[F4AG] જૂનો વાણિયો, નવો બિઝનેસમેન

 

જૂનો વાણિયો, નવો બિઝનેસમેન

Gunvant Shah
૨૦૧૦ના વર્ષનો કોર્પોરેટ ઉન્મેષ એ હોવો જોઈએ કે અપ્રમાણિકતા આચરવાથી નફો વધતો નથી અને પ્રામાણિકતાનો માર્ગ સ્વીકારવાથી નફો ઘટતો નથી. વાત ઇમાન અને ઇમેજના સમન્વયની છે.

એનું નામ નેમચંદ હતું. લોકો એને માટે વાતવાતમાં ત્રણ શબ્દો કાયમ ઉચ્ચારતા. નેમચંદ 'કાટ' હતો, 'ઘંટ' હતો અને 'ચિંગૂસ' હતો. બોલ્યા પછી ફેરવી તોળવામાં એ પાવરધો હતો. જૂઠું બોલ્યા વિના વેપાર ન થાય, એવું એ માનતો.

ગામલોકો ક્યારેક એને જાહેરમાં બદમાશ કહેતા ત્યારે એ વાતને હસી કાઢતો. ગલ્લા પર બેસે ત્યારે એ સગા બાપની પણ શરમ રાખતો નહીં. કોઇને પૈસા ચૂકવવાના હોય ત્યારે વધારેમાં વધારે વિલંબ કેમ કરવો તેની આવડત એની પાસે હતી.

કોઇની પાસે પૈસા લેવાના બાકી હોય ત્યારે કરવાની ઉતાવળનો એ માસ્ટર હતો. નેમચંદ મર્યો, પણ મરતાં પહેલાં પોતાના દીકરા પાનાચંદને એ 'લુચ્ચાઇદીક્ષા' આપતો ગયો હતો.

લોકો કહેતા કે પાનાચંદ એના બાપને સારો કહેવડાવે તેવો છે. નફાનો કે સોદાબાજીનો પ્રશ્ન હોય ત્યારે પાનાચંદ અંદરથી બેશરમ બની શકતો અને બહારથી મીઠો બનીને ગોળ ગોળ અસત્યનો દુકાનદાર બની જતો. એ જૂઠું બોલતી વખતે ખંધું ખંધું હસતો.

અયોઘ્યામાં બાબરી મસ્જિદ તૂટી પછીના દિવસોમાં કોમી વૈમનસ્ય વધી પડેલું. એક ગામમાં કેટલાક હિંદુઓની મિટિંગ મળી. બે-ત્રણ હિંદુઓએ મુસ્લિમ વેપારીઓનો બહિષ્કાર કરવાની દરખાસ્ત મૂકી.

ચર્ચા ચાલી ત્યારે એક તબક્કે મિટિંગમાં બેઠેલી કોઇ સ્ત્રીએ કહ્યું : 'આપણી કોમના વેપારીઓ તેલના ડબ્બા પર મુસલમાન વેપારીઓ કરતાં કાયમ પંદર-વીસ રૂપિયા વધારે ભાવ પડાવતા હોય છે. વળી તેલનો ડબ્બો ઘેર લાવ્યા પછી કોઇ નુકસાની જણાય, તો હિંદુ વેપારી માલ પાછો લેવાનો ઇનકાર કરે છે, જ્યારે મુસલમાન વેપારી તરત માલ પાછો લઇને નવો ડબ્બો આપે છે.

ગ્રાહકોને કાયમ આવો અનુભવ થતો હોય ત્યારે બહિષ્કાર લાંબો નહીં ચાલે.' આવી દલીલો કરીને બહિષ્કારની વાત પડતી મૂકવાનો આગ્રહ કરનારી એ સ્ત્રી મારી મોટી બહેન થાય. નફો પણ સ્વચ્છ હોઇ શકે, એ વાત અમારા ગામના પાનાચંદ માટે સાવ અજાણી હતી.

ગરીબ કે અભણ ગ્રાહકોને છેતરતી વખતે પાનાચંદને પોતાના ઇષ્ટદેવની શરમ નડતી નહીં. નેમચંદ શેઠે જે લુચ્ચાઇદીક્ષા પાનાચંદને આપી તેવી જ દીક્ષા પાનાચંદ પોતાના દીકરા શૈલેષને આપી ન શક્યા. શૈલેષને પિતાજીની ગંદી રીતરસમો પ્રત્યે ભારે ચીઢ છે.

પાનાચંદ શૈલેષના આવા વલણથી ખૂબ દુ:ખી છે. શૈલેષ સાધુ નથી, પરંતુ એ પોતાના ધંધામાં આગળ વધતો રહ્યો છે. એનો વેપાર દસગણો વઘ્યો છે. દુકાન વેચીને હવે એ યુવાને મોલ શરૂ કર્યો છે. શૈલેષ કાટ નથી, ઘંટ નથી અને ચિંગૂસ નથી.

શૈલેષ પાસે એક એવી મૂડી છે, જેને લોકો 'ક્રેડિબિલિટી' (વિશ્વસનીયતા) કહે છે. લુચ્ચાઇ વિદાય થઇ અને વેપારની કુનેહને કારણે કમાણી વધી. ઇમાન અને ઇજ્જતનો સુમેળ શૈલેષે શક્ય બનાવ્યો. જૂનો વાણિયો મરી ગયો અને નવો બિઝનેસમેન પેદા થયો. તમે એ શૈલેષને મળ્યા છો?

શું નવો બિઝનેસમેન બધી રીતે પાનાચંદ કરતાં જુદો ખરો? જવાબ છે : શેમ્પુ તેનો તે જ છે, પણ બાટલી આકર્ષક બની ગઇ છે. મારી તો એવી માન્યતા છે કે આજનો 'સ્માર્ટ' બિઝનેસમેન અમારા ગામના પાનાચંદ જેટલો લાગણીશીલ પણ નથી રહ્યો.

અમે તો પાનાચંદને ક્યારેક કોઇ પ્રસંગે રડતો જોયેલો. આજનો મોડર્ન બિઝનેસમેન સ્વાર્થની બાબતે આંધળો છે અને સંવેદનાની દ્રષ્ટિએ ગરીબ છે. એ બિઝનેસમેને પોતાની જાતને કેટલાક ખલેલ યુક્ત પ્રશ્નો પૂછવા રહ્યા :

(૧) શું વાતે વાતે જૂઠું બોલવાથી કંપનીનો નફો વધે, એવું ખરું?
(૨) શું કહેવાતી સ્માર્ટનેસ એટલે 'આકર્ષક અસત્ય' કે બીજું કંઇ?
(૩) તમે જૂઠું બોલો છો તેની ખબર સામા માણસને નથી પડતી એવું કેમ માની લીધું? તમે પકડાઇ જાઓ છો, તોય શરમાતા કેમ નથી?
(૪) સાચું બોલવાને કારણે નફો ઘટી જશે એવું ખરું?
(૫) તમે મૃત્યુ પામો ત્યારે લોકો કહેશે : 'એ ગિલિન્ડર હતો.' શું તમને આવું બને તે માન્ય છે?
(૬) માર્કેટમાં અને બિઝનેસ સર્કલમાં તમારી ઇજ્જત બે કોડીની હોય, ત્યારે પણ તમારા નફામાં રહેલી દુર્ગંધ તમને કનડતી કેમ નથી
૭) જ્યાં સ્વાર્થ ૧૦૦ ટકા હોય ત્યાં સાચો મૈત્રીસંબંધ શૂન્ય જ હોવાનો. તમારો અઢળક નફો મૈત્રીને ગળી ગયો તેનું તમને દુ:ખ નથી?

નાની નાની લુચ્ચાઇને કારણે લોકો ચિંગૂસ બિઝનેસમેનને માટે અત્યંત હલકા શબ્દો પ્રયોજતા રહે છે. ક્યારેક લોકોની વાતમાં ભારોભાર અતિશયોક્તિ હોય છે. નફો ભૂંડી બાબત નથી. નફો જ્યારે 'નોનવેજિટેરિયન આઇટેમ' બને ત્યારે એ દુકાનદારના જીવનને અંદરથી ખતમ કરે છે.

દુકાનદાર જીવતો રહે છે, પરંતુ એ ખાનગીમાં મરી ચૂક્યો હોય છે. ઇજ્જત વિનાનું જીવન, એ જ મૃત્યુ! મોડર્ન બિઝનેસમેન મહાત્મા નથી, પરંતુ એ ગિલિન્ડર પણ ન હોઇ શકે. પાનાચંદનું શોષણ પાનાચંદની પહોંચ ઓછી હોવાને કારણે મર્યાદિત રહેતું.

હવેનું મોડર્ન શોષણ પણ અમર્યાદ લુચ્ચાઇને પનારે પડ્યું છે. પાનાચંદનું ધોતિયું પેન્ટ બની ગયું છે અને એનું પહેરણ ટી-શર્ટ બની ગયું છે. બાહ્ય ફેરફાર પણ અંદરના જૂઠને હચમચાવી શકતો નથી. પાનાચંદ હવે ગલ્લા પર નહીં, કાઉન્ટર પર બેસે છે. એને પ્રાપ્ત થયેલી 'લુચ્ચાઇદીક્ષા' જીવંત છે. કરવું શું?

ઇન્ફોસિસના પ્રણેતા નારાયણમૂર્તિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમની કંપનીનો ઘણો બિઝનેસ બહારના દેશોમાંથી મળતો ત્યારે ભારતની છાપ બહુ સારી ન હતી. ઇન્ફોસિસની ખરી કસોટી બહારના દેશોમાં ઇન્ડિયાની પ્રોડક્ટ સારી ક્વોલિટીની છે એવી છાપ ઊભી કરવામાં રહેલી હતી.

ઇન્ફોસિસે શરૂઆતથી જ એવી નીતિ અપનાવી અને એવી વ્યૂહરચના ગોઠવી કે નીતિ (એથિક્સ) અને મૂલ્યો જાળવીને ધંધો કરવાથી લાંબે ગાળે નફો વધે છે અને વળી પ્રતિષ્ઠા પણ વધે છે. નોંધવા જેવું છે કે ઇન્ડિયાની ગ્લોબલ ઇમેજ વધારવામાં ઇન્ફોસિસનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે.

ઇન્ડિયા તરફથી પણ 'ક્વોલિટી-પ્રોડક્ટ' આવી શકે છે એવો ગ્લોબલ મેસેજ પહોંચાડવામાં ઇન્ફોસિસ કંપનીનો ફાળો સૌથી મહત્વનો રહ્યો છે. સન ૨૦૧૦માં ગયા જમાનાનો પાનાચંદ બિઝનેસના નવા નોર્મ્સને સમજણો થાય એવા દિવસો દૂર નથી. એવો બિઝનેસ કરવામાં નફો ઘટે તેવું કોઈ જોખમ નથી.

૨૦૧૦ના વર્ષનો કોર્પોરેટ ઉન્મેષ એ હોવો જોઈએ કે અપ્રમાણિકતા આચરવાથી નફો વધતો નથી અને પ્રામાણિકતાનો માર્ગ સ્વીકારવાથી નફો ઘટતો નથી. મૂળે વાત ઇમાન અને ઇમેજના સમન્વયની છે.

Ethics and business are inter-connected, not opposite. બિઝનેસ પણ સમાજનું એક અનિવાર્ય અને અવિભાજ્ય અંગ છે. સમાજ પાસેથી જે પ્રાપ્ત થયું તે સમાજને યત્કિંચિત પાછું વાળવું એ 'વ્યાપારધર્મ' છે. જે વેપારી નફા સિવાયની બીજી કોઇ બાબત ન વિચારે, તે ઓગણીસમી સદીમાં જીવનારો શાહુકાર છે, બિઝનેસમેન કે મહાજન નથી.

સામાજિક જવાબદારીની ભાવના માટે ત્રણ શબ્દો પ્રયોજાયા : 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) દુનિયાનું સમગ્ર વ્યાપારવિશ્વ કરવટ બદલી રહ્યું છે. વાત ગ્રીન જી.ડી.પી. અને ગ્રીન કંપની સુધી પહોંચી છે. હવેનો દુકાનદાર પણ નાની નાની અપ્રામાણિકતાઓ ચાલાકીપૂર્વક આચરીને હરખાયા કરે એવું નથી બનવાનું.

એણે નફો વધારવા માટે પણ નીતિ જાળવવી પડશે. દુકાનદાર પણ જીવનમાં માલદાર અને વળી દિલદાર બની શકે છે. તમે એવા દુકાનદારને મળ્યા છો? હા, એવો દુકાનદાર મને મળ્યો છે. આવી બધી વાતો ગામના પાનાચંદ સુધી કોણ પહોંચાડશે?

પાઘડીનો વળ છેડે

એક વાણિયો પહેરેલ કપડે ગામડેથી શહેરમાં પહોંચ્યો. પસીનો પાડીને એણે જેમતેમ એક દુકાન માંડી. થોડીક કમાણી થઇ તેમાંથી બીજી બે દુકાનો શરૂ કરી. પાંચ પૈસા કમાયો તેમાંથી એણે દીકરાઓ માટે નવાં ઘર લીધાં. એક દિવસ ભણેલા દીકરાએ બાપને પૂછ્યું : 'તમે તમારી આવક કેટલી તેનો કોમ્પ્યૂટર પર હિસાબ કેમ નથી રાખતા? તમને કેવી રીતે ખબર પડે કે તમે શહેરમાં આવીને કેટલું ધન કમાયા?'

બાપાએ દીકરાને જવાબ આપ્યો : 'સાંભળ : હું ધોતિયું અને પહેરણભેર આ શહેરમાં આવ્યો હતો. આજે આપણી પાસે જે કંઇ સંપત્તિ છે, તેમાંથી ધોતિયું ને પહેરણ બાદ કરી નાખ. પછી જે કંઇ વધે તે મારી કમાણી!

vicharona vrindavanma


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...