જીવન વીમા તથા જન્મદિનની ઉજવણીનો વિરોધ કરતું દારૂલ ઉલૂમ દેવબંદ જગતભર માટે પીડાદાયક બની ચૂકેલા તાલિબાનોનું પ્રેરણાસ્થાન રહ્યું છે. ભારતમાં દારૂલ ઉલૂમ તાલિબાનો પેદા તો કરી શક્યું નથી, પરંતુ ભારતીય મુસ્લિમોને રાષ્ટ્રીય મહાપ્રવાહથી વધુ ને વધુ અલિપ્ત રાખવા માટે છાશવારે જે વિવાદાસ્પદ ફતવાઓ બહાર પાડતું રહ્યું છે, તેને અંકુશમાં રાખવાનો સમય હવે પાકી ચૂક્યો છે અને આ કાર્યનો આરંભ ખુદ મુસ્લિમ સમાજે જ કરવો પડશે.ફરી એક વાર દારૂલ-ઉલૂમ, દેવબંદે પોતાનું પોત પ્રકાશ્યું છે. રોજેરોજ જાતભાતના ફતવો બહાર પાડી આ કટ્ટરવાદી ઇસ્લામિક સંસ્થાએ, ઓફિસોમાં કામ કરતી મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવાનો આદેશ આપવા ઉપરાંત સહકર્મચારી પુરુષ કર્મચારીઓ સાથે વાતચીત કરવા સામે તેમજ જન્મદિનની ઉજવણી સામે પ્રતબિંધ ફરમાવ્યો છે.
૧૮૫૭ના નિષ્ફળ વિદ્રોહ પછી મુસ્લિમ શાસનના અંતના આઘાતમાંથી જન્મેલા આ દેવબંદી ઇસ્લામિક આંદોલનનો દાવો ઇસ્લામના શુદ્ધીકરણનો રહ્યો છે. ખાસ કરીને ભારતમાં હિન્દુઓના વધતા જતા પ્રભાવને કારણે પ્રદૂષિત થઈ રહેલા ઇસ્લામનું શુદ્ધીકરણ કરવાથી જ મુસ્લિમોની ગયેલી રાજસત્તા ફરી પ્રાપ્ત થઈ શકશે તેવી માન્યતાઓ હેઠળ આ આંદોલન છેલ્લાં ૧૫૦ વર્ષો ઉપરાંત સમયથી કેવળ કટ્ટરવાદ તથા અલગતાવાદનું પ્રસારણ કરતું રહ્યું છે.
સ્વાધીનતા આંદોલન દરમિયાન દેવબંદી મુલ્લા-મૌલવીઓ દેશના વિભાજનની માગણી કરતા મહંમદ અલી ઝીણા તથા મુસ્લિમ લીગનો વિરોધ કરતા હતા તેથી એવો ધૂમ્રપટ સર્જાતો રહ્યો છે કે આ દેવબંદી મુલ્લા-મૌલવીઓ તથા તેમની રાજકીય સંસ્થા જમિયતે-ઉલેમા-એ-હિઁદ તથા ધાર્મિક સંગઠન દારૂલ-ઉલૂમ એ રાષ્ટ્રવાદી, પ્રગતશિલ તથા બિનસાંપ્રદાયિક સંગઠનો છે! પરંતુ આ માન્યતા સાવ ગલત સાબિત થતી રહી છે.
ઝીણા તથા પાકિસ્તાનનો તેમનો વિરોધ એ કારણે હતો કે તેઓ અવિભક્ત હિન્દુસ્તાન જેવા વિશાળ વિસ્તારોમાં ઇસ્લામનો પ્રચાર તથા પ્રસારનું લક્ષ રાખતા હતા અને પાકિસ્તાન જેવા નાના વિસ્તારોમાં પોતાનું કાર્યક્ષેત્ર મર્યાદિત કરવા માગતા ન હતા.
કેવળ ઇસ્લામિક કટ્ટરતાના પરિપ્રેક્ષ્યમાં જોતા રહેવાની તેમની માનસિકતાને કારણે આ દેવબંદી મુલ્લા-મૌલવીઓ મુસ્લિમ સમાજમાં આધુનિક જમાના અનુરૂપ કોઈ સુધારાઓ થવા દેતા નથી. ૧૯૮૦ના દાયકામાં શાહબાનુ કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા એક પ્રગતિશિલ ચુકાદાનો વિરોધ કરી આ મુલ્લાઓએ આ ચુકાદાને રદબાતલ કરાવ્યો હતો.
તલ્લાક, વારસાઈ, ભરપોષણ અંગે વિશ્વના અન્ય ઇસ્લામિક દેશોમાં જે સુધારાઓ થતા રહ્યા છે તેવા સુધારાઓ પણ આ કટ્ટરવાદીઓ આપણે ત્યાં થવા દેતા નથી. દેવબંદી મુલ્લાઓની કટ્ટરતાનો ભોગ સામાન્ય મુસ્લિમ સ્ત્રી-પુરુષો બનતા રહ્યા છે અને ૬૩ વર્ષની સ્વતંત્રતા પછી પણ ભારતના મુસ્લિમો એક જમાનામાં સાવ પછાત મનાતા એવા દલિતો તથા આદિવાસીઓ કરતાં પણ પાછળ પડતા રહ્યા છે.
ભારતના મુસ્લિમ સમાજની આ વિષમતા માટે કેવળ કટ્ટરપંથી તથા અલગતાવાદી આ મુલ્લા-મૌલવીઓ જવાબદાર નથી. વાસ્તવમાં આ મુલ્લા-મૌલવીઓના સૌથી મોટા આશ્રયદાતા કહેવાતા બિનસાંપ્રદાયિક રાજકીય પરિબળો છે. ભાજપ તથા હિંદુ સાંપ્રદાયિકતા પર સતત તીખા તીરો છોડતા રહેલા આ કહેવાતા બિનસાંપ્રદાયિકો કયારેય આ મુલ્લા-મૌલવીઓની કટ્ટરતા તથા સાંપ્રદાયિક સંકુચિતતા પર પ્રહારો કરતા નથી.
બદલામાં આ મુલ્લા-મૌલવીઓ ચૂંટણીઓમાં આ કહેવાતા બિનસાંપ્રદાયિકોની મતપેટીઓ મુસ્લિમ મતોથી છલકાવતા રહે છે, પરંતુ કટ્ટરપંથી મુલ્લાઓ કહેવાતા બિનસાંપ્રદાયિકો વચ્ચે ચાલતી રહેલી જુગલબંધીનો ભોગ મુસ્લિમ સમાજ, ખાસ કરીને તેની મહિલાઓ તથા ગરીબો બનતા રહે છે.
મુસ્લિમ મહિલાઓ તથા ગરીબોના હિતો સાથે ચેડાં કરતા રહેલા આ મુલ્લા-મૌલવીઓ રાષ્ટ્રીય એકતા માટે પણ ભારે જોખમરૂપ છે. મહિલાઓ સામે દારૂલ-ઉલૂમે બહાર પાડેલા તાજા ફતવાઓ ઉપરાંત ભૂતકાળમાં તેણે 'વંદે માતરમ્' ગાવા સામે પણ મુસ્લિમો માટે પ્રતબિંધ જાહેર કર્યો હતો!
બહુ મોડું થાય તે પહેલાં નક્કી કરવું પડશે કે ભારતીય પ્રજાસત્તાકમાં કાનૂનો ઘડવાનો અને ફરમાનો બહાર પાડવાનો અંતિમ અધિકાર કોની પાસે છે? ભારતીય સંવિધાન દ્વારા ચૂંટાયેલી દેશની સરકાર અને પ્રજા દ્વારા ચૂંટાયેલી સંસદને આવા એકમાત્ર અધિકારો છે કે પછી દારૂલ-ઉલૂમ કે હરિયાણાની પંચાયતની જેમ ગમે તેને કાયદાઓ ઘડવાનો અને ફરમાનો જારી કરવાના અધિકારો છે?
દારૂલ-ઉલૂમ જેવી કટ્ટરવાદી સંસ્થાને જણાવી દેવું રહ્યું કે તે મુસ્લિમ મહિલાઓ કે મુસ્લિમ સમાજ માટે અલગ કાયદાઓ કે નિયમો ઘડી શકે નહીં કારણ કે આ દેશમાં ભારતીય પ્રજાસત્તાકે ઘડેલા કાનૂનો દેશના તમામ નાગરિકો માટે એક્સરખા લાગુ પડે છે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી કે બોદ્ધો માટે અલગ અલગ કાયદાઓ કે નિયમો હોઈ શકે નહીં.
અને આવી જ રાજ્યવ્યવસ્થાને બિનસાંપ્રદાયિક શાસનની માન્યતા સાંપડી શકશે. વોટ-બેન્કનું રાજકારણ છોડી કહેવાતા બિનસાંપ્રદાયિકો મુસ્લિમ કટ્ટરવાદ સામે મેદાને નહીં પડે તો હિંદુ કટ્ટરવાદને રોકી શકાવાનો નથી!
જીવન વીમા તથા જન્મદિનની ઉજવણીનો વિરોધ કરતું દારૂલ ઉલૂમ દેવબંદ જગતભર માટે પીડાદાયક બની ચૂકેલા તાલિબાનોનું પ્રેરણાસ્થાન રહ્યું છે. ભારતમાં દારૂલ ઉલૂમ તાલિબાનો પેદા તો કરી શકર્યું નથી, પરંતુ ભારતીય મુસ્લિમોને રાષ્ટ્રીય મહાપ્રવાહથી વધુ ને વધુ અલિપ્ત રાખવા માટે છાશવારે જે વિવાદાસ્પદ ફતવાઓ બહાર પાડતું રહ્યું છે, તેને અંકુશમાં રાખવાનો સમય હવે પાકી ચૂક્યો છે અને આ કાર્યનો આરંભ ખુદ મુસ્લિમ સમાજે જ કરવો પડશે. ( લેખક પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષક છે.)
No comments:
Post a Comment