[Gujarati Club] ગધેડાંવાળી વર્સસ કારવાળી.

 

ગધેડાંવાળી વર્સસ (વિરૂદ્ધ) કારવાળી.  

મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/12/blog-post.html

" अभ्यासाध्दार्यते विद्या कुलं शीलेन धार्यते।
  गुणेन ज्ञायते त्वार्यः कोपो नेत्रेण गम्यते॥"
-ચાણક્ય.

અર્થાત-  સતત અભ્યાસથી વિદ્યા,  શીલ સ્વભાવ (ચારિત્ર્ય) પરથી ઉંચ-નીચ કુળ , ગુણ પરથી શ્રેષ્ઠતા,
જ્યારે આંખો પરથી મનુષ્યના ક્રોધી સ્વભાવની જાણ થાય છે.
============

નોંધઃ- આ લેખને, કેન્દ્રિય સલ્તનત = ગધેડાંવાળી અથવા
ભ્રષ્ટાચાર રાણી = કારવાળી જેવાં, પ્રતિકાત્મક લેબલ લગાવીને વાંચવો નહીં..!! લેખકનો ઈરાદો શુદ્ધ છે,  અર્થના અનર્થ કાઢી, તેને અશુદ્ધ કરવાની મહેચ્છા ધરાવવી નહીં.

============


પ્રિય મિત્રો,


હમણાં થોડા દિવસ પર, નર્મદા કિનારે, ચાણોદ મુકામે જવાનું થયું.ત્યાંના એક સ્થાનિક બીલ્ડીંગ કૉન્ટ્રાક્ટરને મેં  સવાલ કર્યોકે, " ઉંચા-ઉચા ટેકરા પર આવેલાં મકાનમાં સિવિલ વર્ક કરવા માટે,, રેતી,ઈટો,સીમેન્ટ વિગેરે કેવીરીતે લઈ જાવ છો?" તો તેઓએ જવાબ આપ્યો,`ગધેડાંવાળી છે ને?`(ટૂકમાં, ગધેડાંની મદદથી), એટલામાંજ, હાથમાં પાતળી સોટી લઈને, ગધેડાંને હાંકતી-હાંકતી, એક ગધેડાંવાળી યુવતી ત્યાંથી  નીકળી.


આ,,હા..હા..હા..!! શું  એનો ઠાઠ..!! પાન ખાવાથી, વગર લિપસ્ટિકે લાલચટક થયેલા હોઠ, નાક પર મોટી ગોળ ચૂની, સુંદર  કોડી - છીપલાંને, આભલાં મઢેલું રંગબેરંગી,ઘાઘરી-પોલકું, માસૂમ ચહેરા પર, સુધરેલા કે નઠારા, લાયક કે નપાવટ, તમામ પ્રકારના ગધેડાઓને પહોંચી વળવાનો, ઊંચા નભને આંબતો, બેફિકરાઈભર્યો, અસીમ આત્મવિશ્વાસ..!!


હજી ગધેડાંવાળીના આ અદ્વિતિય - અલૌકિક - મનમોહક સ્વરૂપને,  હું નજરભરીને નિહાળું, ત્યાંતો 
સમગ્ર ગધેડાં સમૂહે, મને અનુમલિક  જેવા મહાન સંગીતકાર તેમના આંગણે આવ્યા છે તેમ સમજીને,  મારી સમક્ષ ઑડિશન આપવા ગધેડા આવ્યા  હોય તેમ, સહુએ સમૂહમાં ` હોં..ચીઁ.., હોં..ચીઁ.., હોં..ચીઁ` નો  (સંગીતના કોર્સ- બહારનો) રાગ આલાપ્યો. આ ગધેડાં લોકો ( ?) ની અડફટે, હું આવી જઈશ તો? તેમ સમજીને, પેલા કૉન્ટ્રાક્ટર મિત્રએ મને બાજુની ફુટપાથ પર ખેંચી લીધો.

અમે ફુટપાથ પરથી, હજી ફરી નીચે પગ મૂકીએ, એટલામાંજ, કોઈનું સરાવવા (ધાર્મિક વિધિ) આવેલી, ધનાઢ્ય કુટુંબની હોય તેવી જણાતી, ટાઈટ જીન્સ અને ચપોચપ ટીશર્ટ પહેરેલી, મોંઘી, મોટી કારવાળી એક આધુનિક યુવતી, પોતાની કારની બ્રેક મારીને, ગધેડાંના સમૂહની આગળ નીકળવા, જોર-જોરથી હોર્ન મારવા લાગી.


આ તરફ, સમૂહગાનમાં મસ્ત એવા  બધાજ  ગધેડા કદાચ, કારના  હોર્નનો કર્કશ અવાજ સાંભળીને જરૂર બેસૂરા થયા હોવા જોઈએ, તેથીજ  તેઓ ગુસ્સાથી કારની આગળથી એકબાજુ ખસી જવાને બદલે, નવેસરથી સંગીતના મૂળ સ્વર-સપ્તક સાધવા માટે, જાણે સ્વર સમાધિ લગાડી હોય તેમ, પેલી કારવાળી યુવતીનો રસ્તો રોકીને, બધાજ ગધેડા આડાઅવળાં ઉભા રહી ગયા. આ ગધેડાઓની આવી અનૈતિક, હલકી  હરકત જોઈને, મોંઘીદાટ કારવાળી યુવતીનો ક્રોધ સાતમા આસમાન પર પહોંચી ગયો. તેના ડોળા ક્રોધથી વિસ્ફારિત થઈ, ગોળ-ગોળ ચકળવકળ થવા સાથેજ, તેને બીજું કાંઈ ન સૂઝતાં, ગધેડાં ભગાડવા, જોરથી અવિરત (Nonstop) હોર્ન વગાડ્યું.


જોકે, આગળ પછી શું થયું હશે તેની મને જાણ નથી કારણકે, ચાલવા જેટલી જગ્યા મળતાંજ, અમે ત્યાંથી ચાલતા થયા. આમને આમ, મારા રૂમ પર પહોંચીને,
` ગધેડાંવાળી વિરૂદ્ધ કારવાળી` ના વિષય પર, હું ગહન ચિંતનના ચકરાવે  ચઢી ગયો. સાલું..!! એકજ સમયે, ગધેડાંવાળી અને કારવાળી વચ્ચે કેટલું બધું સામ્ય અને સાથેજ  કેટલો બધો વિરોધાભાસ?

* ગધેડાવાળીના હોઠ પાનના ડૂચાથી લાલ, કારવાળીના હોઠ લિપસ્ટિકના કુચાથી લાલ..!! ટૂંકમાં, બંનેના હોઠ લાલચટક હોય છે.


* ગધેડાંવાળી પાસે ચારપગવાળા ગધેડાં હોય છે, કારવાળી પાસે ચાર પૈડાંવાળી કાર હોય છે..!!


* ગધેડા અને ગધેડાવાળી અડિયલ મનાય છે,  કાર અને કારવાળી પણ અડિયલ મનાય છે.


* ઘણી કારવાળીને નવી કાર ખરીદે છતાંય, જુની કાર યાદ આવે છે. જોકે, નવા ગધેડાં ખરીદ્યા પછી,જુના ગધેડાંને કોઈ યાદ નથી કરતું..!!


* સડેલા-ટળેલા,નકામા,ઘરડા, રખડેલ ગધેડા રઝળીને કમોતે મરે છે. સડેલી-ટળેલી, જુની ગોબા પડેલી કાર ભંગારમાં જાય છે..!! ગધેડાં હોય કે કાર, ખપ પુરો થયેથી તેની માલિકણ, તે  બંનેને તરછોડી દે  છે.


* ગધેડાં ચીડાય ત્યારે એકબીજા સાથે  લાતંલાત કરે, ગધેડાંવાળી ચીડાય ત્યારે દેશીભાષામાં નઠારી ગાળો બોલે, કાર ચીડાય ત્યારે સ્ટાર્ટ થવામાં નખરાં કરે, કારવાળી ચીડાય ત્યારે અંગ્રેજીમાં ગાળો બોલે.


* ગધેડાનો પગ લંઘાય ત્યારે ગધેડાવાળી ડફણાં મારે તોય તે વાંકોચૂંકો જ ચાલે, કારનું વ્હીલ બેલેન્સીંગ બગડે ત્યારે કારવાળી ગમે તે કરે, કાર પણ એક સાઈડે  ખેંચાય છે.


* ગધેડાના મોઢામાં હાથ આવી જાય તો ગધેડાંવાળી ફસાયેલો હાથ છોડાવે ત્યાં સુધીમાં ગધેડો બચકું ભરી લે, કારના દરવાજામાં આંગળી કે હાથ આવે, ત્યારેપણ કારવાળી દરવાજો ખોલે ત્યાંસુધીમાં દર્દથી ભારે રાડારાડ થઈ જાય.


* ગધેડાંનું હોર્ન સમગ્ર વિશ્વમાં એક સરખું હોય છતાં ગધેડાંવાળી અવાજ પરથી તેને ઓળખી શકે, કારનાં હોર્ન જાતજાતનાં હોવાથી, અવાજ પરથી કારને,  કારવાળી ઓળખી ન શકે, એમ પણ બને.


* મોટાભાગે બે ભાઈ વચ્ચે  એક  ચોયણાંની માફક, એક ગધેડો બેજણ વચ્ચે  વહેંચી શકાતો નથી. પણ બે બહેનો કે દેરાણી જેઠાણી વચ્ચે એક કાર વહેચી શકાય છે.(ઘણીવાર દ્રૌપદીના પાંચ પતિની માફક, એક કારના પાંચ-પાંચ કે તેથીય વધારે  ધણી-ધણિયાણી હોય છે.)


* ગધેડો ખોવાયતો, ગધેડાંવાળીની ફરિયાદ પોલીસ નોંધતી નથી. કાર ચોરાય તો કારવાળીની ફરિયાદ પોલીસ, બનતી ત્વરાએ ઉમળકાભેર નોંધે છે.


* ગધેડાં વિના કે, ગધેડાં સહિત ગધેડાંવાળી ચોરાઈ જવાના ચાન્સ બિલકુલ નથી, કાર વગરકે, કાર સાથેજ કારવાળીના ચોરાઈ જવાના ચાન્સ  ૧૦૦% છે.


* ગધેડો, ગધેડાંવાળીનાં ડફણાંને લાયક હલકટ-અપ્રિય પ્રાણી છે, સમાજમાં કાર અને સુંદર કારવાળી, એતો માનમરતબો અને મોભાનું મોંઘેરું પ્રતિક છે.


* ગધેડાંની પીઠ પર લાદેલા સામાનની જવાબદારી ગધેડાંવાળીની હોય છે, કારની છત પર લાદેલા સામાનની જવાબદારી કારવાળીના ઘરવાળાની હોય છે.


*  સભાસ્થળે ગધેડાંની કોઈપણ પ્રકારની કામગીરી અંગે, કોઈજ અનુમાન  અશક્ય છે, જ્યારે, મૂખ્ય મહેમાનને સભાસ્થળે  લેવા-મૂકવા કાર અને ફ્રી હોયતો કારવાળી પણ  કામ આવે છે,


* એકમેકનાં એકસરખા ગધેડાં સામે, કોઈ ગધેડાંવાળી મોહક  નજર પણ નથી નાંખતી પરંતુ, એકમેકની કાર અને કારવાળીને ઘણા ઈર્ષાળુ ભૂખ્યા લોકો બૂરી નજરથી જુવે છે.


* દહેજમાં ગધેડો આપીને ગધેડાંવાળીને  સુ-વર મળી શકે કે નહી તે ખબર નહીં પરંતુ, કાર આપીને કારવાળીને રૂપાળો ગધેડો..સૉરી, મુરતિયો જરૂર મળી શકે છે.


* વગર આમંત્રણે લગ્નસ્થળે ઘૂસી ગયેલા ફાલતુ ગધેડાને હાંકી કઢાય છે, લગ્નમાં મોંઘીદાટ કારને  ફૂલહારના તથા કારવાળીને બ્યૂટીપાર્લરના ખર્ચાળ શણગાર કરાય છે.


* ગધેડો આપણને લાત મારે તો, ગધેડાને બે ડફણાં મારીને ગધેડાવાળી આપણને પ્રેમથી ઉભા કરે છે. કારની ટક્કર આપણને વાગે તો, કારવાળી, કારનો કાચ અડધો ખોલીને, તિરસ્કારપૂર્વક ` યુ સ્ટુપિડ, આંધળો છે?` એમ પૂછે છે.


* ગધેડાં સાથે આપણો એક્સિડન્ટ થાય ત્યારે ગધેડાંવાળી, ગધેડાં લઈને કે મૂકીને નાસી નથી જતી. કારની સાથે આપણો એક્સિડન્ટ થાય ત્યારે કારવાળી, કાર મૂકીને કે  કાર ભગાવીને નાસી જાય છે. (જોકે, ઉપરના બંને કિસ્સામાં આપણે તો ભોંયભેગા થઈને, દર્દથી કણસવાનુંજ નસીબમાં લખ્યું છે, તેમ મન મનાવવું.)


* ગધેડાંવાળીનું કહ્યું ન માનીને, ગધેડો રસ્તા પર બેફામ દોડીને, કેટલાયને હડફટે લે તો નસીબનો વાંક નીકળે છે. જ્યારે, કાર  બેફામ દોડીને  ઘણાને અડફટે લેતો  કારવાળીનો વાંક ગણી, હિટ એન્ડ રનનો પોલીસ કેસ નોંધાય છે.


* ગધેડો રિસાઈને આગળ ચાલવાની અનિચ્છા દર્શાવે તો, ગધેડા પર બેઠેલી ગધેડાવાળી, ચાલાકી વાપરી, ગધેડાના મોંઢા આગળ, એક લાકડી પર કેળાંની લુમ લટકાવી, લાલચમાં ગધેડાને આગળને આગળ લઈ જઈ શકે છે, રસ્તામાં અટકી ગયેલી કાર સાથે, કોઈ કારવાળીએ આવો પ્રયોગ આચર્યાનું ધ્યાનમાં નથી.


*  ગધેડાં કોઈપણ પ્રકારની ચીજવસ્તુ ખાઈને, કાયમ એકસરખી વસ્તુ (શિટ,યાર..!!) કાઢી શકે,  કાર માત્રને માત્ર, મોંધાભાવનું પેટ્રોલ જ પીને, પાછળથી અલગ-અલગ પ્રકારના, પર્યાવરણ માટે હાનિકારક ધૂમાડા કાઢે છે.


મિત્રો, એકવાર મારા ઘરના ઓટલે બેસીને, `ભારતની ભ્રષ્ટ રાજનીતિ અને ભ્રષ્ટાચાર` વિષય પર વિસ્તૃત લેખ લખીને, જ્યાંકે હું થોડો આઘોપાછો  થયો એટલામાં, આ લેખકે રાજકારણ પર લખેલો લાંબો  લેખ, એક ગધેડો  ધરાર ચાવી ગયો. હમણાંજ  સાંભળ્યું છેકે, આજકાલ તે ગધેડો, તેમના ગધેડાં સમાજનો મોટો લીડર બની બેઠો છે તથા દિલ્હીની સલ્તનતમાં ક્યાંક, ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. હવે તે ગધેડાં હાંકવાવાળીને કે તેના ઘરડા થઈ ગયેલા, સરદાર દાદાને પણ નથી ગાંઠતો. ( તેનું નામ પણ યોગાનુંયોગ `રાજા` છે.)


આપને નવાઈ લાગશે, પણ, રૂમ પર બેસીને આ લેખ લખીને હું સહેજ નવરો પડ્યો અને જ્યાં  થોડી શાંતિની ક્ષણ માણવાની ઈચ્છા ધરાવતો હતો, એટલામાંજ,  મને ગધેડાંથી બચાવનારા, પેલા કૉન્ટ્રાક્ટરભાઈ  ફરીથી આવી ટપક્યા.


કૉન્ટ્રાક્ટરભાઈએ, ગધેડાંવાળી પર મેં એક સુંદર  લેખ લખ્યો હોવાની વાત જાણીને, એક સમર્પિત જ્ઞાનપિપાસુની માફક, રેતી-રોડાં જેવા, કેટલાક અપ્રસ્તુત પ્રશ્નો, તેમણે મને પૂછ્યા. જેના મેં અત્યંત ધીરજ ધરીને, મને આવડે તેવા જવાબ તેમને આપ્યા.


હવે, અમારા બંનેના આ સંવાદમાં, આગળ-આગળ એ જ્ઞાનપિપાસુભાઈ છે
તથા તેમની પાછળ-પાછળ, લાત ન વાગે તેમ, સાચવીને ચાલતો હું છું તેમ જાણવું.

" માર્કંડભાઈ, ગધેડાંવાળી પર, આખો લેખ લખી નાંખ્યો?"

"હા..!!"

" તો કહો જોઉં, ગધેડાને ચાર પગ કેમ હોય છે?"  

" મને નથી ખબર."

" તો પછી કોને ખબર હોય?"
"ગધેડાને પૂછો."

"ગધેડો બોલે?"

"હા, સગાવહાલા કે મિત્ર જોડે બોલે."

" તમારી સાથે બોલે?"
" ના, હું તેનો મિત્ર નથી."

" તમે એના દુશ્મન છો?"
" પૂછવું પડે?"


" કોને, ગધેડાને?"

" ના, ગધેડાં હાંકનારીને."

" ગધેડાં હાંકનારી સગી થાય?"
" કોની, મારી?"

" ના ગધેડાની?"
" મને નથી ખબર."

" તોપછી કોને ખબર હોય?"
"ગધેડાને."

"પણ, તમે હમણાંજ કહ્યુંને, ગધેડો ના બોલે?"

" કદાચ, બોલેય ખરો..!!"

" કોની, તમારી સાથે?"
" ના, ગધેડા હાંકનારી સાથે..!!"

" ગધેડાં હાંકનારી સગી થાય?"

" કોની, મારી?"


" ના, ગધેડાની?"
" મને નથી ખબર."

" પણ તમે હમણાંજ કહ્યુંને?"
" શું? "

" કે ગધેડો બોલે..!!"

" કોની સાથે?"

" ગધેડા હાંકનારી સાથે..!!"
" હેં, મેં  એવું  ક..હ્યું?"

"હા,  ત..મે..ક..હ્યું..!!"
" શું? "

" કે ગધેડો બોલે..!!"
" કો....ની સા....થે?"

હવે, પેલા કૉન્ટ્રાક્ટરભાઈ ગૂંચવાયા હોય  કેપછી ગમે તે થયું હોય પણ બેઠા હતા ત્યાંથી  હડફ દઈને, માથું ખંજવાળતા ઉભા થઈ, તેમણે મને કહ્યું `તમારું મગજ ઠેકાણે હશે ત્યારે બાદમાં, હું શાંતિથી આવીશ..!!` એટલું કહીને તેઓ ચાલતા થયા.

એક કલાક બાદ, ચાણોદના જ  એક સન્માનનીય વયોવૃદ્ધ વિદ્વાન સાહિત્યકાર, જ્ઞાની વડીલશ્રીને, ભારે પ્રસંશાની અપેક્ષાએ, ઉત્સાહભેર, મેં મારો લેખ વાંચવા આપ્યો ત્યારે, લેખ વાંચીને, મારી સામે ક્રૂર નજર કરી, તે એટલુંજ બોલ્યા,
" તને આવો ફાલતુ લેખ  લખવાની પ્રેરણા, કયા ગધેડાએ આપી?"

સહસા ગભરાઈ જઈને લેખનો કાગળ, મેં પાછો ગજવામાં મૂકી દીધો.
મારાથી મારા કોઈ ચાહકનું નામ થોડુંજ લેવાય?

મિત્રો, આ લેખ અન્યને વંચાવીને બેવાર તો હું પાછો પડ્યો છું, તમેય આખો લેખ વાંચી લીધો હોય તો, હું શું કરવાનો હતો. ભાગ્ય આપણા સહુ સહુના, બીજું શું?


માર્કંડ દવે. તાઃ ૦૨ ડીસેમ્બર ૨૦૧૦.

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Be a homeroom hero! Help Yahoo! donate up to $350K to classrooms!


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...