[F4AG] સ્વિસ બેંક: અમેરિકાને ઘૂંટણિયે પડે છે અને ભારતને ડિંગો

 

સ્વિસ બેંક: અમેરિકાને ઘૂંટણિયે પડે છે અને ભારતને ડિંગો

Ajay Umat

સ્વિસ બેંકોમાં ભારતીય ભ્રષ્ટ નેતાઓ, અધિકારીઓ, ઉધોગપતિઓ, જમીન માફિયાના અબજો રૂપિયા પડયા છે. આ રૂપિયા પરત લાવવામાં મનમોહન સરકાર સફળ થાય તો ભારતનું તમામ વિદેશી દેવું ૨૪ કલાકમાં ચૂકવાઇ જાય.

ajay_umat

ચમત્કાર વિના કોઇ નમસ્કાર કરતું નથી. ટુરિઝમ, ચીઝ, ચોકલેટ અને ઘડિયાળો કરતાં પણ ગુપ્ત બેન્કિંગને કારણે સ્વિટ્ઝર્લેન્ડ વધુ જગમશહૂર બન્યું છે. સ્વિસ બેંકની એક પ્રખ્યાત લોકવાયકા છે, એક સરમુખત્યારને લશ્કરી બળવામાં ઉથલાવીને સત્તા હાંસલ કરનાર નવા રાષ્ટ્રપતિ સ્વિસ બેંકના ચેરમેનને મળ્યા અને કહ્યું કે, મારા પુરોગામીના અબજો ડોલર તમારી બેંકમાં છે. આ નાણાં મારા દેશની ગરીબ પ્રજાની પરસેવાની કમાણી છે અને મારા ભ્રષ્ટાચારી પુરોગામીની આ બેનામી સંપત્તિ છે.

ચેરમેને વાત સુઘ્ધાં કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે મારી બેંક કોઇ પણ ગ્રાહક અંગે કદી ચર્ચા કરતી નથી. રાષ્ટ્રપતિએ રિવોલ્વર ચેરમેનના લમણે મૂકતા કહ્યું કે ત્રણ બોલતામાં જો વિગત નહીં આપે તો ઠાર મારીશ. ચેરમેને ઠંડા કલેજે કહ્યું કે ત્રણ ગણવાની જરૂર નથી. મરી જઇશ પણ વિગત નહીં આપું... શાબાશ! રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે મારું ખાતું તો ખોલીશ ને?

૧૭૧૩ની સાલથી સ્વિસ બેંકો ગુપ્તતા માટે જાણીતી છે. લૂઇસ ૧૬ના શાસનકાળમાં જીનિવા બેંકર્સ નામે શરૂ થયેલી આ ગુપ્ત પ્રથાને નેપોલિયનથી માંડીને હિટલર સુધીના સરમુખત્યારો તોડી શકયા નથી. હિટલરના ગેસ્ટાપોએ (જર્મનની છૂપી પોલીસ) સ્વિસ બેંકની ખાસ્સી જાસૂસી કરી હતી. સ્વિસ બેંકમાં નાણાં મૂકનારા જર્મનોને હિટલરે જાહેરમાં ફાંસી આપી હતી. ૧૯૬૨માં ફ્રાન્સના સેનાપતિઓ અને રાજકારણીઓએ સ્વિસ બેંકના મુદ્દે ધોંસ બોલાવી છતાં સ્વિટ્ઝર્લેન્ડ નમ્યું નહીં. છેલ્લે ૧૯૮૪માં સ્વિસ પ્રજાએ ૭૭ ટકા બહુમતીથી બેંકોની ગોપનીયતાની જનમતમાં તરફેણ કરી હતી.

તદાનુસાર સ્વિટ્ઝર્લેન્ડમાં બેનામી નાણાં કરચોરી કરીને લાવવા એ ગુનો નથી. સ્વિસ પીનલ કોડ અનુસાર કોઇ પણ વ્યકિતની સંપત્તિમાં સરકાર કે બેંક દખલ કરવાનું મુનાસબિ માનતી નથી. શરત એટલી કે આ નાણાં માદક દ્રવ્યો કે શસ્ત્રોની હેરાફેરીનાં હોવાં ન જોઇએ. તેને બાદ કરતા સ્વિસ બેંકમાં કાળાં-ધોળાં નાણાંની આભડછેટ નથી. સ્વિસ બેંકમાં ખાતું ખોલવાથી માંડીને બંધ કરવા અંગે કોઇ ચર્ચા થતી નથી. ખાતેદારની વિગત બેંકના મર્યાદિત ઉચ્ચ અધિકારીઓ પાસે જ હોય છે. કોઇ પણ બેંક અધિકારી ભૂલેચૂકે ખાતેદારની સહેજ પણ બાબત લીક કરે તો ૫૦,૦૦૦ ફ્રાંકનો દંડ અને જેલની સજા અપાય છે. બેંકના ગ્રાહકને વ્યવહાર માટે ગોપનીય નંબર આપવામાં આવે છે અને ગ્રાહક સિવાય કોઇ પણ વ્યકિત બેંક સાથે વ્યવહાર કરી શકતી નથી.

અલબત્ત, લગ્ન કે છૂટાછેડા અથવા ગ્રાહકના અચાનક મોત બાદ વારસાઇના વિવાદમાં સ્વિસ અદાલતનો ચુકાદો અંતિમ ગણાય છે. આ સ્વિસ બેંકોમાં ભારતીય ભ્રષ્ટ નેતાઓ, અધિકારીઓ, ઉધોગપતિઓ, જમીન માફિયાના અબજો રૂપિયા પડયા છે. એક અંદાજ મુજબ ૨૫ લાખ કરોડ રૂપિયા સ્વિસ બેંકમાં હોવાનું ચર્ચાતું હતું, પણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના એક તાજા અહેવાલ અનુસાર ૭૪.૬ અબજ રૂપિયા,અંદાજે ૧૬૦૦ બિલિયન યુએસ ડોલર આ બેંકોમાં પડ્યા છે. આ રૂપિયા પરત લાવવામાં મનમોહન સરકાર સફળ થાય તો ભારતનું તમામ વિદેશી દેવું ૨૪ કલાકમાં ચૂકવાઇ જાય, એટલું જ નહીં આપણું વિદેશી ભંડોળ ૧૨ ગણું થઇ જાય. ભારતનું ૫૬ ટકા કાળું નાણું આ સ્વિસ બેંકમાં હોવાનો દાવો કરતાં આ ઇન્સ્ટિટયૂટના પ્રોફેસર ઉમેર છે કે દર વર્ષે ભારતમાંથી કમસેકમ ૮૦,૦૦૦ સહેલાણીઓ સ્વિટ્ઝર્લેન્ડમાં ફરવા જાય છે. જે પૈકી ૨૫,૦૦૦ ફ્રિકવન્ટ ફલાયર છે અર્થાત્ અવારનવાર જનારાઓ અને આ તમામની બેનામી સંપત્તિ ત્યાં હોવાનું મનાય છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ નામની વૈશ્વિક સંસ્થા કહે છે કે આ રકમ ૧.૫થી માંડીને ૧૧.૫ ટ્રિલિયન ડોલર સુધીની છે. અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્ટિગ્રિટીનો અહેવાલ પણ તગડી ભારતીય રકમની પુષ્ટિ કરે છે, પરંતુ આંકડાઓ બદલાતા રહે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતની પરસેવાની કમાણી ભ્રષ્ટ લોકોએ જમા કરાવેલા છે. યક્ષ પ્રશ્ન એ છે કે શું આ નાણાં ભારત સરકાર પાછાં મેળવી શકશે? જો સ્વિટ્ઝર્લેન્ડની યુએસબી બેંક અમેરિકા સાથે સમાધાન કરીને ૫૨,૦૦૦ની યાદી પૈકી શરૂઆતમાં ૪૫૦૦ ખાતેદારોની વિગત આપી શકતી હોય તો ભારતને શા માટે આ વિશેષાધિકારથી વંચિત રખાય છે? જવાબ સ્પષ્ટ છે.

અમેરિકાની દાદાગીરી સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલે છે અને ભારતની કોઇ છીંકણી પણ સંૂઘતું નથી. અમેરિકી સરકારે સ્વિસ બેંકોને શરૂઆતમાં વિનંતી કરતા કહ્યું કે અમારી નોંધપાત્ર કરચોરી આ બેંકોને કારણે થાય છે, માટે આ કરચોરોનાં ખાતાઓની વિગતો અમને મળવી જોઇએ. સ્વિસ બેંકોએ ધરાર નન્નો ભણ્યો અને કહ્યું કે અમારો કાયદો સ્પષ્ટ છે. અમેરિકાએ વાંકી આંગળી કરતા કહ્યું કે આ ટેકસઇવેઝન નથી પરંતુ ટેકસફ્રોડ છે અર્થાત્ કરચોરી નહીં પરંતુ કરકૌભાંડ છે. યુએસબી બેંકના ૨૭,૦૦૦ કર્મચારીઓ અમેરિકામાં ફરજ બજાવે છે અને અમેરિકી કાયદા અનુસાર સ્વિસ બેંકો સામે હવે કાનૂની હથિયાર ઉગામવું પડશે એવી ઓબામા વહીવટીતંત્રની ધમકી કારગત નીવડી અને સ્વિસ બેંક ઘૂંટણિયે પડી ગઇ પરંતુ આ જ બેંક પાસે ભારત સરકારે વિગતો માગી એટલે ઘૂરકિયાં કરતા બેંકના અધિકારીએ કહ્યું કે ભારત સરકાર પોતાની ટેલિફોન ડિરેકટરી અમને મોકલીને કહે કે આ યાદીમાંથી અમારા કરચોરો શોધી આપો તો સ્વિસ બેંકો આવી હજામત કરવા નવરી નથી. આ જવાબ સૂચક છે.

અમેરિકાએ સ્વિસ બેંકના ૫૨,૦૦૦ ખાતેદારોની યાદી તૈયાર કર્યા બાદ ૧૨,૦૦૦ને શંકામાંથી મુકત કર્યા. ૪૦,૦૦૦ પેન્ડિંગ નામોમાંથી મોટાં કોર્પોરેટ ગૃહો અને માફિયાઓનાં ૪૪૫૦ નામો સ્વિસ બેંકને આપ્યાં અર્થાત્ અમેરિકી તંત્રે અને અમેરિકાની ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓ, એનજીઓએ પરફેકટ હોમવર્ક કર્યું હતું. ભારત સરકારે આખી યાદી તૈયાર કરવાની તસ્દી લીધી નથી. ભારતીય વહીવટીતંત્રમાં એ ક્ષમતા પણ નથી. મહત્ત્વની બાબત એ છે કે આ મિશન પાર પાડવાની રાજકીય ઇરછાશકિત પણ નથી. ધારો કે રાજકીય દબાણ ચાલુ રહે તો? બે પાંચ વર્ષે યાદી સુપરત થાય પરંતુ કાલ કોણે દીઠી છે? અને સ્મરણ રહે કે યાદી સુપરત થાય ત્યાં સુધી ભારતીય કરચોરો અન્યત્ર નાણાં ટ્રાન્સફર કરશે. શું ભારત સરકાર કે વિપક્ષ આ મુદ્દે ગૃહકાર્ય કરવા સજજ છે? સ્વિસ બેંકોને નમાવવામાં અમેરિકા સફળ થયું કારણ કે ઓબામાતંત્રની બ્રીફ સ્પષ્ટ હતી.

ઓબામાએ ચૂંટણી પહેલાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, 'આપણે સૌ જાણીએ છીએ કેયમેન નામના એક ટાપુ પર અમેરિકાની ૧૨,૦૦૦ કંપનીઓ માત્ર એક જ ઇમારતમાં ધંધો ચલાવે છે અને ત્યાં કોર્પોરેટ ઓફિસો ધરાવે છે. મને લાગે છે કે આ ટાપુ પરની આ ઇમારત દુનિયાની સૌથી મોટી ઇમારત હોવી જોઇએ અથવા તો દુનિયાનું સૌથી મોટું આર્થિક કૌભાંડ ત્યાં આકાર લઇ રહ્યું હોવું જોઇએ. સત્ય સૌ જાણે છે પરંતુ મારી સરકાર આવા તમામ ભ્રષ્ટાચારી આઓનો ખાતમો બોલાવશે.

ઓબામા સરકારના હિટલિસ્ટમાં કેયમેન ટાપુથી માંડીને સિંગાપોર, સસિલીના ટાપુઓ, નેધરલેન્ડ, મોરેશિયસ, આયર્લેન્ડ, બર્મુડા સહિત દોઢ ડઝન દેશો અને ૯૦ આઓ છે. તાત્પર્ય એ છે કે સ્વિસ બેંકો ભારત અને સમગ્ર દુનિયામાં કાળાં નાણાં માટે પ્રખ્યાત (કે બદનામ) છે, પરંતુ કરચોરોએ નવી છટકબારી શોધી રાખી છે અને માત્ર કોમ્પ્યૂટરની એક કી દબાવવાથી ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાના કોઇ પણ સ્થળે મની ટ્રાન્સફર થઇ શકે છે. હવાલા ચૂકવાય છે. હવે આડતિયા કે મારફતિયા કે આંગડિયા મોકલવાની જરૂર પડતી નથી. અમેરિકામાં લાસવેગાસના કેસિનોથી ફકત ચાર માઇલ દૂર એક એવેન્યુમાં ૧૦૦૦થી વધુ કોર્પોરેટ ઓફિસો નોંધાયેલી છે. મજાની વાત એ છે કે આ તમામ કોર્પોરેટ ઓફિસના સોલ કોર્પોરેટ ઓફિસર પણ એક જ વ્યકિત છે.

આ પ્રકારના સેંકડો ભેજાબાજોએ અમેરિકન સસ્ટિમનો ભરપૂર દુરુપયોગ કરી કેટલાંક રાજયોમાં આર્થિક ગેરવહીવટો કર્યા પરંતુ સરવાળે સૌ કમ્પ્યૂટરની માયાજાળમાં ફસાઇ ચૂકયા છે. ઇન્ટરપોલ પાસે આવા કરચોરોની માહિતી પહોંચી ચૂકી છે અને આવાં તત્ત્વો દુનિયાના કોઇ પણ સ્થળે હવે ઝાઝો સમય છુપાઇ શકતાં નથી. પરિણામે મોટા ભાગના કિસ્સામાં કરચોરો જેલ જવાનું ટાળવા ૧૫થી ૨૦ ગણી દંડની રકમ ચૂકવી અસલ મિલકત છતી કરી કરવેરો ચૂકવવા માંડયા છે.

કરચોરી અને ઇન્કમટેકસ વચ્ચેની સંતાકૂકડી દરેક દેશોમાં વત્તા ઓછા પ્રમાણમાં ચાલ્યા કરે છે પરંતુ સરકારના- કાયદાના હાથ હકીકતમાં ખૂબ લાંબા હોય છે. ટૂંકમાં તંત્રનો તાપ વધે તો ભલભલા કરચોરો પકડાઇ જાય છે. મન હોય તો માળવે જવાય. ભારત હોય કે અમેરિકા, કરચોરો પૃથ્વી નામનો ઉપગ્રહ છોડી કશે ભાગી શકે તેમ નથી. કરચોરોની અમેરિકન મોડસ ઓપરેન્ડી ખતરનાક હતી છતાં પકડાઇ ગઇ. ભારતીય કરચોરો વિદેશમાં (ઓફશોર એકાઉન્ટ) ખોલાવે છે. કોઇ ટ્રસ્ટ કે ફેમિલી ફાઉન્ડેશનના નામે સંપત્તિ ટ્રાન્સફર કરે છે. હવાલા મારફતે કરન્સી બદલાઇ જાય છે. કેટલાક ઉધોગપતિઓ લાઇફ ઇન્સ્યોરન્સ કે ટેકસ ડિફરની ટેકિનક અજમાવે છે. ઓફશોર એકાઉન્ટ ખોલ્યા બાદ મ્યૂરયૂઅલ ફંડ કે હેઝફંડમાં ભારે મૂડીરોકાણ કરે છે. કેટલાક કરચોરો વિદેશમાં રિયલ એસ્ટેટ ખરીદે છે તો કેટલાક ડાયમંડ અને સોનામાં રોકાણ કરે છે. કેટલાક શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં રમ્યા કરે છે.

ભારતના અર્થતંત્ર માટે આ ખતરાની ઘંટી છે. મંદી જો અમેરિકાને નડતી હોય તો ભારતને શા માટે નહીં નડે? ડોસી મરે તેનો ભય નહીં પણ જમ ઘર ભાળી જાય એ દહેશત સાચી પડતી જણાય છે. ભારતીય અર્થતંત્રને કરચોરો બમણો ફટકો મારી રહ્યા છે. વિદેશમાં ગેરકાયદે રોકાણ એટલે ભારતીય બજારમાંથી નાણાં અદ્દશ્ય થાય છે અને બજારમાં તરલતા ઘટે છે. ધારો કે સ્વિસ બેંકોમાં પડેલા તમામ રૂપિયા ભારતને એક જ દિવસમાં પાછા મળે તો? ભારતીય અર્થતંત્રમાં ભયંકર ફુગાવો વધશે અને રૂપિયાનું ભયંકર અવમૂલ્યન થશે. આ બંને સ્થિતિ ખતરનાક છે.

ભારતમાં સ્વિસ બેંકનાં નાણાં પરત મેળવવાના નામે રાજકીય ખીચડી પકાવાઇ રહી છે. કરચોરી કોઇ પણ દેશના અર્થતંત્ર માટે ઊધઇ સમાન છે. અમેરિકાની મંદીમાંથી ખાસ કરીને બેંકોની નાદારીમાંથી પદાર્થપાઠ શીખવા જેવો છે. વૈશ્વિક વ્યાપારના માહોલમાં ભારે પારદર્શકતા લાવવી પડશે. જર્મની, જાપાન, યુકે અને ફ્રાન્સ જેવાં રાષ્ટ્રો પણ કરચોરોના ત્રાસથી બચવા કડક પગલાં લઇ રહ્યાં છે. પ્રામાણિક કરદાતાઓના ભોગે કરચોરીની બદીને કોઇ રાષ્ટ્ર પોષી શકે તેમ નથી. અમેરિકાએ સ્વિસ બેંકોનું કાંડું આમળ્યું એ ઘટના તો વાસ્તવમાં હિમશિલાના ટોપકા સમાન છે.

બેંકોની ગોપનીયતાનો યુગ પૂરો થયો છે. પારદર્શકતા સમયનો તકાદો છે. ૨૧મી સદીમાં મૂઠીભર કરચોરોની લૂંટ સાંખી લેવાય નહીં. ભારતમાં એક ટકા વસતી પાસે દેશની ૫૭ ટકા સમૃદ્ધિ છે. આવકની અસમાન વહેંચણીનું આથી મોટું ઉદાહરણ શું હોય. મનમોહન માટે મન હોય તો માળવે જવાય એવો ઘાટ છે. કરચોરી સામે રાજદંડ ઉગામવાથી પ્રજાને સુખાકારી મળશે એ નિશ્ચિત છે.

પોઇન્ટ ઓફ વ્યૂ

જયાં નીતિ અને બળ બંનેને કામમાં લેવાય છે, ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.- શંકરાચાર્ય


See the Web's breaking stories, chosen by people like you. Check out Yahoo! Buzz.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New business?

Get new customers.

List your web site

in Yahoo! Search.

Yahoo! Groups

Mental Health Zone

Bi-polar disorder

Find support

Check out the

Y! Groups blog

Stay up to speed

on all things Groups!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...