે મક્કમ રહી. તે તપાસ કરાવવા જ નહીં જાય, દીકરો કે દીકરી જે હશે તે. તમને ન પોસાય તો હું મારે પિયર જતી રહીશ. હંમેશ માટે આ ઘર છોડવા તૈયાર છું. પણ આ વાતમાં હું તમારા કોઇનું નહીં જ માનું. સદ્નસીબે આયના ઘર છોડીને જાય એ કોઇને કબૂલ નહોતું. અને આયનાની મક્કમતા જોઇને અંતે બધાંએ નમતું જોખ્યું. સાસુજીએ દીકરો જ આવે એ માટે અનેક માનતાઓ લીધી હતી. એમાં આયનાને કોઇ વાંધો નહોતો. એ લોકોને જે કરવું હોય તે કરે. એમાં કોઇ જ્યોતિષીએ કહ્યું કે વહુના પેટમાં દીકરો જ છે ત્યારથી તો સાસુ સાવ શાંત બની ગયાં હતાં અને હરખાઇને દીકરાની રાહ જોતાં રહ્યાં. પણ, આયનાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે બધાંનાં મોઢાં બગડયાં હતાં. પણ આયનાએ એક માએ તો દીકરીને હૈયાના હેતથી આવકારી હતી. બેટા, તારી પાસે કોઇ હોય કે ન હોય, હું તારી મા તો છું જ, મને કમને બધાંએ ધીમે ધીમે સ્વીકારી લીધું હતું અને હવે પછી દીકરો જ આવશે એવી આશા રાખી રહ્યાં હતાં. પણ કુદરતને કંઇક બીજું જ મંજૂર હતું. એક દિવસ અર્ણવને પહેલી જ વાર હાર્ટ એટેક આવ્યો. અને કોઇ કશું કરી શકે તે પહેલાં તેનો પ્રાણ નીકળી ગયો. આયના સ્તબ્ધ બની ગઈ.એ આઘાતની કળ વળે એ પહેલાં જ સાસુએ કહી દીધું.
"દીકરો હોત તો વાત જુદી હતી. તો અમે સાચવી લેત પણ દીકરીવાળી વિધવા વહુને સાચવવાનું અમારું ગજું નહીં." કહીને આયનાને હંમેશ માટે પિયર મોકલી દીધી.
આયના દીકરી સાથે પિયર આવી. સદ્નસીબે તેણે બી.એડ કર્યું હતું. તેથી તેને એક સ્કૂલમાં નોકરી મળી ગઇ અને જીવન વહેતું રહ્યું.
એવામાં સમાજના એક શ્રીમંત ઘરમાંથી આયના માટે સામેથી માગું આવ્યું. થોડી આનાકાની પછી આયના તૈયાર થઇ. એ આશાએ કે દીકરીને પિતાનો સ્નેહ પણ મળી શકે. દીકરી હજુ પાંચ જ વર્ષની હતી એથી સેટ થઇ શકે એમ વિચારી આયનાએ હા પાડી. વિનીત પણ તેની જેમ વિધુર હતો. વિનીતને ચાર વર્ષનો એક દીકરો હતો તો આયનાને પાંચ વર્ષની દીકરી હતી. બંને શિક્ષિત હતાં. આયના દેખાવે અતિ સુંદર હતી. કદાચ આયનાના દેખાવથી આકર્ષાઇને જ વિનીતે આયના વિધવા હોવા છતાં તેની સાથે લગ્ન કરવાની તત્પરતા બતાવી હતી. નહીંતર પૈસાને લીધે તેને તો કદાચ કોઇ કુંવારી છોકરી પણ મળી શકે તેમ હતી. બંનેની મુલાકાત ગોઠવાઇ. આયના ખાસ તો દીકરી પિતાના પ્રેમથી વંચિત ન રહે એ માટે જ લગ્ન માટે સંમત થઇ હતી. એ ખ્યાલ તેના મનમાં વધારે હતો. પણ વિનીતને મળી ત્યારે તેની શરત સાંભળીને તે ડઘાઇ ગઇ.
હું તમને સ્વીકારવા તૈયાર છું, પણ કોઇની દીકરીને સ્વીકારી શકું તેમ નથી.
એને પિયર રાખી શકો કે કોઇ સારી બોર્ડિગમાં મૂકીને આવી શકો તો જ,અલબત્ત, એનો ખર્ચો આપવા હું તૈયાર છું. એનો મને કોઇ વાંધો નથી.
પણ તમારે પણ એક દીકરો છે જ ને? એનું શું?
કેમ એનું શું એટલે?
એટલે એમ જ કે એને પણ તમે કોઇ બોર્ડિગમાં મૂકશો ને? કેમ એને શા માટે મૂકવો પડે? એનો બાપ જીવતો બેઠો છે. તો મારી દીકરી પણ કંઇ અનાથ નથી મિસ્ટર વિનીત, એની પણ મા હજુ જીવતી બેઠી છે.
મને તમારી શરત મંજૂર નથી. હું તમારા દીકરાને અપનાવી શકું તો તમે મારી દીકરીને કેમ નહીં? તમે પુરુષ છો અને હું સ્ત્રી છું એટલે? સોરી, મને આ શરત કે આ સંબંધ કશું કબૂલ નથી, કહેતાં આયના સડસડાટ ઊભી થઇ અને ગૌરવથી ચાલવા લાગી.
------------------------------------------------------------------------
|
No comments:
Post a Comment