[Fun_4_Amdavadi_Gujarati] ગાંધી બ��પુને યા��� કરવાની સીઝન....

ગાંધી બાપુને યાદ કરવાની સીઝન....
અમેરિકામાં એકવાર 'સ્પીરો ટી. એગન્યુ' નામના એક લગભગ અજ્ઞાત રાજકારણી ઉપરાષ્ટ્રપતિપદ માટે ઊભા રહ્યા. અમેરિકામાં ભાગ્યે જ કોઈએ એમનું નામ સાંભળ્યું હતું. તરત જ ત્યાંનાં છાપાંઓમાં રમૂજમાં પૂછાવા માંડયું : 'સ્પીરો..હૂ?' (સ્પીરો કોણ?) પછી તો 'સ્પીરો હૂ' ચૂંટાયા અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા (અને પૈસા ભેટ લેવાના આરોપ નીચે એમને ત્યાગપત્ર પણ આપવું પડયું. એ આડવાત છે).

અજ્ઞાત માણસની મજાકરૃપે આ પ્રયોગ હવે પ્રસિદ્ધ થઈ ગયો છે. ગાંધીજીને સદેહે જોયા હોય એવા મારા જેવા બૂઢીયાઓ હજી જીવે છે. એ 'દીનબંધુ' હતા. દીનબંધુ એટલે ગરીબોના બેલી! એમના સંપર્કમાં ચિત્તરંજન દાસ જેવા એ સમયના અત્યંત ધનાઢય માણસો આવ્યા અને ખાદીનાં કુર્તા-ધોતિયાં પહેરીને 'દેશબંધુ' થઈ ગયા. હવે દીનબંધુ કે દેશબંધુ રહ્યા નથી અને મોહનદાસ ગાંધી પણ રહ્યા નથી!
ઉત્તમચંદ ગાંધીના પુત્ર કરમચંદ ઉર્ફે કબા ગાંધીની ચોથી વારની પત્ની પૂતળીબાઈના પુત્ર મોહનદાસે આખી જિંદગી થર્ડ ક્લાસના ડબાઓમાં પ્રવાસ કર્યો. (એ વખતે હિન્દુસ્તાની ટ્રેનોમાં ફર્સ્ટ, સેકન્ડ, ઈન્ટર અને થર્ડ એમ ચાર વર્ગ હતા. થર્ડ ક્લાસ સૌથી કનિષ્ઠ વર્ગ હતો) સરોજિની નાયડુ હસીને કહેતાં કે બાપુને થર્ડ ક્લાસમાં પ્રવાસ કરાવવો અમને બહુ મોંઘો પડી જાય છે! શા માટે? કારણ કે દરેક સ્ટેશને હજારો ભારતવાસીઓ બાપુનાં દર્શન માટે ઊમટી પડતા.
એ લોકો મોટરોમાં નહીં, પણ માઈલો દૂરથી ચાલતાં કે ગાડાંમાં આવતા. અહમદ પટેલે સ્વયં મોહનદાસ ગાંધીએ પ્રબોધેલા સિદ્ધાંતો અને મૂલ્યોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને થર્ડ ક્લાસ તો નથી, પણ આજના સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવો જોઈએ! સ્ટેશનો પર ભીડ નહીં થાય અને જે આવશે એ પોતપોતાની મારુતિ કે ફિયાટ કે સરકારી જીપો-વેનોમાં આવશે, એટલે ગાંધીજીને પડી હતી એવી 'તકલીફ' એમને નહીં પડે.
ગાંધીજીના જીવનમાંથી કયા સિદ્ધાંતો અને મૂલ્યો શોધીશું? ગાંધીજી લંડનમાં 'રોમન લો' લેટિનમાં ભણ્યા હતા. ૧૯૨૨માં જેલમાં બયાન આપતાં એમણે કહ્યું હતું કે મારો વ્યવસાય ખેડૂતનો અને વણકરનો છે. ૬૦ વર્ષે ર૪ દિવસમાં ર૪૧ માઈલ ચાલીને એમણે દાંડીકૂચ કરેલી. એ વખતે નિમક પરનો કર દરેક હિન્દુસ્તાનીના ભાગે વર્ષે ફક્ત પાંચ પૈસા આવતો હતો!
સાદગી કહો કે દેશપ્રેમ કહો, પણ ફાંસી પહેલાંના અંતિમ ચાળીસ દિવસ ભગતસિંહે અંગ્રેજી સરકારનો નિમક વિનાનો ખોરાક ખાધો હતો! વાત સિદ્ધાંતની હતી, વાત મૂલ્યની હતી...
ગાંધીજીની તબિયત બગડી એટલે કસ્તૂરબાની સલાહથી ગાંધીજીએ બકરીનું દૂધ પીવાની શરૃઆત કરી (બાય ધ વે, કસ્તૂરબા એ ગાંધીજીનાં બા નહીં, પણ ધર્મપત્નીનું નામ છે). એકવાર મદુરાઈમાં એક સભામાં એક વિદ્યાર્થીએ શિકાયત કરી કે ખાદી બહુ મોંઘી પડે છે એટલે ગાંધીજીએ ઉત્તર આપ્યો, 'ખાદી મોંઘી લાગતી હોય તો ઓછાં કપડાં પહેરવા'. એ સભામાંથી ઘેર આવીને ગાંધીજીએ કહ્યું, 'હવે હું એક 'લોઈન-ક્લોથ (પોતડી) જ પહેરીશ'. અહમદ પટેલે હાકલ કરી છે એ બરાબર છે : શક્ય એટલી સાદગીથી જીવો!'
એકવાર એક સભામાં એક ગરીબ વૃદ્ધાને અત્યંત ગંદી સાડીમાં જોઈને ગાંધીજીએ સ્વચ્છતા વિશે ટકોર કરી. ગરીબ ડોશીએ કહ્યું કે એની પાસે એક જ સાડી છે! આ ભયાનક ગરીબીએ ગાંધીજીની આંખો ખોલી નાંખી. એમણે કોટ, પાઘડી, ટોપી, કુર્તા આદિનો ત્યાગ કરીને ધોતી અને ચાદર અપનાવી લીધાં.
ગાંધીજી ક્યારેય અમેરિકા ગયા નહોતા.
ગાંધીજીના સિદ્ધાંતો અનુસરવાની હાકલ કરવામાં એક ભયસ્થાન પણ છે. ગાંધીજીએ કેટલું બધું લખ્યું છે એ ગાંધીવાદીઓને પણ ખબર નથી! ૧૮૯૮માં ગાંધીજીએ હિન્દુસ્તાની માટે 'ગાઈડ ટુ લંડન' લખી હતી, અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ એમની હત્યા થઈ ત્યાં સુધી એ પ્રવૃત્ત રહ્યા હતા.
બે હાથે લખી શકતા હતા. એમના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના 'એ'થી 'ઝેડ' સુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે.
ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો માટે હિંદ સ્વરાજ 'ઈન્ડિયન હોમરૃલ' નામનું લગભગ ભૂલાયેલું પુસ્તક જોવું પડશે. 'ઈન્ડિયન ઓપિનિયન'માં એ ધારાવાહિક પ્રકટ થયું હતું. લેખક અને વાચક વચ્ચેના સંવાદરૃપે! ગાંધીજીએ ૧૪મી ઓક્ટોબર, ૧૯૦૯ને દિવસે એચ.એસ. પોલોકને લખેલા પત્રમાં 'હિંદ સ્વરાજ' વિશેનો સારસંક્ષેપ પોતાના શબ્દોમાં જ આપ્યો છે. પુસ્તકમાં પણ એમના વિચારો ફેલાયેલા છે.
ગાંધીજી પાર્લમેન્ટને 'વાંઝિયણ અને વેશ્યા' કહે છે. એમનું કહેવું છે કે વકીલોએ ભારતને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યું છે. હોસ્પિટલો પાપને ટકાવી રાખવા માટે છે. મશીન એ સૌથી મોટું પાપ છે, એનાથી ઘણાં દૂષણો ઉત્પન્ન થાય છે. આધુનિક સંસ્કૃતિનું પ્રતીક છે. ગાંધીજીના મતે મનુષ્યશરીર એ સર્વશ્રેષ્ઠ મશીન છે.
ગાંધીજીએ સ્વયં પોલોકને લખેલા સંક્ષેપમાં આ વિશે સ્પષ્ટતાઓ છે. મુંબઈ, કોલકતા અને અન્ય નગરો પ્લેગનાં કેન્દ્રો છે. અંગ્રેજો ભારત પર રાજ ચલાવતા નથી, પણ આધુનિક સંસ્કૃતિ રાજ ચલાવી રહી છે - રેલવે, ટેલિગ્રાફ, ટેલિફોન અને આધુનિક શોધો દ્વારા! મેડિકલ સાયન્સ એ 'બ્લેક મેજિક'નો અર્ક છે.
ઉચ્ચ કક્ષાની મેડિકલ ક્ષમતા કરતાં તો ઊંટવૈદું (ક્વેકરી) વધારે સ્વીકાર્યું છે. હોસ્પિટલો શયતાનનાં ઉપકરણો છે. જાતિગત રોગો (વેનીરીઅલ ડીસીઝીસ) માટે હોસ્પિટલો ન હોત તો આપણામાં એ રોગો પણ ઓછા હોત. રેલવે, ટેલિગ્રાફ, હોસ્પિટલો, વકીલો, ડૉકટરો અને એમના જેવા બધાએ જવું પડશે અને તથાકથિત બધા જ ઉચ્ચ વર્ગોએ સભાન થઈને ર્ધાિમક અને સાદું જીવવું પડશે. ભારતે મશીનોમાંથી બનેલાં કપડાં નહીં પહેરવાં જોઈએ, એ મશીનો યુરોપિયન હોય કે ભારતીય હોય, બંને વર્જ્ય છે.
ગાંધીજીના વિચારોને અનુસરવાનું કહેવું એક ખતરનાક ધંધો છે. ગાંધીજીના સેક્સ વિશેના વિચારોથી જવાહરલાલ નેહરુ પણ ચમકી ગયેલા! સપ્ટેમ્બર, ૧૯૧૯માં ગાંધીજીએ 'નવજીવન' શરૃ કર્યું ત્યારે 'અમારો ઉદ્દેશ' નામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એક લીટી આ પ્રમાણે હતી : '...જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિંદની શુદ્ધ સેવા કરી શકું.'
ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્ય સભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે!
ગાંધીજી વિશે વિદેશી પત્રકારો અને વિચારકોએ હંમેશાં લખ્યું છે અને આદરભાવથી લખતા રહ્યા છે. જ્હોન ગંથરે 'ઈનસાઈડ એશિયા'માં લખ્યું છે : એ માણસે કિસ્મત સામે યુદ્ધ કર્યું.. અને જે કિસ્મતથી પણ વધારે સમર્થ છે એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે યુદ્ધ કર્યું (પૃષ્ઠ ૩૮૪). એ એક અસામાન્ય આપખુદશાહ છે, જે પ્રેમથી રાજ ચલાવે છે (પૃ. ૩૮૪). આત્મકથાને અંતે મિ. ગાંધી લખે છે કે મારે મારી જાતને શૂન્ય બનાવી દેવી છે. જ્હોન ગંથરે ચીનની માઓત્સે તુંગની 'લોંગ માર્ચ' અને ગાંધીજીની દાંડીકૂચની તુલના કરી છે. એ લખે છે : (ગાંધીજીની) દાંડીકૂચ, એ ચીનના રેડ આર્મીની 'લોંગ' માર્ચના એક અપવાદને બાદ કરી દઈએ તો આધુનિક ઈતિહાસની સૌથી યશસ્વી ઘટના હતી. દાંડીકૂચને અંતે ગાંધીજીએ કહ્યું હતું : હું કુત્તાને મૌતે મરીશ, મારાં હાડકાં કુત્તાઓ ચાટી જાય એ કબૂલ છે, પણ હું તૂટેલો, ભગનહ્ય્દય પાછો નહીં આવું! અંતે પૃષ્ઠ ૪૦૯ પર પત્રકાર જ્હોન ગંથર ગાંધીજીને અંતિમ અંજલિ આપે છે : અને કેવી ભવ્ય, જાજ્વલ્યમાન કારકિર્દી (ગાંધીજીની) હતી! એમની મહાનતમ સિદ્ધિ એ છે કે એમણે હિન્દુસ્તાની પ્રજાને નવો સ્પિરિટ, નવી એકતા આપ્યા. એમનો ઈશ્વર, જે પણ હોય, જ્યારે ગાંધી આવશે ત્યારે એનો બહુ પ્યારથી સ્વીકાર કરશે.
ડેલ કાર્નેગીના 'હાઉ ટુ સ્ટોપ વરીયિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ'માં પ્રાર્થના વિશે એક પ્રકરણ છે અને એમાં ડેલ કાર્નેગીએ ગાંધીજી અને એમની પ્રાર્થનાસભાઓ વિશે બહુ અહોભાવથી લખ્યું છે. ગાંધીજીનું એક ઉદાહરણ પણ ટાંક્યું છે : હું પ્રાર્થના ન કરતો હોત તો ક્યારનોય મરી ગયો હોત! નેપોલિયન હીલની થિંક એન્ડ ગ્રો રિચ એક એવી કૃતિ છે, જેણે લાખો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. એમાં નેપોલિયન હીલે બે પાનાં ગાંધીજી વિશે લખ્યાં છે અને તે બે પાનાં ખૂબ જ પ્રશંસાત્મક છે. શ્રદ્ધા (ફેઈથ)નો વિજય જોવો હોય તો ગાંધીજીનું જીવન જુઓ! આ નિઃશસ્ત્ર, નાના માણસે બ્રિટિશ મહાસત્તા સામે શ્રદ્ધાથી કેટલી વિરાટ અને અહિંસક સેના ઊભી કરી છે... જે સેના માટે લાખો ડોલર ખર્ચ્યા હોત તો પણ નિષ્ફળ જાત.
લૂઈ ફિશરે હિન્દુસ્તાન આવીને ગાંધીજી સાથે સેવાગ્રામમાં રહીને ગાંધીજી વિશે એક પુસ્તક લખ્યું હતું, પર્લ બક અને એડગર સ્નોએ ગાંધીજી વિશે ભાવુક આદરથી લખ્યું છે. નવેમ્બર ૧૩, ૧૯૫૦ 'ટાઈમ' સાપ્તાહિકે જ્યોર્જ બર્નાર્ડ શોને અંજલિ આપતા નોંધ કરી હતી : એ અર્થશાસ્ત્રના ગાંધી બની ગયા! અને કદાચ સૌથી પ્રવાહી આદરાંજલિ 'રાષ્ટ્રપિતા' પુસ્તકના આમુખમાં જવાહરલાલ નેહરુએ આપી છે, જે હિંદી પત્રિકા 'આજકાલ'ના ઓક્ટોબર, ૧૯૫૦ના અંકના બાવનમા પૃષ્ઠ પર છે (એ અંજલિ નેહરુના શબ્દોમાં) હર જગહ ગાંધીજી કા નામ પહૂંચા થા, ગાંધીજી કી શોહરત પહૂંચી થી. ગૈરોં કે લિયે ગાંધી હિંદુસ્તાન ઔર હિંદુસ્તાન ગાંધી. હમારે દેશ કી ઇજ્જત બઢી. દુનિયાને તસલીમ કિયા કિ અજીબ ઊંચે દર્જે કા આદમી હિંદુસ્તાન મેં પૈદા હુઆ. ફિરસે અંધેરે મેં રોશની આઈ...
ક્લોઝ અપ
સંત અને પાપી વચ્ચે એક જ ફરક હોય છે. દરેક સંતને એક ભૂતકાળ હોય છે અને દરેક પાપીને એક ભવિષ્ય હોય છે. - ઓસ્કાર વાઈલ્ડ
(પહેચાન : ઓક્ટોબર ૮, ર૦૦૪)
('ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃત નિબંધો'માંથી)


From Chandigarh to Chennai - find friends all over India. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Yahoo! Groups

Special K Challenge

Join others who

are losing pounds.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...