[Gujarati Club] કૃપણતાને કૃષ્ણાર્પણ એટલે દાનસરવાણી.

 


કૃપણતાને કૃષ્ણાર્પણ એટલે દાનસરવાણી.

http://markandraydave.blogspot.in/2012/04/blog-post.html

"આપણા જીવનનો મહિમા,આપણે કેટલું લાંબું જીવ્યા તેના પરથી નહીં,પરંતુ આપણે અન્યને કેટલું મદદરૂપ થયા તે પરથી અંકાય છે."- પિટર માર્શલ-જાણીતા અંગ્રેજ કવિ-લેખક,ફિલૉસૉફર,ઇતિહાસકાર.

પ્રિય મિત્રો,

એક જાણીતી રમૂજ આપે અવશ્ય માણી હશે,એક વાર, એક કંજૂસ માણસ તળાવમાં ડૂબી રહ્યો હતો. તેનો જીવ બચાવવાના ઉદ્દેશ્યથી, કિનારે ઊભેલા એક માણસે, તેને પોતાનો હાથ લંબાવવા કહ્યું.  કોઈને કશું આપવા માટે પોતાનો હાથ જીવનમાં ક્યારેય લંબાવેલ ન હોવાથી, તે ડૂબતા પરંતુ, કૃપણ માણસે પોતાનો હાથ સામો ન લંબાવ્યો. છેવટે આ કટોકટીની પળે ડૂબતા કંજૂસ તરફ,  એક શાણા માણસે પોતાનો હાથ લંબાવતાં કહ્યું," લે, મારો હાથ પકડ..!!" તરત, શાણા માણસે લંબાવેલો હાથ પકડીને, તે ડૂબતો કંજૂસ માણસ તળાવમાંથી બહાર આવી ગયો. જોકે, આ ઘટના ભલે કેવળ એક રમૂજના સ્વરૂપે પ્રચલિત હોય પરંતુ, આપણા જીવનકાળમાં, "ચમડી તૂટે પણ દમડી ન છૂટે..!!" ન્યાયને આત્મસાત્ કરેલા, અનેક કૃપણ માનવીઓનો અનુભવ એકાદવાર તો, ઘણા પાઠક મિત્રોએ અવશ્ય કર્યો જ હશે..!!

ઘણા કૃપણ લોકો કહે છેકે,"મારી પાસે છેજ શું તે હું કોઈને દાન કરી શકું?" ત્યારે તેઓને સવાલ કરવાનું દિલ થાય છેકે,"દુનિયામાં આવ્યા તે દિવસે તમારી પાસે હતું શું?" જોકે આમતો, કૃષ્ણાર્પણનો સામાન્ય અર્થ `ફલાસક્તિ રહિત કર્મભાવ`,  એમ થાય છે ત્યારે, ફલાસક્તિ કર્મ દ્વારા જ, પોતાની કૃપણતાના ક્રૂર ઉપયોગ દ્વારા એકઠી થયેલ સ્થાવર-જંગમ મિલકતના સદુપયોગ કાજે, `કૃપણતાને જો કૃષ્ણાર્પણ` કરી દેવામાં આવે તો ,સમાજમાં તે માનવી દાનવીર તરીકે પૂજાવા લાગે છે.સાચે, દાનધર્મ કોઈપણ ધર્મ કરતાં મહાન છે તથા દાનપ્રવૃત્તિ, કોઈપણ ધાર્મિક પૂજાપ્રવૃત્તિ કરતાં, સમાજમાં એક વેંત ઊંચું સ્થાન પામે છે.

દેશવિદેશમાં ત્સુનામીનો કોપ હોય કે, ગુજરાતમાં ૧૧ ઑગસ્ટ ૧૯૭૯ના રોજ મોરબીની મચ્છુ નદીની હોનારત હોય કેપછી, રાજ્યમાં ૨૬ જાન્યુઆરી-૨૦૦૧ના રોજ આવેલો કારમો ભૂકંપ હોય, વિશ્વભરના અનેક નામી-અનામી દાનવીર દ્વારા, જેતે સમયે, અવિરત વહેતી દાનસરવાણીને, જો આજે આપણે યાદ કરીએતો, તે સત્કર્મમાં, `હું દાન કરું છું પણ, આ આપું છું તે મારું નથી.` સમાન `કૃષ્ણાર્પણ`નો નિ:સ્વાર્થ કર્મભાવ સાર્થક થતો અનુભવાશે. અનેક વૈજ્ઞાનિક કસોટીઓના ચાકડે ચઢીને, નિતાંત સત્ય સાબિત થયેલો, આપણા મહાન પવિત્ર ધર્મગ્રંથ `ગીતા`માં જીવનદર્શનના ભેદને ઉજાગર કરતાં, ભગવાન શ્રીકૃષ્ણ વર્ણવે છેકે,`મારું શરણ લઈ મોહત્યાગ કરી, દીન અને નિસ્વાર્થભાવે, સત્પાત્રને કરવામાં આવેલું દાન એ, મુમુક્ષુની મુક્તિનો સરળત્તમ માર્ગ છે. તેથીજ, `अहंत्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥ હું તને બધાં પાપકર્મમાંથી ઉગારી લઈશ ચિંતા કર નહીં.` પરંતુ તે માટે જીવમાત્રએ `सर्वधर्मान परित्यज्य मामेकं शरणं व्रज ॥(१८-६६)સૂત્રને આત્મસાત્‍ કરવું અનિવાર્ય છે.આપણે મહાકાવ્ય મહાભારતની કથા અનુસાર જાણીએ છીએકે, એક સોયની અણી જેટલી જમીનનો મોહત્યાગ ન કરવાને કારણે જ કૌરવ-પાંડવ વચ્ચે મહાભયંકર ધર્મયુદ્ધ ખેલાઈ ગયું..!! 

આજ પ્રકારે, સન-૧૮૮૯; સ્થળ-ફ્રાંસ,  ભૂખથી ટળવળતી પ્રજાએ, ફ્રાંસના રાજા તથા રાણી પાસે, બ્રેડ માંગી તો, રાજાએ પ્રજાને ઘાસ ખાવાની સલાહ આપી તેથી તથા સન-૧૯૧૭-સ્થળ રશિયા, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ રશિયામાં ફેલાયેલી ગરીબાઈ અને ભૂખમરાથી પીડિત પ્રજાએ, રશિયાના ક્રૂર ઝારશાસનનો બેરહેમ હિંસક ક્રાંતિ દ્વારા અંત આણ્યો. 

દાન, દાનના પ્રકાર અને મહાદાનેશ્વરી.

ખરેખરતો આજની તાતી જરૂરિયાત, દરેક નાગરિકે દાનના મહાન ગુણોને ઓળખવાની જરૂર છે.યાદ રહે, આપ જ્યારે કોઈને મદદ કાજે હાથ લંબાવો છો ત્યારે સામે ખરી જરૂરિયાતના સમયે, કોઈની મદદ મેળવવા માટે આપ પોતે પણ લાયક બનો છો.

"It is better to give than receive."Mark Twain  (American Humorist, Writer and Lecturer. 1835-1910)

દાન એટલે શું? દાન કરવું એટલેકે, ધર્મબુદ્ધિથી પુણ્યાર્થે કોઈ વસ્તુ જરૂરિયાતમંદને વિનામૂલ્ય આપવું તેવું સત્કર્મ, કોઈપણ જરૂરિયાતમંદ પ્રાણીમાત્રને, પુણ્યાર્થે કે દયાભાવથી જરૂરી કાંઈપણ આપવું  તે દાન છે. સંસ્કૃતના પ્રસિદ્ધ ગ્રંથ, નિઘંટુ, નિરુક્ત કોશના રચયિતા, મહર્ષિ યાસ્કાચાર્યના મંતવ્ય અનુસાર, `કોઈ પણ વસ્તુ ઉપરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવી તેને દાન કહે છે.` દાન કરવું તે દેવતાઈ પ્રવૃત્તિ છે જ્યારે કૃપણતા તે રાક્ષસી પ્રવૃત્તિ છે. ખરેખર,પોતાનું કર્તવ્ય સમજીને દેશ, કાળ અને પાત્રનો વિચાર કરી, નિષ્કામભાવે આપવામાં આવેલું દાન, તે જ ખરું દાન છે.  

યોગકૌસ્તુભમાં પણ ઉલ્લેખ છે કે, `ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી, પોતાની શક્તિ પ્રમાણે, યોગ્ય ધનને વિધિપૂર્વક શ્રદ્ધા વડે, સત્પાત્રને આપવું તે દાન કહેવાય છે.` કઠોપનિષદમાં દાનનો મહિમા વર્ણવ્યા પ્રમાણે, `દાનમાં આપવાની વસ્તુ સર્વોત્તમ હોવી જોઈએ.`  

દાનના પ્રકાર

કેટલાક વિદ્વાનના મતાનુસાર,દાનના કુલ સોળ પ્રકાર છે, બ્રહ્માંડ, વિશ્વચક્ર, ઘાટ, મહાભૂતક, રત્નેદેણુ, સાતબોધિ, કલ્પવૃક્ષ, કાંચનકામધેનુ, સ્વર્ણાક્ષ્મા, હિરણ્યસ્વરત્ન, તુલાપુરુષ, ગોસહસ્ત્ર, હેમાસન, હેમગર્ભ, કંકરત્ન અને પંચથંગલી. 

જોકે, ગીતામાં દાનના ત્રણ પ્રકાર ગણાવ્યા છે જે અનુસાર, પ્રથમ પ્રકાર તે, સ્થળ-સત્પાત્ર-યોગ્ય સમય જોઈને પોતાના માથે જગતનું ઋણ છે તેમ સમજી, કોઈપણ અપેક્ષા વગર કરવામાં આવેલું દાન `સાત્વિક દાન` છે. બીજા પ્રકારમાં, કોઈના ઉપકારનો બદલો વાળવા અથવા કોઈ ફલપ્રાપ્તિની અપેક્ષાએ કે પછી, મનમાં ક્લેશ ધરીને કરવામાં આવેલું દાન તે, `રાજસી દાન` છે અને ત્રીજો પ્રકાર તે, અયોગ્ય કાલ, સ્થળ, કુપાત્રને, તિરસ્કાર કે અનાદર સાથે કરવામાં આવેલું દાન, `તામસી દાન` છે. 

ઉપરાંત,આજના આધુનિક યુગમાં, વિદ્વાનો થોડી ઉદારતા સાથે, દાનના સામાન્ય પ્રકાર નીચે મુજબ દર્શાવે છે, `જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચારદાન, કીર્તિદાન, ધર્મદાન, અહિંસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, રક્તદાન, ચક્ષુદાન,અંગદાન, પ્રાણદાન, વિવાહદાન તથા અભયદાન.` જોકે, દાનનું વિશેષ મહત્વ, યજ્ઞ, શ્રાદ્ધ વગેરે કર્મો પછી છે. દાન માટે દાતાને શ્રદ્ધા હોવી જોઈએ અને તેણે દાન લેનાર પાસેથી કોઈ પ્રયોજનની, સિદ્ધિની અપેક્ષા ન રાખવી જોઈએ. દાનનાં મુખ્ય છ અંગ, જેવાંકે, દાતા, પરિગ્રહીતા, શ્રદ્ધા, ધર્મ, દેશ અને કાળ અનુસાર, દાનની ઉત્તમતા કે અધમતા નક્કી થાય છે. ખરેખરતો, જે ધન પોતાના પરિશ્રમથી,અન્યને પીડા પહોંચાડ્યા વગર મેળવેલું હોય તેવું ધન, દાન દેવાને યોગ્ય મનાય છે. સાત્વિક દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તેજ પ્રકારે, દાનનો ત્યાગ કર્યાનું પણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્ક્યસ્મૃતિમાં વર્ણવ્યા પ્રમાણે, `જે માનવી, દાન લેવાને યોગ્ય હોય છતાં વિનમ્રતાપૂર્વક દાન ન લે, તેને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે.` વેદો અને સ્મૃતિઓમાં વર્ણવાયેલા દાનના અનેક પ્રકાર ઉપરાંત, ગ્રહોની શાંતિ વગેરે માટે પણ જે કાંઈ દાન કરવામાં આવે છે,તે શાસ્ત્રોક્ત ત્યાજ્ય મનાય છે. શનૈશ્વરનું દાન સૌથી વધારે ખરાબ મનાય છે, જેમાં તેલ, લોઢું, કાળા તલ અને કાળું કપડું દાન કરવામાં આવે છે.

મિત્રો, એ બાબત જાણવી પણ રસપ્રદ રહેશેકે, સમાજ પાસેથી અર્થોપાર્જનની પ્રવૃત્તિ દ્વારા મેળવેલું ધન, પોતાની ફરજના ભાગ રૂપે જ્યારે દાન પેટે સમાજને પરત કરવામાં ન આવે ત્યારે તેવા કુકર્મને `દાનચોરી અથવા દાણચોરી` કહે છે..!! કદાચ, આથીજ આવી અધમ સ્વાર્થવૃત્તિ ધરાવનાર માટે `ખોરી દાન-ત` શબ્દ પ્રચલિત થયો હશે..!! જોકે, આ સ્થિતિથી સાવ વિપરીત,દાનશિરોમણિ કે દાનિશમંદ માનવીઓ દ્વારા કરાયેલા દાનની ઉત્કૃષ્ટ સ્થિતિ તે, `દાનપારમિતા` એટલેકે દાનની સિદ્ધિ. 

"If you can't feed a hundred people, then just feed one."
 Mother Teresa

એક પૌરાણિક કથા પ્રમાણે, ભક્તપ્રહ્લાદના પુત્ર વિરોચનનો બલિરાજા નામનો એક પુત્ર, જે ઘણો બલાઢ્ય હતો. ઇંદ્રાસન પ્રાપ્ત કરી  ઇંદ્રપદ પામવા કાજે, બલિરાજાએ નર્મદાતીરે નવાણું યજ્ઞ કર્યા અને સોમા યજ્ઞનો પ્રારંભ કર્યો, ત્યારે શ્રીવિષ્ણુજીએ વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજા પાસે, દાન પેટે ત્રણ પગલાં ભૂમિની યાચના કરી. બલિએ દાન આપવાનું  કબૂલ રાખતાં જ, ભગવાન શ્રીવિષ્ણુજીએ બટુક રૂપ ત્યજીને,વિશાળ મહાકાય સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને, એક પગલે પૃથ્વી અને બીજા પગલે આકાશ એમ માપીને, `હવે ત્રીજું પગલું આપ` એમ કહેતાં, દાનવીર બલિરાજે દિલગીર થઈને કહ્યું, `ત્રીજું પગલું મારા પોતાના શરીર ઉપર મૂકો.` શ્રીવિષ્ણુજીએ તેમ કરી ત્રીજા પગલે બલિરાજાને  દબાવીને પાતાળમાં ચાંપી દીધો. જોકે, ત્યારબાદ તેની દાનવીરતાથી પ્રસન્ન થઈને શ્રીવિષ્ણુજીએ, રાજાને વરદાન આપ્યુંકે, `હું તને હાલ ઉપેંદ્ર બનાવું છું. વૈવસ્વત મન્વંતર (ચૌદ મનુઓમાંના બે મનુઓ વચ્ચેનો સમય) પૂરો થાય ત્યાંસુધી તું અહીં રહે  અને આઠમા સાવર્ણિ મન્વંતરમાં તું સ્વર્ગમાં ઇંદ્ર તરીકે સ્થાપિત થઈશ.` આમ વામનરૂપમાંથી વિરાટ રૂપધારી બનેલા ભગવાન શ્રીવિષ્ણુજીએ, બલિરાજાને વર આપી તે અંતરધ્યાન થઈ ગયા.

આજ પ્રમાણે, મહાભારતમાં વર્ણવાયેલા એક દ્ગષ્ટાંત અનુસાર, કુંતીને સૂર્યથી કુમારાવસ્થામાં મંત્ર પ્રભાવથી થયેલ દીકરા દાનવીર કર્ણની દાનવીરતાનું વર્ણન કરવામાં આવેલ છે. દાનવીર કર્ણ જ્યારે જન્મ્યો ત્યારે તે એના શરીર ઉપર કવચ અને બંને કાનમાં દેદીપ્યમાન કુંડલ સહિત જન્મ્યો હતો. પિતા સૂર્યએ એક દિવસ બ્રાહ્મણના રૂપમાં આવીને કર્ણને ચેતવતાં જણાવ્યુંકે, `ઇંદ્ર બ્રાહ્મણના રૂપમાં આવીને તારી પાસેથી કુંડળ અને કવચ માગશે ત્યારે તું આપીશ નહિ.` પરંતુ, ઇંદ્રના છદ્મરૂપને જાણતો હોવા છતાં, દાનેશ્વરી કર્ણએ, પોતાના શરીર ઉપરથી કવચ, કુંડળો ઊતરડીને ઇંદ્રને દાનમાં આપ્યાં.`ભીષ્મ હશે ત્યાંસુધી હું યુદ્ધ નહિ કરૂં.` જેવી પોતાની પ્રતિજ્ઞા મુજબ, પાંડવ-કૌરવના યુદ્ધ સમયે દશ દિવસ  ભીષ્મ સેનાધિપતિ રહ્યા તેટલા દિવસ, કર્ણે શસ્ત્ર ધારણ ન કર્યાં. દાનવીર કર્ણના અંતિમ સમયે પણ, બાણશય્યાએ પોઢેલા સૂર્યપુત્ર કર્ણને બ્રાહ્મણ રૂપે શ્રીકૃષ્ણ છળવા આવી,પોતાના વિવાહ માટે દાન યાચના કરી. દાનનો મહિમા વધારતાં, કર્ણએ મૃત્યુશય્યા પર સૂતાં-સૂતાં, પણછ વતી પથ્થર ખેંચીને તેના થકી, પોતાના દાંતમાંથી સુવર્ણરેખા કાઢી,વળી તેને શુદ્ધ કરવા બાણ સાંધી યુદ્ધભૂમિમાં ગંગાજલ પણ પ્રગટ કર્યું. મહાવીર, દાનેશ્વરી કર્ણની દાનવીરતાથી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રીકૃષ્ણએ, કર્ણની અંતિમ ઇચ્છા મુજબ,  કર્ણના શબને સ્કંધે ચડાવી, રેવા તટે કરનાળી ગામે એને કુંવારી ધરતી પર તેને દાહ દીધો.

સૂર્યવંશીય નિબંધન રાજાના પૌત્ર અને સત્યવ્રત-ત્રિશંકુ રાજાના મોટાપુત્ર દાનવીર, સત્યવાદી રાજા હરિશ્ચંદ્રરાજાની કથા આધારિત નાટકે, પૂજ્ય મહાત્માગાંધીના મન પર અત્યંત ઘેરી અસર નિપજાવી હતી. પૂજ્યબાપુ પોતાની આત્મકથામાં લખે છેકે, " બાળપણમાં માણેલું હરિશ્ચંદ્રનું આખ્યાન નાટક મનમાં મેં  સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચંદ્રના સ્વપ્નાં આવે. હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બધા કાં ન થાય, એ ધૂન ચાલી. હરિશ્ચંદ્ર ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી અને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. નાટકમાં લખેલી તેવી જ વિપદા હરિશ્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ચંદ્રનાં દુ:ખ જોઇ તેનું સ્મરણ કરી, બાળપણમાં  હું ખૂબ રોયો છું, આજે મારી બુદ્ધિ સમજે છે કે, હરિશ્ચંદ્ર કોઈ ઐતિહાસિક વ્યક્તિ નહિ હોય છતાં મારે મન હરિશ્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચું તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું."

આપણા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખાયેલા આવા તમામ મહા દાનવીરોએ પોતાની શક્તિની ઉપરવટ જઈને, સર્વસ્વ ત્યાગ કરીને, પરમાર્થના માર્ગે અડગ પગલાં ભર્યાં. આ દાનવીરોએ પોતાના દિલમાં, સ્વાર્થવૃત્તિને કદાપિ ઘર ન બાંધવા દીધું. સાથેજ, `આપનાર તો ઉપરવાળો છે અને પોતે નિમિત્તમાત્ર.` એવા ભાવને દિલમાં ધરીને ક્યારેય મન-અભિમાન ન કર્યું. 

આજના યુગમાં પણ, દીન-દુઃખીના હૈયાને ગદગદ કરી દેનારી દાનસરવાણી વહાવનારા, દાનવીર માનવીઓની આ જગતમાં સહેજપણ ખોટ નથી, તે બાબત એકજ ઉદાહરણથી પ્રતિપાદિત કરી શકાય તેમ છે. બાળકોની તંદુરસ્તી કાજે વિશ્વવ્યાપી રસીકરણ કાર્યક્રમ માટે, અ..ધ..ધ..ધ, ૬.૨ બિલિયન પાઉન્ડનું દાન આપનારા, માઈક્રોસોફ્ટ કંપનીના સર્વેસર્વા તથા વર્તમાન ચેરમેન, શ્રીવિલિયમ હેનરી બિલ ગેટ્સને પણ દાનવીર કર્ણાવતાર કહીએ તો અતિશયોક્તિ ન કહી શકાય..!! આ દાનની રકમ દ્વારા જગતભરનાં, પાંચ વર્ષની નીચેની આયુનાં, આશરે ૭.૬ મિલિયન બાળકોના જીવ બચાવી શકાશે. શ્રીબિલ ગેટ્સ કહે છે,'We must make this the decade of vaccines,Vaccines already save and improve millions of lives.`

તો શું કોઈ વ્યક્તિ અઢળક રકમ દાન કરે તેને જ દાન કહી શકાય? જી ના, દાનમાં સર્વશ્રેષ્ઠ દાન વસ્ત્ર,ત્યારબાદ જળદાન, ત્રીજું અન્નદાન અને છેલ્લા ધનદાન ગણાય છે. દાન અર્પણ વેળા કે સ્વીકારતી વેળા, તેનો ઉમદા હેતુ તથા સાચા હ્રદયનો મનોભાવ ખૂબ જ અગત્યતા ધરાવે છે.  ભગવાનની સ્વર્ણપ્રતિમા માટે અનેક શ્રેષ્ઠીઓ દ્વારા અર્પણ કરાયેલા સુવર્ણ કરતાં, કોઈ ગરીબ વૃદ્ધાએ દાનમાં આપેલ તાંબાના સિક્કાને ભગવાન હંમેશા હ્રદયના ભાગે સ્થાન આપીને તે દાન-ભાવનું અધિક સન્માન કરે છે. લાખો-કરોડોનું દાન કરનારા દાનેશ્વરી માનવીઓના મુકાબલે,`ટીપે-ટીપે સરોવર ભરાય.`ન્યાય અનુસાર, સાવ નાના પાયા પર દાન એકત્ર કરનારી સેવાભાવી વ્યક્તિઓ કે સંસ્થાઓનું મૂલ્ય જરાપણ ઓછું ન આંકી શકાય.કદાચ આથીજ, હાલના યુગમાં `માઈક્રો ડોનેશન્સ`નો ખ્યાલ દુનિયાભરમાં પ્રચલિત થયો છે, જેમાં કોઈપણ વ્યક્તિ. નાનામાં નાની રકમનું દાન આપીને, સમાજ પરત્વે પોતાનું ઋણ ચૂકવ્યાનો સંતોષ પ્રાપ્ત કરી શકે છે. આજના આધુનિક સંદેશવ્યવહારની મહા ક્રાંતિના યુગમાં, આ માટે મોબાઈલના `SMS-MMS- E Mails` જેવા આધુનિક સંદેશ વ્યવહાર દ્વારા પણ વિશ્વભરમાંથી, કોઈપણ ઉમદા સત્કાર્ય માટે, ચપટી વગાડતાં જ અઢળક દાન એકઠું કરી શકાય છે.

દયા-ધર્મ દિલડે વસે, બોલે અમૃત-વેણ,
તેને ઊંચો જાણીએ, જેનાં નીચાં નેણ - સંત શ્રીમલૂકદાસ.

સાચે, કોઈપણ સભ્ય સમાજ પરસ્પરની સખાવતી મદદ દ્વારા ચમત્કાર કરી શકે છે. બસ, ફક્ત આપણા મનને રંજાડતી કૃપણતાને, કૃષ્ણાર્પણ કરવા માટે, જરા સજ્જ થવાની જરૂર છે અને આ માટે જરૂર પડશે, આપણી વિચારપ્રક્રિયામાં સકારાત્મક ફેરફાર કરવાની. ઍડિસને અશક્ય શોધ સમાન લાગતો ઈલે.બલ્બ બનાવી, જગતમાં અજવાળું રેલાવ્યું.આપણે પણ, આપણી કૃપણ દૃષ્ટિમાં સહેજ ફેરફાર કરીને, સમગ્ર સૃષ્ટિમાં સુખશાંતિનું અજવાળું રેલાવી શકીએ છે. 


દાન અંગે ભારતીય કાયદા.

આપણા દેશમાં દરેક પ્રકારના દાનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા કેટલાક અસરકારક કાયદા ઘડવામાં આવ્યા છે. જેમાં 80G સેક્સન હેઠળ, ચેરિટેબલ ટ્રસ્ટધારા, કંપનીધારા તથા વિદેશી દાન પ્રવાહ જેવા મહત્વના કાયદાઓનો સમાવેશ થાય છે.

ઈન્કમટેક્સના `એસેસમેન્ટ ઑફ ચેરિટેબલ ટ્રસ્ટ્સ એન્ડ ઈન્સ્ટિટ્યુશન્સ`ની સેક્સન ૨(૧૫) મુજબ "charitable purpose-સખાવતી હેતુ."ની વ્યાખ્યા કરવામાં આવી છે,જે મુજબ,૧.ગરીબોને મદદ ૨.શિક્ષણ સહાય ૩.તબીબી રાહત તથા ૪. જાહેર જનતા માટે અન્ય કોઈપણ પ્રકારે જાહેર ઉપયોગિતા કાજે અપાતા દાનને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. કેન્સર,એઇડ્સ જેવા કેટલાક અસાધ્ય મનાતા રોગના સંશોધન તથા અસહાય સિનિયર સિટિઝન્સ માટેની  `HelpAge India` જેવી સખાવતી સંસ્થાઓને, `section 35AC and 80GGA of Income Tax Act 1961. (Applicable in India only) અનુસાર ૧૦૦% કરમુક્તિ મળે છે.

આપણા દેશમાં સન-૨૦૦૨માં નેશનલ બ્લડ પૉલિસી દ્વારા `રક્તદાન` બાબતે પ્રવર્તમાન અનૈતિક વ્યાવસાયિક અધાધુંધીનો અંત લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કાયદાનો ઉદ્દેશ, દર્દીઓને અવિરત, સરળતાપૂર્વક, ગુણવત્તાયુક્ત, સલામત રક્તની ઉપલબ્ધિ કરાવવાનો છે. આ નીતિ પ્રશિક્ષિત માનવ સંસાધનોની દેખરેખ હેઠળ, રક્તના વહન માટે વ્યાપક, કાર્યક્ષમ અને કુલ ગુણવત્તા વ્યવસ્થાપન અભિગમ અપનાવે છે.

આજ પ્રકારે, માનવ અંગોની ચોરી અટકાવીને, કાયદાની યોગ્ય પરવાનગી મેળવીને,  તેના દાન પ્રવાહને પ્રોત્સાહિત કરી, અમૂલ્ય માનવ જીવન બચાવવા કાજે," The Transplantation of Human Organs Act, 1994."અમલમાં લાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ સર્વેક્ષણોમાં નોંધાયું છેકે, દેશની ૭૨% પ્રજા નેત્રદાન કરવા ચાહે છે.

આપણા દેશમાં, વિદેશથી વહેતી દાનસરવાણીને પ્રોત્સાહન આપવા માટે,` The Foreign Contributions Regulation Act, 1976 (FCRA).`અમલમાં છે. જેના નિયમો અનુસાર, કેટલીક નિશ્ચિત કરેલી સાંસ્કૃતિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અથવા સામાજિક ગતિવિધિઓ માટે, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી મેળવી, વિદેશમાંથી ફાળો કે દાન મેળવી શકાય છે. અત્રે એ નોંધવા જેવું છેકે,ભારતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક જૂથો અને સખાવતી સંસ્થાઓ દર વર્ષે લગભગ રૂ 5,000 કરોડ(પચાસ અબજ રૂપિયા) વિદેશી ફાળો-દાન પ્રાપ્ત કરે છે. 

મિત્રો, અંતે ચાલો, એક સુંદર ઘટનાને મમળાવીને આ લેખનું સમાપન કરીએ. મોગલ શહેનશાહના દરબારમાં અનેક અણમોલ માનવ રત્નમાં એક અનોખું રત્ન એટલે,ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાના એકનાર ગામના મૂળ વતની,  દરબારી કવિ શ્રીગંગાધરજી જેઓનું હુલામણું નામ-કવિ ગંગ. કવિરાજ શ્રીગંગાધરજી સાથે મોગલ દરબારમાં અન્ય કિંમતી રત્ન સમાન મહાકવિ શ્રીરહીમજી, હાજરજવાબી શ્રીબીરબલ, શ્રીટોડરમલ, જેવા અનેક જ્ઞાની મહાપુરુષો, અકબરના દરબારની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. મહાકવિ શ્રીગંગની ઉત્તમ રચનાઓથી અભિભૂત થઈને શ્રીરહીમજીએ, તે જમાનામાં, કવિ શ્રીગંગને ૩૬ લાખ (છત્રીસ લાખ) રૂપિયા ભેટ ધર્યા હતા. મહાકવિ શ્રીરહીમની આવી દાનશીલતા તથા વિનમ્ર સ્વભાવથી ખુશ થઈને કવિ શ્રીગંગે, શ્રીરહીમજીને ઉદ્દેશીને એક દોહો રચ્યો.

'सीखे कहाँ नवाब जू, ऐसी दैनी दैन ।
ज्यों-ज्यों कर ऊँचौं कियौं, त्यों-त्यों नीचे नैन ।।'

જવાબમાં હિંદી કાવ્યજગતના ઝળહળતા સિતારા એવા, શ્રીરહીમ ખાનખાનાજીએ પણ અત્યંત વિનમ્રતાપૂર્વક દોહામાં જ ઉત્તર વાળ્યોકે, 

'देनहार कोउ और है, देत रहत दिन-रैन।
लोग भरम हम पै करें, तासों नीचे नैन।।'

કવિરાજ શ્રીગંગ ખૂબ સ્વાભિમાની તથા સ્પષ્ટવક્તા હતા.તેથીજ, આજકાલ સાધુ-સંત-ફકીર-ઑલિયા કે પાદરી જેવા બનાવટી ધર્મગુરુના વેશમાં,`માતબર અને માઈક્રો ડોનેશન` એકત્ર કરીને, એશોઆરામથી ભરપૂર સુખસુવિધાપૂર્ણ, ભવ્ય મઠ-આશ્રમ-ચર્ચ કે અન્ય ધર્મસ્થાન ઊભા કરી, ભલાભોળા આસ્તિક લોકોની શ્રદ્ધા-આસ્થાની હાંસી ઉડાવી, તેમનું માનસિક, આર્થિક, શારીરિક  શોષણ કરતા તથા તેઓને અનેક પ્રકારે ઠગતા, બગલા ભગત માટે તેઓએ તે સમયે વ્યંગ કરતાં કહ્યું હતુંકે,

रण पड़े राजपूत छिपे नहीं, दाता छिपे नहीं घर मंगन आयो
कवि गंग कहे सुनो शाह अकबर, कर्म छिपे नहीं भभूत लगायो।

આપણા દેશે તેના પૂર્વ ઇતિહાસમાં અનેક ચઢતી-પડતી નિહાળી છે. આપણા દેશની સ્વતંત્રતાનું ગૌરવ, `ભામાશા` જેવા દાનવીર, નમ્ર, નિરાભિમાની, રોમરોમ દેશહિત ધરાવનારા, માતૃભૂમિ સમર્પિત  સેવકોની અનેરી દાનવૃત્તિને કારણે આજદિન સુધી અકબંધ રહ્યું છે. એ બાબત પણ આશ્વાસન લેવા સમાન છેકે, આજે હળાહળ કલિયુગનો પ્રભાવ હોવા છતાં, આપણા સઘળાં ધર્મસ્થાન ભ્રષ્ટ કે મલિન નથી થયાં. તેનાં ઉત્તમ ઉદાહરણરૂપે, આપણે ગુજરાતમાં, શ્રીસ્વામિનારાયણ સંસ્થાઓની સમાજ ઉપયોગી સખાવતી પ્રવૃત્તિઓ, વીરપુર જલારામ ટ્રસ્ટ સખાવત, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક મંદિરોમાં અન્નક્ષેત્રોની અવિરત વહેતી સેવાસરવાણીનો દાખલો આપીએ, તે પર્યાપ્ત છે. 

જોકે, આજની ડામાડોળ રાજકિય પરિસ્થિતિમાં, નેતાઓ તથા ભ્રષ્ટ સરકારોનો ઉલ્લેખ કરવાની નોબત આવે ત્યારે અથવા આપણા દેશની ગરીબ જનતાને એક રોટલી પણ ખાવા માટે ફાંફાં મારવા પડતાં હોય અને આપણા સંસદસભ્યોને માત્ર રૂ.૧૨-૧૫માં ભરપેટ ભોજન ઉપલબ્ધ કરાવાતું હોય ત્યારે, સન-૧૮૮૯ની ફ્રાન્સની જનક્રાંતિ, સન-૧૯૧૭ની રશિયન જનક્રાંતિ અને ચીનમાં જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, તે પ્રકારે, આપણા આ વર્તમાન સ્વાર્થી, ભ્રષ્ટ, ક્રૂર, જાલિમ શાસકોનું સાનભાન ઠેકાણે લાવવાનો સમય પાકી ગયો છે તેમ, આપને નથી લાગતું?

માર્કંડ દવે.તા.૧૫-૦૩-૨૦૧૨. 



__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...