શતં જીવેત શરદઃ (સો વર્ષના થાવ.)
" The rich rules over the poor, and the borrower is the slave of the lender." (Holy Bible Verses about Foolish-Proverbs 22:7)
અર્થાત્ - અમીર હંમેશાં ગરીબ પર આધિપત્ય ધરાવે છે અને દેણદાર હંમેશાં લેણદારની ગુલામી કરે છે.
====
પ્રિય મિત્રો,
જીવનદાતા ઈશ્વર સમગ્ર બ્રહ્માંડમાં સહુથી અમીર છે અને સમગ્ર જીવસૃષ્ટિ હંમેશાં તેની દેણદાર છે આ બાબતને કાળા માથાનો માનવી ઇરાદાપૂર્વક વીસરી ગયો છે. આ કારણસર જ, ઉપર બાઈબલમાં દર્શાવેલ વિચારોને અનુરૂપ હંમેશાં દરિદ્ર તથા અકારણ દેણદાર જેવી ગુલામી અવસ્થામાં સબડતા મૂર્ખ માનવીઓ માટે, મહર્ષિ શ્રીવેદવ્યાસજીએ ૧૦૦ લક્ષણ ધરાવતા `મૂર્ખ શતક`ની રચના કરી હતી..! ચાલો, આપણે લેખના પ્રારંભે આવા એક મૂર્ખ માનવીનું એક કાલ્પનિક દૃશ્ય માણીએ. સ્થળ છે, `યમરાજનો દરબાર.`
યમદૂત, એક બેફિકર જણાતા જીવને લઈને, ચિત્રગુપ્ત સમક્ષ ઉપસ્થિત થાય છે. આ જીવનું નામઠામ મેળવીને ચિત્રગુપ્ત તેના જમાઉધારના ખાતાને સાવ કોરુંધાકોડ જોઈ મૂંઝવણભર્યા સ્વરે ઉચ્ચારે છે." આ શું...! પૃથ્વી પર તું આટલાં બધાં વર્ષ રહીને આવ્યો છતાં, તેં સારું કે નરસું કાંઈ કામ જ કર્યું નથી? મારે તને કયા વિભાગમાં ફાળવવો..!"
જાણે ચિત્રગુપ્તની વાત સાંભળી ન હોય તેમ, આળસુ જીવે બેફિકરાઈ ભરી નજર ચારેબાજુ ફેરવી. ચિત્રગુપ્તે અકળાઈને ફરી સવાલ કર્યો,"અરે..! તેં સારું કે નરસું, કોઈપણ કામ કર્યું હોય તો જણાવને ભાઈ..!"
આળસુ જીવે બગાસું ખાતાં-ખાતાં કહ્યું," એક કામ કર્યું હતું. એક ગરીબ-કમજોર વૃદ્ધને, ચોર સમજીને કેટલાક ગુંડા જેવા લાગતા બદમાશ ક્રૂરતાપૂર્વક મારતા હતા, તેમને પડકારી પેલા વૃદ્ધને બચાવવાની મેં કોશિશ કરી હતી."
ચિત્રગુપ્તે ફરીથી તેની કોરીધાકોડ ખાતાવહીમાં નજર નાંખી પૂછ્યું ,"એમ..! ક્યારે?"
શાંત ભાવ સાથે, આળસુ જીવે કહ્યું," બસ, હમણાં બે મિનિટ પહેલાં જ..!"
મને ખાત્રી છેકે,ફક્ત આ એક સત્કર્મ બદલ આ આળસુ જીવની ફાળવણી અવશ્ય સ્વર્ગ વિભાગમાં કરવામાં આવી હશે..!
જોકે,ઉપર યમરાજના દરબારમાં વર્ણવ્યા તેવા કેટલાય આળસુ અને અજ્ઞાની જીવ સો વર્ષ જીવે છતાં,ધરતી પર પોતે શામાટે આવ્યા છે, તે બાબતનું જ્ઞાન સુપેરે પામી શકતા નથી..! જ્યારે એક દ્વાર બંધ થાય ત્યારે ઈશ્વર હંમેશાં બીજું દ્વાર ખોલી આપે જ છે પરંતુ, આપણે બંધ દ્વાર સામે નિહાળી એટલા શોકમગ્ન થઈ જઈએ છેકે, બીજા ખુલ્લા દ્વારની સૂધ લઈ શકતા નથી. આથી, અહીં દુઃખ એ વાતનું પણ છેકે,આપણા અસ્તિત્વના સહુથી અગત્યના ત્રણ આધાર એવા તન,મન અને જીવનના અમૂલ્ય મહત્વને, આપણે સાચા અર્થમાં સમજવાનો ક્યારેય પ્રયત્ન જ નથી કરતા. પરિણામે,તેના આધારભૂત મૂળમાં જ ઘા મારી-મારી તેને સતત ક્ષીણ કરવાના અનિષ્ટ કાર્યોમાં આપણે દેખાદેખી જોતરાઈ જઈએ છે, જે છેવટે ઈશ્વરના વરદાન રૂપે પ્રાપ્ત થયેલા આપણા લાંબા આયુષ્યના અકાલ અંતમાં પરિણમે છે.
હવે આપ જ કહો જોઉં..! આવા સંજોગોમાં, વિશિષ્ટ પ્રકારના આ આળસુ મૂર્ખ જીવોને, સો વર્ષ જીવવાના સચોટ ઉપાય મળી જાય તોપણ આ ધરતીનું શું દળદર ફીટી જવાનું..! કારણકે, તેઓ પોતાની અનૂકુળતા પ્રમાણે, અમેરિકન ચિંતક-લેખક મિ.એલ્બર્ટ હૂબાર્ડના ચિંતનને અત્યંત ગંભીરતાપૂર્વક, અનુસરે છેકે,
" જિંદગીને બહુ ગંભીરતાથી ન લેશો, તમે ક્યારેય જીવતા, સ્વર્ગે સિધાવવાના નથી."- એલ્બર્ટ હૂબાર્ડ (અમેરિકન ચિંતક-લેખક.)
જોકે, આમ છતાંય,આ સવાલ તો હજી એમ જ ઊભો છેકે, પૃથ્વી પરનો દરેક વ્યક્તિ શું, સો વર્ષ સુધી જીવી શકે? ઉત્તર આ રહ્યો," કેમ નહીં..! અવશ્ય જીવી શકે પરંતુ, જો અને જો, તેને સાચા માર્ગે જીવતાં આવડે તો..!" આમ પણ, આપણા શાસ્ત્રોમાં કેવળ શતાયુ જ નહીં પણ, અશ્વત્થામા, બલિરાજા, મહર્ષિ વેદવ્યાસજી, શ્રીહનુમાનજી, વિભીષણ, શ્રીકૃપાચાર્યજી તથા શ્રીપરશુરામજી એમ સાત પુણ્યાત્માના ચિરંજીવીપણા (અમરતા) નો સુદ્ધાં ઉલ્લેખ છે.
अश्वत्थामा बलीर्व्यासो हनुमानस्च बिभीषण: ।
कृप:परशुरामस्च सप्तैता चिरजीविन:॥ यजुर्वेद ।
कृप:परशुरामस्च सप्तैता चिरजीविन:॥ यजुर्वेद ।
યાદ રહે, જીવન (પ્રાણશક્તિ) એક પવિત્ર યજ્ઞ છે તથા આપણાં તન-મન એક પવિત્ર યજ્ઞશાળા. જીવનમાં દુશ્મનની માફક કનડતા તમામ દુર્ગુણોને રોજિંદાં યજ્ઞકાર્યમાં `સ્વાહા` કહીને ભસ્મીભૂત કરવાથી જ સો વર્ષનું દીર્ઘ આયુ ભોગવી શકાય તે નિતાંત સત્ય છે. જુઓને, કોઈપણ દેશના સૈનિક ભરતી મેળામાં તેમની શારીરિક, માનસિક તથા વ્યવહારિક ક્ષમતાનું આકરું પરીક્ષણ કર્યા બાદ જ તેમની પસંદગી સૈન્યમાં કરવામાં આવે છે ને..! તો શું સમગ્ર જીવનકાલ દરમિયાન, આપણે આપણી જાતને ઈશ્વર સમર્પિત વફાદાર સૈનિક માનીને આપણે સુદ્ધાં બેઈમાની,અહંકાર,શોષણ, વ્યભિચાર, છલકપટ, અંધવિશ્વાસ,જાતિ-જ્ઞાતિ ભેદ જેવા અનેક દુશ્મનો સામે ઝઝૂમવા કાજે આપણા તન-મન અને જીવનની ક્ષમતાને આજીવન એક સૈનિકની માફક અખંડ રાખવાની જરૂરિયાત નથી?
શતં જીવેત શરદઃ - પ્રલોભન કે પ્રતાડન?
મિત્રો, જ્યારે, આપણને કોઈ સો વર્ષ જીવવાના સચોટ ઉપાય કે અણમોલ જડીબુટ્ટી અંગે આતુરતાપૂર્વક સવાલ કરે ત્યારે, માણસ સો વર્ષ શામાટે જીવવા ઇચ્છે છે, તે જાણવાની જિજ્ઞાસા જાગે તે સાવ સ્વાભાવિક બાબત છે..! ક્યારેક પ્રશ્ન થાય કે શતાયુના આશીર્વાદ અથવા તેની મહેચ્છા શામાટે? શું આવા આશીર્વાદ કે મહેચ્છા, એક લોભામણું પ્રલોભન માત્ર છે? `કદાચ હા, થોડા ઘણા અંશે,તે પ્રલોભન પણ છે.` કારણ,માત્ર એટલું કે દીર્ઘાયુ થવાની લાયમાં માનવી પોતાના તનમન અને જીવનના (પ્રાણશક્તિના) અસ્તિત્વ તથા મહત્વને સમજવાનો ખચીત પ્રયાસ કરે..! શું, આપણા વડીલો આપણને આશીર્વાદ આપે કે,`શતં જીવેત શરદઃ`(સો વર્ષ જીવો) તે આપણા પ્રત્યેની અનન્ય લાગણી માત્ર હશે? જી નહીં..! જો આપણે શતાયુ ન ચાહતા હોઈએ તો, કોઈ પણ આશીર્વાદ આપણને આપોઆપ શતાયુ કરી શકતા નથી. એનાથી વિપરીત, આપણે સાચા હ્રદયથી શતાયુ ઇચ્છતા હોય તો, કોઈ શાપ (બદદુઆ) આપણને ૧૦૦ વર્ષ જીવતાં અટકાવી શકતો નથી. જેમ ભર સમુદ્રમાં કુશળ સુકાની જ્યારે વહાણની દિશાથી વિપરીત પવન ચાલતો હોય ત્યારે શઢને આમતેમ ફેરવી વહાણને સાચી દિશામાં દોરી જાય છે તેમ, આપણે પણ જિંદગીના વહાણના શઢને સાચી દિશામાં ફેરવીને, જીવનને સુપેરે `શતાયુ` મંજિલ સુધી અવશ્ય પહોંચાડી શકીએ છે.
જુઓને, અત્યારે પણ શરદ ઋતુનો પ્રભાવ છે. ભલભલાં તંદુરસ્ત માનવીને પછાડી દેનારી આ શરદ ૠતુમાં, જો આરોગ્યની યોગ્ય પ્રકારે કાળજી લેવામાં આવે તો, `શતં (સો), શરદઃ (શરદ ઋતુ સુધી) જીવેત (જીવો)`, વડીલોના આશીર્વચન સહુ કોઈને અવશ્ય ફળે છે. આમ તો, માનવીનું સો વર્ષ જીવવું તે કોઈ મહાન ઉપલબ્ધિ નથી કિંતુ, સો વર્ષ સુધી જીવલેણ વ્યાધિ રહિત, તંદુરસ્ત જીવવું તે જ મહત્વની ઉપલબ્ધિ ગણી શકાય. અન્યથા, શતાયુ એક પ્રતાડન બની રહે અને યાતનામય નર્કાગારનો અનુભવ થવાને કારણે, જીવતેજીવત ન તો કહેવાય કે ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય.
तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् । पश्येम शरदः शतं जीवेम शरदः शतं श्रुणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतमदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॥
(શુક્લયજુર્વેદસંહિતા. ૩૬/૨૪)
અર્થાત્ - પૂર્વ દિશામાં ઉદિત થનાર, શુભ,સ્વચ્છ,નિષ્પાપ, જગતનાં ચક્ષુ સમાન, હે સૂર્યદેવ, આપને અમારી પ્રાર્થના છેકે, અમે સહુ ૧૦૦ શરદ ઋતુ સુધી આપનાં નિત્ય દર્શન કરીએ, અમારી દૃષ્ટિ તેજોમય રહે,અમારું જીવન સો વર્ષ સુધી અખંડ રહે,અમારી કર્ણેન્દ્રિય સ્વસ્થ રહે,અમારી વાક્શક્તિ પ્રબલ રહે,અમારી કર્મેંદ્રિય તથા જ્ઞાનેન્દ્રિય પણ સો વર્ષો બાદ જેમની તેમ પ્રબલ રહે,તથા આપની આ સર્વ કૃપા સો વર્ષ બાદ પણ નીરોગી જીવન ધારણ કરી શકે.
આથી,એ પ્રમાણિત સત્ય છેકે, જે માનવી વિધ્વંસક જીવન શૈલી અપનાવી પોતાની પ્રાણશક્તિને યુવાનીમાં જ ક્ષીણ કરે છે, તેને શતાયુનાં સ્વપ્ન જોવાનો અધિકાર હરગિજ નથી. કદાચ,આ એક કિસ્સો આપણી આંખ ઊઘાડવા પૂરતો થશે..! નગરના સુંદર બગીચાના બાંકડા પર, એક ઘરડા માણસનું અભિવાદન કરી બાજુમાં બેઠેલી એક યુવતિએ તેમની લાંબી ઉંમરનું રહસ્ય જાણવા ચાહ્યું. તે માણસે કહ્યું," હું દરરોજ અત્યંત ચરબીયુક્ત ફાસ્ટફૂડ આરોગું છું. શારીરિક શ્રમ ક્યારેય કરતો નથી. દિવસનાં પાંચ પેકેટ સિગારેટ તથા મોંઘા શરાબનું સેવન પણ નિત્ય કરું છું."
યુવતિએ આશ્ચર્યચકિત થઈને ફરી પૂછ્યું,"ઓહ..! છતાં આપ આટલાં બધાં વર્ષ જીવ્યા..! માફ કરશો પરંતુ, શું હું આપની ઉંમર જાણી શકું છું?"
પેલા ઘરડા માણસે હતાશ વદન સાથે ઉચ્ચાર્યું," ગઈકાલે હું બત્રીસમાં વર્ષમાં પ્રવેશ્યો...!"
જુઓને..! કોઈની પણ સલાહ કાને ન ધરીને, આવા માણસો કાયમ લાખોની ભીડમાં પણ એકલા જીવતા હોય છે. એમ ભાસે છેકે, આ ધરતી પર તેઓ માત્ર હાજરી પુરાવવા આવ્યા છે, જીવવા માટે નહી. તો શું, તનમન અને જીવનના મહત્વને સમજ્યા વિના આપણે પણ સામે ચાલીને અકાળ વૃદ્ધત્વને ગળે વળગાડીએ છે?
શતં જીવેત શરદઃ - અણમોલ પુરસ્કાર, પરંતુ ક્યારે?
મિત્રો, કેટલીય વ્યક્તિઓ આપને એવી પણ ભટકાઈ હશે જે, કોઈપણ પ્રકારના અગત્યના મુદ્દા વગર જ, અન્ય સાથે બાથ ભીડી કિંમતી જીવન ઊર્જાને વ્યર્થ વેડફી નાંખતી હશે..! ખરેખર, આ પ્રાણ ઊર્જાને સંચિત કરીને તેનો વ્યર્થ વ્યય અટકાવવો તે આપણા જ હિતમાં છે. આ સંચિત પ્રાણ ઊર્જાની મદદથીજ ઈશ્વરે અણમોલ પુરસ્કાર સ્વરૂપે પ્રદાન કરેલ `દીર્ઘાયુ` દરેક જીવ અવશ્ય પ્રાપ્ત કરી શકે પરંતુ, તે કાજે આપણે આપણી પ્રાણશક્તિને સુપેરે સમજવી અત્યંત આવશ્યક છે. યોગશાત્રમાં વર્ણવ્યા પ્રમાણે, આપણા પગથી માથા સુધી સર્વ અંગોનું પોષણ તથા નિયંત્રણ કરનારી મધ્ય ભાગની મુખ્ય નાડી તે `સુષુમણા નાડી.` આ નાડી સાથે જોડાયેલ ભાગ તે `કુંડલિની.` જ્યારે તનમનમાં ફેલાયેલી નાડીઓ શુદ્ધ થાય અને `કુંડલિની` જાગૃત થાય ત્યારે પ્રાણશક્તિ સુખરુપ સુષુમણા નાડીમાં પ્રવેશ કરીને તનમન અને જીવનને નવી ઊર્જા પ્રદાન કરી શતાયુ બક્ષે છે. યોગશાસ્ત્ર સંપૂર્ણપણે વિજ્ઞાન આધારિત છે અને તેને નહીં માનવાને કોઈ કારણ નથી.
જોકે, વિડંબના એ છેકે, આપણી પ્રાણશક્તિના ઈંધણ સમાન રોજેરોજના ભોજનને પકાવતા અગાઉ, આપણે શાકભાજી તથા અનાજને શુદ્ધ જળથી ધોઈને સાફ કરવાનું ધ્યાન અવશ્ય રાખતા હોઈએ છે, પરંતુ, જેમ ઘણીવાર, આળસને કારણે કેટલાક આળસુ લોકો નાહવાને બદલે માત્ર હાથપગ ધોઈને માથાબોળ સ્નાનનો સંતોષ માણી લેતા હોય છે તેજ પ્રકારે, આપણા તનમન તથા સ્વજનના પાલન-પોષણ માટે આરંભાયેલા દરેક આર્થિક કાર્ય માટે આપણે દૂષિત લક્ષ્મીનો (બ્લૅક મની) વધુને વધુ આગ્રહ રાખી બાદમાં થોડું દાન કરીને પાપ ટાળ્યાનો સંતોષ પણ મેળવી લઈએ છે..! આથીજ, ધરતી ઉપર નવાસવા અંકુરિત થયેલા કુમળા છોડ સમાન નવજાત શિશુઓના બાધારહિત વિકાસ કાજે, યમરાજ નામના જમીનદાર પોતાના ખેતસેવકોને (યમદૂતને) કામે વળગાડી, આ નવજાત કુમળા છોડના મુક્ત વિકાસને અવરોધતા નીંદણનું અટલેકે, તનમન-જીવનને ન સમજી શકનારા તમામ આળસુ જીવોનું, નિરંતર નીંદણું કરાવતા જ રહે છે. સૃષ્ટિનો આ જ અફર,દૃઢ ક્રમ છે. યમદૂત નામના ખેતસેવકોની યાદીમાંથી આપણે, જો આપણું નામ ૧૦૦ વર્ષ પર્યંત રદ કરાવવા ઇચ્છતા હોઈએ તો, આટલું અવશ્ય ધ્યાન રાખીએ.
* ૬૦ વર્ષ બાદની બોનસની જિંદગીને કરકસરથી જાળવીને ખર્ચ કરીએ.* ચિંતા રહિત, કલાત્મક જીવન જીવતાં શીખીએ.* જે છે તેનો સંતોષ મન ધરીએ.* અહંકારને દૂરથી જ વંદન કરીએ.* માનસિક યાતના, ન કોઈને આપીએ, ન આપણે સ્વીકારીએ. * રોગ અને દુશ્મનથી જોજન છેટા રહીએ.* હકારાત્મક કર્મશીલ બનીએ.* નકારાત્મક વિચારો માટે મનના દ્વાર ચપોચપ ભીડી દઈએ.* વિકાર ફણગાવે તેવા ભાઈબંધ, ભોજન તથા `ભગવાન`થી (કથિત સંત-મહંતથી) દૂર રહીએ.* યાદશક્તિને નિત્ય કસરત કરાવીએ.* હતાશા ખંખેરી પ્રાતઃ રોજ નવો જન્મ ધર્યાના ભાવ સાથે આંખ ઉઘાડીએ.* તન-દુરસ્ત,મન-દુરસ્ત તો પ્રાણશક્તિ-જીવન-દુરસ્તના મંત્રને હ્ર્દયે ધરીએ.* કોઈના તરફ યથા સંભવ મદદનો હાથ લંબાવીએ.* જીવમાત્ર કાજે લાગણીની પરબ માંડીએ.* રોગમુક્તિનાં પુસ્તકોને બદલે, ભોગમુક્તિનાં પુસ્તકોનો સંગ વધારે પ્રિય સમજીએ.* વૈદ્ય-તબીબને આપણા તનમનના માલિક બનાવી આપણું શોષણ ન કરવા દઈએ.* કોઈપણ બીમારી વિના માત્ર શંકાને કારણે ઔષધ સેવન ન કરીએ.* નાનાં હોય કે મોટાં, સર્વ કોઈની સલાહ-સૂચનને કદાપિ ન અવગણીએ.*કોઈપણ વયે શારીરિક, માનસિક ઉદ્યમને તિલાંજલિ ન આપીએ.* `આપ જ મોંઘાં અને આપ લાડકવાયાં` થઈ ફુલાતા ન ફરીએ.*ચારિત્ર્ય ભ્રષ્ટ,વ્યવહાર ભ્રષ્ટ વ્યક્તિનો વિશ્વાસ ન કરીએ.* દંભ કે દેખાડાને બાય-બાય કહીએ.* પોતાની હયાતીમાં, પોતાની સ્થાવર-જંગમ મિલકત કોઈના પણ નામે ન કરીએ.* વાતવાતમાં સવાર થતા ક્રોધની લગામ કસીએ.* દેખાદેખી વ્યર્થ ઉડાઉપણું ન દાખવીએ.
`Scientific Proof That You Can Heal Yourself.`નામના જીવન ઉપયોગી પુસ્તકનાં લેખિકા ડૉ.લિસા રન્કિન (એમ.ડી.ન્યૂયોર્ક.)ના મત અનુસાર, દિવસે થોડી મિનિટની વામકુક્ષિ જીવનને નવું જોમ બક્ષે છે. આપણા ઘણા મિત્રો માટે તો આ મનગમતી સલાહ છે..! આ ઉપરાંત, *પૌષ્ટિક આહાર લઈએ.* શરીરને સપ્રમાણ રાખીએ.* સ્વજનોની સંભાળમાં રહીએ.* જરૂર પૂરતું જ જમીએ.* યોગ-મેડીટેશન તથા કસરતને પ્રાધાન્ય આપીએ.* સતત મનગમતી પ્રવૃત્તિમાં કાર્યરત રહીએ.* સામાજિક સંપર્ક વધારીને એકમેકની હૂંફ પ્રાપ્ત કરીએ.* સત્કર્મ હેતુલક્ષી અભિગમ અપનાવીએ.* દિવસ દરમિયાન એકાંતમાં થોડી અંગત પળ માણીએ.* વાસ્તવિક અધ્યાત્મવાદી બનીએ.* સંખ્યામાં થોડા પરંતુ, સ્વભાવે ઉમદા હોય તેવા મિત્રો બનાવીએ.* સદૈવ આનંદિત રહી અન્યને પણ આનંદમાં તરબોળ કરીએ.
મિત્રો, અમૂલ્ય માનવજીવન એક સુંદર તક છે કિંતુ, કેવળ આ તક મળવાથી જ આપણે શતાયુના હક્કદાર નથી થઈ જતા. હા કદાચ, આવી તકને ચૂકી જવાને કારણે વૈરાગ્યના હક્કદાર જરૂર થઈએ છે..! આપને ઉજ્જનના પ્રસિદ્ધ મહારાજા વિક્રમાદિત્યના જેષ્ઠ ભ્રાતા, રાજા ભર્તૃહરિની કથા યાદ હશે જ. તેઓ પણ હાથ આવેલી તક ચૂકી ગયા અને અંતે વૈરાગના પંથે ચાલી નીકળ્યા. ઉજ્જનના મહારાજા ભર્તૃહરિના લલાટે કંડારાયેલા એક મહાન સંતના લક્ષણોને પારખી ગયેલા સમર્થ ગુરુ ગોરખનાથે, સ્ત્રીઓના તથા રાજપાટના મોહમાંથી મુક્તિ અપાવવા, દીર્ઘાયુ યુવાન તથા નીરોગી રાખીને અમરતા પ્રદાન કરનારું એક અમરફળ રાજા ભર્તૃહરિને આપ્યું. રાજા ભર્તૃહરિએ આસક્તિને વશ થઈ,ફળની વિશેષતા જણાવીને, પોતાની અત્યંત સુંદર રાણી પિંગલાને ફળ આરોગવા આપ્યું.જોકે રાણી પિંગલા રાજ્યના એક રાજસેવકને પ્રેમ કરતી હોવાથી, પોતાના પ્રેમીને અમર કરવા તે ફળ તે પ્રેમીને આપ્યું. અમર થવાના ભેદ ફોડીને રાજસેવકે તે ફળ પોતાને પ્રિય એવી રાજનર્તકીને આપ્યું. રાજા ભર્તૃહરિને ધર્માત્મા તથા પ્રજાવત્સલ હોવાનું માનતી રાજનર્તકીએ તે ફળ ફરીથી રાજા ભર્તૃહરિને આપ્યું. રાજા પોતાનું જ અમરફળ ફરી પોતાની પાસે આવતાં આઘાતથી સન્ન થઈ ગયા. છેવટે તપાસ કરાવતાં, તમામ વરવી વાસ્તવિકતા નજર સામે આવતાંજ રાજા ભર્તૃહરિને સંસાર પરત્વે મોહભંગ થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ગુરુ ગોરખનાથના શરણમાં પહોંચી ગયા એટલુંજ નહીં રાણી પિંગલાના અઠંગ પ્રેમી તરીકે `શૃંગાર શતક`, નીતિવાન રાજા તરીકે,`નીતિ શતક`ના ૧૦૦-૧૦૦ શ્લોક લખનારા વૈરાગી ભર્તૃહરિએ, `વૈરાગ શતક` નામથી પણ ૧૦૦ શ્લોક લખ્યા. જે આજે પણ પઠન-મનન કરવા લાયક છે.
યેષાં ન વિદ્યા,ન તપો,ન દાનં,જ્ઞાનં,ન શીલં,ન ગુણો,ન ધર્મ:|
તે મર્ત્યલોકે ભુવિ ભારભૂતા, મનુષ્યરૂપેણ મૃગાશ્ચરન્તિ ||
અર્થાત્ - જે વિદ્યાપ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરે, ન તપ કરે, ન દાન આપે, ન જ્ઞાન કેળવે, ન શીલ સાચવે, ન સદ્ગુણ કેળવે, ન ધર્માચરણ કરે. આવા માનવ, મૃત્યુલોકમાં ઘરતી પર એક બોજ સમાન ગણાય તથા તે મનુષ્ય રૂપ હોવા છતાં જાનવર સમાન છે.
જુઓ, નીતિશતક જેવા પઠનીય-મનનીય શ્લોક રચનારા વિદ્વાન રાજા ભર્તૃહરિએ, શતાયુ-અમર `જિંદગી` નામની પ્રિયતમાને આકંઠ ચાહવાને બદલે, રાણી `પિંગલા` નામના હાડમાંસના માળખાને મોહાંધ પ્રેમ કર્યો, તેના વિપરીત પરિણામનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
મિત્રો, આ કથા પરથી આપણે એ ધડો લેવો રહ્યોકે, ભલેને જીવનનાં કેટલાંક પ્રકરણ દુઃખમય તથા કેટલાંક આનંદમય હોય પરંતુ, તે સર્વે એકઠાં મળીને જ તો એક મહાન જીવનગ્રંથ બને છે. ખરુંને..! આપણને પણ રાજા ભર્તૃહરિની માફક ઈશ્વરે તનમન અને જીવન નામનું `અમરફળ` જન્મતાં જ અર્પીને, ઈશ્વરના અંશ સ્વરૂપે નિષ્કામ સત્કર્મની આરાધના કાજે, ધરતી પર મોકલ્યા છે.જેમ કાચ અને મણિ દેખાવમાં એકસરખા ભાસે છે છતાં, તેના ગુણ તથા મૂલ્યમાં ઘણો તફાવત હોય છે તેમ, આપણે માનવ થવું કે જાનવર તે આપણા જ હાથની બાબત છે.
જોકે,એ બાબત અલગ છેકે, મોટાભાગના માનવ જિંદગીની અપાર મહત્તાને સહેજ પણ પારખ્યા વગર, તેઓના જેવા જ અજ્ઞાનીઓની મધ્યે, આ અલૌકિક અમરફળને નધણિયાતા ફૂટબોલની માફક આમતેમ ઉછાળવા સોંપીને અંતે પેટભરીને પસ્તાય છે..!
શતાયુ ૨૦૧૩નો `ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ.`
પરમ સત્ય એ છેકે, આજથી જ આપણે જિંદગીને આપણી સહુથી પ્રિય મિત્ર માની લેવી જોઈએ. કારણકે, આપણે જેઓને પોતાના સ્વજન અથવા મિત્ર માનીએ છે તે સહુ આપણી નજર સામેથી આઘાપાછા થઈ, ખરા સંકટ સમયે આમતેમ સરકી જઈ શકે છે પરંતુ એકમાત્ર જિંદગી નામની વફાદાર મિત્ર જ આપણા છેલ્લા શ્વાસ સુધી સુખ-દુઃખમાં આપણો સાથ નિભાવે છે.
અમેરિકન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લેખક તથા તબીબ ડૉ.વૉલ્ટર માઇકલ બોર્ટ્ઝ, કે જેમણે ૧૦૦ વર્ષના દીર્ઘાયુ વિષય પર ઘણું સંશોધન કરેલ છે, તેઓનું તારણ છેકે," આપણી બૂરી આદતો જ આપણને ૧૦૦ વર્ષ જીવતાં અટકાવે છે." સાવ સાચી વાત..! આપણા શરીરમાં સ્થાપિત કુલ-૩૫,00,000 કરોડ કોષ (Cells)ને યોગ્ય રીતે સાચવ્યા વિના આપણે શતાયુ ભોગવવાની કલ્પના કેવી રીતે કરી શકીએ..! આમતો,આપણા જેવા વિકાસશીલ દેશમાં સરાસરી આયુ ૭૫ વર્ષ માનવામાં આવે છે.પરંતુ,દેશમાં પર્યાવરણ તથા આરોગ્યલક્ષી સવલતના અભાવને કારણે આપણે ત્યાં નિશ્ચિત આયુષ્યની ચોક્કસાઈ કરવી અત્યંત કઠિન કાર્ય છે. આમ છતાં,તાજેતરમાં કાશ્મીરના ફિરોઝ-અન-દીન-મીર નામની વ્યક્તિએ તા.૧૦ માર્ચ.૧૮૭૨ના સરકારી જન્મ પ્રમાણપત્રના પુરાવા સાથે પોતે હાલ ૧૪૧ વર્ષની વયે પણ જીવિત હોવાનો દાવો કરેલ છે. આ અગાઉ, આપણા દેશમાં મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના તલકેસરી ગામના એક ખેડૂત નામે પરસરામ ગુર્જર, ૧૨૫ વર્ષ આયુના (૧૮૮૬-૧૯૧૧) દેશમાં સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ મનાતા હતા, એટલુંજ નહીં, તેઓને તા.૧ ઑક્ટોબર ૨૦૧૧ના રોજ,`વિશ્વ વડીલ દિન` નિમિત્તે, સરકાર દ્વારા `શતાયુ` સન્માન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
જોકે, ૨૦૧૩ના `ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ` મુજબ, વિશ્વના સૌથી વધુ વય ધરાવતા હયાત વ્યક્તિ હોવાનો વિશ્વવિક્રમ, ન્યૂયોર્કના ગ્રાન્ડ આઈસલેન્ડ પરગણાના મિ.સલિસ્ટીયાનો સાંચેઝ (આયુ-૧૧૨ વર્ષ.), ધરાવે છે.
બ્રિટનના `The Independent News` દૈનિક અખબારના (તા.૦૪-સપ્ટેમ્બર ૨૦૧૩ના) એક અહેવાલ મુજબ,વિશ્વના સૌથી વયોવૃદ્ધ માનવી તરીકે,`ઈશાન આફ્રિકા`ના `ઈથોપિયા`માં `ડાકૉબા એબા` (Dhaqabo Ebba) નામના એક નિવૃત્ત ખેડૂતની ઉંમર ૧૬૦ વર્ષ નોંધાઈ છે, જેનો જન્મ સન-૧૮૫૦માં થયો હતો.
ઈથોપિયાની રાજ્યાશ્રિત ટીવી ચેનલ` ઑરોમિયા ટીવી` પર આ વયોવૃદ્ધ ખેડૂતનો અડધો કલાકનો ઇન્ટરવ્યૂ પણ પ્રસારિત થયેલ છે. ત્યાંના વિખ્યાત પત્રકાર મોહમ્મદના જણાવ્યા અનુસાર જો તેનું પ્રમાણપત્ર મળી આવશે તો તે, ફ્રાન્સના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ જિન કૅલમન્ટનો (Jeanne Calment. ૧૮૭૫-૧૯૯૭.) ૧૨૨ વર્ષ-૧૬૪ દિવસના વિક્રમી આયુનો રેકૉર્ડ પણ ભંગ થશે.
વિશ્વના વિકસિત દેશો માટે એક આનંદના સમાચાર છેકે, તાજેતરમાં ડેન્માર્કમાં થયેલા એક સંશોધન પ્રમાણે, સન-૨૦૦૦ બાદ જન્મેલી વ્યક્તિઓને શતાયુ પ્રાપ્ત થવાની સંભાવના સૌથી અધિક છે તથા તેઓ ૭૦ વર્ષની ઉંમર સુધી નિવૃત્તિનું નામ પણ નહીં ઉચ્ચારે..! આવી ૧૦૦ વર્ષ ની આયુ એ પહોંચનાર વ્યક્તિને, સેન્ટેનેરિયન `Centenarian` કહે છે. ૧૧૦ વર્ષ કે તેથી વધુ વય પસાર કરનાર વ્યક્તિને સુપર સેન્ટેનેરિયન કહે છે. વિકસિત દેશોમાં સેન્ટેનેરિયનનું પ્રમાણ દર હજારે માત્ર એક વ્યક્તિનું હોય છે.
આપણા હ્રદયની માંસપેશીઓમાં પ્રાણવાયુના પ્રવાહની માત્રા જેને `VO2max` મૂલ્ય કહે છે, તે ઉંમર વધવાની સાથે ક્રમશઃ ઘટતી જાય છે.સ્વસ્થ જીવનરીત અપનાવીને જો આ `VO2max` મૂલ્યની માત્રાને જાળવી રાખવામાં આવે તો તે વ્યક્તિ ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષ જીવી શકે છે. `VO2max` મૂલ્યની ગણતરી ટ્રેડમીલ દ્વારા માપી શકાય છે. વિશ્વ જનગણના અહેવાલ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં છેલ્લા ૩૦ વર્ષોમાં શતાયુ વ્યક્તિઓની ટકાવારી ૬૫.૮ નોંધાઈ છે. જેમાં, પુરુષ કરતાં સ્ત્રીઓમાં VO2max ની માત્રા ૨૦% ઓછી હોવા છતાં, ૮૨.૮% સ્ત્રીઓ શતાયુ છે. જ્યારે, પુરુષનું પ્રમાણ માત્ર ૨૦.૭ છે. જે વ્યક્તિમાં ૬૦+ બાદ પણ VO2max ની માત્રા ૪૪.૨% જેટલી જળવાઈ રહે તે વ્યક્તિ ૧૦૦ વર્ષ કરતાં વધારે જીવિત રહી શકે છે. આ ઉંમરે VO2max ૨૫.૦ % માત્રા કરતાં ઓછી હોય તો તે જીવન માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે.
જાણવા જેવું -
અબ્રાહમ લિંકને કહ્યું છે,"આપણે એટલા જ સુખી થઈ શકીએ છે, જેટલો આપણે મનથી દ્રઢ સંકલ્પ કરી શકીએ." ચાલો ત્યારે આપણે સુદ્ધાં,`જાગ્યા ત્યારથી સવાર` ન્યાય અનુસાર, શતાયુની સંક્લ્પનાને સાકાર કરવા કાજે, આજથી જ દ્રઢ નિશ્ચય કરીએ. સમગ્ર વિશ્વમાં એવાં અગણિત ઉદાહરણ છે, જેમાં અનેક મહાન નરનારીઓ સાવ નાની ઉંમરે અકાલ મૃત્યુને વર્યા હોવા છતાં, તેઓએ માનવજાત તથા સૃષ્ટિના હિત કાજે કરેલાં અપ્રતિમ કાર્યોથી ઇતિહાસમાં અમરતાને વર્યા છે. આપણા દેશમાં પણ અનેક ફ્રીડમ ફાઇટર યુવાનીમાં જ શહીદ થયા, તે શતાયુ ન ભોગવી શક્યા છતાં, તેઓના કામ તથા નામથી અમર છે જ. ખરેખર સત્ય એ છેકે, આપણે કેટલું લાં...બું જીવીએ છે, તે બાબત મહત્વની નથી પરંતુ, કેવું સા..રું જીવન જીવીએ છે તે મહત્વનું છે. દેશપ્રેમી સર્વે મહાન આત્મા પાસે પણ, આપણી માફક આંસુ સારવાનાં અનેક કારણો હતાં, છતાં તેઓ આપણને દુઃખમાં પણ હસતા રહેવાનો સંદેશ પાઠવતા ગયા.ચાલો, આપણે વિશ્વમાં `શતાયુ` અંગે કેવી સ્થિતિ પ્રવર્તે છે તે વિગત પર જરા એક નજર કરી લઈએ.
આંતરરાષ્ટ્રિય સંસ્થાન યુ.એન. ના જુલાઈ-૨૦૧૩ના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં કુલ-૩,૧૬,૬૦૦ હયાત વ્યક્તિઓ શતાયુ છે. જાપાનમાં દર-૧,૦૦,૦૦૦ વ્યક્તિએ ૩૪.૮૫ વ્યક્તિઓ શતાયુ છે. ત્યારબાદ ફ્રાન્સ- ૨૭.૦૧, થાઈલેન્ડ-૨૬.૮૦, સ્પેઈન-૨૬.૪૪, કેનેડા-૨૨.૩૧, ઈન્ગ્લેડ ૨૦.૯૭ અને છેલ્લે અમેરિકા- ૧૭.૩શતાયુ છે. સ્વીડનમાં `Tjikko` નામનું વૃક્ષ હાલ ૯૫૫૦ વર્ષ જુનું હોવા છતાં અડીખમ છે. આપણો કબીરવડ પણ શતાયુ છે. સામાન્ય ઉંદરનું આયુષ્ય ૪ વર્ષ હોય છે. કૂતરાં- ૨૯ વર્ષ; બિલાડી-૩૮ વર્ષ; રીંછ-૪૨ વર્ષ; ઘોડા-૬૨ વર્ષ તથા હાથીનું આયુષ્ય ૮૬ વર્ષ જેટલું હોય છે. સહુથી વધારે કાચબાનું આયુષ્ય ૧૯૦ વર્ષ જેટલું હોય છે.
નવાઈની વાત છેકે, જો અબોલ વૃક્ષ તથા સ્થળચર-જલચર જીવો શતાયુ જીવી શકતા હોય તો તેમના કરતાં અનેક પ્રકારે શ્રેષ્ઠ એવો માનવી, તેને પોતાને જીવનની અગત્યતા સમજ આવે ત્યારથી, દર દસ વર્ષના ગાળાના ઉમદા આયોજન સાથે જીવન પદ્ધતિમાં સુયોગ્ય ફેરફાર કરે તો ૧૦૦ વર્ષનું તંદુરસ્ત જીવન સહેજ પણ અશક્ય બાબત નથી. સત્ય તો એ છે, આપણે આપણી જાતને એટલો અનહદ પ્રેમ કરવા લાગ્યા છેકે, આપણે આસપાસ દૃશ્યમાન સૃષ્ટિને સુદ્ધાં પ્રેમ કરવો જોઈએ, તે જ્ઞાન આવતાં પહેલાં મૃત્યુશય્યાને આધીન થઈએ છે. આપણે આપણા વહાલાં સ્વજન,મિત્રો, જિંદગીનું સુખચેન ગુમાવી દઈએ ત્યારબાદ જ આપણે તેઓની કિંમત સમજીએ છે અને ત્યારે અત્યંત મોડું થઈ જવાને કારણે પાછળથી પેટ ભરીને પસ્તાઈએ છે..!
મિત્રો, શતાયુ પાર થવા માટેના રસ્તા સાવ સરળ છે તેતો આપણે જોયું પરંતુ, તે રસ્તા સાવ સસ્તા હરગિજ નથી. શું આપણે કાંઈક મેળવવા કાજે, ઘણું બધું ત્યાગ કરવા તૈયાર છે ખરા? જે માણસ અમૂલ્ય જિંદગીને લાંબો વિચાર કર્યા વિના સાવ હસવામાં કાઢી નાંખે છે તેને જિંદગી અંતમાં હંમેશ ચોધાર રડાવે છે.
ગુજરાતના આદરણીય સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રીજ્યોતીન્દ્ર દવેસાહેબના બ્લૉકબસ્ટર પુસ્તક,`જ્યોતીન્દ્ર તરંગ`માં, તેઓને કોઈએ છેતરીને પકડાવી દીધેલી ખોટી બે આની, લેખકશ્રી વટાવવા માટે કરિયાણાવાળા મોદીને આપે છે ત્યારે, મોદી અર્ધ તિરસ્કૃત અવાજે તે ખોટો સિક્કો તેમને પરત કરે છે. યમરાજના દરબારમાં ચિત્રગુપ્ત નામના મોદી, અર્ધ તિરસ્કૃત અવાજે, આપણને પણ ખોટી બે આનીમાં ખપાવી નરકાગારમાં ધકેલી દે, તે પહેલાં ચેતી જવા જેવું ખરું..! ચાલો, સન-૨૦૧૪ના નવા વર્ષના શુભારંભે આજે જ નક્કી કરી લઈએ. આપણે શતાયુ મંત્ર આત્મસાત્ કરવો છેકે પછી આ તકને હાથમાંથી સરી જવા દઈ ખોટા સિક્કામાં ખપી જવું છે..! હા મિત્રો, નક્કી તો આપણે જ કરવાનું છે.
સર્વ પાઠક મિત્રોને શતાયુ હાર્દિક શુભેચ્છાસહ, શત-શત તંદુરસ્ત અભિનંદન.
Wish you`Shatayu` & Happy Long life.
Wish you`Shatayu` & Happy Long life.
માર્કંડ દવે.તા.-૦૧-૦૧-૨૦૧૪.
--
__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment