ફૂલજીએ જબ્બરું વેર વાળ્યું. દીકરીને ચાઇને પટારો લઇ દીધો. ફૂલજી નિર્દય છે. ટાણું આવ્યે ચાડ કરે છે અને અમારી આબરૂને પાઇની કરીને જંપે છે... પરમ પૂજ્ય પિતાશ્રીના ચરણમાં
આદિપરથી લિ. તમારી દીકરી લીલાના ઝાઝાથી વંદન પ્રણામ. વિ. લખવાનું કે તમે મોકલેલો પટારો મને મળી ગયો છે. ભાડવાતને મેં લાપસી જમાડ્યા પછી જ જવા દીધો. હાસ્તો મારી ખુશનસીબી અને મારી આશા અરમાનને પૂરણ કરનાર પટારો લઇને આવ્યો હતો.બાપુજી! પટારો ઓહોનો છે. મોંઘામૂલો અને અફલાતૂન... પટારો આડોશપાડોશના બધા જોઇ ગયા. અરધું ગામ પણ જોવા આવી ગયું. સૌના મોંમાં એક જ વેણ હતું, આજ સુધી આપણા ગામમાં આવો રૂડો પટારો આવ્યો નથી. આને માવતર કહેવાય! દીકરીને આપવાની વસ્તુ માટે બચ્ચારાએ રળી રળીને ભેગી કરેલી તમામ મૂડી ખર્ચી નાખીને પટારો આપ્યો.
સાચું કહું બાપુજી! આવાં વખાણ સાંભળીને હું ઘરના છાને ખૂણે જઇને રડી હતી. બે-ચાર દિવસ સુધી આમ ચાલ્યું. એક દિવસ મારી નણંદ મને આંસુ પાડતી જોઇ ગયાં. છોકરી બહુ ભલી છે અને મારી ઉપર સ્નેહ રાખે છે. મને બાવડેથી પકડીને બીજા ઓરડામાં લઇ ગયાં અને કહે : 'ભાભી! આ શી છોકરમત! હસવાના, રાજી થવાના ટાણે તમે રડો છો? શીદને? વાત તો કરો! ન કરો તો મારા સમ...' હવે શું કરવું એની મૂંઝવણ થઇ આવી.
જો સાચી વાત કરું તો એ પણ તમને મૂરખ ગણે. જો સાચી વાત કરું તો તમે મૂખૉઇ જ કરી છે. વાત ખોટી નથી. હું આણું વળી એને માંડ એકાદ મહિનો થયો છે. જ્યારે હું પટારા વગર રોતી હતી. ન રોઉં? આપણા વિરોધી એવા ફૂલજીભાઇની દીકરી પણ તે જ દિવસે આણું વળી. એની ગાડીમાં પટારો હતો અને મારી ગાડી ખાલી હતી! આડોશપાડોશ અને ગામના માણસોને પણ ખબર પડી કે હું શું કામ રોઉં છું. તમને ખબર છે, ફૂલજીભાઇ સાથે આપણે વાંધો છે. ફૂલજીભાઇ કાયમ ચાડ કરે છે.
ટાણું આવ્યે આપણને ભૂંડા લગાડવાનું ભૂલતા નથી. મારી સાથોસાથ એની દીકરી વર્ષાનું પણ આણું હતું. એમણે વર્ષાને ચાઇને પટારો લઇ દીધો અને હું ગાડીમાં બેઠી બેઠી આંસુડાં પાડતી હતી. ફૂલજીભાઇ ટગર ટગર જોઇ રહ્યા હતા. છેક સાસરિયાંના ઘર સુધી રોતી હતી. મને ખબર છે કે આપણા ઘરમાં ગરીબાઇ છે. તાણીતૂસીને માંડ પૂરું થાય છે. એવા સમયમાં પટારો ક્યાંથી લઇએ! પણ ભગવાનની દયાથી મારાં સાસરિયાં સમજુ અને અમીર છે. બાકી ટાણે બધું રૂડું લાગે. ટાણું હતું ત્યારે તમે કાંઇ દીધું નહીં. આનું નામ પાછળ મતિયા! હા! ગામ પણ આમ જ બોલે છે. પણ પછી બધા વાત મઠારી લઇને કહે છે, 'ભલે મોડું થયું પણ ગજા ઉપરનો ખચોg કરીને પટારા જેવો પટારો દીધો. લિ. છોટી'
દીકરીનો કાગળ વાંચીને સવજીની આંખમાં આંસુ આવી ગયાં. 'અરેરે ભગવાન! કેવો પટારો અને કેવું કાંઇ? પટારાની મને કલ્પના પણ નહોતી. મારા ગજા બહારની વાત હતી. જો ગજું હોત તો આણાની ગાડીએ જ પટારો ન મુકાવું? અરે અમારા કાયમના વિરોધી પણ ટગર ટગર જોઇને મને સંભળાવે છે કે તારી દીકરી આગળ શેખી હાંક છ? ક્યા મોઢે? પટારો લઇ તો જો...' 'જોઇજો મારી દીકરીની ગાડીમાં આખી ગાડી ભરી દે એવો માતબર પટારો છે કે નહીં? રોજરોજ મને રોણું આવી જતું. ખાવું ભાવે નહીં. ગામમાં જવાની દશા નહીં.
શું મોઢું લઇને જાઉં! ગામના માણસોને પણ મારા દુ:ખની ખબર પડી કે હું શું કામે રોઉં છું...! અઠવાડિયા સુધી ઘરમાં આવું ચાલ્યું. ફૂલજીએ જબ્બરું વેર વાળ્યું. દીકરીને ચાઇને પટારો લઇ દીધો. ફૂલજી નિર્દય છે. ટાણું આવ્યે ચાડ કરે છે અને અમારી આબરૂને પાઇની કરીને જંપે છે... દીકરીને ખાલી ગાડે જવું પડ્યું. ઇ વેળા ઠીક છે, પણ મારી દીકરી રોતી રોતી સાસરે ગઇ. તમે બોલ્યા કે દીકરી ડાહી છે કશું બોલી નહીં.
આ વખતે બહુ રોઇ! બહુ રોઇ!. દીકરીને આશ્વાસન આપવા શું મોઢું લઇને જાઉં! રોઇને બેસી રહેવા સિવાય કોઇ રસ્તો નહોતો. ઘરમાં એવી કોઇ કીમતી ચીજ નથી કે વેચીને પટારો લઇ દઉં? પણ દીકરીને પટારો મળી ગયો. મારા ભગવાન! આવી દયા કોણે કરી? કોના અંતરમાં દીકરીનાં આંસુની દયા આવી!'
એ સવજીએ તમામ સગાંવહાલાં અને જાતભાઇને પૂછી જોયું કે દીકરીને કોણે લઇ દીધો પટારો? પણ સૌએ અજાણતા દેખાડી અને ઉમેર્યું કે ભાઇ! પટારો અમે લીધો હોય તો આણાના દિવસે જ રોતી દીકરીના ગાડે ન મુકાવીએ!એક માણસ વાત કરતો હતો. એની પાસે તમામ ખબર હોય. દીકરીઓને આ સાલે, કોણે શું આપ્યું એની નોંધ હોય...
'મિસ્ત્રી! મારે બહુ ખાનગી વાત તમને પૂછવી છે.'
'પૂછો'
'અમારી દીકરીને પટારો આપનાર કોણ છે એનો પત્તો મળતો નથી.'
'મળે તો શું કરો?' મિસ્ત્રી બોલ્યો.
'ગરીબ બીજું તો શું કરે પણ એને પગે જરૂર લાગું.'
'તમારો કોઇ વિરોધી હોય તો એને પણ પગે લાગો?'
મારા વિરોધીએ આટલી મોટી રકમ આપી હોય અને પગે ન લાગું? સાચું બોલજો મિસ્ત્રી! પટારો તમે ઘડ્યો છે માટે તમને ખબર હોય.
'પણ મને એણે નામ આપવાની ના પાડી છે.'
'ઇ તો ખોટું દેખાશે.'
'તો સાંભળો. ફૂલજીભાઇ તમારા વિરોધી ખરા ને કે નૈ?'
'ઘણા દિવસથી...'
'તો પટારો એણે આપ્યો છે. વાત ખાનગી રાખવા મને કહ્યું છે.'
'એણે... મને સૂચના આપી છે કે ભાઇ મારો વિરોધી છે પણ દીકરી ક્યાં વિરોધી છે. મારી દીકરીને મેં પટારો આપ્યો ત્યારે દીકરી બચ્ચારી રોઇ પડી'તી... મારાથી એનાં આંસુ ન જોવાયાં. મેં પટારો આપ્યો એટલે દીકરી કેટલી રાજી થઇ.'
તોરણ, નાનાભાઈ જેબલિયા
No comments:
Post a Comment