'આવતા ભવે સીતામાતાની માફક તમે આ જ પતિ માગો?' 'હા, પણ મારા અંગત કારણસર. તેમને હું નખશિખ ઓળખી ગઇ છું, તેમને 'ટેકલ' કરતાં મને આવડી ગયું છે. બાકી કોઇ અલગ ખોપરીનો અકડું મળી જાય તો એકડ એકથી શરૂ કરવું પડે. આપણે ત્યાં પત્ની થકી તેના સેલિબ્રિટી પતિની જાહેરમાં તો શું, ખાનગીમાં પણ પ્રશંસા કરવાનો રિવાજ પહેલેથી જ નથી. આપણા પૂર્વ પ્રધાનમંત્રી વી. પી. સિંહ પાગલ છે એવો કોર્ટ-કેસ તેમનાં બેટર-હાફ સીતાદેવીએ બિટર-હાફ બનીને તેમના પર ઠોકી દીધો હતો. એટલે કોઇ પત્ની તેના પતિના જાહેરમાં વખાણ કરે તો મને અંદરથી સારું લાગે છે.
તારીખ ૨૧મી સપ્ટેમ્બરના 'દિવ્ય ભાસ્કર'માં ઝારખંડના ચીફ જસ્ટિસ ભગવતી તેમનાં પત્ની લતાપ્રસાદની મીઠી નજરે ઝિલાયાં છે, જે વાંચતાં એવો વહેમ પડે છે કે જાણે ખુદ ભગવતીપ્રસાદજીએ પાંચને બદલે દસે દસ આંગળીઓ વડે પ્રભુને પૂજયા હશે. તેમનાં બેસુમાર વખાણ કર્યાં છે પત્નીએ. પત્ની જણાવે છે કે જસ્ટિસ પ્રસાદ દરેક બાબતે આદર્શ વ્યક્તિત્વના માલિક છે. અત્યંત શાંત સ્વભાવના છે મારા સાહેબ. કોઇ સ્ત્રી એના વરની કોઇપણ પ્રકારની ધાકધમકી વગર, કેવળ પ્રેમની શુદ્ધ ચાસણીમાં બોળેલું 'સાહેબ'નું સંબોધન કરે એ કેટલું બધું મીઠું હોય છે એ મેં મારા સગા કાને સાંભળ્યું છે - રંજનબહેન દલાલ તેમના પતિ જયંતીલાલને સાહેબ કહેતાં, પરંતુ આ સન્નારી લતાબહેન માટે મારા સાહેબ (મારી એકલીના સાહેબ) બોલતી વખતે તેમનું મોઢું કેવું ભરાઇ જતું હશે એ હું કલ્પી શકું છું. (કહે છે કે સૌરાષ્ટ્રમાં તો પતિ ગમે એટલા મોટા હોદ્દા પર હોય તો પણ પત્ની માટે તો તે 'ઇવડો ઇ' જ છે.)
બહેન ઉમેરે છે કે સાહેબ કોર્ટનું ટેન્શન ઘેર નથી લાવતા કે ઘરનું ટેન્શન કોર્ટમાં લઇ જતા નથી. (દરેક ટેન્શન પોતાના સ્થાને જ શોભે). જસ્ટિસ પ્રસાદની સહનશીલતા પર તેમનાં પત્ની ઘણાં પ્રસન્ન છે. સાહેબને કવિ-સંમેલનો બહુ જ ગમે છે ને એ માટે તે મોડી રાત સુધી જાગે છે પણ ખરા. (મળી ગયો ને તાળો સાહેબની સહનશક્તિ કેળવવાનો!).
અલબત્ત, આ સુર્વગુણ સંપન્ન એવા જજસાહેબનાં પત્નીની અનેક સ્ત્રીઓને ઇષ્ર્યા આવતી હશે પણ મારા ગીધુકાકાને જસ્ટિસ ભગવતી પર એ વાતે ગુસ્સો આવે છે કે પત્ની પર તે ક્યારેય ગુસ્સો નથી કરતા, ક્યારેક પત્નીને તેમના પર ગુસ્સો આવે છે ત્યારે તે હસી પડે છે. આમાં પતિગિરી ક્યાં આવી? પત્નીને તો એક આંખે હસાવવી અને બીજી આંખે રડાવવી જોઇએ. જોકે હવે આવી કે તેવી કોઇપણ પ્રકારની સલાહ જજસાહેબોને આપવાનો અર્થ એટલા માટે નથી કે પાકા ઘડે કાંઠા કેવી રીતે ચડવાના!
અને તેમના શાંત સ્વભાવને લીધે સાહેબ કોર્ટમાંય કોઇના પર મિજાજ ગુમાવી તાડુકતા નહીં - એને માટેય પ્રેક્ટિસ જોઇએને! ટૂંકમાં મરતાને મર કહેવાની પ્રકૃતિ નહીં. (આવા ન્યાયમૂર્તિનું કાળજું તો કોઇને ફાંસી સુણાવતાંય કંપી ઊઠે.)
*** *** ***
અને સર્વદુર્ગુણમાં સંપન્ન એવા મારી વાત કરું તો હું સાવ કાઢી નાખવા જેવો નથી એની મારા કુટુંબીજનોને ખબર છે, ને કાઢવા જતાં ખાસ કશું ઊપજે એમ નથી એનીય જાણ છે એ કારણે અત્યારે પણ હું ઘરમાં ટકી રહ્યો છું. આગળ મેં જેમનો ઉલ્લેખ કર્યો એ ભગવતી સાહેબના વાચનશોખ માટે તેમનાં શ્રીમતી લતાબહેન ગર્વ અનુભવે છે, કિન્તુ મારા પુસ્તક ખરીદી અને વાચનશોખ તરફ ઘરમાં કોઇ આદરથી જોતું નથી. ઉપરથી સંભળાવે છે કે તમે જોજો આ ઘર ગમે ત્યારે તૂટી પડશે તો એનું કારણ ધરતીકંપ નહીં, તમે ભરેલ પુસ્તકો જ હશે, એના ભારથી ઘર જમીનદોસ્ત થઇ જશે.
હજી પણ કહું છું કે આમાંનાં થોડા ઢગલા સરકારની તરતાં પુસ્તકોની યોજનામાં પધરાવી દો જેથી આપણું ઘર ડૂબતું બચે! પણ મને ખાતરી છે કે મારું રાંકનું કહેવું તમે નહીં માનો. મેં હોંશે હોંશે બનાવડાવેલ કબાટોમાં તમે ચોપડીઓ ખોસી દીધી છે એટલે પહેરવાનાં કપડાં ઘરમાં ગમે ત્યાં રઝળતાં રહે છે.
બસ, આવો સંવાદ, ના, આને સંવાદ ના કહેવાય, એક જ પાત્ર સતત બોલ્યા કરતું હોય એને એકાક્તિ કહેવાય. અમારા પુસ્તકપ્રેમની કદરરૂપે અમને અઠવાડિયામાં બે-ત્રણ વખત એકોક્તિના શ્રવણનો લાભ મળતો રહે છે.
માણસ કુંવારો હોય કે પરણેલો, પણ તે સદાય સુખ અને શાંતિ ઝંખતો હોય છે. મારો ઘણો સમય વાંચન-લેખન, મિત્રોમાં મહાલવું અને ફોનાલાપ, આ બધામાં પસાર થઇ જાય. ખરેખર તો સ્ત્રી માટે આ શાંતિનું કારણ બનવું જોઇએ, એને બદલે તેમના માટે મારી સાથેના ઝઘડાનું કારણ બની જતું. બંને સ્ત્રીઓ સંપીને મારા પર તૂટી પડે કે અમારા બંનેનો ભવ બગાડ્યો! સિનિયર, મોટી એમ કહીને ખખડાવે કે મારું તો જાણે ઠીક, પણ બિચારી નલિનીને ભેખડે ભેરવી? અમને બંનેને દુ:ખી દુ:ખી કરી નાખ્યાં.
આવા માણસો બબ્બે વખત શા માટે પરણતા હશે? આવું કહેનાર કૈલાસ અઢી દાયકા પહેલાં કૈલાસધામમાં સિધાવી ગઇ. હવે બીજી કોઇ કોઇવાર ટોણો મારવાનું ચૂકતી નથી કે તમારામાંથી બાપડી કૈલાસ તો છુટી, હું ક્યારે છુટીશ? (એમાંય વાંક તો આખે આખો મારો જ નીકળવાનો. મોટીને મેં સિનિયોરિટીના નિયમ હેઠળ નિવૃત્ત કરી નાખી ને જેની મને છોડવાની અદમ્ય ઇચ્છા છે તેને હું પરાણે પકડી રાખું છું. કેટકેટલી ગેરસમજો પ્રવર્તે છે મારા વિશે!!
*** *** ***
કહે છે કે સોક્રેટીસને તત્વચિંતક તેની બીજી પત્ની ઝેન્થાપીએ બનાવ્યો હતો. કવિ કલાપીની ત્રીજી પત્ની શોભનાના કહેવા પ્રમાણે 'કલાપીનો કેકારવ'માંની ઘણી કવિતાઓ શોભનાને ઉદ્દેશીને લખાઇ છે. નલિનીએ જાહેરમાં કશું નથી કહ્યું, પણ એવું તે દ્રઢપણે માને છે કે અમારા ભોગે જ તે હાસ્યલેખક થઇ શક્યા છે, અમારા લીધે જ તે હાસ્યલેખક બની શક્યા છે. (મને ખબર નથી. પણ કોઇ વિદેશી લેખકે પૂછ્યું કે તમારે હાસ્યલેખક થવું છે?- 'વ્હેર આર યોર ટીઅર્સ?' - તમારાં આંસુ ક્યાં છે? આંસુ તો છે, પણ બતાવી શકાય તેમ નથી. બાકી હાસ્ય તોસિકું આંસુ છે-હ્યુમર ઇઝ એ ડ્રાયટીઅર).
બોલો, મારા કેટલાક ગુણોને પણ અવગુણમાં ખપાવાય છે. જેમ કે નિર્ણયો લેવામાં હું બહુ જ ઉતાવિળયો છું એવી મારી સામે ફરિયાદ છે. એકાદ કિસ્સામાં તે સાચી પણ છે એ મારે કબૂલ કરવું જોઇએ. નાનપણમાં મેં રમૂજમાં કહેવાયેલ એક સુવાક્ય વાંચ્યું હતું કે માણસે કડવી દવા પીવામાં તેમજ લગ્ન કરવામાં બને એટલી ઉતાવળ કરવી જોઇએ. કેમ કે બંનેનો સ્વાદ લગભગ સરખો હોય છે. આ વિધાનમાં પડેલો મર્મ નહીં પામવાને કારણે મેં ઝડપથી લગ્ન કરી નાખ્યાં એવું આજે લાગે છે, પણ એ બાબત અફસોસ કરવાનો અર્થ નથી. જોકે મારી ઉતાવળને કારણે સામા પાત્રને તો ફાયદો જ થયો છે, નહીં તો તેણીશ્રી આજે સિત્તેર વર્ષની ઉંમરે મારી રાહ જોતાં તેમના પરમ પૂજય પિતાશ્રીના ઘરમાં જ બેઠાં હોત. જોકે મારા આ અનુમાન સાથે એ સંમત નથી. એ તો કહે છે કે શી ખાતરી કે તમારાથીય વધારે સારો અને વધારે અક્કલવાળો વર મને ના મળ્યો હોત!
થોડા દિવસો પહેલાં એક સ્ત્રી સામિયકની પત્રકાર મારો નહીં, પત્નીનો ઇન્ટરવ્યૂ કરવા આવેલી. તેણે પૂછ્યું હતું : 'મેડમ, આજની વયસ્ક છોકરીને તમે કોઇ કવિ કે હાસ્યલેખકને પરણવાની સલાહ આપો ખરા?' 'એ દીકરીને હું પાસે બેસાડીને પ્રેમથી જણાવું કે આ બે કરતાં કોઇ નોર્મલ છોકરાને પરણવું વધારે સારું.' પત્ની બોલી. 'તો પછી તમે હાસ્યલેખકને કેમ પરણ્યાં?' 'આમાં તો બહેન ભાગ્ય જ ભુલાવતું હોય છે. હું તેમને મળતી ત્યારે તો તેમના નખમાંય હાસ્ય નહોતું, કોઇ ચિહ્ન કે અણસાર વર્તાયાં નહોતાં. એવો જરા તરા વહેમ પણ પડ્યો હોત તો ચેતી જાત. હશે કરમની કઠણાઇ, બીજું શું!... પત્નીનો જવાબ.' 'તમને ક્યારેય પતિથી છુટા પડવાનો, છુટાછેડા લેવાનો વિચાર આવે ખરો?' 'ના, ક્યારે પણ નહીં...' પત્નીએ ઉત્તર આપ્યો: 'કારણ એ કે પુરુષો આમ તો બધા જ સરખા હોય છે, માત્ર તેમના ચહેરા જ જુદા હોય છે.'
'આવતા ભવે સીતામાતાની માફક તમે આ જ પતિ માગો?' કુતૂહલ પ્રશ્ન.'હા, પણ મારા અંગત કારણસર. તેમને હું નખશિખ ઓળખી ગઇ છું, તેમને 'ટેકલ' કરતાં મને આવડી ગયું છે. માંડ એડજસ્ટ થઇ છું. બાકી કોઇ અલગ ખોપરીનો અકડું મળી જાય તો એકડ એકથી શરૂ કરવું પડે. આવતા જન્મે પણ આમને જ નિભાવી લઇશ, આમેય લગ્ન એક એડજસ્ટમેન્ટ જ છેને!...' તેનો ઉત્તર સાંભળી એ છોકરીએ તેનાં કાગળિયાં સમેટી લીધાં.
ઈદમ્ તૃતીયમ્ , વિનોદ ભટ્ટ
No comments:
Post a Comment