એ દિવસ હતો ૯મી માર્ચ. ડાયરાની ભાષામાં કહીએ તો તે દિ' ગોંડલની ધરતી પર જીવતા માણસો તો શું, ઝાડવાંય રોયાં હશે. એ દિવસે હુતાસણીનો તહેવાર હતો અને તૈયારી તો હોળી પ્રગટાવવાની હતી, પરંતુ પ્રગટી ચિતા. ગોંડલના રાજા, ગોંડલના ધણી, અરે, ગોંડલની ધરતી પર રહીને દેશનું ગૌરવ બનેલા, વિદેશમાં પણ રત્નનું સ્થાન પામેલા સર ભગવતસિંહજીનું એ દિવસે મૃત્યુ થયું હતું. એક એવું વ્યક્તિત્વ કે જેના માટે કોઇ પણ વિશેષણ ઓછું પડે. વિદેશની સરકારો-વિશ્વ વિદ્યાલયોએ આપેલા ખિતાબો તેમના નામની આગળ સતત લાગતા રહ્યા અને આ એવું વ્યક્તિત્વ કે જેને કોઇ પણ વિશેષણની જરૂર નહોતી તેમના નામની આગળ લાગી ગયું, સ્વર્ગસ્થ.
***
આઠમી માર્ચ,૧૯૪૪. ભગવતસિંહજીના પગે સોજા ચડ્યા. બીમારી લાંબી નહોતી. અંગત તબીબ ઇશ્વરભાઇ પટેલે કહ્યું મુંબઇ જઇએ. સારવાર સારી થશે. પરંતુ ભગવતસિંહે ના પાડી. કહ્યું કે મારું આયખું હવે પુરું થાય છે. નવમી માર્ચ બપોરે તેમણે વિદાય લીધી. ગોંડલમાં ક્યાંય હોળી ન પ્રગટી કે ન બીજા દિવસે રંગો ઊડ્યા. કેમ કે ગોંડલનો 'રંગ' જ ઊડી ગયો હતો. પ્રજાએ આંખોમાં ઉમટેલા પૂર સાથે આ મહાન રાજવીને અંતિમ વિદાય આપી.
***
ગોંડલના આ રાજાના મૃત્યુને આમ અચાનક સંભારવાનું કારણ એ કે હમણાં જ તેમના એક પ્રપૌત્રનું પણ અવસાન થયું અને દુ:ખદ વાત એ છે કે જેમના પૂર્વજ આવા મહાન, ગણનાપાત્ર, એક અમીટ છાપ છોડી જનારા હતા તેમના પરિવારમાં આવી ઘટના બની. મુંબઇમાં રહેતા ગોંડલના રાજ પરિવારના સદસ્ય ગુણાદિત્યસિંહે નવમી જુને આપઘાત કર્યો. તેઓ ભગવતસિંહજીના પુત્ર ભોજરાજસિંહના દીકરા વિક્રમસિંહના પુત્ર હતા. અખબારી અહેવાલો અનુસાર તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા અને જિંદગી કરતાં મોત તેમને સહેલું લાગતાં તેમણે આત્મહત્યા કરી.
અલબત્ત, આપઘાત કોઇ પણ વ્યક્તિ કરે, કોઇ પણના જીવનમાં તે શક્ય છે, પરંતુ ગોંડલના રાજવી પરિવારમાં આવી ઘટના બને તો તેનાથી આજે પણ માત્ર ગોંડલમાં વસતા નહીં, બહાર રહેતા સૌરાષ્ટ્રવાસીઓને પણ આંચકો લાગે. અરે, રાજાના રૂપમાં ભગવાન હતા ભગવતસિંહજી એમ કહો તો ય ચાલે. જેમણે આખા ગોંડલ સ્ટેટ નહીં પરંતુ વિશ્વના પીડીતો, મુશ્કેલીમાં ફસાયેલા લોકોને જેણે પોતાના ગણ્યા હોય, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી અસ્પ્úશ્યતાને જેમણે નગરવટો આપ્યો હોય અરે, દારૂની ટેવ ન છોડી શકનાર પોતાના જ પુત્રને હદપાર કર્યા હોય, પોતાની બગી સાથે અથડાયેલી મોટરકારના ડ્રાઇવરને પોતે રોંગસાઇડમાં છે તેમ કહીને માફ કર્યો હોય તેવા રાજવીના પરિવાર માટે કોને લાગણી ન હોય?
ગોંડલના રાજવી, ભગવતસિંહજીએ નામની સાથે જ ૨,૮૧,૩૭૭ શબ્દોવાળો વિરાટ ભગવતગોમંડલ જ્ઞાનકોષ યાદ આવે અને યાદ આવે, ગોંડલની ભવ્ય ઇમારતો કે પછી એ સમયે કાઠિયાવાડનો સૌથી મોટો બનેલો ભાદર નદી પરનો ઉપલેટાથી પાટણવાવ વચ્ચેનો પુલ, અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ, ઢસાથી જામજોધપુર સુધીની ૧૦૬ માઇલની કાઠિયાવાડની પ્રથમ રેલવે લાઇન, સ્ટેટમાં ૧૦૦૦ નાળાં, ૧૨ પુલો, ૩૬૦ માઇલની પાકી સડક. ભગવતસિંહજી ગોંડલના રાજા નહોતા, તે તો હતા 'ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ ગોંડલ'. શિક્ષણ હોય કે રસ્તા, સલામતી કે ખેતીના પ્રશ્નો, ભગવતસિંહજીના હૈયે આ પ્રજાના કલ્યાણના એંગલથી રહેતું.
૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ધોરાજીમાં તેમનો જન્મ, પિતા સંગ્રામજીમાં બળ તો હતું, સાથે જ આત્મા તેમનો સાધુ જેવો. તેમના મૃત્યુ સમયે ભગવતસિંહજીની વય માત્ર ચાર વર્ષ. પરંતુ તેઓ નાનપણથી જ હોંશિયાર. નવમે વર્ષે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે ગયા. ૧૮મે વર્ષે ગોંડલની ગાદી સત્તાવાર રીતે સંભાળી. બસ, પછી પ્રારંભ થયો એક યુગનો. પ્રજાને પરિવાર માનતા આ મુઢ્ઢી નહીં પરંતુ હાથ ઉંચેરા રાજાએ એક અમીટ છાપ છોડી. એક એડમિનિસ્ટ્રેટર કેવા હોય, એક મોભી શું કહેવાય, તેનું એક અનન્ય દ્રષ્ટાંત તેમણે આપ્યું. વિદેશના માધ્યમો અને ઇંગલેન્ડની સરકારોએ તેમને જે માન આપ્યું તેની નોંધ લેવા માટે તો અલગથી 'સંવાદ' લખવું પડે!
પ્રજાને પરિવાર માનતા આ રાજાએ પોતાના સાતેય સંતાનને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. બપોરે ૧૨થી ૧ ભગવતસિંહજી પ્રજાના પ્રશ્નો સાંભળતા, દોઢ વાગ્યે આખું કુટુંબ એક સાથે ભાણે બેસતું. રાત્રે આખા રાજ્યમાંથી 'આલબેલ' (ઓલ વેલ)નો સંદેશ આવી જાય પછી જ તેઓ ભોજન લેવા બેસતા. પોતાની પાસે કાર હોવા છતાં શહેરમાં બગીમાં બેસીને જ નીકળતા અને એ બગી વળી કોઇ શહેરીજનને શુભ પ્રસંગે ભાડે પણ અપાતી. તેઓ મર્યાદિત રકમ પગાર પેટે લેતા. મહારાણી નંદકુંવરબા સાથે તેમણે વિશ્વના પ્રગતિશીલ દેશોનો પ્રવાસ કર્યો હતો અને તેમાંથી પ્રેરણા લઇ ગોંડલનો વિકાસ કર્યો હતો.
ગોંડલમાં હુન્નરશાળા, ફગ્યુંસન હોસ્પિટલ અને સંગ્રામ સિંહ સ્કૂલનું નિર્માણ તો તેમણે કરેલા વિકાસના આંગળીના વેઢે ગણાય તેટલાં જ ઉદાહરણ છે. એ સમયે અત્યારના પાકિસ્તાનમાં સ્થિત કવેટામાં ધરતીકંપ થયો તેમાં રૂ. એક કરોડની સહાય મોકલી હતી. રાજકુમાર કોલેજને એ સમયે રૂ.૩૦ હજારનું દાન, શિક્ષણ ક્ષેત્રે ગોંડલ પારિતોષિકની શરૂઆતઅને ગાંધીજીને વિવિધ તબક્કે કુલ રૂ.૧૦ લાખની સહાય. જ્ઞાનોપાસનામાં બ્રાહ્નણ, વેપાર-દુરંદેશીમાં વૈશ્ય, પ્રજાસેવા પરાયણતામાં ક્ષુદ્રને પણ પ્રેરણા આપે તેવી પ્રતબિદ્ધતા અને કરેલા નિર્ણયમાં અડગ રહેવામાં તેઓ ખરા ક્ષત્રિય હતા. જે ગુણાદિત્યસિંહનું મૃત્યુ થયું તેમને ગોંડલ સાથે વર્ષોથી સંબંધ નહોતો.આવી ઘટના બાદ જે વાતો થતી હોય છે તે મુજબ ગુણાદિત્યસિંહ ઉર્ફે ધનાબાપુએ ગોંડલની પ્રખ્યાત રાજવાડીની પોતાના હિસ્સાની મિલકત ધાર્મિક સંસ્થાને દાનમાં આપી દીધી હતી અને આવા આકસ્મિક મોતથી તેઓ પોતાના કમ્પેનિયન રોઝીને જ નહીં, ગોંડલના ચાહકોને આંચકો તો આપી જ ગયા.'