ક્ષર-અક્ષર - વિનોદ ડી. ભટ્ટ
"મેં બુદ્ધિશાળી ખેડૂતો-કઠિયારા જોયા છે, પરંતુ મેં બુદ્ધિશાળી પ્રોફેસરો જોયા નથી. શા માટે? આ લોકોમાં શી ખામી છે? એક ચીજની ખામી છેઃ તેઓ કેવળ જ્ઞાન ઉપર આધાર રાખી શકે છે. તેમણે અપ્રત્યક્ષ માર્ગ શોધી કાઢયો છે. પ્રત્યક્ષ જાણવું સાહસિકોને જ પાલવી શકે છે."
'હૃદયસૂત્ર' બુદ્ધની દેશનાઓમાં સર્વોચ્ચ સ્થાને છે અને આ સૂત્રો બુદ્ધે એક ચોક્કસ અવસ્થાએ સારિપુત્રને સંબોધીને કહ્યાં છે.
હિન્દુશાસ્ત્રમાં માણસના શરીરમાં જેમ સાત ચક્રો હોવાનો ઉલ્લેખ છે તેમ બૌદ્ધ ધર્મ મનુષ્ય દેહની સાત મંદિરોના સ્વરૂપમાં કલ્પના કરે છે અને પશ્ચિમના વિચારકો સાત પગથિયાંવાળી સીડીના સ્વરૂપમાં. ઓશો 'હૃદયસૂત્ર'નો પરિચય કોઈ પરંપરાવાદીની માફક નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની સિદ્ધિઓને ધ્યાનમાં રાખી આજના યુગના મનુષ્યની જરૂરિયાતોના સંદર્ભમાં કરાવે છે તે ઓશોની આગવી ખૂબી છે.
હૃદયસૂત્રમાં બુદ્ધ શબ્દનો અર્થ થાય છે જાગૃત, બોધિ અર્થાત્ જાગૃતિ, સંબોધિ અર્થાત પૂર્ણ જાગૃતિ, અભિસંબુદ્ધ અર્થાત પૂર્ણ જાગૃત થવા તૈયાર. આ બધા શબ્દો એક જ ધાતુ-મૂળ શબ્દ- બુધમાંથી ઊતરી આવેલા શબ્દો છે. જેનો અર્થ થાય છે બુદ્ધિ. ઓશો કહે છે, "બુધ શબ્દના કમ-સે-કમ પાંચ અર્થ છે. પ્રથમ અર્થ છે જાગૃત થવું. પોતાની જાતને જાગૃત કરવી અને પછી બીજાને જાગૃત કરવા માટે જાગૃત બનવું. જયારે તમે વિચારો છો કે તમે જાગૃત છો ત્યારે પણ તમે જાગૃત નથી. તમારા આંતરચક્ષુ હજી ખૂલ્યાં નથી. તમે કોણ છો તે તમે હજી જાણતા નથી. વિચારોથી ભરેલું મન જાગૃત નથી, જાગૃત થઈ શકે પણ નહીં.રસ્તા પર ચાલતા તમે તમારા મનથી પૂરેપૂરા જાગૃત છો, પણ બુદ્ધની દૃષ્ટિએ જોતા ઘેરી નિંદ્રામાં છો, કારણ કે તમારી અંદર એક હજાર અને એક સ્વપ્નો કોલાહલ કરી રહ્યાં છે. તમારો આંતરિક પ્રકાશ અતિશય વાદળછાયો છે. તમે પણ નિંદ્રામાં ચાલો છો-- ખુલ્લી આંખો સાથે. તમારાં આંતરચક્ષુ ખૂલ્યાં નથી. તે ખોલવા બુદ્ધિની જરૂર છે. બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એ વર્તમાનમાં રહેવાની ક્ષમતા છે, તમે જેટલા વધુ ભૂતકાળમાં કે ભવિષ્યમાં રહો છો એટલા ઓછા બુદ્ધિશાળી છો.
બુધનો બીજો અર્થ છે - ઓળખવું, વાકેફ બનવું, પરિચિત બનવું, ધ્યાન આપવું, સાવધાની રાખવી અને એટલે જ બુદ્ધ એ છે જે ભ્રામકને ભ્રામક તરીકે પારખે છે. ઓળખે છે અને સત્યને સત્ય તરીકે નિહાળવા તેની આંખો ખુલ્લી છે.
બુધનો ત્રીજો અર્થ છે જાણવું, સમજવું. બુદ્ધ જે છે તેને જાણે છે અને જે છે તે સમજે છે જાણવું એ તમને સમજદારી આપે છે. જ્ઞાન તમને સાચી સમજણ આપ્યા વિના કેવળ સમજદારીની અનુભૂતિ આપે છે, જ્ઞાન એ ખોટો સિક્કો છે, એ છેતરામણું છે. તમે સતત ઇચ્છો એટલું જ્ઞાન સંચિત કરી શકો. તમે અતિ, અતિ, અતિજ્ઞાની બની શકો, તમે પુસ્તકો લખી શકો, તમે ડિગ્રીઓ મેળવી શકો, તમે પીએચડી થઈ શકો અને છતાં જેવા હતા એવા ને એવા અજ્ઞાની બેવકૂફ રહી શકો છો એ ડિગ્રી તમને બદલતી નથી, તે તમને બદલી શકે પણ નહી. વાસ્તવમાં તમારી મૂર્ખામી વિશેષ બળવત્તર બને છે - હવે તે ડિગ્રી ધરાવે છે, તે હવે પોતાને પ્રમાણપત્રો દ્વારા સિદ્ધ કરી શકે છે. તે જીવન દ્વારા પોતાને સાબિત કરી શકતી નથી."
ઓશો હવે તેમના સ્વભાવ મુજબ સ્ફોટક નિવેદન કરે છે કે "શૈક્ષણિક ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ જોવા મળે છે - ભાગ્યે જ! હું શિક્ષણ ક્ષેત્રમાં હતો અને હું મારા અનુભવના આધારે બોલું છું . મેં બુદ્ધિશાળી ખેડૂતો જોયા છે, પરંતુ મેં બુદ્ધિશાળી પ્રોફેસરો - પ્રાધ્યાપકો જોયા નથી. મેં બુદ્ધિશાળી કઠિયારા જોયા છે પણ બુદ્ધિશાળી પ્રાધ્યાપકો જોયા નથી. શા માટે? આ લોકોમાં શી ખામી છે? એક ચીજની ખામી છેઃ તેઓ કેવળ જ્ઞાન ઉપર આધાર રાખી શકે છે. તેમણે અપ્રત્યક્ષ માર્ગ શોધી કાઢયો છે. પ્રથમ દરજજામાં હિંમતની જરૂર પડે છે, પ્રથમ પ્રત્યક્ષ જાણવું તે કેવળ બહુ થોડા લોકોને - સાહસિકોને જ પાલવી શકે છે. તમે માહિતીનો મોટો ઢગલો કરી તેના પર બેસી શકો છો. જ્ઞાન દ્વારા તમારી સ્મૃતિ વિશાળ અને વિશાળ બને છે, પરંતુ તમારી બુદ્ધિ વિશાળ બનતી નથી."
અહીં ઓશો એક સચોટ દૃષ્ટાંત ટાંકે છે.
"એક સ્ત્રી એક ખાદ્યપદાર્થનો ડબ્બો લાવી, પરંતુ મથામણ કરવા છતાં તેનાથી આ ડબ્બો ન ખૂલ્યો. ડબ્બો કેવી રીતે ખોલવો તે આ સ્ત્રી જાણતી નહોતી. એટલે તે પોતાના સ્ટડીરૂમમાં ગઈ અને પાકશાસ્ત્રના પુસ્તકમાં ખાદ્યપદાર્થનો ડબ્બો ખોલવાની કોઈ રીત આપી હોય તો તે શોધવા માંડી. જ્યારે તે પુસ્તકમાં જોઈને પાના નંબર અને સંદર્ભો વગેરે તપાસીને પાછી આવીને જોયું તો તેના નોકરે ડબ્બો ખોલી નાંખ્યો હતો.
તેણે પૂછયું, "આ ડબ્બો તેં કઇ રીતે ખોલી નાખ્યો?" નોકરે ઠાવકાઈથી કહ્યું, "મેડમ, જ્યારે તમે વાંચી ના શકતા હો ત્યારે તમારે અક્કલ દોડાવવી પડે."
હા, તે આ રીતે સંભવે છે. એટલે ખેડૂતો, માળીઓ, કઠિયારાઓ વધુ બુદ્ધિશાળી હોય છે. તેમની આસપાસ એક પ્રકારની તાજગી- ફ્રેશનેસ હોય છે. તેઓ વાંચી શકતા નથી એટલે તેમણે તેમના મગજનો ઉપયોગ કરવો પડે છે. વ્યક્તિએ જીવવું જોઈએ અને વ્યક્તિએ પોતાના મગજનો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. એટલે બુધનો ત્રીજો અર્થ સમજદારીના અર્થમાં જાણવું એવો થાય છે." "ચોથો અર્થ છે પ્રબુદ્ધ બનવું અને પ્રબુદ્ધ કરવું. બુદ્ધ એ પ્રકાશ છે તેઓ પ્રકાશ બની ચૂક્યા છે. આથી તેઓ સહજ રીતે બીજાને પણ પ્રકાશ બતાવે છે. તેમનો અંધકાર અદૃશ્ય થઈ ગયો છે. તેમની આંતરજ્યોતિ ઉજ્જવળ રીતે પ્રકાશી રહી છે. સામાન્ય રીતે તમે અંધકાર છો. અંધકારવાળો ખંડ, અંધારિયો ખંડ. માણસ થોડો વિચિત્ર છે, તે સતત હિમાલય ખૂંદ્યા કરે છે. તે પેસિફિક મહાસાગર ખૂંદી વળે છે, તે સતત ચંદ્ર અને મંગળની શોધખોળ કર્યા કરે છે, પરંતુ એક ચીજનો તે ક્યારેય પ્રયત્ન કરતો નથી - તે છે તેના પોતાના આંતરિક અસ્તિત્વની શોધ. માણસે ચંદ્ર પર ઉતરાણ કર્યું છે, પણ માણસે હજી તેના પોતાના અસ્તિત્વમાં ઉતરાણ કર્યું નથી." (ક્રમશઃ)
No comments:
Post a Comment