સૌરાષ્ટ્રથી સીડની-ન્યૂ યોર્ક સુધી વિધ્નહર્તા ગણપતિ છવાયા Kanti Bhatt ગણેશની પૂજા અંગે નવી જનરેશન કદાચ મોં મચકોડે ત્યારે તેને વિધ્નહર્તા ગણેશના માહાત્મ્યનું લોજિક આ રીતે સમજાવજો : માનવીનું જીવન, દરેક કાર્ય કે સાહસ નદીના પ્રવાહ જેવું કે શ્વાસ લેવા અને કાઢવા જેવું છે. નદીના પ્રવાહનો અને શ્વાસનો કુદરતી ફ્લો હોય છે, પણ નદીને આડી ફંટાવી શકાય છે, તેમ શ્વાસને થંભાવી શકાય છે અને પછી રિડાયરેક્ટ કરી શકાય છે.
આપણે જે કર્મ શરૂ કરીએ ત્યારે આજુબાજુ અનેક પરિબળો કામ કરે છે. તમારા કાર્યને રોકે, વિધ્ન નાખે કે નસીબ હોય તો ઠેલો મારી ઊચે ચઢાવે છે. એ પરિબળોની ગહનતા, જટિલતા કે માયાજાળને આપણે પૂરી સમજતા નથી. એટલે અડચણ કે વિધ્ન વખતે હલબલી જઈએ છીએ પણ એ અડચણ વખતે માનવે એવું વર્તન કરવું જોઈએ કે તેનું વિધ્ન આખરે તેને માટે, સમાજ માટે અને દેશ માટે ફાયદારૂપ બની જાય. અહીંથી જ ગણેશનો રોલ આપણા જીવનમાં આવે છે.
ગણેશ તેના ભક્તોને વર્ષોવર્ષ યાદ દેવડાવે છે કે કોઈ પણ સાહસના પ્રારંભમાં તમને સહાય કરવા માત્ર ગણેશ એકલા નથી. આ બ્રહ્માંડમાં બીજાં પરિબળો છે. આ સમગ્ર વિશ્વની મહાન કુદરતી યોજનામાં આપણે ફિટ થવાનું છે. એવી ફિટનેસ મેળવવા તમારે શ્રદ્ધાળુ બની ગણેશચતુર્થી વખતે જ નહીં રોજેરોજ ઘરે ગણેશનું એકશ્લોકી સ્મરણ કરવું જોઈએ.
ઉપર જે ફિલસૂફી ડહોળી તેમાં કેટલાક શેરીના માણસ કે સૌરાષ્ટ્રના ગોવાળ કે ભાવનગરના રેંકડી ચલાવનાર કે રિક્ષાવાળાને ગતાગમ પડતી નથી. એટલે પાણી પહેલાં પાળ બાંધવા સામાન્ય માનવી પૂજાપાઠ કરે તેમાં ગણેશ તો સૌ દેવોમાં મોખરે અને ખોળે બેઠા છે. પ્રોફેસર પોલ બી. કાર્ટરાઇટે ગણેશ ઉપર સંશોધનાત્મક પુસ્તક લખ્યું છે તેમણે કહ્યું છે, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ ગણેશની પૂજા કરીએ છીએ તેની પાછળનું વણકહેલું લોજિક છે કે કોઈ કામના પ્રારંભ વખતે સફળતા અંગે શંકા કે ચિંતા રહે છે તે ગણેશની પૂજા કરવાથી હટી જાય છે અને માનવી બધું જ ઈશ્વર ઉપર છોડે છે.
ભક્તને હૈયાધારણ મળે છે કે કોઈ વિધ્ન આવે તો તે એકલો નથી પણ ઈશ્વરની મહાન યોજનામાં તે સંકળાયેલો છે. એટલે તેણે શ્રદ્ધા રાખવી કે કંઈ અડચણ આવશે તો ગણેશ બધું સમુસૂતરું કરશે. ગણેશચોથની મહારાષ્ટ્રમાં જે મોનોપોલી હતી, તેને બદલે હવે જગતભરમાં જ્યાં જ્યાં ભારતીયો ગયા છે ત્યાં ઊજવાય છે. તે બતાવે છે કે માનવ જ્યાં હોય ત્યાં વિધ્નહર્તા દેવ અનિવાર્ય છે.
સંસ્કૃતમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચાવીથી કહેવાય છે. કન્નડ, તામિલ અને તેલુગુમાં ગણેશ ચવથ કહે છે. કોકણીમાં ચવીથી કહે છે. નેપાળમાં ગણેશચોથને ગણેશ ચથ્થા કહે છે. આ ગણેશોત્સવ પણ હવે ગ્લોબલાઇઝ્ડ થઈ ગયો છે. અમેરિકામાં મિશિગન રાજ્યના એક શહેરમાં ડો. પ્રકાશ રાવ એમડી થયેલા ડોક્ટર છે. ત્યાં એક સ્વામી પધારેલા ત્યારે ડો.પ્રકાશ રાવે ટ્રિનિટી ટેમ્પલમાં ગણપતિનો મહામષ્તકાભિષેક કરાવેલા.
અમેરિકાના મોટરકારના નિર્માણ માટે પિયર ગણાતા શહેરમાં ભારતીયો કામ કરે છે. સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ભારતીયો છે, તે કેલિફોર્નિયાના લાગુના બીચ પર હોય કે ન્યૂ જર્સીમાં હોય ત્યાં ગણેશ ઉત્સવ ઊજવે છે. કેનેડાથી ઓસ્ટ્રેલિયા અને મોરેશિયસમાં તો વર્ષોથી ગણેશ પૂજાય છે. ગણેશમૂર્તિની લગભગ રૂ.૧૦ કરોડની મૂર્તિઓ ભારતથી પરદેશ જાય છે.
ગ્રેગ્ઝ ઇન્ટરનેશનલ એક્સપોર્ટ એજન્સી રૂ.૩૦,૦૦૦થી રૂ.૪૦,૦૦૦ના ખર્ચે ગણેશની મૂર્તિ નિકાસ કરી આપે છે. હજી તો જુલાઈ મહિનો આવે ત્યારથી ગણેશ પેક થવા માંડે છે, પણ મૂર્તિનું નિર્માણ મુંબઈમાં આખું વર્ષ ચાલે છે. સંજય પુરાણિક નામના નિકાસકાર કહે છે કે સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન, કેનેડા અને અમેરિકામાંથી વહેલી વહેલી વરદી આવે છે. મુંબઈમાં લાલબાગનો વિસ્તાર ગણેશપૂજાથી અવિરત ચાર્જ્ડ થયેલો છે. ગણપતિ રિદ્ધિસિદ્ધિના દેવ છે તેનો પ્રથમ પુરાવો બાગવે બંધુને મળ્યો છે. ગણેશમૂર્તિના નિર્માણ થકી તે લખપતિ થઈ શક્યા છે.
મલેશિયાના કુઆલાલમ્પુર શહેર અને પિનાંગમાં તો વર્ષોથી ગણેશ પૂજાય છે. હું મલેશિયા હતો ત્યારે ત્યાંના મુસ્લિમો પણ ઉત્સવમાં ભાગ લેતા. આપણા વેપારીઓએ ત્યાં ૨૧મી સદીમાં ગણેશની મૂર્તિના વેપારને એક્સપ્લોઇટ કરવા ગણેશમૂર્તિને સેલફોન વાપરતા દેખાડ્યા હતા. આ જોઈ ચુસ્ત હિન્દુઓએ ત્યાંની ઇસ્લામવાદી સરકારને ફરિયાદ કરી તો તુરંત મુસ્લિમ ગૃહપ્રધાને આ સેલફોન હટાવવાનો આદેશ આપેલો. ગણેશની પવિત્રતાને ત્યાંની સરકાર માન આપે છે.
ચંદીગઢ 'ટ્રિબ્યુન' અખબાર થકી જાણવા મળ્યું કે હવે તો મેલબોર્નમાં જ ગણેશની મૂર્તિની દુકાનો દેખાય છે. તેમાંથી મૂર્તિ વેચાતી લઈને મેલબોર્નમાં દુકાન ખોલનારા હિન્દુઓ ગણેશને પ્રથમ પધરાવે. 'કરી ગ્રોવ' નામની ભારતીય રેસ્ટોરાંમાં એક ગોરો લુટારો આવ્યો અને પિસ્તોલની અણીએ પૈસા માગ્યા. કાઉન્ટર પર બેઠેલા ભારતીય કેશિયરે બચાવ કરવા માટે કંઈ ન જડયું તો ગણેશની ધાતુની મૂર્તિ લૂંટનાર તરફ ફેંકી એટલે ગણેશ પોતે જ રક્ષણનું સાધન બની ગયા! કોણ જાણે લુટારો ડરીને ભાગી ગયો!
વિનાયક એટલે ગોડ ઓફ નોલેજ પણ ગણાય છે, પરંતુ ગણેશને પૂજનારાને એ જ્ઞાન મળ્યું નથી. એટલા માટે કે આ જ્ઞાનના દેવતાને કોઈ જ મોંઘા શણગારની જરૂર નથી. ૭૫ વર્ષ પહેલાં માત્ર માટીનાં ગણપતિ બનતાં અને એ ગણપતિ જ પર્યાવરણના રક્ષકદેવ હતા. પ્રણાલિકા પ્રમાણે આ પૃથ્વીના એક મૂળ તત્વ માટીમાંથી મૂર્તિઓ બનતી. તેની ગણેશ ઉત્સવમાં પૂજા કરીને પછી એ માટીના દેવતાને જળમાં વિલીન કરાતાં. એટલે કે પૃથ્વીના આ તત્વને જળતત્વને સોંપી દેતા.
તત્ક્ષણ-તત્ક્ષણ સમુદ્ર કે નદીનું જળ આ દેવતાની મૂર્તિને પોતાની અંદર સમાવી લેતું. સૃષ્ટિનો જે ઉત્પત્તિ-વિલયનો ક્રમ છે તે સાઇકલ અવિરત ચાલુ રાખવાની ક્રિયા ચાલતી પણ હવે તો પ્લાસ્ટર ઓફ પેરિસના અને અનેક હેવી મેટલ્સવાળા ગણપતિ બને છે, જેમાં મરક્યુરી (પારો) અને કેડિયમનું ઝેરી તત્વ હોય છે. સમુદ્ર કે નદીને માટીનું શુદ્ધ તત્વ સોંપવાને બદલે આપણે સમુદ્ર કે નદીમાં ઝેરી તત્વ ઉમેરીએ છીએ.
ચાલો, આપણે ગણેશને પ્રાર્થીએ કે એટલિસ્ટ વિદેશમાં ગણપતિ ગયા છે તો ત્યાં જબ્બર એન્વાયર્નમેન્ટની ઝૂંબેશ છે, તે મુજબ ત્યાં વસતા ભારતીયો પ્લાસ્ટરની મૂર્તિ કરતાં માત્ર માટીના જ ગણપતિ બનાવે તેવા કારીગરોને ઇમ્પોર્ટ કરે. લંડનમાં સાઉધોલ ખાતે પ્રથમવાર ગણેશ ફેસ્ટિવલ ઊજવાયો. ત્યાં હિન્દુ વિશ્વ ટેમ્પલે ગણેશવિસર્જનની ક્રિયા ટેમ્સ નદીમાં કરેલી અને ત્યારે સંભવત: માટીના ગણપતિ બનાવેલા.
અમેરિકામાં હિન્દુ સ્વયંસેવક સંઘ દર વર્ષે ગણેશઉત્સવ કરે છે. કેનેડામાં તો શરૂમાં મહારાષ્ટ્રીયન લોકો ઘરે ગણેશપૂજા કરતા. મહારાષ્ટ્રમાં લોકમાન્ય ટિળકે ગણેશઉત્સવને સામાજિક (ગોપનીય રીતે રાષ્ટ્રીય જુવાળ) માટેનો અવસર ગણેલો પણ પછી આજે સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી માંડીને તમામ મોટાં શહેરો ઉત્સવ ઊજવે છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ગણેશમંડપમાં 'ગણપતિ આયો, બાપ્પા ગણપતિ આયો, ગણપતિ આયો બાપ્પા રિદ્ધિ સિદ્ધિ લાયો'ની કેસેટો વાગતી હોય છે. ગણપતિના કીર્તનવાળી કેસેટો અને ડીવીડીનો ધૂમ વેપાર ચાલે છે.
મોરેશિયસ જેના ઉપરથી મોરસ નામ પડ્યું છે, તે શેરડીમાંથી ગોળ-ખાંડ પકવતા દેશમાં ભારતના મજૂરો ગયેલા ત્યાં તો ૧૮૯૬થી ૧૧૩ વર્ષથી ગણેશઉત્સવ ઊજવાય છે. આજે ૨૧મી સદીમાં ત્યાં હેનરિટા શહેરની કેસ્કેડ વોલીમાં ભીખાજી નામના ભક્ત ગણેશઉત્સવ ઊજવે છે. એટલે કે ૧૮૯૩માં મુંબઈમાં ખાડીલકર રોડમાં ગિરગાંવ ખાતે કેશવજી નાઈકની ચાલમાં પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ થયો તે પછી ત્રણ જ વર્ષમાં મોરેશિયસમાં ગણપતિ સાર્વજનિક બન્યા, પરંતુ ત્યાં જ્ઞાનના દેવતાએ થોડાક જણને બુદ્ધિ આપી છે.
જ્ઞાન લાઘ્યું છે એટલે પર્યાવરણને યથાવત્ રાખવા ગણેશની સુંદર ધાતુની મૂર્તિની પૂજા થાય છે. તે મૂર્તિને જળમાં પધરાવવાને બદલે તેના શંગાર પધરાવાય છે. કાઠિયાવાડમાં તો ગણેશને ચૂરમાનાં લાડુ ધરાવાય છે. બ્રાહ્મણોને અને ગણેશને આ લાડુ ભાવે છે. તેમ છતાં મહારાષ્ટ્રીયનો જેવા જ મોદક બનાવવા જોઈએ. તે મોદક સ્વાસ્થ્ય અને કુદરતી આહારની મીઠાઈરૂપે ઘણા જ સાત્વિક હોય છે. તો મહારાષ્ટ્રીયનો પાસેથી ગણેશને પ્રિય એવા ચોખાના આટાના મોદકની રેસિપી શીખી લો.
ઓછામાં ઓછા અમેરિકામાં આપણા ૨૦ લાખ ભારતીયો વસે છે. તેમણે આવા માટીના ગણેશ તેમ જ ચોખાના આટામાં પૂરેલા માવા અને કોપરાના પૂરણવાળા મોદકની પરંપરા જાળવવી જોઈએ. વોશિંગ્ટનમાં તો દિવાળીની રજા પળાય છે. હવે એન્વાયર્નમેન્ટલ ગણેશની જે ઝુંબેશ છે તેને પાળવી જોઈએ. ગણેશની મૂર્તિને મોંઘા ઘરેણાથી શણગારવાને બદલે ગણેશની એવી મૂર્તિ બનાવવી જોઈએ જે કંઈક સંદેશ આપે.
દાખલા તરીકે બર્મામાં ગણેશની મૂર્તિ ભૂમિને વંદન કરતી હોય છે અને ભૂમિને સ્પર્શ કરીને સંદેશ આપે છે કે આ મૂર્તિએ જેમ જળ કે પૃથ્વી તત્વમાં ભળી જવાનું છે તેમ આ માનવદેહ એક દિવસ માટીમાં ભળી જવાનો છે એટલે પોતાના દેહને શુદ્ધ કર્મ, શુદ્ધ આહાર અને શુદ્ધ વિચારથી પવિત્ર રાખીને પૃથ્વી કે જળતત્વને એકદમ શુદ્ધ શરીર સોંપવાનું છે.
|
Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.
|
See the Web's breaking stories, chosen by people like you. Check out
Yahoo! Buzz.
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join **************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment