
લગ્ન એ ભારતીય સમાજની સૌથી મોટી અને મહત્ત્વની સંસ્થા છે. નાનકડા ગામડાથી માંડીને મોટાં મોટાં શહેરો સુધી એનો વિસ્તાર છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ એમ મોટાં મોટાં શહેરો સુધી એ વ્યાપેલી છે.
અભણ માણસથી માંડીને ભણેલા-ગણેલા અને સમજદાર ગણાતા લોક પણ એની સાથે જોડાયેલા છે. માત્ર ગરીબ લોકો જ નહીં, સમૃદ્ધ લોકો પણ આ સંસ્થાનો સહારો લઈને જીવે છે.
છોકરો ને છોકરી અમુક ઊંમરના થાય કે એના હૃદયમાં વિજાતીય આકર્ષણની સંવેદના જાગે એટલે મા-બાપ કે ઘરના વડીલો એવી વ્યક્તિને ખીલે બાંધવાનો વિચાર કરતાં થઈ જાય છે.
લગ્ન સંસ્થાનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયો હશે એ પણ વિચારવા જેવી વાત છે. શરૂશરૂમાં આદિવાસી સમાજમાં, માણસ જ્યારે સુસંસ્કૃત કે સામાજિક નહોતો બન્યો ત્યારે પણ શરીર, મન અને હૃદયની સંવેદના તો એને ઘેરતી જ હશે.
પ્રકૃતિએ પ્રત્યેક વ્યક્તિમાં અને પશુ, પંખી કે જીવજંતુમાં પણ વિજાતીય આકર્ષણ અને કામસંવેદના જન્મની સાથે જ બીજરૂપે મૂકી છે.
સંસારને ચાલુ રાખવા કે સંતતિના તંતુને અજસ્ર રાખવા પ્રકૃતિએ આવી વ્યવસ્થા કરી છે. માનવ મનમાં પડેલી વૃત્તિઓ એ કોઈ માણસનું પોતિકું સર્જન નથી.
પ્રકૃતિએ જ આપણે ન સમજાય એ રીતે આવી વૃત્તિઓ બીજ રૂપમાં આપી છે. પ્રેમ, સેક્સ, વિજાતીય આકર્ષણ, અધિકારની ભાવના, મમત્વ, મોહ આ બઘું માણસનું પોતાનું સર્જન નથી.
કુદરતી રીતે જ માણસમાં આ બઘુ ઉદ્ભવે છે અને સમય આવ્યે વ્યક્ત થાય છે.
આ માટે કોઈ શિક્ષણ કે ટ્રેનિંગની વ્યવસ્થા નથી. આપમેળે જ રહસ્યમય રીતે જીવનમાં આ બઘું આવે છે અને માણસ એની સાથે ગોઠવાતો જાય છે.
શરૂશરૂમાં શક્તિશાળી પુરૂષો જ સ્ત્રીને મેળવીને એના પર અધિકાર જગાવતા હશે. જેની પાસે જેટલું બળ, એ એટલા પ્રમાણમાં આધિપત્ય જમાવતા હશે.
પરિણામે નિર્બળ, અશક્ત કે ઓછી સુવિધા ધરાવતાં સ્ત્રી-પુરૂષો એકલા પડી જતાં હશે.
સામેથી એને પારિવારિક સુખ કે જાતીય સંતોષ મળી શકે તેવું થતું જ નહીં હોય.
પરિણામે માણસ જેમ જેમ સુસંસ્કૃત થતો ગયો અને માથાભારે કે આધિપત્ય ધરાવતા સશક્ત પુરૂષો જ સ્ત્રીસુખ માણે અને બાકીના મન મારી આ બઘું જોતાં રહી જાય એવું થતું હશે ત્યારે કદાચ થોડા નિયમો, થોડી વ્યવસ્થા અને છેવટ જતાં લગ્ન સંસ્થા કે પરિવારનું આયોજન થયું હશે. લગ્ન સંસ્થા અને પરિવારના કારણે સમાજમાં કેટલીક વ્યવસ્થા થતાં માથાભારે લોકો પર નિયંત્રણ પણ વઘ્યું હશે.
લગ્ન સંસ્થાના કારણે જ પરિવાર સ્થિર અને વિકસિત થયો.
ધીમે ધીમે જવાબદારી વધતી અને વહેંચાતી ગઈ. સંપત્તિના સર્જન અને સંવર્ધન તરફ ઘ્યાન કેન્દ્રિત થયું.
પરિણામે સુખ, સગવડ અને સુવિધામાં પણ વૃદ્ધિ થઈ. શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિગત માલિકીનો ભાવ દ્રઢ થતાં પોતપોતાના પરિવારનું ભરણપોષણ, આરોગ્ય અંગેની જવાબદારી, શિક્ષણ અને સંસ્કાર તરફ લોકોનું ઘ્યાન કેન્દ્રિત થયું. પણ છેવટ જતાં વ્યક્તિની અદ્વિતીયતા અને સ્વતંત્રતાની હત્યા થવા લાગી અને એ રીતે લગ્નસંસ્થા કલેશ, દુખ અને ઊબથી ભરાવા લાગી.
આજે આ સંસ્થા થોડી ડગમગી ગઈ છે. મકાનમાં જેમ લૂણો લાગે કે વૃક્ષ પર ઊધઈ ચઢે એમ આજે કુટુમ્બ સંસ્થાના મૂળમાં પણ સડો પેઠો છે.
પતિ- પત્ની વચ્ચે ક્યાંક 'વો' આવી જતાં પારિવારિક જીવન કથળતું જાય છે. લગ્નબાહ્ય સંબંધોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ, સમજ અને પરસ્પરની સ્વતંત્રતાનો સ્વીકાર ઘટતો જાય છે.
પરિવાર એ માનવ જીવનનો એક ખૂબ જ મહત્ત્વનો હિસ્સો છે. માણસ પરિવાર માટે જ બઘું કરે છે. પત્ની માટે, મા-બાપ માટે, ભાઈબહેન માટે માણસ કેટલો બધો શ્રમ, કેટલી દોડાદોડી કરે છે!
ભારતમાં પહેલેથી જ પારિવારિક ભાવનાનું મહત્ત્વ વધારે છે. આ દેશે પોતાની પારિવારિક ભાવનાને આગળ વધારી છેક વિશ્વ સુધી પહોંચાડી છે.
'વસુધૈવ કુટુમ્બકમ્' - આ આખી સૃષ્ટિ જ આપણો પરિવાર છે, એવી શુભ ભાવના આપણને વારસામાં મળી છે.
ભલે આપણે આખા વિશ્વને પોતાનો પરિવાર માનીને ન જીવી શકીએ પણ આપણો પોતાનો જ એક નાનકડો પરિવાર છે તેને સમજીએ, ચાહીએ, સાચવીએ અને પરિવારના સૌ સદસ્ય સુખશાંતિથી જીવી શકે એવું વાતાવરણ ઊભું કરીએ.
લગ્ન સંસ્થા ખોખલી તો થઈ છે પણ આપણી પાસે એનો કોઈ વિકલ્પ નથી. કેટલાક શાણા પુરૂષોએ લગ્ન સંસ્થાના વિકલ્પ રૂપે નાના મોટા કોમ્યૂન રચીને જીવવાની હિમાયત કરી. પણ શું આપણો પૂરો સમાજ આ માટે તૈયાર છે? સામાન્ય લોકો સુધી કોમ્યૂનનો વિચાર પણ હવે પહોંચાડવાનો સમય પાકી ગયો છે.
પરંતુ જ્યાં સુધી સમાજ એટલો પ્રૌઢ ન બને ત્યાં સુધી લગ્ન સંસ્થાને સ્વસ્થ અને સુદ્રઢ કરવી જ રહી. કેમ કે સમાજની સદ્ધરતાનો આધાર આ સંસ્થા પર છે. આથી જો લગ્ન સંસ્થા ડગમગે, તૂટે કે વેરવિખેર થાય તો સમાજમાં અવ્યવસ્થા, અસુરક્ષા અને અશાંતિ ફેલાતી જાય. આથી આપણી પાસે લગ્ન સંસ્થાનો વ્યવહારુ કોઈ વિકલ્પ નથી ત્યારે સમાજના શુભ ચિંતકોએ આગળ આવીને આ સંસ્થા વઘુ જીવંત, વઘુ પ્રેમપૂર્ણ અને સમાજમાં સુખ- શાંતિને વધારનાર બને એ અંગે વ્યવસ્થિત માર્ગદર્શન આપવું જોઈએ.
લગ્ન જીવનમાં પરસ્પરની સ્વતંત્રતાનો સ્વીકાર થાય, શંકા કુશંકા વિનાનું સહજીવન શક્ય બને અને મતમતાંતરક્ષમા વધતી જાય એ માટે સમાજમાં બુદ્ધિશાળી, સમજદાર, અનુભવી અને પ્રબુદ્ધ લોકોએ આ સૌથી મોટી, મોટા ભાગના લોકોને સ્પર્શતી અને રોજેરોજના જીવન સાથે ખૂબ ઉંડાણથી જોડાયેલી સંસ્થા માટે જવાબદારીપૂર્વકનું સહચિંતન કરવું જોઈએ.
ક્રાન્તિબીજ
હોય છે સંસારમાં, સંસાર એનામાં નહીં,
કોઈપણ જાગેલા નો સંસાર જુદો હોય છે.
No comments:
Post a Comment