[F4AG] સહજતા એ જ શ્રેષ્ઠતા

 

સહજતા એ જ શ્રેષ્ઠતા

Kanti Bhatt, Gathariya

'મારી આ વાત પ્લીઝ સ્વીકારશો? માનવીમાત્ર એક વિચાર કરનારું સાંઠીકડા જેવું પ્રાણી છે, પરંતુ એ દૂબળો માનવ ત્યારે જ મહાન બને છે જ્યારે તે ગણતરીબાજ હોતો નથી, અને માત્ર વિચાર્યા કરતો નથી. માણસમાં બાલસહજ સ્વભાવ હોવો જોઇએ. બાળક જેવો સ્વભાવ આપણે મોટાપણામાં ગુમાવી બેસીએ છીએ. એટલે મહાન બનવાને બદલે તમે પાછા બાળક જેવા બનવાની તાલીમ કે રિહર્સલ કરો તો જ બાળક બનીને જિંદગીની મોજ લઇ શકો છો. માનવ જ્યારે બાળક બની જાય છે ત્યારે એ 'વિચારે છે ત્યારે પણ વિચારતો નથી.'



kanti bhattએક શાયરે કહ્યું છે કે હું જ્યારે કંઇ નહોતો ત્યારે શહેનશાહ હતો પણ હું કંઇક થવા ગયો અને બરબાદ થઇ ગયો. એ શાયર કહે છે ગ્રેટેસ્ટ બનવાને બદલે માણસે ઓર્ડિનરી બનવા સાથે કંઇક નિરાળા બનવું જોઇએ.



એલન વોટ્સે એક સરસ પુસ્તક લખ્યું છે — 'ડઝ ઇટ મેટર?' તેમાં તેણે પૂછ્યું છે: સાહેબ તમારે એક્સ્ટ્રાઓર્ડિનરી બનીને શું કરવું છે? તમારે ધ ગ્રેટ બનીને શું કરવું છે? સૌપ્રથમ તો તમે સૌથી ઊંચા બનવા મથામણ કરશો ત્યારે તમારે ઘણાને અન્યાય કરવો પડશે, અને પછી?



પછી ૨૦૦૯માં એલન 'દ બોટને એક સરસ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે 'ધ સ્ટેટસ એન્કઝાયટી', તે મુજબ, એક વખત ઊંચો મોભો મેળવ્યા પછી એ મોભાને જાળવવા, સમૃદ્ધિને જાળવવા, ગ્રેટનેસને જાળવવા તમારે એટલાં બધાં મથવું પડશે કે તમને પછી થશે કે આના કરતાં ઓર્ડિનરી હતો ત્યારે મજાનો હતો, નાની નાની વાતોમાં મજા લેતો, શેરીના છોકરાને ભેગા કરતો. અને આજે? આજે હું સામાન્ય માનવીથી દૂર ફેંકાઇ ગયો છું.



આલ્ડસ હક્સલે એક જમાનામાં સાયકોફાર્માકોલોજીનું ડીંડક લાવીને માનવીમાં એવું રસાયણ પેદા કરવા માગતા હતા કે એ રસાયણને લઇ માનવ સાવ બદલાઇને અસાધારણ બની જાય!



તે વખતે એલન વોટ્સ નામના ગુઢ પુરુષ, જે હૃષીકેશ અને હિમાલય આવી ગયા છે, તેમણે કહ્યું: 'આલ્ડસ હક્સલે કહે છે તેવા રસાયણથી તમે કૃત્રિમ રીતે શું કામ એક્સ્ટ્રાઓર્ડિનરી બનવા માગો છો? હું ઊલટાનું કહું છું કે એક્સ્ટ્રાઓર્ડિનરીને બદલે તમે અનોખા બનો, કારણ કે ધ ગ્રેટ બનવામાં તમારે ઘણાને નીચા કરવા પડશે.'



તમે મહાન ચિત્રકાર પિકાસોનું નામ જાણો છો. તેણે પોતાના જીવનના અનુભવોના નિચોડરૂપ કહેલું કે 'નોટ એવરી પિક્ચર હેઝ ટુ બી માસ્ટરપીસ. પ્રિસાઇઝલી ટુ પેઇન્ટ ઇઝ ધ થિંગ.' અર્થાત્ તમે જે કોઇ ચિત્ર દોરો, જે કોઇ જીવનનો માર્ગ અપનાવો તે મહાન જ હોવો જોઇએ તેવું કોણે લખી દીધું? બધું જ માસ્ટરપીસ હોઇ ન શકે. ઇશ્વરે પણ માનવ અને સૃષ્ટિ ધ બેસ્ટ સર્જ્યા નથી.



પૃથ્વી અને માનવમાં ઘણી ખામીઓ રાખીને તેને સુધરવાની તક આપી છે, અવકાશ આપ્યો છે.



પિકાસોના કહેવા પ્રમાણે જીવનનાં દરેક કાર્યો ઉત્કૃષ્ટ બની શકે જ નહીં. જીવનમાં ભૂલોને પણ સ્થાન હોવું જોઇએ. તમે જે 'ચિત્ર' બનાવી રહ્યા છો, જે કાર્ય કરી રહ્યા છો અને જે કૃતિ ઊપજાવી રહ્યા છો એ જ મહત્વનું છે. તેનો પુરુષાર્થ અને સંઘર્ષ જ મહત્વના છે. તે ચિત્ર કે કાર્ય કેવાં નીપજશે તેની સામે જોવાનું નથી.



ભગવાન કૃષ્ણે પણ આમ જ કહ્યું, 'કર્મણ્યેવાધિકારસ્તે'. માત્ર કર્મ એ જ તારો અધિકાર છે.



ઘણી વખત માનવ ઇશ્વરી ગુણોવાળો બનવા માગે છે. તમે ફિલ્મી ગાયન સાંભળો છો — 'ક્યા સે ક્યા હો ગયા?'



જે એક્સ્ટ્રાઓર્ડિનરી બનવા જાય છે એ નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો. તમે કુદરતની નકલ કરવા જઇ ઇશ્વરીય બનવા માગો છો, પછી ભાન થાય છે કે અતિસુંદર ચીજનું સર્જન કર્યા પછી પણ તે વાતનો છેડો આવતો નથી.



'ધ ગ્રેટ'ની તમે શું વ્યાખ્યા કરશો? કારણ કે જે ઉચ્ચતમ સ્થાન છે ત્યાંથી પણ ઊંચે જવાના અભરખા રહેવાના જ છે. ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ હોય છે અને ઉચ્ચતમની ઉપર તો અમર્યાદિત અવકાશ રહે છે. હેન્રી મિલર નામના અમેરિકન લેખકે કહેલું કે આ જગતમાં તમારી સમક્ષ જે જે ચીજો કે સંયોગો આવે તેને, તેના સ્વરૂપને નીરખી રહો, તેને સુધારવાની ભાંજગડમાં ન પડો.



'Enjoy what you see, that is quite enough. The man who can do this is the accomplished artist.' આ વાત માનવા જેવી છે. જગતનો એ જ માનવી સાચો કલાકાર છે, જે આ જગતમાં જે કાંઇ સારુંનરસું જુએ તેને સ્વીકારીને સારામાંથી આનંદ લૂંટી શકે છે; તમામ બગડેલાને સુધારવાની કોશિશ હરગિજ ન કરે.



મોટા સુધારાવાદી ન બનો. તમે તમારી આજુબાજુની દુનિયા જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે માણી શકવાની તાકાત ધરાવતા થાવ એટલે તમે સુઘ્ધાં કલાકાર બની જાઓ છો.



હા, એ વાત સાચી કે આજે ૨૧મી સદીમાં આખી દુનિયા પર્યાવરણ બગાડીને, ભોગવાદી બનીને પોતાની જાત અને પૃથ્વીનો નાશ કરી રહી છે. જગત નરક તરફ જઇ રહ્યું છે. સત્યાનાશના માર્ગે જઇ રહ્યું છે. હા, તો?



રોબર્ટ ઓપનહેમર નામના ચિંતકે કહેલું કે જગતને નરક તરફ જતું અટકાવવાનો કોઇ માર્ગ તમે ન ઘડો. જગતના કાજી ન બનો. હું તમને ગળું ફાડીફાડીને કહેવા માગું છું કે તમારો જે અહમ્ છે અને વિદ્વાન બનીને તમે જે ડીંગ મારો છો કે તમે દુનિયાને સુધારી દેશો તો તે તમારો મોટો ભ્રમ છે.



તમે હવામાં અઘ્ધર લટકવાની કોઇ ટેક્નિક શોધો તે જેટલું અશક્ય છે તેટલું જગતને સુધારવાનું અઘરું છે. તમારે માત્ર તમારી જાતને સુધારવાની છે. જો જગતને સુધારવા મહાભિનિષ્ક્રમણ કર્યું હોય તો તે ફોગટ છે.



ખરેખર તો તમે જો પ્રામાણિક હો તો તમારા દુશ્મનની બદમાશી અને તમારી બદમાશી તથા તમારા હરીફની બદમાશીને એકસરખી ગણવી જોઇએ, કારણ કે તમે બધા જ સામેવાળાને કચડીને ઊંચા આવવા માગો છો. માત્ર તમે તમારી 'રાસ્કલિટી'ને સ્વીકારી લો તો તમે મારી દ્રષ્ટિએ મહાન છો.



અસામાન્ય કે એક્સ્ટ્રાઓર્ડિનરી બનવાની સલાહ નહીં આપનારામાં જે. કૃષ્ણમૂર્તિ પણ હતા. જાપાનના ગુઢ પુરુષ સુઝુકીએ જે કહ્યું છે તે સાંભળો: 'મેં કદી જ કોઇ ઉપદેશક કે ગુરુ રાખ્યા નથી. ધ ગ્રેટ બનવાના કોઇ કલાસમાં જોડાયો નથી. મને કોઇ ગુરુની જરૂર નથી. હું માનું છું કે જે માણસ પોતાને મહાન માનતો હોય તે બીજાની મિમિક્રી નહીં કરે. બીજા જેવો બનવાની કોશિશ નહીં કરે...'



સુઝુકીને જાપાનથી લંડન બોલાવવામાં આવ્યા. તેમને પ્રવચન આપવા પ્લેટફોર્મ પર બોલાવાયા ત્યારે તેમણે કહ્યું: 'મારા જેવા એક નાચીઝ માણસને તમે 'સુપ્રીમ સ્પિરિચ્યુઅલ આઇડિયલ' એટલે કે ઉચ્ચ આઘ્યાત્મિક આદર્શ વિશે બોલવા કહ્યું છે. આવા ભવ્ય વિષય પર હું કેમ બોલી શકું? ખરેખર તો સ્પિરિચ્યુઅલ એટલે શું તેની જ મને ખબર નથી!'



આટલું બોલીને પછી સુઝુકીએ પોતે જે ઘરમાં રહેતા હતા તેનું વર્ણન કર્યું. તેના બગીચાનાં ફૂલ-ઝાડની વાત કરી. જાપાની લોકોના ગાર્ડન પ્રત્યેના પ્રેમની વાત કરી. લંડન અને જાપાનના જીવનનો વિરોધાભાસ રજૂ કર્યો. આટલું બોલ્યા એટલે તાળીઓનો ગડગડાટ થયો. તાત્પર્ય એ છે કે વાચકને, શ્રોતાને કે સામાન્ય માનવીને તમે વધુપડતા ઊંચે જઇને ઉદ્દેશો ત્યારે તે તમારી વાત સાંભળશે નહીં.



સુઝુકીએ કહ્યું: 'મારી આ વાત પ્લીઝ સ્વીકારશો? માનવીમાત્ર એક વિચાર કરનારું સાંઠીકડા જેવું પ્રાણી છે, પરંતુ એ દૂબળો માનવ ત્યારે જ મહાન બને છે જ્યારે તે ગણતરીબાજ હોતો નથી, અને માત્ર વિચાર્યા કરતો નથી. માણસમાં બાલસહજ સ્વભાવ હોવો જોઇએ. બાળક જેવો સ્વભાવ આપણે મોટાપણામાં ગુમાવી બેસીએ છીએ.



એટલે મહાન બનવાને બદલે તમે પાછા બાળક જેવા બનવાની તાલીમ કે રિહર્સલ કરો તો જ બાળક બનીને જિંદગીની મોજ લઇ શકો છો. માનવ જ્યારે બાળક બની જાય છે ત્યારે એ 'વિચારે છે ત્યારે પણ વિચારતો નથી.' એ વિચારે છે તો એવી ઢબે વિચારે છે કે જાણે આકાશમાંથી વર્ષા થતી હોય. એના વિચારો સમુદ્રનાં મોજાંની માફક ઊછળીને આવતા હોય.



એ આકાશના ઝગમગતા તારાની જેમ વિચારતો હોય! એ વિચારે ત્યારે જાણે વૃક્ષમાંથી કૂણીકૂણી કૂંપળો ફૂટતી હોય તેવો અનુભવ થાય છે. માણસ જ્યારે આવી રીતે વિચારે છે ત્યારે તે પોતે જ આકાશ છે, વાદળ છે, સમુદ્ર છે, તારાઓનું ઝૂંડ છે, વૃક્ષ છે અને કૂંપળ છે! અને આવી અવસ્થાને તમે મહાન કહેતા હો તો મહાન બની જાઓ. તમને કોઇ નહીં રોકે.



કોઇ તમારી સ્પર્ધા નહીં કરે. બોલો કોઇ સ્પર્ધા કરશે?' આખો હોલ ગાજી ઊઠ્યો : નો...નો... નોબડી!



આપણે હેન્રી મિલરને પાછા યાદ કરીએ. તેમણે કહેલું કે આ જગતમાં જે કાંઇ બને છે કે સામાન્ય લોકો જે પ્રકારનું વર્તન કરે છે તે તમામની નીચે તમારી મંજૂરીની સહી કરવાની જરૂર નથી. તમે કોઇ મામલતદાર નથી કે જગતનાં દરેક કાર્ય પર તમારું મતું મારો. આપણું કર્તવ્ય તો ખરેખર પ્યુનનું છે. તમારી આજુબાજુ જે કંઇ છે તેને નિ:સ્પૃહ ભાવે તમારે આદાનપ્રદાન કરવાનું છે.



આ જગતમાં મેં પોતે મારા કોલેજકાળથી અને વ્યાપારી અનુભવથી તથા પત્રકાર તરીકે જોયું છે કે જગતમાં ઘણા લોકો 'કંઇક' બની જવાની તાલાવેલીમાં પોતે બરબાદ થઇ જાય છે અને બીજાને બરબાદ કરે છે. જાપાનના વિખ્યાત લેખક યુકીઓ મિશીમા ૧૯૭૦ના દાયકામાં આ જગતના રંગઢંગથી કંટાળીને આત્મહત્યા કરી બેઠા ત્યારે ૬૦૦૦ માઇલ દૂર બેઠેલા હેન્રી મિલર વ્યથિત થઇ ગયેલા.



તેણે યુકીઓ મિશીમાને જુદી જ જાતની શ્રદ્ધાંજલિ આપી. તેણે કહ્યું: 'માનવી કંઇક ઉચ્ચતમ બની જવાની તમન્નાના ધમપછાડામાં નહીં ઘરનો કે નહીં ઘાટનો બની રહે છે.'



હેન્રી મિલરને કોઇએ પૂછ્યું કે તમે આવતા જન્મે શું થવા માગો છો? દેશનેતા, ગ્રેટેસ્ટ બિઝનેસમેન, ઉચ્ચતમ રાષ્ટ્રનેતા? કે કોઇ હીરો કે મોટા લેખક? જવાબમાં હેન્રી મિલરે કહ્યું, 'હું તો માત્ર એટલું કહું કે કોઇની ગણનામાં આવી જવાની કોઇ તરકીબ હું નહીં કરું — આઇ વુડ લાઇક ટુ બી એ નોબડી ઓર એનીબડી!'



જો હેન્રી મિલર જેવો મહાન સર્જક આવતે જન્મે મિસ્ટર નોબડી બનવા માગતો હોય તો આપણે એક્સ્ટ્રાઓર્ડિનરી બનવાને બદલે સજ્જન, માયાળુ, સર્વપ્રેમી થવાનો ચાન્સ લઇ શું કામ ઓર્ડિનરી બની ન રહીએ? એક ખાસ વાત તેમણે કહેલી: મને ખરેખર બૌદ્ધિકતા ખપતી નથી. મને તો મારી બુદ્ધિ સિવાયની ઇન્દ્રિયોનું સુખ માણવા મળે એવા કોમનમેનની જિંદગી જોઇએ છે.



મારે ગ્રેટ કે ફેમસ થવું નથી. હેન્રી મિલરે પછી જાપાની લેખક યુકીઓ મિશીમાને ઉદ્દેશીને ખુલ્લો પત્ર લખેલો: 'મારા વહાલા મિશીમા, મેં પણ તારા જેવી ભૂલ કરેલી. હું મહાન લેખક બનીને જગતને સુધારવા નીકળી પડેલો. આશા હતી કે લેખો દ્વારા હું ક્રાંતિ લાવીશ પણ જ્યારે રીઢો બન્યો ત્યારે મને લાગ્યું કે જગતને સુધારીને મહાન બનવાની કોશિશ મિથ્યા છે.



આમ કહીને હું એમ કહેવા નથી માગતો કે તમે જગતથી તદ્દન અલિપ્ત થઇને રહો, લોકોનાં દુખો પ્રત્યે પીઠ ફેરવીને જડ બની જાઓ. હું તો કહું છું કે તમારી વેદના જાગતી રાખો પણ જો તમારે મહાન બનવું હોય તો સંવેદનાને મારી નાખવી પડે છે...'



આજે તો એલન વોટ્સના કહેવા પ્રમાણે જે મોટા થવા નીકળ્યા છે તે લોકો પાગલખાનાની બહાર છે, તે ખરેખર પાગલખાનાની અંદર હોવા જોઇએ! તમામ વધુપડતા ડાહ્યા લોકો પાગલખાનામાં હોવા જોઇએ. જાપાન આખું પાગલ હતું. બીજા વિશ્વયુદ્ધથી બરબાદ થયું.



૨૧મી સદીમાં અમેરિકા પાગલ થવા માંડ્યું છે. સૌથી મોટું લશ્કર, સૌથી વધુ ધનિકો, સૌથી વધુ પરમાણુશસ્ત્રો... પણ સાથે સાથે અમેરિકામાં સૌથી બીમાર લોકો વધુ છે. માનસિક રીતે તો ૯૦ ટકા બીમાર છે જ. પ્રતિષ્ઠા મેળવવામાં અને ગ્રેટેસ્ટ બનવામાં - તે શેતાન બની ગયું છે.



બીજાને સતત અન્યાય કરે છે, તેની (કહેવાતી) 'પ્રગતિ'માં અવરોધ નાખનારાને કચડી નાખવા માગે છે. બીજાને ઊંચે આવવું હોય તેના પંથમાં કાંટા નાખે છે. આપણે એવા બનીએ કે બીજા આગળ આવે તે માટે ફૂલો બિછાવીએ, તો જ આપણે મહાન છીએ.



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...