[F4AG] જોરથી બોલો તો બોર વેચાય

 

જોરથી બોલો તો બોર વેચાય

Deepak Solia
'મુંબઈ કોનું છે' એ મુદ્દે જાણે એવું યુદ્ધ ચાલ્યું કે ચાલો જોઈઐ, કોણ સૌથી ઊચા સાદે હોબાળો મચાવી શકે છે. અહીં સવાલ એ થાય કે રાજકીય મુદ્દો હોય કે નમાજ-નવરાત્રિના માઇક હોય કે રસ્તા પર ચાલતાં વાહનનો હોર્ન હોય કે મોંઘવારી હેઠળ કચડાયેલી પ્રજાનો અવાજ... ધીમું વોલ્યુમ આપણને સંભળાતું કેમ નથી?


ShivSenaવિદેશી કંપનીઓ જ્યારે ભારતમાં કાર લોન્ચ કરે ત્યારે એક વાતનું ઘ્યાન રાખે છે કે કારનું મોડલ બીજી બધી રીતે ભલે યુરોપ-અમેરિકામાં દોડતી કાર જેવું જ હોય, પણ એનો હોર્ન ભારતમાં મોટો રાખવો પડે. પિશ્ચમમાં કારનો હોર્ન ટીંટીં... કે પીંપીં હોય તો ભારતમાં એ ટોંટોં... ભોંભોં... હોય, અને એ પણ ઊચા વોલ્યુમવાળું ટોંટોં...ભોંભોં... કારણ કે ભારતમાં ધીમા અવાજની નોંધ નથી લેવામાં આવતી.


મહારાષ્ટ્રની શિવ સેના અને મનસે આ વાત સારી રીતે જાણે છે. તેને એ પણ ખબર છે કે અવાજ ફકત મોટો જ નહીં, કર્કશ પણ હોવો જોઈએ. શિવ સેનાની શરૂઆત જ ત્યાંથી થયેલી. '૬૦ના દાયકામાં દક્ષિણ ભારતીયો વિરુદ્ધ એમણે સૂત્ર વહેતું કરેલું: 'લુંગી હટાઓ, પુંગી બજાઓ.' આ સૂત્ર સુપરહિટ નીવડયું અને શિવ સેનાની ગાડી ચાલી.


પછી તો શિવ સેનાએ ગુજરાતી-મારવાડી-યુપીબિહારી એમ અનેક પ્રજાને વારાફરતી ટાર્ગેટ બનાવીને અવારનવાર ગામ (મુંબઈ) ગજવ્યું. મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ મરાઠી માણસને જ મળે એ માટે શિવ સેના અને મનસેએ અવારનવાર દેશ ગજાવ્યો છે. હાલમાં મામલો ટેક્સી પર અટક્યો: ટેક્સી કોણ ચલાવે? આ મામલે સેનાઓ ગરજી: ટેક્સી એ જ ચલાવી શકે જેને મરાઠી આવડતું હોય... પછી એવી વાત આવી કે જે અસલમાં મરાઠી હોય એ જ લાયક ગણાય.


આવામાં, આરએસએસના વડા મોહન ભાગવતનો અણધાર્યો અવાજ ઊઠ્યો: મુંબઈ આખા ભારતનું છે, મોહન ભાગવત પોતે મરાઠી છે. એમ તો, ભાજપના પ્રમુખ નીતિન ગડકરી પણ મરાઠી છે. વાત તો એવી પણ ઊડી છે કે ગડકરીને ઉદ્વવ કરતાં રાજ ઠાકરે સાથે વધુ જાન-પહેચાન હોવાથી ભાજપ હવે ઉદ્વવની સેના છોડીને રાજની સેના સાથે યુતિ રચે એવું પણ બને.


એ જે હોય તે, આપણે વાત કરી રહ્યા છીએ 'અવાજના વોલ્યુમ'ની. શિવ સેના સામે મોહન ભાગવતે ઝીણો અવાજ ઉઠાવ્યો. ઉધોગપતિ મુકેશ અંબાણીએ પણ સૌમ્ય સૂરમાં મુંબઈના ટેક્સીવાળાઓની ભેર તાણી અને શાહરુખ ખાને પણ ઠાકરેને ન ગમે તેવો એક નમ્ર મત જણાવ્યો. આટલું બધું સાંભળી લેવાની શિવ સેનાને ટેવ નથી (અને આમ પણ મનસેનું જોર વઘ્યું હોવાથી શિવ સેના માટે તો અસ્તિત્વ ટકાવવાનો ખતરો ઊભો થયો છે) એટલે પોતાની 'ત્રાડ' હજુ પણ બુલંદ છે એ જતાવવા શિવ સેનાએ ગર્જના કરી: શાહરુખે માફી માગવી જ પડશે.


શિવ સેનાના નેતા મનોહર જોશીએ 'મનોહર' વાત કહી: શાહરુખ વળી કોણ છે? જ્યારે શિવ સેના તો શિવ સેના છે. શિવ સેનાએ કહ્યું એટલે કહ્યું. માફી માગવાની એટલે માગવાની. સેનાનો આદેશ તો માનવો જ પડે. આમાં શંકા-સવાલ-મૂંઝવણનો સવાલ જ કયાં આવે છે એ વાત સમજદાર મનોહર જોશીને સમજાતી નથી.


ટૂંકમાં, શિવ સેનાને 'ના' સાંભળવાની આદત નથી. ચર્ચા-વાટાઘાટ-લોકશાહી-અભિવ્યક્તિ- સ્વાતંત્ર્ય... આ બધું સેનાને બહુ ફાવતું નથી. કોઈ જરાક અવાજ ઉઠાવે એટલે એને દાબી-ડામી-કચડી દેવાના. શિવ સેનાના પ્રવકતા સંજય રાઉત તો ગલીમાં થતા ઝઘડાની ભાષા પર આવી ગયા: 'શાહરુખ, એ ન ભૂલતો કે તારું ઘર મુંબઈમાં છે (કુછ ભી હો સકતા હૈ...)'


આવા પરાક્રમી નિવેદનો અને ભાંગફોડિયા પરાક્રમોને પરિણામે મુંબઈમાં સામાન્ય રીતે સેનાવિરોધીઓ શાંત રહેતા હોય છે અને સેનાઓ જોશમાં ને ટેસમાં રહેતી હોય છે. પણ હાલમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે. પહેલી વાર સેનાની બુમરાણ બુમરેંગ થઈ રહી છે. ભાગવત, અંબાણી, શાહરુખ, સલમાન, અભિષેક, આમિર વગેરે અનેક જાણીતી હસ્તીઓ સેનાને હળવી-નાજુક ટપલી મારવાની હિંમત કરી શક્યા છે. આટલું ઓછું હોય તેમ, રાહુલ ગાંધીએ ઠાકરેના મુંબઈમાં, ઠાકરેની રૈયત હારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી. આમ તો આ એક પ્રતીકાત્મક ચેષ્ટાથી વિશેષ કશું નહોતું.


એમાં ઝાઝું જોખમ પણ નહોતું (સ્ટેશન પર પળવારમાં શિવ સૈનિકોના ઝુંડ હાજર કરી શકાય તેમ નહોતાં). પણ રાહુલ ગાંધીની 'રોક સકો તો રોક લો' મુદ્રા અને 'શું કરી લેવાના તમે?' એવો વણબોલ્યો સવાલ સેનાને હાડોહાડ લાગી આવે તેવા હતા. રાહુલ ગાંધી મુંબઈમાં બોલ્યા કશું નહીં છતાં એમનો 'સંદેશો' સ્ટિરિયોફોનિક સાઉન્ડમાં ચગ્યો. ટપલી ગણી શકાય એવી રાહુલચેષ્ટાને મીડિયા દ્વારા 'તમાચા' કે 'મુક્કા' તરીકે હાઈલાઇટ કરવામાં આવી. આવા ચોતરફી કોલાહલમાં સેનાઓની ગર્જનાઓ અને ત્રાડો થોડી દબાતી જણાઈ.


આ બધું જોતાં, બે સવાલ જાગે છે. પહેલો: મસ્જિદની નમાજ હોય કે ડિસ્કોથેકનું સ્પીકર હોય કે લગ્નની જાન હોય કે નવરાત્રિના ડાંડિયા હોય કે રસ્તા પર ચાલતાં વાહનનો હોર્ન... આપણને ઊચા વોલ્યુમ વિના ફાવતું કેમ નથી? શું આપણે થોડા બહેરા છીએ? બીજો સવાલ: ઠાકરેની બુમરાણ કે રાહુલ ગાંધીની ટ્રેનસવારી સૌને 'સંભળાય' છે, પણ મોંઘવારીથી દાઝી રહેલી પ્રજાના સીસકારા-હાયકારા કે પછી અન્યાય-અવગણનાનો ભોગ બનતી ગરીબ-પછાત પ્રજાના નિસાસા ઝટ નથી સંભળાતા.


તો શું અહીં પણ પ્રોબ્લેમ વોલ્યુમનો જ છે? મોટા ધમાકા કરો તો સંભળાય, બાકી સીસકારા-હાયકારા-નિસાસા તો ઠીક મારા ભઈ! આ તો ભારત છે અને ભારત એક એવો દેશ છે જ્યાં અવાજ પ્રજાનો હોય કે કારનો, ધીમા અવાજની અહીં નોંધ લેવામાં આવતી નથી. (દીપક સોલિયા લેખક જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ છે.)



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...