| સારો ભાવ વ્યક્તિને પોતાને જ લાભ કરે... જ્યારે સારો સ્વભાવ સ્વ-પર સૌને લાભ કરે.. | | | | | | | | | શહેરી વિસ્તારોની ગગનચુંબી ઈમારતોમાં 'લીફ્ટ'ની સુવિધા સર્વસામાન્ય અને અનિવાર્યપણે અગત્ય ધરાવતી નિહાળાય છે. જેથી ઈમારતના ઠેઠ ટોચના મજલે પણ માનવી વગર મહેનતે સાવ આસાનીથી પહોંચી શકે.
રોજિંદા ઉપયોગમાં આવતી આ 'લીફ્ટ'માં જો કોઇ બગાડ સર્જાય અને 'લીફ્ટ' ગતિવિહોણી બની જાય તો? તો એના માટે 'મીકેનીક'ની વ્યવસ્થા તત્કાલ કરવામાં આવે, એ આવીને તાબડતોબ 'લીફ્ટ'નો બગાડ દૂર કરે અને 'લીફ્ટ'ને સુધારીને પૂર્વવત્ બનાવી દે. પચીશ-ત્રીશ વર્ષો પૂર્વે જે 'કમ્પ્યુટર' અંગે કોઇને ખાસ જાણકારી ય ન હતી તે કમ્પ્યુટર શહેરથી લઇને નાનકડા ગામડાંમાં પણ ઠેર ઠેર પ્રચલિત બની ગયું છે. ચમત્કારિક લાગે એ હદે તે કંઇ કેટલાય કાર્યો અત્યંત ઝડપથી ક્ષણ-વિક્ષણમાં કરી આપે છે. ધારો કે આ 'કમ્પ્યુટર'ને 'વાયરસ' લાગી જાય અને એના ઘણા બધા 'પ્રોગ્રામ્સ' ઊડી જતાં હોય તો? તો તજજ્ઞ નિષ્ણાતને બોલાવીને એનો 'વાયરસ' દૂર કરાય છે અને એને પૂર્વવત્ કાર્યરત કરી દેવાય છે.
અરે! લીફટ અને કમ્પ્યુટરની ક્યાં વાત? હાથ પર ધારણ કરાતી ઘડિયાળ પણ જ્યારે બગડે અને વારંવાર ખોટકાઇ જાય યા ગલત સમય બતાવતી હોય તો એને ય 'રીપેરર' પાસે લઇ જવાય છે અને 'રીપેરર' એની ખામી દૂર કરીને એને સુધારી દેવા સાથે પૂર્વવત્ વ્યવસ્થિત બનાવી દે છે.
લીફટને મીકેનીક દ્વારા, કમ્પ્યુટરને તજજ્ઞ નિષ્ણાત દ્વારા અને ઘડિયાળને રીપેરર દ્વારા માનવી સુધારી શકે છે. પણ અફસોસ! માનવી એના બગડી ગયેલા સ્વભાવને લાખ ઉપાયે ને મહામુસીબતે પણ સુધારી શકતો નથી!! એમાં એ ઘણી વાર પ્રયત્ન છતાં ય કામિયાબ નથી નીવડતો. યાદ રહે કે બગડેલી લીફટ, બગડેલ કમ્પ્યુટર કે બગડેલ ઘડિયાળ બહુ બહુ તો માનવીને સહાયક ન બની શકે એટલું જ. પરંતુ એ નવાં નુકસાનો સર્જતા નથી હોતા. જ્યારે બગડેલો સ્વભાવ તો નિતનવાં ભયાનક નુકસાનો સર્જી શકે છે. એ પણ માત્ર માનવીને ખુદને જ નહિ, સંપર્કમાં આવનાર અન્યોને ય નુકસાન કરે.
ખબર છે પેલું ચિંતનવાક્ય? એ એમ કહે છે કે ''સારો ભાવ માનવીને પોતાને જ લાભ કરે, જ્યારે સારો સ્વભાવ એને અને બીજાને ય લાભ કરે. એથી વિપરીત ખરાબ ભાવ વ્યક્તિને ખુદને જ નુકસાન કરે, જ્યારે ખરાબ સ્વભાવ એને અને બીજાને પણ નુકસાન કરે.'' શું દર્શાવે છે આ ચિંતન? એ જ કે સ્વભાવ બગડેલો હોય તો એ સ્વ-પર સૌને નુકસાન કર્યા વિના ન રહે. એટલે જ ગત લેખથી આરંભેલી ત્રિસૂત્રી ચિંતનયાત્રામાં બીજું એક સૂત્ર એ રાખ્યું છે કે ''સુધારવા જેવો સ્વભાવ.''
સ્વભાવ સુધારવાની વાત પર એક કાવ્યકંડિકામાં બહુ જોરદાર ભાર અપાયો છે. જગતને- અન્યોને સુધારવા ધખારા સાથે ઊછળકૂદ કરતાં 'પરોપકારી' (!) માનવી પર એમાં તીખો તમતમતો ચાબખો ફટકારાયો છે કે ઃ-
''અરે સુધારક! જગત કે, મત કર ચિંતા યાર; તું હી તેરા જગત હૈ, પહલે તુઝે સુધાર.''
મતલબ કે અન્યોની સુધારી દેવાની મસમોટા મનસૂબા સેવવા રહેવા દે. એના કરતાં હે માનવ! તું તારી જાતને- તારા સ્વભાવને સુધારી દે. આટલું કરી બતાવે તો એ ચમત્કારથી કાંઇ કમ નથી. સ્વભાવને સુધારવો હોય તો એના માટે સૌથી અસરકારક પરિબળ છે મક્કમ નિર્ધાર. વ્યક્તિ જો ક્રોધી હોય ને ક્રોધનાં જાલિમ નુકસાનો વારંવાર અનુભવીને એનાથી દૂર રહેવાનો નિર્ધાર કરે તો ઓછે-વધતે અંશે એ એના ક્રોધી સ્વભાવમાં સુધારો લાવી શકે. કારણ કે મક્કમ નિર્ધારનાં કારણે વ્યક્તિ સાવધાન રહી શકે, ગુસ્સાની લાગણી પર નિયંત્રણ રાખી શકે અને અવસરે ગમ પણ ખાઇ શકે. અલબત્ત, આ બહુ કઠિન બાબત છે, આસાનીથી એ શક્ય નથી. પરંતુ તો ય મક્કમ નિર્ધાર એ માટે પાયાનું પરિબળ બની શકે ખરૂં.આ ઉપરાંત પણ સ્વભાવને સુધારનાર સહાયક પરિબળ ત્રણ છે. એમાં પ્રથમ છે સંતોનો સંપર્ક. એમનાં પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપદેશવચનો, અનુભવપૂર્ણ રામબાણ ઈલાજ સમા માનસશાસ્ત્રીય પ્રયોગો વગેરેથી પણ સ્વભાવમાં સુધારણા શક્ય બની શકે છે. કરવી છે આની પ્રતીતિ? તો વાંચો આ રમૂજી કથાઃ મઘ્યમ કદના ગામમાં તાજી પરણીને આવેલી એક નવવઘૂ. સંપન્ન માતા-પિતાને ત્યાં લોડકોડથી એ ઊછરી હશે, એથી સ્વભાવમાં અવિવેકભરી તોછડાઇ- ગુસ્સો પ્રવેશી ગયા હતા. જરાક ટકરામણ થાય અને એ બોલવા પર ઊતરી જાય તો સામે કોણ છે એ વિચાર્યા વિના બેફામ શબ્દોનો મારો ચલાવે. એક ઘા ને બે કટકા જેવી એની કુહાડાછાપ વાણીથી એના પિતૃપક્ષના પરિવારજનો ય થોડા પરેશાન તો હતા જ. પરંતુ લાડકવાયી દીકરી હોવાથી મોટું મન રાખીને માફ કરી દેતા હતા. સાસરે આવ્યા પછી એને એનો ખરાબ સ્વભાવ કલ્પનામાં ન હોય એ રીતે નડવા માંડ્યો. સાસુ સાથે કે નણંદ સાથે જરાક ટકરામણ થતાં એ જે આગઝરતી વાણી ઉચ્ચારતી એનાથી એનું લગ્નજીવન જોખમમાં આવી ગયું. કારણ કે સાસુ-નણંદને નવી પુત્રવઘૂ આમ ખોટી રીતે પોતાનો કક્કો ખરો કરીને એમના પર હાવી થઇ જાય એ પસંદ ન હતું. એ મજબૂત પ્રતીકાર કરતા. પરિણામે બે-ચાર માસમાં જ ઘર એવું કુરૂક્ષેત્ર બની ગયું કે સહુ કંટાળી ગયા. એના સસરા- પતિ અને પડોશીઓને પણ સ્પષ્ટ પ્રતીતિ થતી હતી કે વહુ નાની ને જીભ મોટી એનું આ દુષ્પરિણામ છે. એથી એમણે આખરી ઉપાયરૂપે વહુને એના પિયરે મોકલી આપવાની વિચારણા શરૂ કરી. પરિસ્થિતિએ આ વરવો વળાંક લેતાં નવવઘૂ ગભરાઇ ગઇ. કેમ કે એ સમજતી હતી કે પિયર પરત જવામાં પિતાજીની ઈજ્જતના ધજાગરા ને અંધકારમય ભાવિ સિવાય કાંઇ શેષ ન હતું. તો બીજી તરફ એનો કર્કશ સ્વભાવ એને સંઘર્ષ કરાવ્યા વિના રહેતો ન હતો. બધી રીતે નાસીપાસ થયેલી નવવઘૂ ગામમાં પધારેલ કોઇ સંત પાસે પહોંચી ગઇ. એ આશાએ કે સંત કોઇ ચમત્કારિક ચીજ આપીને એનો તૂટતો સંસાર બચાવી લે. એણે સંત સમક્ષ ગૃહક્લેશની રજેરજ હકીકત જણાવી દીધી. અનુભવી સંતને પાકો અંદાજ આવી ગયો કે આમાં મુખ્ય વાંક ક્લેશ સમયે અટક્યા વિના ચાલ્યા કરતી આની કાતિલ જીભનો છે. થોડી ક્ષણો વિચારીને સંતે એને કહ્યું ઃ ''ચમત્કારિક ચીજ તો મારી પાસે રામબાણ ઈલાજ જેવી છે. પરંતુ એનો પ્રભાવ અનુભવવા માટે તારે મારી સૂચનાનું ચુસ્ત પાલન કરવું પડશે.'' 'ડૂબતો માણસ તરણું ઝાલે' એ ન્યાયે નવવઘૂએ જે પણ સૂચના હોય એ ચુસ્તતાથી પાળવાની હોંશે હોંશે હા ભણી. સંતે એને એક ચમત્કારિક સળી આપીને કહ્યું કે ''જે ક્ષણે ઝઘડાની- સંઘર્ષની શરૂઆત થાય એ જ ક્ષણે આ સળી તારે મુખમાં મૂકી દેવી. એની અસર એવી ચમત્કારિક થશે કે ઝઘડો થોડી જ વારમાં સાવ શમી જાય પણ કડક શરત એટલી કે ભૂલમાં પણ મોં ઘાલવા જતાં સળી બહાર આવી ગઇ, તો એનો પ્રભાવ કાયમ માટે ખતમ થઇ જશે. માટે સળી મૂક્યા બાદ મુખને જરા ય ખોલીશ નહિ.'' નવવઘૂ જબરજસ્ત શ્રદ્ધાથી આ સૂચના સ્વીકારીને ઘરે ગઇ. સળીએ જાણે ચમત્કાર સર્જ્યો હોય એમ એક વર્ષમાં તો નવવઘૂની સ્થિતિ સાવ બદલાઇ ગઇ. એનાં ઘરમાં સંઘર્ષનાં સ્થાને શાંતિ ફેલાઇ ગઇ અને એને પિયર રવાના કરી દેવાની વાત દફનાવાઇ ગયેલ ભૂતકાળ બની ગઇ. વર્ષાંતે સંત જ્યારે પુનઃ એ ગામમાં પધાર્યા ત્યારે હર્ષથી ઘેલી ઘેલી થયેલી નવવઘૂ સંતને પગે લાગતાં બોલી ઃ ''આપની સળી તો ખરી ચમત્કારિક નીવડી. મારાં જીવનની સમસ્યા એનાથી બરાબર સુલઝાઇ ગઇ. ઝઘડો હવે થતો જ નથી ને જરાક થાય તો એ આગળ વધતો નથી.'' સંત મર્મભર્યું સ્મિત વેરતાં બોલ્યા ઃ ''ભલી બાઇ! સળી ચમત્કારિક નથી, પણ તારું મૌન ચમત્કારિક છે. ઝઘડાની શરૂઆત થતાંવેંત તું નિયમ મુજબ સળી મુખમાં મૂકી દે છે અને પછી એનો પ્રભાવ જાળવી રાખવા મુખ બંધ રાખે છે એથી આપોઆપ તારી કાતર જેવી જીભ નિયંત્રણમાં આવી જાય છે ને પરિણામે ઝઘડો આગળ વધતો અટકી જાય છે. ચમત્કાર સળીનો નથી, તારી જીભ બોલતી બંધ થયાનો છે.'' આ રમૂજી ઘટના એ દર્શાવી જાય છે સંતના અનુભવપૂર્ણ પ્રયોગે સ્વભાવ સુધારવાનું અશક્ય ભાસતું કાર્ય કેવું સરસ કરી બતાવ્યું. માટે જ સ્વભાવ સુધારનાર સહાયક પરિબળ છે સત્સંગ. બીજું સહાયક પરિબળ છે અનુભવ. એમ કહેવાય છે કે અનુભવ જેવી નક્કર બોધપાઠ આપતી શાળા બીજી એકે ય નથી. ખરાબ સ્વભાવને કારણે થયેલ સંબંધોનાં સ્તરને નુકસાનો, આર્થિક નુકસાનો, પારિવારિક નુકસાનો, સામાજિક નુકસાનો વગેરેના અનુભવો પણ કેટલીકવાર ફરજિયાતપણે માનવને સ્વભાવ સુધારવા મજબૂર કરે છે.ત્રીજું અને અંતિમ પરિબળ આત્મનિરીક્ષણ. વ્યક્તિ જાતસુધારણાની બુદ્ધિથી પોતાના સ્વભાવગત દોષોનું રોજ નિરીક્ષણ કરે- એને નાબૂદ કરવાના અલગ અલગ નાના-મોટા ઉપાયો અજમાવે અને સરવાળે કેટલો ફર્ક આવ્યો તેનું સરવૈયું વારંવાર તૈયાર કરતી રહે તો પણ સ્વભાવ સુધારણા શક્ય છે. આ અંતિમ વાતનાં અનુસંધાનમાં યોગ્ય બની રહે એવી પંક્તિ ટાંકીને આ લેખ સમાપ્ત કરીએ કે ઃ- દેખે પરાયા દોષને, એવા લાખો લોક છે; દ્રષ્ટિ કરે નિજ દોષ પર, એવા વિરલા કો'ક છે. | |
The INTERNET now has a personality. YOURS!
See your Yahoo! Homepage.
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join **************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment