[F4AG] ભૂખ, ભીખ અને ભેખ

 

ભૂખ, ભીખ અને ભેખ

Moraribapu
Morari-bapuમાનસની શરૂઆતમાં હનુમાનજીને જ્ઞાનની ભૂખ છે અને ભૂખને ભાંગવા માટે તેઓ પ્રભુપ્રેમની ભિક્ષા માગવાનો રસ્તો અપનાવે છે. પ્રભુપ્રેમની ભિક્ષા માગવામાં આવે અને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થયા પછી સાધકને પાંખો લાગી જાય તે ભેખ છે. માણસના મસ્તકનાં સાત દ્વાર છે. બે આંખ, બે કાન, બે નાસિકા અને મુખ આ સાત દ્વારને રામચરિતમાનસનાં સાત સોપાન સાથે જોડીને આપણી ચર્ચાને આગળ વધારીએ. આ અગાઉ આપણે માણસની બે આંખોને માનસના બાલકાંડ અને અયોઘ્યાકાંડ સાથે સરખાવી અને આ બંને સોપાનમાં રહેલી આંખોની ભૂમિકાની ચર્ચા કરી.


મસ્તકનું મહત્ત્વનું અંગ નાક છે, નાક મસ્તકની શોભા તો છે પરંતુ સાથોસાથ માણસની શોભા પણ નાક છે. અહીં મસ્તકની શોભા એટલે માનવીનું દૈહિક સૌંદર્ય થયું અને માણસની શોભા એ માનવીનું સામાજિક સૌંદર્ય થયું. જો નાક ન હોય તો માણસ દર્શનીય લાગતો નથી અને નાક કહેતા આબરૂ ન હોય તો માણસ આદરણીય લાગતો નથી. રામચરિતમાનસના અરણ્યકાંડ અને કિષ્કિંધાકાંડ એ પુસ્તકરૂપી મસ્તકની નાસિકાઓ છે અથવા એમ પણ કહી શકાય કે આપણી નાસિકાઓ મસ્તકરૂપી માનસનાં અરણ્ય અને કિષ્કિંધાકાંડ છે.


અરણ્યકાંડમાં નાકની વાત આવે છે. રાવણની બહેન શૂર્પણખાનાં નાક-કાન લક્ષ્મણ દ્વારા કાપવામાં આવે છે. માનવીના મનમાં જયાં સુધી અહંકાર હશે ત્યાં સુધી તે હળવોફૂલ બનીને ઈશ્વરનાં ચરણોમાં જઇ શકશે નહીં. લક્ષ્મણે શૂર્પણખાનું નાક એટલા માટે કાપ્યું જેથી તે સોનાની નગરીના રાજાની બહેન છે એવા અહંકારને છોડીને ઈશ્વરનાં ચરણોમાં જાય તે ખૂબ જરૂરી હતું.


રામચરિતમાનસને મારી અંગત જવાબદારી સાથે હું ત્રણ ખંડમાં વિભાજિત કરું છું. જેનો પહેલો ખંડ ભૂખ છે, બીજો તબક્કો ભીખ છે અને અંતિમ તબક્કો ભેખ છે. જે માણસ આ ત્રણે તબક્કાને આત્મસાત્ કરી શકે તે અહંકારશૂન્ય થશે એમાં શંકા નથી. મને હનુમાનજી મહારાજમાં આ ત્રણે તત્ત્વનું દર્શન થાય છે, કારણ રામાયણના પૂર્વાધમાં રામ શું છે એ જાણવાની પ્રબળ ભૂખ એમને લાગી છે. આમ તો હનુમાનને જન્મથી જ એમને જ્ઞાનની ભૂખ હતી અને એટલે બાળક હનુમાન જ્ઞાનરૂપી સૂર્યને ગ્રસી જાય છે.


માનસની શરૂઆતમાં હનુમાનજીને જ્ઞાનની ભૂખ છે અને ભૂખને ભાંગવા માટે ભીખ માગવી એ એકમાત્ર વિકલ્પ નથી, પરંતુ અહીં જુદા પ્રકારની ભિક્ષાનો ઉલ્લેખ છે. રામચરિતમાનસની મઘ્યમાં હનુમાનજી પ્રભુપ્રેમની ભીખ માગે છે. પ્રભુપ્રેમની ભિક્ષા માગવામાં આવે અને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થયા પછી સાધકને પાંખો લાગી જાય તે ભેખ છે.


ભેખનો અર્થ સંસાર છોડીને ભગવા વસ્ત્રો પહેરી લેવાં એવો સંકીર્ણ નથી, પરંતુ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થયા પછી સાધકના રોમેરોમમાં રોમાંચ થાય અને પ્રભુને પામવા માટે એના બે હાથ ઉપર ઊઠે ત્યારે એ હાથ મટીને પાંખ બને છે અને આ રીતે પાંખને પ્રાપ્ત થયેલો સાધક ભેખધારીનું પદ પ્રાપ્ત કરે છે. માનસના ઉત્તરાર્ધમાં હનુમાન ભેખ ધરે છે.


ભૂખ, ભીખ અને ભેખની વાત સમજમાં ન આવતી હોય તો બીજા ત્રણ શબ્દો દ્વારા એને સમજી શકાય તેમ છે. ઈશ્વર સુધી પહોંચવા માટે અહંકારશૂન્ય થવું જરૂરી છે અને અહમ્નું વિસર્જન કરવા માટે રાગ, અનુરાગ અને વિરાગનું હોવું અનિવાર્ય છે. રાગનો સીધો અર્થ આસકિત એવો થાય છે પરંતુ જીવની આસકિત સંસારમાંથી સત્સંગમાં થાય તે પ્રથમ કદમ છે. હનુમાનની આસકિત હનુમાનનો રાગ રામકથામાં છે.


ત્યાર બાદ બીજો શબ્દ અનુરાગ છે. હનુમાનનો અનુરાગ વસ્તુ કે વ્યકિતમાં નથી પરંતુ પ્રભુમાં છે. હનુમાનનો પ્રેમ રામ સાથે છે. એકવાર પ્રભુકથામાં રાગ થાય, પ્રભુ સાથે પ્રેમ થાય પછી આખી પથ્વી ઉપરથી વિરાગ થશે એ નક્કી છે. હનુમાનનો વિરાગ પૂરા વિશ્વ સાથે છે. જગતરૂપી બગીચામાં રહે છતાં આ બગીચાનું એક પણ ફૂલ કે પાન તોડયા વગર જલકમલવત્ રહી શકે તે સાચા અર્થમાં સાધુ છે.


અરણ્યકાંડને નાસિકા સાથે સરખાવવાનું કારણ લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપીને એને ભૂખ ભીખ અને ભેખથી દીિક્ષત કરી છે. કિષ્કિંધાકાંડ એ રામચરિતમાનસની બીજી નાસિકા છે. અરણ્યકાંડમાં લક્ષ્મણ દ્વારા શૂર્પણખાના અહંકારનો નાશ થયો તેમ કિષ્કિંધાકાંડમાં રામ દ્વારા વાલીના અહંકારનો નાશ થયો છે. જેમ રાની પશુઓને માણસના રુધિરની ગંધ આવે એમ માનવસંહારક મહાઅહંકારી વાલીને માનવના રકતની ગંધ આવતી હતી એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે. રકતના પ્રેમીને વિરકત બનાવવાનું કામ રામ કરે છે. વાલીને રકતની ગંધ આવતી હતી પરંતુ રામની સુગંધ આવતી નહોતી.


રામનું બાણ વાગવાથી સૂક્ષ્મ અર્થમાં વાલીનું નાક કપાયું અને અહંકાર જવાથી ઈશ્વરની ખૂશ્બુ આવવા લાગી. રાગ અને અનુરાગ બાદ ત્રીજો તબક્કો વિરાગનો છે. વાલીએ પુત્ર, પત્ની, રાજપાટ સાથે અહંકાર, શરીર અને પ્રાણનો પણ ત્યાગ કર્યો. ત્યાર બાદ સુંદરકાંડ અને લંકાકાંડ એ માનસરૂપી મસ્તકના બે કાન છે, કારણ આ બંને સોપાનમાં શ્રવણનો મહિમા છે. આ બંને સોપાનમાં બે વ્યકિત વચ્ચે થયેલો સંવાદ જે લોકોના કાને પડયો એમનું કલ્યાણ થયું છે. જાનકી-ત્રિજટાનો સંવાદ, રાવણ અને હનુમાનનો સંવાદ, રાવણ-મંદોદરીનો સંવાદ, હનુમાન-વિભીષણનો સંવાદ જેવા સંવાદો આ બંને સોપાનના પ્રાણ છે.


આ સંવાદોમાં કોઇ એમ કહેતું નથી કે હું કહું છું તે તમે સાંભળો પરંતુ બધાં પાત્રો એમ કહે છે કે આપ મને કહો માટે સંવાદમાં પણ બોલવા કરતાં સાંભળવાનો મહિમા વધુ છે. આમ વકતા કરતાં શ્રોતાનું મહત્ત્વ વધુ છે. આ સંવાદોનું જે લોકોએ પોતાના કાનને સમુદ્ર સમાન બનાવીને શ્રવણ કર્યું છે તેમનું કલ્યાણ થયું છે. રામચરિતમાનસનું અંતિમ સોપાન ઉત્તરકાંડ એ પુસ્તકરૂપી મસ્તકનું મુખ છે, કારણ આ સોપાનના પ્રારંભમાં અયોઘ્યાના એક સામાન્ય નાગરિકના મુખેથી ઉચ્ચારાયેલા શબ્દો છે. મૂખરતા કરતાં મૌન હંમેશાં ચડિયાતું હોય છે. ઉત્તરકાંડમાં જાનકીનું મૌન વિશ્વને બહુ મોટો સંદેશ આપી જાય છે.


આંખ, નાક અને કાન ત્રણે બબ્બે હોવા છતાં એક જ કામ કરે છે અને મુખ એક જ હોવા છતાં બે કામ કરે છે. આંખ માત્ર જોવાનું કામ કરે છે, નાક માત્ર સૂંઘવાનું કામ કરે છે, કાન માત્ર સાંભળવાનું કામ કરે છે જ્યારે મુખ બોલવાનું અને આહાર લેવાનું એમ બે કામ કરે છે. મસ્તકનાં સાત દ્વારમાં મુખનું મહત્ત્વ સૌથી વધુ છે કારણ મુખમાંથી શબ્દ એટલે કે બ્રહ્મ જન્મે છે. આ કાંડમાં બ્રહ્મનો મહિમા છે અને તેથી મારી વ્યાસપીઠ ઉત્તરકાંડને મુખની ઉપમા આપે છે. (સંકલન : જગદીશ ત્રિવેદી)

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...