'-તો એક દિવસ નેતાઓને લોકો ખોળી ખોળીને મારશે'
આજે તા. ૩૦મી જાન્યુઆરી છે.
રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ છે. આજના દિવસે નથ્થુરામ ગોડસેએ બાપુને ગોળીઓથી વીંધી નાંખ્યા હતા. એ વખતે કોઈએ અંગ્રેજ વાઈસરોયને ખબર આપ્યા કે, "કોઈ મુસલમાને બાપુને ઠાર કરી દીધા", પરંતુ અંગ્રેજ વાઈસરોયે કહ્યું : "ના, ગાંધીજીની હત્યા નક્કી કોઈ હિન્દુએ જ કરી હોવી જોઈએ."
વાઈસરોય સાચા હતા.
ગાંધીજીની હત્યા કટ્ટરપંથી હિન્દુએ કરી હતી. ઈન્દિરા ગાંધીની હત્યા ભારતીય મૂળના શીખે કરી હતી. રાજીવ ગાંધીની હત્યા ભારતીય મૂળના તમિળ વ્યાઘ્રોએ કરી હતી.
આજે નવી પેઢી બાપુને ભૂલતી જાય છે. નેતાઓ માત્ર શ્રદ્ધાંજલિ અર્પવા માટે જ પ્રતીકાત્મક અંજલિ આપે છે. તેમના અંગત જીવનમાં બાપુની સાદગી, પ્રામાણિકતા કે સચ્ચાઈ રહી નથી.
૧૯૪૩-૪૪માં દેશમાં ભયંકર દુષ્કાળ પડયો હતો. એકમાત્ર બંગાળમાં ૩૦ લાખ લોકો ભૂખથી મરી ગયા હતા. એવામાં ખબર આવ્યા કે, બાપુએ ૨૧ દિવસના ઉપવાસ શરૃ કર્યા છે. આગાખાન મહેલમાં મચ્છરોના કારણે તેઓ ગંભીર માંદગીમાં પટકાયા હતા. બાપુને અંગ્રેજોએ કેદ કર્યા હતા. આગાખાન મહેલની ચારે તરફ ઊંચી કાંટાની તારની વાડ હતી. સેંકડો પોલીસ કોન્સ્ટેબલો પહેરો ભરતા હતા. એક રાત્રે બાપુની પરિસ્થિતિ અતિ ગંભીર થઈ ગઈ. બાપુના બચવાની કોઈ આશા નહોતી. અંગ્રેજોએ તેમના અગ્નિદાહ માટે ચંદનનાં લાકડાં પણ મંગાવી લીધાં. બ્રિટિશ સરકારે આખી દુનિયામાં તેમના રાજદૂતોને સંદેશો મોકલ્યો કે, "ગાંધીજીનું મૃત્યુ થાય તે પછી શોકસંદેશો મોકલો તો તેમાં ગાંધીજીની નૈતિક બાજુને ઠેસ વાગે તેવો એક પણ શબ્દ વાપરવો નહીં." ત્યારે બધાએ એમ કહેલું કે, ગાંધીને તેમના આધ્યાત્મિક આદર્શોમાં અતૂટ વિશ્વાસ હતો. તમારે એવો પણ અફસોસ વ્યક્ત કરવાનો કે ગાંધીની અદ્વિતીય પ્રતિભાનો આપણાં મિત્ર રાજ્યો અને ખાસ કરીને ભારત કે ચીન પણ લાભ ઉઠાવી શક્યાં નહીં !
- આવી ગંભીર પરિસ્થિતિમાં પણ બાપુએ સહેજ આંખ ખોલીને અંગ્રેજ અધિકારીઓને કહ્યું : "બીજા રાજકીય કેદીઓની જેમ મને સાધારણ જેલમાં કેમ રાખવામાં આવતો નથી ? મારા માટે પોલીસ પહેરાનો જે મોટો ખર્ચ થઈ રહ્યો છે તે તમારા પૈસા તો નથી જ. એ તો મારા અને ગરીબ જનતાના પૈસા છે. શું તમને ડર છે કે, હું ચોરીછૂપીથી ભાગી નીકળીશ ?"
અંગ્રેજ અધિકારીઓ બાપુની વાત સાંભળી શરમાઈ ગયા હતા.
તા. ૧૫મી એપ્રિલ, ૧૯૪૭ના રોજ પટનામાં બિહાર મંત્રીમંડળનું એક પ્રતિનિધિમંડળ બાપુને મળવા ગયું, ત્યારે સ્વતંત્ર ભારતમાં મંત્રીમંડળ તથા ગવર્નરોએ કેવી રીતે રહેવું તે અંગે બાપુએ આ પ્રમાણે વિચારો વ્યક્ત કર્યા હતા :
(૧) મંત્રીઓ તથા ગવર્નરોએ બને ત્યાં સુધી સ્વદેશી ચીજવસ્તુઓ અમલમાં લેવી જોઈએ. મંત્રીઓ અને તેમનાં સગાંઓએ ખાદી પહેરવી જોઈએ. અહિંસામાં વિશ્વાસ રાખવો જોઈએ.
(૨) એમણે માતૃભાષા અને રાષ્ટ્રભાષા બરાબર શીખી લેવી જોઈએ. પરસ્પરની વાતચીતમાં અંગ્રેજીનો ઉપયોગ ટાળવો જોઈએ. સાર્વજનિક કામમાં હિન્દી અને પોતાના પ્રાંતની ભાષાનો ઉપયોગ કરવોે જોઈએ.
(૩) સત્તા પર બેઠેલા મંત્રીની નજરમાં પોતાનો પુત્ર, સગોભાઈ, કોઈ સામાન્ય વ્યક્તિ, મજૂર કે કારીગર સહુ સરખા હોવાં જોઈએ.
(૪) મંત્રીઓનું વ્યક્તિગત જીવન સાદું હોવું જોઈએ. રોજ એક કલાક પરિશ્રમ કરવો જોઈએ. મંત્રીઓ રોજ ચરખો કાંતે અથવા તો અનાજ કે શાકભાજી પોતાના હાથે ઉગાડે.
(૫) મોટર બંગલા તો મંત્રીઓએ વાપરવા જ ના જોઈએ. મંત્રીઓએ જરૃર મુજબ સાધારણ મકાન કામમાં લેવું જોઈએ. હા, દૂર જવું હોય તો મોટર વાપરી શકે છે, પણ તેનો મર્યાદિત ઉપયોગ થવો જોઈએ. મોટરની થોડી ઘણી જરૃર તો રહેવાની જ છે.
(૬) મંત્રીઓ ઘરનાં સભ્યોથી જ ઘરકામ કરાવે. નોકરચાકરોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.
(૭) મંત્રીઓના મકાનોમાં સોફાસેટ, કબાટો તથા ભપકાવાળી ખુરશીઓ રાખવી નહીં.
(૮) મંત્રીઓને કોઈ વ્યસન તો હોવું જ ના જોઈએ.
(૯) મંત્રીના બંગલાની આસપાસ હું આજકાલ છ કે તેથી વધુ સિપાઈઓનો પહેરો જોઉં છું જે અહિંસક મંત્રીમંડળને કઢંગો લાગવો જોઈએ.
(૧૦) મંત્રીઓ સાદા, સરળ અને આધ્યાત્મિક વિચારોવાળા હશે તો જ જનતાના સેવક બની રક્ષા કરી શકશે.
(૧૧) આપણે સ્વરાજ તો મેળવ્યું પણ તેને ટકાવી રાખવું મુશ્કેલ છે. અંગ્રેજોની માફક બંદૂકના જોરે પણ આપણી રાજસત્તા ટકાવી રાખી શકાય નહીં.
(૧૨) નેતાઓ જનતાને દગો દેશે અને જનતાની સેવા કરવાના બદલે જનતાના માલિક બની જશે તો હું ચેતવણી આપું છું કે, દેશમાં બળવો થશે અને લોકો સફેદ ટોપીવાળા (નેતાઓને) ખોળી ખોળીને મારશે. છેવટે કોઈ ત્રીજી સત્તા તેનો લાભ ઉઠાવશે.ળ
- બાપુએ ૧૯૪૭માં દેશના પ્રધાનોને આપેલી આચારસંહિતા આજે ક્યાંયે દેખાતી નથી. મંત્રીઓના બંગલા વધુ ને વધુ મોટા થતા જાય છે. મંત્રીઓની મોટરકારો વધુ ને વધુ મોટી થતી જાય છે. દિલ્હીમાં એકમંત્રીએ તો બાથરૃમમાં પણ એસી નંખાવ્યું હતું.
પાર્લામેન્ટમાં હિન્દીમાં ઓછી અને અંગ્રેજીમાં વધુ ચર્ચા થાય છે. મંત્રીશ્રીઓના ભાઈ-ભાણેજ, પુત્રી-પુત્ર કે ભાઈઓ ''દલાલ'' બની ગયેલા દેખાય છે. કેટલાક મંત્રીઓ દિવસમાં ચાર વખત વસ્ત્રો બદલે છે. મૃતકોની પરિસ્થિતિ જોવા માટે પણ મંત્રીઓ વસ્ત્રો બદલવા જવાનું ભૂલતા નથી. ઘણા મંત્રીઓ મફતિયા શાકભાજી અને અનાજ ખાય છે. પત્ની અને બાળકોને યાત્રા કરાવવા મંત્રીઓની ગાડીઓ વપરાય છે. મંત્રીશ્રીઓની પત્નીશ્રીઓને હવે એક નોકરથી ચાલતું નથી. નોકર ચાકરો, રસોઈયાથી માંડીને ડ્રાઈવરોનો કાફલો તેમને જોઈએ છે. મંત્રીઓને શિયાળામાં પણ એરકંડિશનર જોઈએ છે. જિલ્લામાં જતા મંત્રીઓ તેમની કારની આગળ પોલીસની પાયલોટ કાર હોય જ. તેઓ આગ્રહ રાખે છે જેથી તેમનો વટ પડે. મંત્રી ઘરમાં બેસી ગપ્પા મારતા હોય તો પણ ''સાહેબ મિટિંગમાં છે'' તેવો ખોટો જવાબ આપવામાં આવે છે. આવો જવાબ અપાવવામાં મંત્રીઓનું ઘમંડ પોરસાય છે. મંત્રીઓ તો ઠીક પણ કેટલાક ધારાસભ્યોની પત્નીઓ પણ ખુદ ધારાસભ્ય હોય તેવો વ્યવહાર લોકો અને અધિકારીઓ સાથે કરે છે.
સારું છે કે ગાંધીજી બાપડા આજે હયાત નથી. તેઓ જીવતા હોત તો આપઘાત કરવાનું પસંદ કરત.
No comments:
Post a Comment