[F4AG] શસ્ત્રોના વેપાર પાછળનું રાજકારણ અને અર્થકારણ

 

શસ્ત્રોના વેપાર પાછળનું રાજકારણ અને અર્થકારણ

દેશ અને દુનિયાના બજારમાં હજી મંદીની બુમરાણ ચાલુ છે. લાખો કર્મચારીઓને અત્યાર સુધીમાં છૂટા કરવામાં આવ્યા છે. વિશ્વવ્યાપાર ગયા વર્ષે (૨૦૦૮) છેલ્લાં ત્રણ વર્ષની નીચી સપાટીએ, તળિયે પહોંચી ગયો છે. આવા વાતાવરણમાં શસ્ત્રોના સોદાઓમાં વધારો થયો છે કારણ કે શસ્ત્રો વેચ્યા વિના વિકસિત દેશો મંદી સામે ટકી શકે તેમ નથી. આ ઘટના સૌનું ધ્યાન ખેંચે એવી છે. ગત વર્ષે અમેરિકાએ અગાઉના વર્ષ કરતાં લગભગ દોઢગણા શસ્ત્રસોદાઓ કર્યા છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' ના અહેવાલ મુજબ માત્ર અમેરિકાનો વેપાર  આશરે અઢારસો અબજ રૃપિયા જેટલો થવા જાય છે, એ સાથે વિશ્વવ્યાપારમાં એનો હિસ્સો લગભગ બે તૃતીયાંશ જેટલો થયો છે. બીજા નંબરે ઈટલી અને ત્રીજા નંબરે રશિયા રહ્યું છે.


આમ તો, શસ્ત્રોનાં કારખાનાં અને વ્યાપાર અમેરિકા અને પશ્ચિમના દેશોમાં સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રમાં છે છતાં, સરકાર એનાં ઉત્પાદનો અને વેચાણમાં ખૂબ જ સક્રિય રસ લે છે. શસ્ત્રોના વેપારને ખૂબ જ પ્રોત્સાહન મળી રહે એ માટે દરેક દેશની સરકાર ખ્યાલ રાખે છે. એ માટે પોતાની બધી જ કુશળતા, વગ અને સાધનો કામે લગાડી દે છે. આમ કરવા પાછળ માત્ર મબલખ કમાણીનું જ, એક માત્ર કારણ નથી પરંતુ એ લોકો જાણે છે કે એમનાં કારખાનાંઓમાં અમુક જથ્થામાં ઉત્પાદન ન થાય તો એમનાં કારખાનાંઓ બંધ કરવાનો વખત આવે. કામદારોને છૂટા કરવાનો પ્રશ્ન આવે એ તો એક સામાન્ય બાબત છે, પરંતુ જતે દહાડે એમના પોતાના સંરક્ષણનો પ્રશ્ન પણ વિકટ બની જાય. એમ કહેવાય છે કે, એક સમય એવો આવ્યો હતો કે અમેરિકાની ગ્રુમાન ફેક્ટરી પાસેથી ઈરાને જો એફ-૧૪ વિમાનોની મોટી ખરીદી ન કરી હોત તો કંપનીને ફડચામાં જવું પડયું હોત. પણ શસ્ત્રોની કંપનીને ડૂબવા દેવામાં આવતી નથી. રાજકીય શક્તિથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી કંપનીને અઢળક કમાણી કરવા દેવામાં આવે છે અને એ અઢળક નફામાંથી સંશોધનો અને આધુનિકીકરણ કરીને આવી કંપનીઓ પોતાના દેશ માટે અદ્યતન શસ્ત્રો બનાવે છે અને એ અદ્યતન શસ્ત્રોના જોરે આંતરરાષ્ટ્રીય બજારમાં એમનાં જૂના, નકામા થઈ ગયેલાં શસ્ત્રોનું વેચાણ થતું જ રહે છે. સમૃદ્ધ અને વિકસિત દેશો આ રીતે પોતાનાં ભંગાર શસ્ત્રો ગરીબ કે વિકાસલક્ષી દેશોને પધરાવીને એમાંથી અઢળક હૂંડિયામણ પણ કમાય છે અને એમના માટે એક લાભદાયક ચક્ર શરૃ થઈ જાય છે. આવકને કારણે આધુનિકીકરણ - સંશોધનો, અદ્યતન શસ્ત્રો અને એને કારણે આવક અને સત્તા.


શાહૂકાર દેખાતા દેશો ગરીબ અને વિકાસલક્ષી દેશોને લૂંટવા માટે તમામ કૂટનીતિ અપનાવે છે. શોષણને કાયદેસરનું રૃપ આપવા માટે તેઓ આંતરરાષ્ટ્રીય સંગઠનોનો ભરપૂર ઉપયોગ કરે છે. આવાં સંગઠનોનો દેખાવ આદર્શવાદીનો હોય છે, પણ એમની કામગીરીમાં ક્યાંય આદર્શવાદ, તટસ્થતા કે ન્યાય જોવા મળતાં નથી. શક્તિશાળી દેશોના દબાણ અને પ્રભાવમાં જ બધી કામગીરી થતી જોવા મળે છે.


આવા એક આદર્શ સંગઠનની આપણે વાત કરીએ. યુ.એન.ઓ.  એટલે કે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનિઝેશન અને એની સ્થાપના ઈ. સ. ૧૯૪૫માં થયેલી છે. વિશ્વના ૧૯૧ દેશ એના સભ્યો છે અને એની જનરલ એસેમ્બલીએ વિશ્વમાં શાંતિ જળવાઈ રહે અને માનવ અધિકારોનો ભંગ ન થાય એનો ખ્યાલ જવાબદારીપૂર્વક રાખવાનો છે.


પરંતુ યુનો આવી જવાબદારી શક્તિશાળી દેશો સામે ક્યારેય નિભાવી શક્યું છે ખરું ?


ઈ. સ. ૨૦૦૩માં ઈરાક ઉપર એ મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો કે ઈરાક કેમિકલ બાયોલોજિક્લ અને ન્યુક્લિયર શસ્ત્રોનો મોટો જથ્થો ધરાવે છે. હકીકતમાં અમેરિકા અને એના સહયોગી દેશોનું મિલિટરી લશ્કર આજ સુધી એ શોધી શક્યું નથી. લાખો સ્ત્રી-બાળકોના મૃત્યુ થયાં છે છતાં યુનો આ બાબતમાં નિર્દોષ પ્રજાના માણસોને કાંઈ ઉપયોગી થઈ શક્યું નથી કારણ કે, આવાં સંગઠનો ઉપર પણ શક્તિશાળી દેશોનો જ કબજો હોય છે અને આવાં સંગોઠનોનો પરોક્ષ રીતે ઉપયોગ કરીને પોતાનું ધાર્યું પરિણામ મેળવવામાં તેઓ સફળ થાય છે.


હમણાં જ ઉત્તર અફઘાનિસ્તાનમાં સૈનિક હુમલામાં લગભગ ૯૦ નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. આવાં મૃત્યુ બદલ હુમલાખોર અધિકારીઓને દુઃખ થવાથી તપાસના આદેશો પણ આપી દેવાયા છે. પહેલા હુમલો કરવો. કેટલાક મૃત્યુ પામે, કેટલાક ઘાયલ થાય પછી દવાઓ લઈને પાટા-પિંડી કરવા પહોંચી જવું આ પણ એક ખુલ્લી પડી ગયેલી એમની કૂટનીતિ જ છે.


આવું જ એક બીજું આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે વિશ્વવ્યાપી પ્રશ્નોને હાથ ઉપર લે છે. આ સંગઠનના સભ્યો : કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા અને રશિયન ફેડરેશન છે. આ સમૃદ્ધ દેશના લોકો જી-૮ નામના સંગઠનના નેજા નીચે મળે છે અને વિશ્વભરની ગરીબાઈ અને સલામતીની ચર્ચા કરે છે.


બીજું એક સંગઠન ડબલ્યુ.ટી. ઓ. તરીકે આપણા માટે ઘણું જાણીતું થયેલું છે કારણ કે આપણે ગયા વર્ષે અમેરિકા સાથે અણુકરાર કરેલા ત્યારે આ સંગઠને આપણા ઉપર ઠીક ઠીક દબાવ ઊભો કરેલો. આ સંગઠનનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને આંતરરાષ્ટ્રીય વેપારના વિકાસ માટે થતાં કરારોમાં મદદરૃપ થવાનો એનો શુભ ઉદેશ છે.


આવાં બીજાં પણ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે જેમાંના કેટલાંકનાં ટૂંકા નામ આ પ્રમાણે છે : આઈ.એમ.એફ., એ.આઈ., ઓ.ઈ.સી.ડી., વર્લ્ડ બેન્ક વગેરે, પરંતુ આ બધાં સંગઠનો સમૃદ્ધ અને શક્તિશાળી દેશના કહ્યાગરા જ સાબિત થયા છે. આવાં સંગઠનો ચહેરે-મહોરે રૃપાળાં લાગે છે પણ કર્મે ઘણાં કદરૃપાં હોય છે.

આપણે ત્યાં જાણીતી છે એવી બે પંક્તિઓ અહીં યાદ આવી જાય છે


જે આવાં સંગઠનો અને તેની સાથે સંકળાયેલા- લાગતાવળગતાઓનાં સાચા સ્વરૃપને ખુલ્લું કરે છે.


મન મેલાં, તન ઊજળાં,

બગલા કપટી અંગ,

તેથી તો કાગા ભલા

તન મન એક જ રંગ.


એવું નથી કે, જે વાત આપણે એક સામાન્ય માણસ હોવા છતાં સમજીએ છીએ તે વાત સત્તાસ્થાને બિરાજેલાઓ નથી સમજતાં અથવા તો નબળા દેશના વડા નબળા હોય છે, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે વિકાસશીલ દેશો માટે સમૃદ્ધ અને શક્તિશાળી દેશોને તાબે થયા વિના છૂટકો નથી હોતો.


વિકસિત અને સબળ દેશો વિકાસશીલ દેશોમાં ઈચ્છે ત્યારે દખલ ઊભી કરી શકે છે. એ લોકો પાસે એમ કરવાના અનેક રસ્તાઓ હોય છે. એ લોકો રાજકીય કારણો ઉપરાંત વેપારના નામે, વિકાસના નામે, સલામતી પૂરી પાડવાના નામે, ન્યાય આપવા માટે આસાનીથી દખલ કરી શકે છે.

એ લોકો સરકારો ઊથલાવી શકે છે અને ઈચ્છિત રાજકર્તાઓ લાવી શકે છે. વળી પાછા એમને ઊથલાવી બીજાને ગાદી ઉપર બેસાડી શકે છે.


લોકશાહીનું જતન કરવાનો ઠેકો લઈને બેઠેલા અમેરિકાએ જ પાકિસ્તાનની ચૂંટાયેલી નવાઝ શરીફની સરકારને ઊથલાવી હતી, અને મુશર્રફના શાસનને મંજૂરી આપી હતી. એ વખતે એમને મિલિટરી શાસનનો વાંધો આવતો નથી. રાજાશાહીનો પણ વાંધો આવતો નથી. અરાજકતા દૂર કરવા, કાયદાનું શાસન સ્થાપવા, અનેક નિર્દોષ લોકોની જાનહાનિ થાય છે ત્યારે એમને માનવ અધિકારોનો ભંગ થતો ક્યાંય દેખાતો નથી અને માનવતા ચિંથરેહાલ થઈને ભટકતી હોય છે ત્યારે એમના હૃદયમાં કોઈ અનુકંપા ક્યારેય ઉદ્ભવતી નથી. માત્ર એમનાં હિત જળવાઈ રહેવા જોઈએ એટલું જ એમના માટે પૂરતું હોય છે.


વિકાસને વેગ આપવા માટે જરૃરિયાતવાળા દેશમાં દાખલ થાય છે. રોકાણો કરી એમના ઉપર ઉપકાર કરવામાં આવે છે પરંતુ આવા ઉપકારો અને મદદને અંતે ગરીબ દેશમાં ગરીબી વધે છે અને એમની સમૃદ્ધિ વધે છે એવું જ હંમેશા જોવામાં આવ્યું છે.

ભોપાલમાં અમેરિકન કંપની 'યુનિયન કાર્બાઈડ'ના રોકાણથી આપણને કેટલો ફાયદો થયો ? જે ગેસ લીક થયો એનો ભોગ એક આખી પેઢી બની ગઈ. એના પીડિતો આજ પણ નર્કની જિંદગી જીવી રહ્યા છે. ગરીબ દેશના માણસોના મૃત્યુ પર માત્ર અફસોસ વ્યક્ત કરીને કે દયા ખાઈને જવાબદારી પૂરી કરી નંખાય છે.


વિકાસ માટેની મદદની અસરો પણ યુદ્ધમાં કરવામાં આવેલી કે મેળવવામાં આવેલી મદદ જેવી જ હોય છે. બંનેના છેવટનાં પરિણામો પણ પ્રજા માટે સરખાં જ નીવડતાં હોય છે. વેપાર માટે આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની માત્ર ભારતને જ નહીં એની આજુબાજુના દેશોને પણ ભરખી ગઈ.


વિકસિત દેશો ''ન્યાયપ્રિય'' પણ એટલાં જ હોય છે. એ લોકો એમની મરજી પડે એ દેશમાં ન્યાય કરવા પહોંચી જાય છે અને એમનો ન્યાય કરે જ છૂટકો કરે છે. એમના એ ન્યાયને પરિણામે ઈરાકમાં સાત લાખ માણસો મૃત્યુ પામ્યાં છે !


ખેડૂતે પાક લણવા માટે પહેલાં વાવણી કરવી પડે છે, એની માવજત કરવી પડે છે અને પછી જ પાક લણી શકાય છે. એ જ રીતે શસ્ત્રોના વ્યાપાર માટે મજબૂત દેશોએ નબળા દેશો વચ્ચે ઝઘડાઓ વાવવા પડે છે, એની માવજત કરવી પડે છે અને પછી જ લણવાનો સમય આવે છે. પણ હવે એ બધા દેશો આ બાબતમાં  અનુભવી અને નિષ્ણાત થઈ ગયા છે. અખાતના દેશોમાં એમની આ નીતિનો એમને બહોળો અનુભવ છે. સોના જેવું તેલ ખરીદીને આરબોને તેઓ પૈસા આપે છે અને પછી ફોર્થક્લાસ શસ્ત્રો વેચીને એ પૈસા આસાનીથી પરત મેળવી લે છે. આ ઉપરાંત અમેરિકન બેન્કોમાં એમની રકમ વધુ સલામત છે એવું સમજાવીને રકમ અમેરિકન બેન્કોમાં જમા કરાવડાવે છે. નાના નાના આરબ દેશો અને શેખો વચ્ચે તંગદિલી રહ્યા જ કરે છે. કદાચ એ તંગદિલી મટી જાય તો ઉંબરામાં ઈઝરાયલ બેઠું જ છે. આરબોને શસ્ત્રો વિના ચાલે એવું જ નથી.


અમેરિકાએ ઈરાકમાંથી સૈન્ય પાછું ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે એ સમાચાર તો વાસી થઈ ગયા છે પરંતુ અગત્યના સમાચાર એ છે કે તેણે ઈરાકમાં ખડકેલાં કેટલાંક શસ્ત્રોનો જથ્થો એ પાછો લઈ જવા માગતું નથી, (કદાચ ભંગાર થઈ ગયેલાં સામાનને લઈ જવાનો ખર્ચ મોંઘો પડે એવું હશે !) પણ ઓછા દરે અથવા તો ભાડેથી પાકિસ્તાનને આપી જવા માગે છે. જેથી પાકિસ્તાન તાલિબાન આંતકવાદીઓનો સફાયો કરી શકે.  પરંતુ આ નિર્ણય સાથે જ અમેરિકન કોંગ્રેસે જ પ્રશ્ન કર્યો છે કે પાકિસ્તાન આ હથિયારોનો ઉપયોગ ભારત વિરુદ્ધ તો નહીં કરે ને ? અને એનો ઉત્તર છે : કરે જ.  એટલે ભારતને શસ્ત્રોની જરૃર પડશે.


શસ્ત્રોનો વેપાર વધ્યો છે અને હજુ વધવાનો છે કારણ કે મંદીમાં ફસાયેલા દેશો માટે મંદીમાંથી બહાર નીકળવાનો અત્યારે તો આ એક જ માર્ગ છે અને સૌથી સહેલો માર્ગ છે. અમેરિકાએ ગત વર્ષે પોતાના પરંપરાગત ગ્રાહકો ઉપરાંત ભારત જેવા બિનપરંપરાગત ગ્રાહકો પણ ઊભાં કર્યા છે. એની ખાસ નોંધ લેવાઈ છે. કોરિયા, દક્ષિણ અમેરિકાના દેશોનાં નામો પણ શસ્ત્રો ખરીદનારા દેશોના નામમાં સામેલ થયેલાં છે. ચીન, પાકિસ્તાન અને આફ્રિકન દેશોને પણ શસ્ત્રો પૂરાં પાડે છે. રશિયા વેનેઝુએલાને અને બીજા કેટલાક દેશોને શસ્ત્રો આપે છે.


એક વખતના ભારતના લશ્કરી વડા જે. એન. ચૌધરીએ હથિયારો વિશે ટકોર કરતાં કહ્યું હતું કે : 'વિકાસોન્મુખ નવા નવા દેશોના લશ્કર પાસે ક્યારેક એવી ભારે ટેન્કો હોય છે કે જે એમના પુલો ઉપરથી પસાર થઈ શકતી નથી; એવાં વિમાનો હોય છે કે જેના માટે તાલીમ પામેલા પાઇલટ હોતા નથી ; એવી નૌકાઓ હોય છે જે સમુદ્રમાં હંકારી શકાતી નથી.'


આ વાત સાચી હોવા છતાં, દરેક વિકાસશીલ દેશોને શસ્ત્રો માટે જંગી બજેટ ફાળવવું જ પડે છે અને 'સ્ટેટ્સ' માટે પણ શસ્ત્રો તો ખરીદવા જ પડે છે. પછી ભલે ને એ ક્યારેય વાપરી શકાય એમ ન હોય. જેમ કીમતી વસ્ત્રો ઓછામાં ઓછા વપરાય છે એમ કીમતી શસ્ત્રો પણ ભાગ્યે જ વપરાય છે પણ, બંને ને વસાવવા તો પડે જ છે.




Yahoo! India has a new look. Take a sneak peek.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Y! Messenger

Group get-together

Host a free online

conference on IM.

Yahoo! Groups

Small Business Group

Share experiences

with owners like you

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...