[F4AG] કાન્તિ ભટ્ટ : બીમાર વિદેશી એટલે ભારતનો લાખેણો ગ્રાહક

 

કાન્તિ ભટ્ટ : બીમાર વિદેશી એટલે ભારતનો લાખેણો ગ્રાહક

Source: Business Gatharia, Kanti Bhatt
   
 
 
મેડોના નામની હોલિવૂડની અભિનેત્રી ભારતમાં તેના સૌંદર્યની ટ્રીટમેન્ટ કરાવવા આવી પછી રાજસ્થાનમાં ઊંટગાડી અને રણના લોકો સાથે રાસડા લેતી દેખાઈ ત્યારથી પશ્ચિમના લોકો મેડિકલ ટ્રીટમેન્ટ પછી ટુરિઝમનો આનંદ લે છે. કોસ્મેટિક સર્જરી, હૃદય રોગની ટ્રીટમેન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને આણંદમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટનો (બાળકો પેદા કરવા)ડોક્ટરી ધંધો વરસે રૂ. ૮૦૦ કરોડનો ૨૦૦૩માં હતો તે સાત વર્ષમાં ત્રણ-ચાર ગણો થવા આવ્યો છે.


મુંબઈની જસલોક હોસ્પિટલ નજીકની એપોલો હોસ્પિટલમાં સસ્તી ટ્રીટમેન્ટ કરાવી વિદેશના દર્દીઓ સાજા થઈ ગોવા ઉપડે છે. દરેક હોસ્પિટલો -એપોલોથી માંડીને હીરાનંદાની હોસ્પિટલ કે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોપોઁરેશન કે કેરળના આયુર્વેદના કે એલોપથીના આરોગ્ય ધામોનો મેડિકલ ટ્રીટમેન્ટનો ધંધો ધમધોકાર છે. તેમનું વિદેશી પેશન્ટો માટેનું સૂત્ર છે કે ફર્સ્ટ વર્લ્ડ ટ્રીટમેન્ટ વીથ થર્ડ વર્લ્ડ પ્રાઈસ (ગરીબ દેશના ખર્ચના ધોરણે ધનિક દેશોના સ્ટાન્ડર્ડની સારવાર).


કેરળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝની હોસ્પિટલમાં ૨૦૦૯માં માલદીવ, મિડલઈસ્ટ (આરબ દેશો) અને પાકિસ્તાનથી પણ ૨૫,૦૦૦ દર્દીઓ કેરળની આ હોસ્પિટલમાં આવેલા. આ હોસ્પિટલના ડિરેક્ટર ઈ.એમ. નજીબ કહે છે કે અમે દર્દીને જોઈએ તો આયુર્વેદની પણ સારવાર આપીએ છીએ પછી જંગલોની ટૂર કરાવીએ છીએ. સિંહ-વાઘ દેખાડીએ છીએ. કેટલીય મેડિકલ ટુરિઝમ કંપની બેંગલોરમાં ઊભી થઈ છે તે વિદેશના દર્દીને એરપોર્ટ લેવા આવે છે. ફૂલના ગજરા આપે છે. પછી ફર્સ્ટકલાસ હોટેલમાં ઉતારીને હોસ્પિટલમાં એપોઈન્ટમેન્ટ મેળવી આપે છે. થોડાં વર્ષોથી ભારતની હોસ્પિટલો સાથે થાઈલેન્ડ અને સિંગાપોર પણ સ્પર્ધા કરે છે, પણ સિંગાપોર બહુ મોંઘું છે, બીજું કે ત્યાં ટુરિઝમ નથી.


થાઈલેન્ડના ડોક્ટરો પર વિદેશીઓને વિશ્વાસ નથી. મુંબઈની આયુશક્તિ આયુર્વેદ હોસ્પિટલમાં જર્મનો અને ઇટાલિયનો આવે છે. લાહોરથી ૭ વર્ષ પહેલાં નૂરફાતિમા નામની દર્દી લાહોર-દિલ્હી બસમાં દિલ્હી આવી હતી અને દિલ્હીમાં હાર્ટ સર્જરી કરાવી ત્યારથી પાકિસ્તાનના દર્દીઓ ભારતમાં આવવા ટોળે વળે છે. પાકિસ્તાનમાં મોટા ભાગની હોસ્પિટલો થર્ડ કલાસ છે. ફર્સ્ટ કલાસ ટ્રીટમેન્ટ માત્ર લશ્કરનાં સગાંવહાલાંને મળે છે. સોનિયા ગાંધીએ પણ નૂર ફાતિમા હિંમત કરીને એકલી ટ્રીટમેન્ટ માટે આવી ત્યારે તેને રૂબરૂ બોલાવી અભિનંદન આપેલા.


તે વર્ષે જ પાકિસ્તાનથી ૧૫૦૦૦ દર્દી આવેલા તે ૨૦૦૮માં એક લાખ સિત્તેર હજાર થયા છે. વિદેશની હોસ્પિટલોને ભારતની હોસ્પિટલોના ધંધાની ઇષ્ર્યા આવે છે એટલે હવે વિદેશીઓને દિલ્હીનાં ડેન્ગ્યુ ફીવર, મેલેરિયા અને નવા 'દિલ્હી-બેક્ટેરિયા'નો ડર બતાવે છે. આમ છતાં ભારતનું વેપારી મંડળ મેડિકલ ટુરિઝમનો ઉદ્યોગ ૨૦૧૨માં બે અબજ ડોલર (રૂ. ૧૦૦ અબજ) થવાની ધારણા રાખે છે. બ્રિટન અને અમેરિકા કરતાં અહીં સર્જરીનો ખર્ચ ૪૦થી ૬૦ ટકા ઓછો હોય છે.


ભારતમાં દર વર્ષે લગભગ અડધો લાખ ડોક્ટરો-વૈદ્યો પેદા થાય છે. આ ડોક્ટરો ઉપર વિદેશના દર્દીને વિશ્વાસ છે. હીરાનંદાની હોસ્પિટલના ચીફ સુજિત ચેટર્જી કહે છે કે ધારો કે અમેરિકાનો દર્દી ફિલાડેલ્ફિયામાં હોય તો ત્યાં પણ કોઈ પટેલ કે શાહ અટકધારી ડોક્ટરને જ પસંદ કરે છે. એપોલો હોસ્પિટલે તો જબ્બર-મોટે પાયે આ ધંધો શરૂ કરીને દક્ષિણ-પૂર્વ એશિયા, આરબ દેશો, મોરેશિયસ, તાન્ઝાનિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને એડનથી દર્દીને આકષ્ર્યા છે. મોટી મોટી પબ્લિસિટી કંપનીઓ તેમના વતી પ્રચાર કરે છે. મૂળ અમરેલીના ડેન્ટિસ્ટો-સવાણી બંધુઓ પાસે ૯૯ ટકા અમેરિકન દર્દીઓએ દાંતની સારવાર લીધી છે.


અમેરિકન સ્ત્રીઓને માતા-પિતાએ આપેલો ચહેરો ગમતો નથી એટલે હજી ટિનેજર થયાં ત્યાં તે રૂ. ૪ લાખને ખર્ચે ફેસલિફ્ટની સર્જરી કરાવે છે અને ખૂબ જંક-ફૂડ ખાઈ ખાઈને પેટની ચરબી વધી હોય તો તે ચરબી ઘટાડવા અમેરિકામાં રૂ. ૩ લાખ આપે છે. પરંતુ જો ભારતમાં ફેસલિફ્ટની સર્જરી કરાવવા આવે તો ૯૦ ટકા ઓછો ખર્ચ થાય છે. હવે ભારતના ડોક્ટરો કે સર્જનોને આપણા દેશી દર્દીઓની સારવાર કરવામાં રસ નથી. જેને અંગ્રેજી ભાષામાં 'મેડિકલ ટુરિઝમ' કહે છે તે મુજબ યુરોપ, અમેરિકાથી સ્ત્રી-પુરુષો એક પંથ અને દો કાજ એવો ઘાટ ઘડીને મુંબઈ, દિલ્હી, કલકત્તા કે જયપુરની હોસ્પિટલોમાં આવે છે.


સૌંદર્ય વધારવાની સર્જરી કે હાર્ટસર્જરી કે ચરબી ઘટાડવાની સર્જરી કરાવીને રાજસ્થાનનાં જંગલો કે સૌરાષ્ટ્રના ગીર જોવાની ટૂર હોસ્પિટલો જ ગોઠવી આપે છે. વિકિપિડિયાના લેખકનો અદાંજ છે કે દરવર્ષે આ મેડિકલ ટૂરનો ધંધો ૩૦ ટકા વધીને ૨૦૧૫માં રૂ. ૯૫૦૦ કરોડનો થશે. ઘણા માને છે કે ઓલરેડી મેડિકલ ટુરિઝમનો ધંધો રૂ. ૧૦,૦૦૦ કરોડનો છે પણ કેટલીક હોસ્પિટલો અને ડોક્ટરો બે નંબરના નાણાં લે છે કે વિદેશમાં કાળાંનાણાં જમા કરાવે છે તેથી સાચો વકરો જણાતો નથી. અમેરિકા અને બ્રિટનમાં સતત આયુર્વેદના વૈદકની ટીકા અખબારોમાં છપાય છે કારણ કે કેરળ અને ગુજરાતમાં આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી અને બીજી વૈકલ્પિક ચિકિત્સા લેવા વિદેશીઓ આવે છે.


તે અમેરિકન ડોક્ટરોને ગમતું નથી. હોસ્પિટલોમાં કરોડરજજુનાં હાડકાની સર્જરી (બોન-મેરો-ટ્રાન્સપ્લાન્ટ)હૃદયની બાયપાસ સર્જરી, આંખોનો મોતિયો ઉતરાવવાથી માંડીને આંખની તમામ સર્જરી, હીપ રિપ્લેસમેન્ટ માટે ભારતમાં ખાસ આવે છે. ચેન્નાઈની હોસ્પિટલોનો વિદેશમાં ખૂબ પ્રચાર છે. 'ગ્લોબલ હોસ્પિટલ ગ્રૂપ' ફોર્ટિસ હેલ્થકેર, એપોલો, મેકસ હોસ્પિટલ,ધર્મશીલા કેન્સર હોસ્પિટલમાં ટોળાંબંધ વિદેશી પેશન્ટની ઘરાકી રહે છે. ૪૫ ટકા હેલ્થ ટુરિસ્ટો ચેન્નાઈના એરપોર્ટ ઉપર ઉતરી પડે છે. ત્યાં ભરાવો થાય તો દર્દી અમદાવાદ ઉતરી પડે છે. અમદાવાદની ઘણી હોસ્પિટલો પોતાને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની બનાવી ચૂકી છે.


ડેન્ટલ હોસ્પિટલો અમેરિકા કરતાં ચોથા ભાગના ભાવે ચોકઠાં બેસાડી આપે છે. ૨૦૦૯માં ૪૫ લાખ જેટલા વિદેશીઓએ ભારતમાં મેડિકલ ટ્રીટમેન્ટ લીધેલી. હોસ્પિટલોને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ આપનારી 'જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ' (જે.સી.આઈ.) નામની સંસ્થા છે. તેણે ભારતની ૧૩ હોસ્પિટલોને આંતરરાષ્ટ્રીય ધોરણથી સારવાર માટે લાયક ઠરાવેલ છે.


બ્રિટનમાં ઓપનહાર્ટ સર્જરીના ૭૦૦૦૦ ડોલર અને અમેરિકામાં દોઢ લાખ ડોલર (રૂ. ૭૨ લાખ) પડે છે પણ ભારતમાં ૩૦૦૦થી ૧૦૦૦૦ ડોલર એટલે કે ફક્ત રૂ. દોઢ લાખમાં કામ પતી જાય છે. લગભગ ૫૫ ટકા દર્દીઓ વિદેશથી ભારતમાં સારવાર માટે આવે છે. તાજ મેડિકલ ગ્રૂપની હોસ્પિટલની એકલીને જ રોજ ૨૦૦ જેટલી ઇન્કવાયરી આવે છે. તેમાંથી ૨૦થી ૪૦ બ્રિટિશરો દર મહિને આવીને હોસ્પિટલના ઘરાક બને છે. હોસ્પિટલનું આડકતરું સૂત્ર છે કે માંદા પડો અને અમારા લાખેણા ઘરાક બનો!


આસપાસ, કાન્તિ ભટ્ટ

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...