[F4AG] ક્યાં છે વિચારસરણી ?(પાયાની વાત)

 


ક્યાં છે વિચારસરણી ?(પાયાની વાત)
 
પાયાની વાત - સુકુમાર એસ. ત્રિવેદી
૧૯૬૧થી ૧૯૬૩ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂતનો હોદ્દો સંભાળનાર અર્થશાસ્ત્રી અને રાજકીય ચિંતક જોન કેનેથ ગાલ્બ્રેથે ભારતમાં પોતાનાં સંસ્મરણો 'જોન કેનેથ ગાલ્બ્રેથ ઈન્ટ્રોડયુસીઝ ઈન્ડિયા'માં પહેલું જ વાક્ય એવું લખ્યું હતું કે, "ઈન્ડિયા ઈઝ અ ફન્ક્શનિંગ એનાર્કી" એટલે કે ભારત એક કામ કરતી અરાજક્તા છે. બીજા શબ્દોમાં ભારત રાજ્ય (સ્ટેટ) અને સરકાર હોવા છતાં વાસ્તવમાં કોઈ રાજ્ય નથી અને આમ છતાં આ પ્રદેશ એક દેશ અથવા રાષ્ટ્ર તરીકે ટકી રહ્યો છે. રાજનીતિશાસ્ત્રની પરિભાષામાં અરાજક્તા એક વિભાવના (કન્સેપ્ટ) છે પરંતુ રોજબરોજની સામાન્ય ભાષામાં તેનો અર્થ થાય છે અંધાધૂંધી (કેઓસ).
 
ગાલ્બ્રેથને ૫૦ વર્ષ પહેલાં આ દેશમાં જે અરાજક્તા અને અંધાધૂંધી દેખાયાં હતાં તેનું સવિસ્તર વર્ણન તેમણે આ લેખમાં કર્યું છે. અહીં એ વર્ણનનું વર્ણન કરવાનો ઈરાદો નથી, પરંતુ તે વાંચ્યા પછી એવી કરુણતાભરી હકીકતનું ભાન થાય છે કે ગાલ્બ્રેથે ૧૯૬૨માં જોયેલા ભારત અને આજના ભારતમાં લગભગ કોઈ જ ફેર પડયો નથી. હા, છેલ્લાં ૨૦ વર્ષમાં દુનિયાના અન્ય દેશોનો ભારત વિશેનો અભિપ્રાય અને અભિગમ બદલાયો છે અને હવે તેઓ ભારતને એક મદારીઓના અને નાગા બાવાઓ કે સાધુઓના દેશ તરીકે જોવાને બદલે ૨૧મી સદીમાં ઝડપથી વિકાસ કરી રહેલા અને ઝડપથી હકારાત્મક દિશામાં પરિવર્તન પામી રહેલા દેશ તરીકે જુએ છે. તેવી મતલબના અસંખ્ય અહેવાલો, લેખો અને સંશોધન લેખો જોવા મળી રહ્યાં છે, પરંતુ હકીકતમાં આ બધી સામગ્રીમાં નક્કર હકીકતોનું તર્કબદ્ધ વિશ્લેષણ ઓછું અને આશાવાદ વધારે છે. દરરોજ છાપાંના કે ટીવી ચેનલોના સમાચારો અને દેશની સામે ચારે બાજુ જોવા મળતી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનાં વિવરણો જોઈને કોઈ પણ તટસ્થ વ્યક્તિ એમ કહી શકે તેમ નથી કે ભારત કામ કરતી અરાજક્તા નથી.' હકીકતમાં આપણા દેશમાં માણસની પ્રવૃત્તિનું કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં સંપૂર્ણપણે નહીં તો મહદ્ અંશે પણ ચોક્કસ નીતિનિયમો અને તેમના આધારે નિર્ધારિત થયેલી વ્યવસ્થા અથવા પદ્ધતિ (સિસ્ટમ) પ્રમાણે કામ થતું હોય.
 
પાયાની વાત એ છે કે આ અરાજકતા અથવા રાજ્ય હોવા છતાં રાજ્ય ન હોય તેવી સ્થિતિ માટે સૌથી વધુ જવાબદાર કોઈ પરિબળ હોય તો તે આપણા દેશના રાજકીય પક્ષો અને તેમના નેતાઓમાં કોઈ સ્પષ્ટ રાજકીય વિચારસરણી કે રાજકીય આદર્શનો અભાવ છે. ભારતીય નેતાઓ આદર્શવાદી નહીં, પરંતુ વ્યવહારવાદી છે અને વ્યવહારવાદી હોવાનો અર્થ એ કે પોતાના વિશ્વદર્શન (વર્લ્ડવ્યૂ) પ્રમાણેની સમાજવ્યવસ્થા માટે સંઘર્ષ કરવાને બદલે સત્તા મેળવવા માટે જે કાંઈ કરવં પડે તે આ રાજકીય વ્યવહારવાદ પ્રજાએ પણ અપનાવી લીધો છે અને તેથી વ્યવહાર માટે કશું ખોટું, અનીતિપૂર્ણ કરવું પડે તો તેમાં કાંઈ ખોટું નથી એમ પ્રજાએ પણ સ્વીકારી લીધું છે અને તેથી જ સર્વત્ર વ્યાપેલો ભ્રષ્ટાચાર હવે ભ્રષ્ટાચાર નહીં પણ વ્યવહાર ગણાય છે. લાંચરુશવત રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ લે અને નાગરિકો આપે તેમાં કોઈ મોટો નૈતિક ગુનો બને છે તેમ આપણે સાચેસાચ માનતા નથી.
 
ટૂંકમાં, ભારતમાં વ્યાપેલી સામાજિક અથવા ભૌતિક અરાજકતા કે અંધાધૂંધીનાં મૂળ વૈચારિક અંધાધૂંધીમાં રહેલાં છે. અહીં રાજકીય વિચારસરણીનો અર્થ સ્પષ્ટ અને અસંદિગ્ધ રીતે સમજવો જરૃરી છે દરેક રાજકીય પક્ષના કેટલાક કાર્યક્રમો (ખરેખર તો ફક્ત નારાઓ) છે, પરંતુ આવા કાર્યક્રમો અથવા માંગણીના મુદ્દા સ્વયં રાજકીય વિચારસરણી નથી. દા.ત. ગરીબી હટાવો (કોંગ્રેસ), અયોધ્યામાં રામમમંદિર બાંધો (ભાજપ) કે દેશની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરો (સામ્યવાદીઓ, ડાબેરીઓ) વગેરે કહેવાતા કાર્યક્રમોથી રાજકીય વિચારસરણી બનતી નથી. આ કાર્યક્રમો કોઈ ચોક્કસ રાજકીય વિચારસરણીને વાસ્તવનું સ્વરૃપ આપવા માટેનાં સાધનો હોઈ શકે છે, પરંતુ રાજકીય વિચારસરણી (પોલિટિકલ આઈડિયોલોજી) તે એક સામાજિક રીતે સર્વવ્યાપી અને સંકુલ એવી વિભાવનાઓની તર્કશૃંખલા (ચેઈન ઓફ લોજિકલ સીકવન્સ) છે અને તેને સમજવા થોડો બૌદ્ધિક પરિશ્રમ કરવો પડે તેમ છે. તેમ છતાં અહીં તેની સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 
રાજકીય વિચારસરણીને ભાષાબદ્ધ કરવાનું પહેલુંવહેલું નોંધપાત્ર કામ ગ્રીક ફિલોસોફર પ્લેટોએ કર્યું હતું. પ્લેટો અને તેના ગુરુ સોક્રેટીસ પહેલાં પણ ગ્રીસમાં અનેક તત્ત્વજ્ઞાનીઓ અથવા ફિલોસોફરો થઈ ગયા હતા, પરંતુ સોક્રેટીસના સમય પહેલાંના આ ફિલોસોફરોના ચિંતન અને શોધના વિષયો ભૌતિક અથવા પદાર્થલક્ષી હતા. આ દુનિયાનો જન્મ કેવી રીતે થયો હશે, આદિમ અથવા સૌથી પહેલું તત્ત્વ શું હશે, દુનિયા શું છે, ઋતુઓ કેવી રીતે બદલાય છે. પૃથ્વીનો આકાર કેવો છે, પ્રકૃતિનું મૂળ તત્ત્વ પાણી છે, અગ્નિ છે કે હવા છે, જગત સ્થિર છે કે પરિવર્તનશીલ છે વગેરે બાબતો વિશે ઈ.પૂ. ૬૨૪થી ઈ.પૂ. ૫૪૬ દરમિયાન થઈ ગયેલા થેલસથી માંડીને સોક્રેટીસ પહેલાંના પાર્મીનાઈડિસ હેરાકિલટસે ચિંતન કર્યું હતું અને પોતપોતાના નિષ્કર્ષો લેખિત સ્વરૃપમાં (પેપીરસનાં પાંદડાં પર) આલેખ્યા હતા. આ ફિલોસોફરોએ પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાના પ્રયાસો કર્યા હોવાથી તેમને પ્રાકૃતિક તત્ત્વચિંતકો (નેચરલ ફિલોસોફર્સ) કહેવામાં આવે છે. સોક્રેટીસ અને તેના સમયના સોફિસ્ટ્સ નામે ઓળખાતા વ્યાવસાયિક શિક્ષકોએ પહેલી વાર તત્ત્વચિંતનમાં પ્રકૃતિને બદલે મનુષ્ય અને પ્રકૃતિ સાથેના તેના સંબંધ તથા ન્યાય, સદ્ગુણ અને દુર્ગુણ, સારું અને ખરાબ, સમાજવ્યવસ્થા, આદર્શ રાજ્ય (આઈડિયલ સ્ટેટ) જેવી મનુષ્યના જીવનને સ્પર્શતી બાબતો વિશેના ચિંતન પર ભાર મૂક્યો.
 
ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં પ્લેટોએ આ બાબતો વિશેના પોતાના વિચારો સંવાદ (ડાયલોગ્સ)ના સ્વરૃપમાં રજૂ કર્યા. પ્લેટોએ લખેલા ડાયલોગ્સમાં સૌથી વધુ મહત્ત્વનો અને જેની અસર આજે પણ અનેક તત્ત્વચિંતકો પર છે તેવો 'ડાયલોગ' છે 'રીપબ્લિક'. 'રીપબ્લિક'નું મહત્ત્વ બીજી અનેક રીતે તો છે જ, પરંતુ તેમાં રાજકીય વિચારસરણીનું ગઠન અથવા તેની રચના કેવી રીતે થાય છે અથવા તો થવી જોઈએ તેની પદ્ધતિ પણ જાણવા મળે છે જે આપણી ચર્ચા સાથે પ્રસ્તુત છે.
 
મૂળભૂત રીતે રાજકીય વિચારસરણીનો સંબંધ નૈતિકતા અથવા નૈતિક મૂલ્યો (એથિક્સ) સાથે છે અને નૈતિક મૂલ્યોનો સંબંધ મનુષ્યની સંપૂર્ણ વાસ્તવિક્તા એટલે કે કોઈ એક સંદર્ભની નહીં, પરંતુ જેમાં સ્થળ અને સમયના બધા જ સંદર્ભોને આવરી લેવાયા છે તેવી વાસ્તવિક્તા સાથે છે. આ સંપૂર્ણ અથવા નિરપેક્ષ વાસ્તવિક્તાને તત્ત્વચિંતનની ભાષામાં પરાવાસ્તવ અથવા આધિભૌતિક્તા (મેટાફીઝિક્સ) કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આ સૃષ્ટિની રચના ઈશ્વરે કરી છે કે નહીં, ઈશ્વર છે કે નહીં, આત્મા શું છે, પરમાત્મા શું છે અને મનુષ્યનું મગજ શું છે, આપણે ઈન્દ્રિયોના અનુભવથી જે વાસ્તવને સમજીએ છીએ તે જ શું ખરું વાસ્તવ છે કે આ વાસ્તવની ભીતર બીજું કોઈક વાસ્તવ પણ છે જેને આપણે ઈન્દ્રિયોથી પામી કે સમજી શકતા નથી વગેરે પ્રશ્નોની ચર્ચા પરાવાસ્તવશાસ્ત્ર કરે છે, પરંતુ દરેક ફિલોસોફરનું (અથવા વ્યક્તિનું) પરાવાસ્તવિક ચિંતન અને તેના નિષ્કર્ષો અલગ અલગ હોઈ શકે છે, કારણ કે આ નિષ્કર્ષ સાચો છે કે ખોટો તે આપણે ફક્ત ઈન્દ્રિયાનુભવથી નક્કી કરી શકીએ નહીં. હા, એટલું ખરું કે આ વાસ્તવિક ચિંતન અને તેના નિષ્કર્ષો મૂળ ધારણા સાથે તર્કબદ્ધ હોવા જોઈએ એટલે કે વૈજ્ઞાનિક અથવા તર્કશાસ્ત્રની પદ્ધતિથી તારવેલા હોવા જોઈએ અને તેને માટે આપણે જરૃર પડે છે. મગજની અને જ્ઞાનની. એટલે આ શૃંખલામાં
 
પરાવાસ્તવશાસ્ત્ર સાથે જ જ્ઞાનશાસ્ત્ર (એપિસ્ટેયોલોજી) જોડાયેલું છે. પરાવાસ્તવશાસ્ત્રના નિષ્કર્ષો તે પછી નીતિશાસ્ત્રની ધારણાઓ બને છે અને ન્યાય - અન્યાય, સારું - ખરાબ વગેરે વિશેના નિષ્કર્ષોને આધારે રાજકીય વિચારસરણીની રચના અથવા ઘડતર થાય છે. આમ અહીં જોઈ શકાય છે કે કોઈ પણ રાજકીય વિચારસરણી તે નૈતિક મૂલ્યોની અભિવ્યક્તિ ('એક્સ્પ્રેશન') છે અને તે નૈતિક મૂલ્યોનો અમલ કરવાની પદ્ધતિ તે સંચાલન (ગવર્નન્સ) છે આ રીતે રાજકીય વિચારસરણી તે એક-બે પાંચ મુદ્દાઓનો સમૂહ નથી, પરંતુ આ વૃદ્ધિ પર મનુષ્યના આદર્શ અથવા સર્વશ્રેષ્ઠ જીવન માટેનું એક દર્શન છે.ળરાજકીય વિચારસણી વિશે આટલી સૈદ્ધાંતિક ચર્ચા કર્યા પછી તેનાં કેટલાંક ઉદાહરણો જોઈએ. કાર્લ માર્ક્સની રાજકીય અથવા (આદર્શ સમાજવ્યવસ્થા) માટેની વિચારસરણી એવા પરાવાસ્તવિક નિષ્કર્ષ પર આધારિત છે. ઇતિહાસ બે વિરોધાભાસી બાબતોના સંઘર્ષ અને તેમાંથી નીપજતા તે સંઘર્ષના ઉકેલને આધારે આગળ ધપે છે. તે આગળ ધપે છે, કારણ કે આ ઉકેલનો વિરોધાભાસ પણ તેના ઉકેલની સાથે જ સર્જાય છે. આ રીતે આધુનિક સમયમાં એટલે કે ઔદ્યોગિક યુગમાં કારખાનાંના માલિકો એક પક્ષ છે અને તેમના મજૂરો વિરુદ્ધનો પક્ષ છે અને આ બંને વચ્ચેના સંઘર્ષનો ઉકેલ એ આવશે કે તેમાં મજૂરોનો વિજય થશે અને વ્યક્તિના ખાનગી સંપત્તિના અધિકારને કારણે નોકરીઓના માલિક બનેલા કારખાનાંના માલિકોને બદલે મજૂરો જ બધી સંપત્તિના માલિક બનશે અને તેથી કાળક્રમે વર્ગવિહીન (ક્લાસલેસ) સમાજનું સર્જન થશે.
 
આ જ પ્રમાણે એડોલ્ફ હિટલરની નાઝીવાદી પરાવાસ્તવિક માન્યતા હતી કે કુદરતે ગોરી ચામડીવાળા મનુષ્યોને જૈવિક રીતે ચડિયાતા બનાવ્યા છે માટે આદર્શ સમાજવ્યવસ્થા તેને જ કહેવાય જેમાં બધા નિર્ણયો ગોરી ચામડીવાળા લોકોને લક્ષમાં રાખીને જ કરવામાં આવે. તે જ રીતે મૂડીવાદી વિચારસરણી માને છે કે મનુષ્યને મગજ છે તેથી તે વિચારશીલ (રેશનલ) છે અને તેની આ વિચારસરણી જ તેને માટે ટકાવી રાખવાનું સાધન છે જેથી તેના મગજને એટલે કે વિચારોને અનુસરવાની પૂર્ણ સ્વતંત્રતા તેને હોય તેવી શાસનવ્યવસ્થા આદર્શ વ્યવસ્થા છે.
 
અહીં નોંધવું જરૃરી છે કે ઉપર આપેલાં ઉદાહરણોનો ઉદ્દેશ પરાવાસ્તવશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર અને જાતિશાસ્ત્ર સાથેના રાજકીય વિચારસરણીના તાર્કિક સંબંધને સમજાવવાનો છે. આ પ્રમાણે ઘડવામાં આવેલી બધી જ રાજકીય વિચારસરણીઓ હંમેશાં 'સાચી' એટલે કે સર્વેને માટે ન્યાયી જ હોય તે સાબિત થાય તે જરૃરી નથી. મૂળભૂત રીતે ન્યાય જ મનુષ્ય માટે સૌથી મોટો સદ્ગુણ છે અને રાજ્ય (સ્ટેટ)ના વિચારમાં પણ દરેકને માટે ન્યાય તે મૂળભૂત બાબત છે અને જુદી જુદી રાજકીય વિચારસરણીઓ વચ્ચેની સ્પર્ધા તે સૌથી વધુ ન્યાયી હોવાની સ્પર્ધા છે.
 
રાજકીય વિચારસરણી એ એક સરણી (નિસરણી) છે તે વિચારધારા નથી. વિચારધારા શબ્દ નિરંકુશ વહેતા અને એકબીજા સાથે ન સંકળાયેલા વિચારો અથવા ખયાલો (નોશન્સ) કે તરંગો (વ્હિમ્સ)ની અર્થચ્છાયાઓ દર્શાવે છે જ્યારે વિચારસરણી એકબીજા સાથે જોડાયેલી ક્રમબદ્ધ વિભાવનાઓ છે.
 
વિચારસરણી વિશે આટલી છણાવટ કર્યા પછી ભારતના સંદર્ભમાં તેની તપાસ કરીએ તો શું જોવા મળે છે? ભારતના ત્રણ મુખ્ય 'પક્ષે' કોંગ્રેસ, ભાજપ અને ડાબેરી પક્ષો કોઈ સ્પષ્ટ રાજકીય વિચારસરણીને અનુસરે છે? ઉપરછલ્લી દૃષ્ટિએ તો ત્રણે પોતાની અલગ વિચારસરણી છે તેમ જણાવે છે, પરંતુ તેઓ તે પ્રમાણેનું આચરણ કરે છે? ભાજપની 'હિન્દુત્વવાદી' વિચારસરણી તો ઉપર જણાવેલા અર્થમાં કોઈ વિચારસરણી જ નથી, કારણ કે તેની પાસે પોતાનું આગવું પરાવાસ્તવ કે નીતિશાસ્ત્ર નથી. રાજકારણમાં આદર્શો કે વિચારસરણીનું નહીં પરંતુ વ્યવહારવાદ (પ્રેગ્મેટિઝમ)નું મહત્ત્વ છે તેવું વિધાન ભાજપના નેતા એલ.કે. અડવાણીએ થોડાં વર્ષ પહેલાં કર્યું હતું. હિન્દુવાદ એટલે કે 'હિન્દુઈઝમ'અથવા હિન્દુ તત્ત્વચિંતન તે તો સમજી શકાય તેમ છે,પરંતુ 'હિન્દુત્વવાદ' એટલે શું?
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારકો કહે છે કે 'હિન્દુત્વ' એટલે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જે હકીકતમાં હિટલરે પુરસ્કૃત કરેલી વિચારસરણી છે અને તેથી 'હિન્દુત્વ'નાઝીવાદથી કઈ રીતે અલગ પડે છે તે આ વિચારકો સમજાવી શકતા નથી.હિન્દુત્વ અથવા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની મૂળ 'વિચારસરણી' લોકશાહીને નહીં, પરંતુ ઉદારમતવાદી (બીનોવલન્ટ) સરમુખત્યારશાહીને પુરસ્કૃત કરે છે તો ભાજપ લોકશાહીની રીતે સત્તા મેળવવાના પ્રયાસ શા માટે કરે છે. અલબત્ત, અટલબિહારી વાજપેયીએ પહેલાંના જનસંઘ (અત્યારના ભાજપ માટે 'ગાંધીવાદી સમાજવાદ' નામની વિચારસરણી ઘડી હતી, પરંતુ ગાંધીવાદ અને સમાજવાદનું ઐક્ય શક્ય જ નથી તેથી આ વિચારસરણીમાં તર્ક (લોજિક)નું કોઈ તત્ત્વ નથી.
માર્ક્સવાદીઓ અને સામ્યવાદીઓ પણ મૂળભૂત રીતે લોકશાહીના વિરોધી છે અને કામદારોની સરમુખત્યારશાહી (ડીક્ટેટરશિપ ઓફ પ્રોલટેરિયરના હિમાયતી છે અને આમ છતાં માર્ક્સના મૂળ વિચારને કે આચારને બાજુ પર રાખીને તેઓ લોકશાહીની સત્તાની સ્પર્ધામાં પડયા છે. વિચારસરણીને નામે તેઓ ઉદારીકરણ અને જાગતિકીકરણની કેન્દ્રની નીતિનો વિરોધ કરે છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં ખાનગી ભારતીય અને વિદેશી કંપનીઓ મૂડીરોકાણ કરે તે માટેના સઘળા હિંસાના આચરણ સહિતના (નંદીગ્રામ) પ્રયાસો કરે છે.
 
કોંગ્રેસ તો સમાજવાદી છે કે મૂડીવાદી તે સમજવાનું જ મુશ્કેલ બની ગયું છે. આઝાદી પછી દેશમાં કોંગ્રેસના નેતાઓએ 'નહેરુનો સમાજવાદ' ચલાવ્યો અને તેમાં દેશનું દેવાળું નીકળી ગયું એટલે ઉદારીકરણની મૂડીવાદી નીતિ અપનાવી પરંતુ છેલ્લે આમ છતાં તેણે સમાજવાદી નીતિઓને ચાલુ જ રાખી છે. સોનિયા ગાંધીની રાજકીય વિચારસરણી શું છે તે કોઈ જાણતું નથી, કારણ કે તેઓ આ વિશે કાંઈ બોલતાં નથી કે લખતાં નથી.
 
આમ ભારત દેશમાં રાજનીતિ નૈતિક મૂલ્યોના આચરણ કે અમલ માટે નહીં, પરંતુ ફક્ત રાજકીય સત્તા મેળવવાના દાવપેચ અજમાવવા માટે અને આ પરિસ્થિતિ ચાલુ રહેશે ત્યાં સુધી અરાજકતાની સ્થિતિ પણ ચાલુ રહેશે. આપણે તેમાંથી બહાર આવવા સ્પષ્ટ વિચારસરણી સાથેના નવા પક્ષ અને તેના રાજકીય આદર્શોને ચરિતાર્થ કરવા સંઘર્ષ કરવા તૈયાર હોય તેવા નેતાઓની જરૃર છે.
 

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...