[F4AG] સબ ચલતા હૈ... ખરેખર?

 

સબ ચલતા હૈ... ખરેખર?

Source: Deepak Solia   
 
 
તમે સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'સાંવરિયા' કે રાજ કપૂરવાળી 'છલિયા' જોયેલી? એ બન્ને ફિલ્મો દોસ્તોયેવસ્કીની 'વ્હાઈટ નાઈટ્સ' નામની વાર્તા પરથી બનેલી. વાર્તાની એકદમ ભીની ભીની અને ભારે રોમેન્ટિક થીમ એવી છે કે જીવનમાં સાચા પ્રેમની એક પળ પણ મળી જાય તોય ભયો ભયો. એના સહારે આખી જિંદગી ખેંચી શકાય. ૨૭ની ઉંમરે દોસ્તોયેવસ્કીએ લખેલી વાર્તા પરથી ૨૩ વર્ષની ઉંમરે 'છલિયા' બનાવનાર દિગ્દર્શક મનમોહન દેસાઈએ પછી તો 'અમર અકબર એન્થની' જેવી કલાસિક કક્ષાની મસાલા ફિલ્મ પણ બનાવી (એનો મસાલો તો તમને યાદ હશે જ.

દીકરાએ ગાયેલી કવ્વાલીને લીધે સાંઈ બાબાની કૃપાથી અંધ માતાની આંખોમાં દ્રષ્ટિના દીવડા પ્રગટે... એ વખતે પાછળ પડેલા વિલનોને નાગદેવતા રોકી રાખે... અને પેલો સીન: ત્રણ દીકરાઓના શરીરમાં ખોસેલી નળીઓમાં લોહી આવે અને એક નળીમાંથી એ 'સંયુક્ત લોહી' માતાના શરીરમાં જાય... ઓહોહો! દિગ્દર્શક આટલી બધી છુટ લે છતાં જોનારને સહેજ પણ ચીઢ ન ચઢે એ સિદ્ધિ નાનીસૂની નથી. ક્યારેક કલાસિક કોલમમાં 'અમર અકબર એન્થની'ની વાત પણ થઈ શકે). ખેર, મુદ્દાની વાત.

પોતાની પહેલી જ ફિલ્મ દોસ્તોયેવસ્કીની વાર્તાના આધારે બનાવનાર મનજી (મનમોહન દેસાઈ) આજીવન કહેતા રહ્યા કે એમના સૌથી પ્રિય લેખક દોસ્તોયેવસ્કી છે. દોસ્તોયેવસ્કીની અનેક કથાઓમાં અનેક પાત્રોએ આત્મહત્યા કરેલી અને આપણા મનજીએ પણ ૫૮ની ઉંમરે જાતે જીવન સંકેલી લીધેલું. એ વખતે એવી ગુસપુસ ચાલેલી કે મનજીએ પીઠના દર્દથી કંટાળીને ચીર નિદ્રામાં પોઢવાનું પસંદ કર્યું. ખેર, મરતાં પહેલાં વિચારશીલ મનજીના મનમાં દોસ્તોયેવસ્કીનાં અમુક પાત્રો ઝબક્યાં હોઈ શકે.

જેમ કે, દોસ્તોયેવસ્કીની 'પઝેસ્ડ' નામની (જેનાં નવાં અનુવાદો 'ડેવિલ્સ' અને 'ડીમન્સ' નામે પણ થયા છે તે) નવલકથામાં કિરિલોવ નામનું એક પાત્ર જબરું આપઘાતપ્રેમી છે. ના, એને કોઈ દુન્યવી દુ:ખ નથી. એ ઇજનેર છે. શાંતિથી, સુખની જિંદગી જીવી શકે તેમ છે. પણ એની દલીલ ખતરનાક છે: માણસ મોતના ડર વિના સારી રીતે ત્યારે જ જીવી શકે જ્યારે તે મોતના ડરથી સાવ જ મુકત થઈ જાય. તે એટલી હદે દૂર કરી શકે કે રમતાં રમતાં આપઘાત કરી શકે... જે કહી શકે: મૌત સે કૌન ડરતા હૈ સાલ્લા! જે માણસ આવું કરી શકે, મન ફાવે ત્યારે સહેજ પણ ડર્યા વિના આપઘાત કરી શકે, એ જ છે ઈશ્વર જેટલો શક્તિશાળી, જે ધારે તે કરી શકે છે, બિન્દાસપણે જાતે મરી શકે છે.

ખેર, જીવનની આખરી પળોમાં મનમોહન દેસાઈના મનમાં દોસ્તોયેવસ્કીનાં આવાં કોઈ પાત્રો ઝબક્યાં હશે કે નહીં એ તો કોઈ ન કહી શકે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે દોસ્તોયેવસ્કીનાં લખાણો અમુક અંશે બેધારી તલવાર જેવા છે. એમાં ઘોર અંધકાર પણ છે અને દિવ્ય ઉજાસ પણ છે. દોસ્તોયેવસ્કી ફકત સારી-સારી, કૂણી-કૂણી, ઉમદા-ઉમદા વાતો કહીને અટકી નથી જતા. એ જેટલા પ્રેમથી શુભનું ચિત્રણ કરે છે એટલા જ ઉત્સાહથી અશુભની આંટીઘૂંટી પણ ખોલે છે.

જીવન કેટલું સાર્થક છે અને જીવનમાં સાર્થકતા કેટલી જરૂરી છે એની વાતો, અગાઉ જેના વિશે આપણે ચર્ચા કરી તે વિકટર ફ્રેન્કલ કરતાં અનેક ગણી વધુ સચોટ રીતે દોસ્તોયેવસ્કીએ લખી છે. એટલે જ તો પહેલા વિકટર ફ્રેન્કલની વાત લખી. એ પહેલું પગથિયું છે, એ પ્રાથમિક-માધ્યમિક શાળા છે. દોસ્તોયેવસ્કી કોલેજ છે, કારણ કે દોસ્તોયેવસ્કી ફકત સાર્થકતાની વાતો કહીને અટકી નથી જતા. એ તો જીવનની વિકરાળ નિરર્થકતાને પણ દિલથી પેશ કરે છે.

આપણે જે નવલકથાની વાત કરીએ છીએ તે 'ધ બ્રધર્સ કારામાઝોવ'ના પાયામાં પણ આવા જ બે છેડા છે. નવલકથામાં અસલી 'લડાઈ' બે વિચારધારાની છે. એમાં જે વિલન વિચારધારા છે તે એવી છે કે આ દુનિયામાં ખૂનથી માંડીને જે કંઈ ખરાબ ગણાય છે તે 'બધું જ કરવાની માણસને છુટ છે'... સબ ચલતા હૈ... ક્યાં કોઈ જોવાવાળું છે... બસ, પકડાવું નહીં. બાકી કરો ખૂન, કરો લૂંટ, કરો જલસા... આમ પણ માણસ ક્યાં ફરી ફરીને જન્મે છે કે એણે અગાઉનો હિસાબ ચૂકતે કરવો પડે! આ થઈ વિલન વિચારધારા.

સામે પક્ષે હીરો વિચારધારા એવી છે કે 'સ્વર્ગ પૃથ્વી પર જ છે. આપણે કશુંક સારું અને યોગ્ય કામ કરીએ છીએ, આપણાથી થઈ ગયેલી ભૂલો બદલ સાચા દિલથી માફી માગી લઈએ છીએ, આસપાસના લોકોને છલકતા હૈયે ચાહી શકીએ છીએ, આપણી જાતને બીજા કોઈથી ચિઢયાતી ગણવાની ભૂલ કરવામાંથી બચીએ છીએ, બીજી વ્યક્તિનું દુ:ખ જોઈને જ્યારે આપણી આંખ આપોઆપ ભીંજાય છે ત્યારે જિંદગી એટલી સુંદર બની રહે છે કે ન પૂછો વાત!' મતલબ, ભલું કરવાથી દિલને સારું લાગે છે અને બૂરું કરવાથી દિલ દુ:ખી થાય છે.

આટલી સાદી વાત છે. હા, એ વિશે લેખકનો દાવો બહુ મજબૂત છે. આ દાવો ટી.બી.થી મરી રહેલા એક પાત્રના સંવાદરૂપે લખાયો છે. એ પાત્ર ડોક્ટરને પૂછે છે કે હું કેટલું ટકીશ? ડોક્ટર ખોટેખોટું કહે છે: મહિનાઓ... વર્ષો... ત્યારે એ પાત્ર બોલે છે: 'સુખ ખરેખર શું છે એ જાણવા માટે વર્ષો અને મહિનાઓની જરૂર નથી, એક જ દિવસ પૂરતો છે... બસ, અત્યારે, આ જ ઘડીએ બહાર નીકળીને બગીચામાં જઈએ, એકમેકને ચાહીએ, ચુમીએ, એકમેકનું અસ્તિત્વ ઉજવીએ અને આપણા જીવનને આશીર્વાદ આપીએ.' આ બધું સાંભળીને ડોક્ટર એ પાત્રની માતાને ખાનગીમાં કહે છે: 'છોકરો લાંબુ નહીં ખેંચે. બીમારી મગજમાં ઘુસી ગઈ છે.'

બીમાર માણસની લવારી લાગી શકે એવી આ વાત... એ છે આ નવલકથાની હીરો વિચારધારા. સરવાળે, માણસના હૃદયમાં જે સંત અને શેતાન એકમેકની પડખે સાંકડમુંકડ સમાયેલા છે તેમની વચ્ચેના જંગની આ વાર્તા છે. આ જંગ કઈ રીતે જીતવો (શેતાનને કઈ રીતે હરાવવો) તેની ચાવી લેખકે નવલકથાના ઉપસંહારમાં આપી છે. હજારથી વધુ પાનાંની આ નવલકથા છે, પણ ઉપસંહારમાં જે ચાવી આપી છે તે ફકત બે જ પાનાંમાં જીવતરની સમસ્યાના બધાં તાળાં ખોલી શકે તેવી છે. પણ એ બે પાનાં સમજવા માટે નવલકથાનો આખો ઘટનાક્રમ, ઝીણામાં ઝીણી વિગતો વિગતવાર સમજવાં પડે.

વિકટર ફ્રેન્કલ આપણને સાર્થકતાનું મહત્વ સમજાવે છે, જ્યારે દોસ્તોયેવસ્કી તેમના પાત્રો દ્વારા, એ પાત્રો વચ્ચે થતી વાતો દ્વારા, વાર્તાની ઘટનાઓ દ્વારા આપોઆપ આપણા હૃદયમાં જીવનની સાર્થકતાનો દીવો પ્રગટાવે છે. વિકટર ફ્રેન્કલ કહે છે: 'ઊઠો, જાગો, તમારી જવાબદારી સમજો, જીવનની સાર્થકતા શોધો.' દોસ્તોયેવસ્કી આવો કોઈ સીધો આદેશ નથી આપતા. એ ઈશ્વરની લીલાને આપણી સમક્ષ એવી રીતે ખોલી આપે છે કે હૃદય આપોઆપ કરુણામય બને, જીવનની સાર્થકતા આપોઆપ સમજાઈ જાય, ઉત્સાહ-ઉમંગ-પ્રેમ-કરુણા આપોઆપ પ્રગટે.

ટૂંકમાં, બીજું ઝાઝું કંઈ ન કરીએ અને ફકત ચૂપચાપ, ધીરજપૂર્વક, ગંભીરતાથી, થાક્યા-કંટાળ્યા વિના, અધવચ્ચેથી છોડ્યા વિના આખી નવલકથા માણીએ એટલું પૂરતું છે. તો, પ્રસ્તાવના પૂરી અને આવતા લેખથી નવલકથા શરૂ. અને હા, શરૂઆતથી ઊંડા ઊતરવાથી વધુ પામી શકાશે. માટે, તમે તો પહેલાથી છેલ્લા હપતા સુધી 'ધ બ્રધર્સ કારામાઝોવ' (એની અત્યંત ટૂંકી આવૃત્તિ) માણશો જ, પણ સાથોસાથ નિકટના જે કોઈ લોકોનું જીવતર વધુ સમૃદ્ધ બને છે એવું તમે ઇચ્છો છો, એ સૌને યાદ કરી કરીને, યાદ કરાવી કરાવીને આમાં સામેલ કરશોજી. આ તો દિલથી કરેલી, છેલ્લી વારની, વિનંતી છે. બાકી, અગાઉ કહ્યું હતું તેમ, જેવી તમારી અને ઉપરવાળાની મરજી.'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...