બીજા તહેવારો કરતાં ક્રિસમસમાં દારૂ પીવાનો મહિમા છે કારણ કે એમાં પણ આપણે ધોળિયાઓની નકલ કરીએ છીએ. ત્યાં છાકટા થવાની શરમ નથી. ક્રિસમસના દિવસોમાં યુરોપ-અમેરિકામાં વાહન અકસ્માતની સંખ્યા વધી જાય છેયોગાનુયોગ જ ક્રિસમસના દિવસોમાં મારી વર્ષગાંઠ આવે છે. નાનપણમાં તો એક વર્ષ મોટા થયાની ઉત્તેજના રહેતી. હવે પગે પેડ બાંધીને બેટ્સમેન પોતાની આગળ ગયેલા બેટ્સમેનોની વિકેટો ખરતી જોતો અને પોતાના વારાની રાહ જોતો સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમની બહાર બેઠો હોય તેવી લાગણી અનુભવું છું. હજી મારે કેટલા રન કરવાના બાકી છે, કોને ખબર?
ક્રિસમસ આવે છે અને મુંબઈ યાદ આવે છે, જયારે હું સંપૂર્ણ નાટકીઓ હતો. નાટકવાળો સેકયુલર હોય છે. એમના ચાહકો અલગ અલગ ધર્મના હોય છે. તહેવાર ગમે તે હોય નાટકવાળાને આમંત્રણ મળે જ. પીને વાલેકો પીને કા બહાના ચાહીયે. નાટકવાળાને તો બહાનાની જરૂર નહીં. એ એકઠા થાય ત્યાં તહેવાર. અમદાવાદ કરતાં મુંબઈમાં છાકટા થવાની સગવડો સારી છે.
મુંબઈના એક સરકારી અમલદાર ગુજરાતી હતા. નાટકોના ભારે શોખીન. નાટકવાળાઓના પ્રેમી. મુંબઈની દરેક હોટેલમાં એમનો ચહેરો જ સરકારી સિક્કો. સાહેબને સલામો થાય. ક્રિસમસની આગલી રાતે સાહેબ એમના ખાસ ખાસ મિત્રોને મિત્રોની ગાડીઓમાં ભરીને નીકળી પડે. ઉજવણીની શરૂઆત ચર્ચગેટની ફાઇવસ્ટાર હોટેલથી થાય. સ્પેશિયલ ટેબલ ગોઠવાય. ખાણી-પીણી પીરસાય. સાહેબ હોટેલના માલિકના ખબરઅંતર પૂછે. અમે અમારી પત્નીઓ સાથે ડાન્સ કરવાના પ્રયત્ન કરીએ ત્યાં તો સાહેબનો સિગ્નલ આવતાં આખો કાફલો બહાર. ત્યાંથી કાફલો બીજી ફાઇવસ્ટારમાં, ત્યાં પણ આ જ ક્રમ. રાત અને નશો ધીરે ધીરે જામતાં જાય.
નશામાં પત્નીઓ સામેલ નહીં. એ બધી પોતપોતાના પતિઓ પર અંકુશ રાખે - સાહેબની આબરૂ જળવાવી જોઇએ. મજા કરો, ફજેતા નહીં. કાફલો ઉપનગરોમાં મુકામો કરતો છેક જૂહુ પહોંચે ત્યાં સુધીમાં નવું વર્ષ બેસી ગયું હોય. અમારા ટાંટિયા નવરાત્રિ રમતા હોય. એ રાત્રે અમારો કાફલો ફિલ્મ પ્રોડયુસરો, સિતારાઓ, ઉધોગપતિઓ, વેપારીઓ, વીઆઈપીઓ, પોલિટિશિયનોની પાર્ટીઓમાંથી પસાર થતો અને તેમાં ક્રિસમસ પાર્ટીઓ માણવા ખાસ મુંબઈ આવેલા ઓળખીતા અમદાવાદીઓ પણ મળી જતા. જાણે રણપ્રદેશમાંથી આવતા હોય એમ એ લોકો બાટલીઓ પર તૂટી પડતા.
મને યાદ છે, મારો એક કઝીન એના ફ્રેન્ડ સાથે રાતની ટ્રેનમાં નીકળીને સવારે મુંબઈ મારે ધેર આવવાનો હતો. હું ખાસ વહેલો ઊઠીને સાત વાગ્યાથી એમની રાહ જોતો બેસી રહ્યો. દસ વાગ્યા. અમે ચિંતામાં પડયા. ગાડી આટલી બધી લેટ કેમે? ઇન્કવાયરીના ફોન કાયમ બીઝી હોય છે. હવે? ત્યાં તો બંને જણ ડોલતા ડોલતા હાથમાં બેગો સાથે આવી પહોંચ્યા.
'કેમ મોડું થયું?'
'અમને થયું, તમને ક્યાં વહેલી સવારે ડિસ્ટર્બ કરવા, એટલે અમે બિયર પીવા બેઠા હતા. મજા આઈ ગઈ. મુંબઈની સાલી આ મજા છે, યાર. અમદાવાદ તો સાલુ સાવ ભૂખડ છે, યાર...'
બિયરની અસર હેઠળ બંને જણે અમદાવાદને પેટ ભરીને ગાળો દીધી. બંને જણે અઠવાડિયું એ જ કામ કર્યું. આઠમા દિવસે એ દારૂ તો શું ચા પીવાની સ્થિતિમાં પણ નહોતા. એસિડિટીની ગોળીઓ ગળતા બંને વિદાય થયા. આ તો એ વખતની વાત છે જયારે ગુજરાતમાં બાટલી મેળવવાની તકલીફ પડતી અને મળતી તે મોંઘી અને ભેળસેળિયા મળતી.
હવે એવી તકલીફ રહી નથી. જોકે, મેં તો એક વરસથી છોડી દીધું છે પણ એ પહેલાં મને અહીં કદી તકલીફ પડી નહોતી. મુંબઈના મારા એક સાથી કોમેડિયને મને કહેલું, 'અમારો નડિયાદમાં (નાટકનો) શો હતો. હવે નડિયાદમાં આપણે કોઈને ઓળખીએ નહીં. બાટલી માટે કહેવું કોને? હું તો ગયો પોલીસસ્ટેશને. મેં તો મોટા સાહેબને કહ્યું કે સાહેબ, અમે તો મુંબઈથી નાટકનો શો કરવા આવ્યા છીએ.
તમારા મહેમાન છીએ. કંઈક સગવડ કરી આપો તો શોમાં મજા આવે. તમને પણ જોવાની મજા આવે. મારી ફ્રેન્ક વાત સાંભળીને સાહેબ પણ હસ્યો. તારક, તું માનશે? સાહેબે તો મને ઉતારા પર પ્રેઝન્ટમાં બોટલ મોકલી આપી. શો પત્યા પછી મળ્યા પણ ખરા. પ્રેમથી ભેટયા ત્યારે એમના મોંમાંથી પણ વાસ આવતી હતી.'
વખત થઈ ગયો એ વાતને, પણ મારા અનુભવે કહી શકું કે એ ગપ્પું તો નહીં જ હોય. હવે ગુજરાતીઓને મુંબઈ આવવા જવાના ખર્ચા નહીં થતા હોય. સુરતીઓ તો દમણમાં ક્રિસમસ ઊજવે છે. સૌરાષ્ટ્રના શોખીનો દીવમાં જલસા કરે છે. જેમને ઠંડી નડતી નથી એ આબુ અને ઉદેપુર પહોંચે છે. બીજા તહેવારો કરતાં ક્રિસમસમાં દારૂ પીવાનો મહિમા છે કારણ કે એમાં પણ આપણે ધોળિયાઓની નકલ કરીએ છીએ. ત્યાં છાકટા થવાની શરમ નથી.
ક્રિસમસના દિવસોમાં યુરોપ-અમેરિકામાં વાહન અકસ્માતની સંખ્યા વધી જાય છે. એટલું ખરું, ગુજરાતીઓ એ બાબતમાં સાવચેત છે. પોલીસખાતું પણ કાબેલ છે. જયારે જયારે એ લોકો દારૂની બાટલીઓ ભરેલી ટ્રક પકડે છે ત્યારે ટ્રકનો ડ્રાઇવર અને એનો સાથીદાર ભાગી જાય છે.
અગાઉ તો મારા પરિચિત બુટલેગરનો ફોન આવતો, 'સાહેબ, ક્રિસમસ આવે છે, તમારે કંઈ મંગાવવું હોય તો મંગાવી લો, પછી નહીં મળે.'હવે એ ફોન આવતા બંધ થઈ ગયા છે. મારી ક્રિસમસ તો હવે બગીચાના બાંકડે જ ઊજવાય છે, વીતી ગયેલી ક્રિસમસો યાદ કરવામાં. સંસ્મરણોનો પણ નશો હોય છે. એ મજા દારૂમાં પણ નથી.
બાવાનો બગીચો ,તારક મહેતા
No comments:
Post a Comment